ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સહેજેય ચિંતા ના કરશો, હું તમારી સાથે છું: આવા શબ્દો ઘણીવાર નવજીવન આપતા હોય છેઃ વાત સંબંધોમાં ગૂંથાયેલી હૂંફની

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણા લોકો અનેક લોકો માટે સાચા સંબંધી પૂરવાર થતા હોય છે. એમની સંખ્યા નાની હોય છે, પરંતુ તેમનો લાભ વ્યાપક અને મોટા જનસમૂહને મળતો હોય છે. એ લોકો એવા હોય છે કે, સેંકડો લોકો તેમના પર ભરોસો મૂકે છે. લોકોને વિશ્વાસ હોય છે કે, અમારા જીવનમાં ગમે તેવી તકલીફ આવશે તો આ વ્યક્તિ અમને ડૂબવા નહીં દે. આ વ્યક્તિ અમને ચોક્કસ મદદ કરશે.

સંબંધ લોહીનો છે કે, ઋણાનુબંધનો, એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે એ સંબંધમાં હૂંફ કેટલી છે? એ સંબંધમાં પ્રેમ કેટલો છે? જે ખરા સમયે મદદ કરે તે ખરો અથવા સાચો સંબંધ. પૈસા, ભેટસોગાદ, સુખ-સગવડ, આનંદપ્રમોદ આપતા સંબંધો કરતાં હૂંફ આપતા સંબંધો સૌથી ચડિયાતા હોય છે. એમાંય જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે જે સંબંધ સાચી હૂંફ આપે તે મનગમતો સંબંધ બની જતો હોય છે.

સમાજમાં એવાં અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. જાણીતા સાહિત્યકાર નિરંજન ભગત પરણ્યા નહોતા. ભગત સાહેબની આજીવન એક ભાઈએ સેવા કરી હતી. ચોવીસ કલાક એ સેવક તેમની સાથે રહેતા. વસિયત કરીને ભગતસાહેબે પોતાની સંપત્તિ એ સેવકને આપી હતી. ગુજરાતના એક મોટા કળાકાર ખૂબ કમાતા હતા. તેમને બે દીકરાઓ. જોકે બંને દીકરાઓને પોતાના પિતાની સંપત્તિમાં જ રસ હતો. તેઓ સંપત્તિ માટે ઝઘડ્યા. પિતાએ બંનેને સમજાવવાના ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ એ પ્રયાસો સફળ ન થયા. છેવટે બંને દીકરાઓને ઘણી મોટી રકમ આપીને જુદા બંગલા લઈ આપ્યા. એ પછી તેમના નોકરે એ કળાકારને ખૂબ સાચવ્યા. તેમની ખૂબ સેવા કરી. એ કળાકાર મૃત્યુ પામ્યા. વસિયતમાં તેમણે ઘણી મોટી રકમ પોતાના નોકરને આપી હતી. (જોકે દીકરાઓએ દાવ-પેચ કરીને એ રકમ નોકરના હાથમાં ના આવવા દીધી એ વાત જુદી છે.)

આવા સંબંધોનો નાતો ગયા જન્મ સાથે હોઈ શકે? ઘણી વખત ગયા જન્મની લેણદેણ બાકી હોય એ પૂરી કરવા માટે વ્યક્તિ પ્રયાસ કરતી હોય છે.

આણંદનો એક રસપ્રદ કિસ્સો જાણવા જેવો છે. ભલાકાકા અને મણિમા વૃદ્ધ પતિ-પત્ની. બે દીકરાઓ વિદેશમાં સ્થાયી થયેલા. એમને માતા-પિતા સાથે કોઈ લેવા દેવા નહીં. તેમને ભણાવ્યા, ગણાવ્યા. અરે, ઘણી સારી સંપત્તિ પણ આપી. જોકે, કળિયુગનો પ્રતાપ કે દીકરાઓ સ્વાર્થી નીકળ્યા.

આ બંને પતિ-પત્ની પોતાની રીતે એકબીજાને હૂંફ આપીને જીવન જીવે. રમૂજી અને રસપ્રદ ઘટના એવી કે કાકીએ તિજોરીના એક ખાનામાં કશુંક મૂકી રાખેલું. કાકા આગ્રહ કરીને પૂછે કે એમાં તે શું મૂક્યું છે? જોકે કાકી જવાબ ના આપે. એ કહે, અણમોલ ચીજ મૂકી છે. મને ખૂબ કામમાં આવે તેવી ચીજ છે. કાકાને નવાઈ લાગે. જોકે, તેમણે ઉપરવટ જઈને ક્યારેય એ ખાનું ખોલ્યું નહીં.

એક વખત તેમના ઘરે ચોર આવ્યો. ચોરે ધમકી આપી કે, મને તિજોરીની ચાવી આપો. કાકી કાકાને ચાવી નહોતા આપતાં, પરંતુ હવે ચોરને ચાવી આપ્યા વિના છૂટકો નહોતો. નહીંતર એ હુમલો કરે. કાકીએ ચાવી આપી. ચોરે તિજોરીનું ખાનું ખોલ્યું તો તેમાં ઝેરની બાટલી હતી. એ ખાનામાં ઝેર સિવાય બીજું કશું જ નહોતું.

ચોર રડી પડ્યો. ચોરીનો બીજો સામાન કાકા-કાકીના ચરણોમાં તેણે કહ્યું કે, મને માફ કરજો. લોકડાઉનના કારણે મારી નોકરી જતી રહી. પરિવારની ભૂખ ભાંગવા માટે હું ખોટા રસ્તે ચડી ગયો.

કાકાએ ચોરને કહ્યું કે, બેટા હવે તો અમે જીવનના દિવસો નહીં કલાકો ગણીએ છીએ. તારા પરિવારની ભૂખ ભાંગવી વધારે અગત્યની છે. અમારે તો પાપનું પોટલું બાંધવાનો સમય આવી ગયો છે. આ પોટલામાં જે કંઈ છે તે તું લઈ જા. અમારી નજરમાં તેની કોઈ કિંમત નથી. તારે રૂપિયાની જરૂર હોય તો વિના સંકોચે આવતો જતો રહેજે, પણ હા, રાત્રે ના આવતો, દિવસે ડોરબેલ મારીને આવજે.

ચોર હાથ જોડીને બોલ્યો કે, કાકા ચોરી મારો વ્યવસાય નથી, પણ એક વાત કહું કે તમારા જેવી વ્યક્તિ આ દુનિયામાં ભાગ્યે જ મળે.

પછી તો ચોર પોતાનો મોબાઈલ નંબર કાકાને આપીને ગયો.

ચોરે જે એક વાક્ય કહ્યું તે જબરજસ્ત હતું. તેણે કહ્યું કે, કાકા ક્યારેય મૂંઝાતા નહીં. હું તમારી સેવામાં ચોવીસ કલાક હાજર થઈશ.

કાકા ગંભીર થઈને બોલ્યા, બેટા સંતાનોની પાછળ આવા શબ્દો સાંભળવા આખી જાત ઘસી કાઢી અને જીવન પૂરું કરી નાખ્યું.

આ છે ઋણાનુબંધ.

તિજોરીના ખાનાવાળી વાત પૂરી કરીએ.

કાકીએ ઝેરની બોટલ તિજોરીમાં ખાસ કારણથી રાખી હતી. તેમણે નક્કી કર્યું હતું કે, પોતાના પતિનું મૃત્યુ થશે પછી તેઓ એક પણ દિવસ જીવશે નહીં. ઝેર ખાઈને પોતાના પ્રાણનો ત્યાગ કરશે. તેમણે પોતાના પતિને કહ્યું હતું કે, તમને કંઈ થઈ જશે તો હું એકલી નહીં જીવી શકું.

એક વખત અચાનક કાકી બીમાર પડ્યાં. તેમનું મૃત્યુ થયું. તેમના અંતિમ સંસ્કાર પછી પેલો ચોર કાકાને મળવા આવ્યો. તેણે કહ્યું, કાકા તમારાથી એકલા ના રહેવાય. તમે મારા ઘરે રહેવા આવો અથવા હું તમને સાચવીશ.

કાકાની આંખમાં આંસુ આવી ગયાં. તેમણે કહ્યું કે, મને થોડા દિવસ આપ, હું શાંતિથી વિચાર કરીને જવાબ આપીશ.

બીજા દિવસે કાકાએ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, વહાલી મણિ તારી ઝેરની બોટલનો ઉપયોગ મેં કર્યો છે.

એ દિવસે પેલા ચોરે દાદાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. એ ખૂબ રડ્યો હતો. કોઈકે પૂછ્યું તો તેણે કહ્યું કે, અમારો ગયા ભવનો કોઈ સંબંધ હશે, એ સંબંધ બાકી રહી ગયો હતો. હું ચોરી કરવા આવ્યો હતો, પરંતુ કાકાએ મારું દિલ ચોરી લીધું હતું.

આ પ્રકારના અનેક બનાવો બનતા હોય છે. રાજસ્થાનમાં પંડિત તોતારામ નામના એક સજ્જનથી ગુનો થઈ ગયો હતો. તેઓ પછી અમદાવાદ આવ્યા. ગાંધી આશ્રમમાં ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ તેમને મોટાં વૃક્ષોને પાણી પીવડાવવાની જવાબદારી સોંપી હતી. આજે સાબરમતી આશ્રમમાં જે વૃક્ષો દેખાય છે તેના પાયામાં પંડિત તોતારામ છે. પંડિત તોતારામ વર્ષો સુધી આશ્રમના પરિસરમાં આવેલાં મકાનમાં રહ્યા હતા.

માણસ જ્યારે તકલીફમાં હોય, અણધારી આફત તેના માથે આવે ત્યારે જે વ્યક્તિ તેને નવજીવન આપે છે તે વ્યક્તિને તમે સ્વજન અથવા સાચો સંબંધી કહી શકો. ઘણી વખત તો એવું બનતું હોય છે કે, લોહીનાં કે સાચાં સગાં કટોકટી વખતે જ આઘાં જતાં રહેતાં હોય છે. એ વખતે એમની સવિશેષ જરૂર હોય છે. કપરા સમયમાં જ સંબંધ અને ખાનદાનીની કસોટી થતી હોય છે. જ્યારે સુખ હોય, સ્થિતિ સાધારણ અને સારી હોય ત્યારે તો બધા દોડીને આવે. અલબત્ત જ્યારે આગ લાગી હોય, વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે જે મદદ કરે તે સાચો સ્વજન.

કેટલાક લોકો કસોટીમાં મદદ કરવા માટે કાયમ તત્પર હોય છે. એ લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે, પોતાના પરિવારમાં કે પછી સ્વજનોમાં કોઈ નાની મોટી મુશ્કેલીમાં આવે કે તરત જ તેઓ દોડીને પહોંચી જાય. તેમના માથા પર હાથ મૂકે અને કહે કે, ચિંતા ન કરશો, હું તમારી સાથે છું. ખભા પર હાથ મૂકીને કહે કે, આપણે સાથે મળીને આ સ્થિતિને પાર કરીશું.

આને હૂંફ કહેવાય. કોઈ પણ સાચા સંબંધનું સરનામું હૂંફની ગલીમાંથી જ પસાર થતું હોય છે. હૂંફ વગરનો સંબંધ સુગંધ વગરના ફૂલ જેવો હોય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)