ઇટ્સ કોમ્પ્લિકેટેડ:પ્રેમના પ્રદેશમાં ક્યારેક આકરો તડકો આવે તો તેને પરમેનેન્ટ પાનખર માની લેવાની ભૂલ ના કરવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક તૂટેલાં લગ્ન પુનઃ મઘમઘતાં થતાં હોય છે

જીવન એટલે સુખ અને દુઃખનો સરવાળો. જિંદગીમાં તડકો અને છાંયડો સહભાગી અને સહયાત્રી હોય છે. આરોહ અને અવરોહ, ચડતી અને પડતી, સમૃદ્ધિ અને આપત્તિ, ફૂલ અને કાંટા, અંધકાર અને પ્રકાશ એ જીવાતા જીવનની અનિવાર્યતા છે. વિશ્વની દરેક વ્યક્તિને તેનો અનુભવ થાય છે. દુનિયાની કોઈ પાનખર પરમેનેન્ટ નથી હોતી અને દુનિયાની કોઈ વસંત આખરી નથી હોતી. દરેકનો સમય નિયત હોય છે.

પ્રેમનો પ્રદેશ મજાનો પ્રદેશ છે. આ પ્રદેશમાં મહાલવું દરેકને ગમે છે. આ પૃથ્વી પર જીવતી પ્રત્યેક વ્યક્તિની ઝંખના પ્રેમ અને શાંતિની હોય છે. માણસ માત્ર, પ્રેમને પાત્ર. પ્રત્યેક વ્યક્તિ પ્રતિ ક્ષણ પ્રેમ ઝંખે છે. જીવનની ઉત્કટતા અને પ્રેમની ખેવના પર્યાયવાચી પરિસ્થિતિ છે. પ્રેમ રંગીન સૃષ્ટિનો સંવાહક છે. એને શ્વેત-શ્યામ (Black and White) કરતાં અનેક રંગોમાં રહેવું અને વહેવું ગમે છે. પ્રેમમાં ચાહ જુદી જુદી હોય છે તેમ રાહ પણ અલગ અલગ હોય છે. પ્રેમનો પંથ જેટલો રંગીન હોય છે તેટલો જ સંગીન પણ હોય છે.

પ્રેમને ચાહ સાથે બને છે એટલું જ સારું આહ સાથે પણ બને છે. આહ વગરની ચાહ હોઈ ના શકે, જો એ સાચી ચાહ(ના) હોય તો. પીડા વગર સાચા પ્રેમનું અસ્તિત્વ શક્ય નથી.

પ્રેમના પ્રદેશ પર ક્યારેક આનંદનાં તો ક્યારેક શોકનાં વાદળાં છવાતાં હોય છે. પ્રેમના પ્રદેશમાં ક્યારેક આકરો તડકો આવે તો તેને પરમેનેન્ટ પાનખર માની લેવાની ભૂલ ના કરવી.

અનેકના જીવનમાં એવું બને કે લોકોને લાગે કે હવે આ વ્યક્તિનું જીવન પૂરું. હવે તેના જીવનમાં ક્યારેય પ્રકાશ નહીં આવે. હવે તે ક્યારેય સુંદર જીવન જીવી નહીં શકે. થોડાં વર્ષો પછી અચાનક એવું બને કે એ વ્યક્તિના જીવનમાં નવી સવારનું સુંદર અજવાળું પથરાય અને તે વ્યક્તિ જિંદગીને પ્રેમથી માણતી થઈ જાય.

લગ્નજીવનમાં પ્રેમની પારાવાર કસોટી થતી હોય છે. પ્રેમને બંધાઈ રહેવું ગમતું હોતું નથી અને લગ્નસંસ્થામાં પ્રેમને બાંધવામાં આવે છે. તમામ પડકારોનો સામનો કરીને પણ પ્રેમ લગ્નસંસ્થામાં પણ પોતાનું સૌથી શ્રેષ્ઠ યોગદાન આપતો જ રહે છે. લગ્નજીવનમાં પણ સતત આરોહ અવરોહ આવતા રહે છે. લગ્નજીવનને સતત લયમાં રાખવાનું સહેજે સહેલું હોતું નથી. સ્ત્રી અને પુરુષ બંને માટે તે પડકારમય સ્થિતિ હોય છે. ઘણાં સ્ત્રી-પુરુષો લગ્નજીવનમાં સારી અને નરસી સ્થિતિમાંથી પસાર થતાં હોય છે. ઘણી વખત એવું બને કે પતિ-પત્ની બંનેને એવું જ લાગવા માંડે કે હવે પોતે સાથે રહી જ નહીં શકે. હવે વાત પૂરી થઈ. પતિને એવું લાગે કે હવે પોતે પોતાની પત્ની સાથે નહીં જ રહી શકે. ઘણા કિસ્સામાં પત્નીને એવું સ્ટ્રોંગલી ફીલ થાય કે હવે લગ્નજીવન પૂરું થઈ જશે. હવે હું આ વ્યક્તિ સાથે એક પણ મિનિટ નહીં જ રહી શકું.

આવી નાજુક અને સંવેદનશીલ સ્થિતિમાં પતિ અને પત્ની બંનેને એમ જ લાગે કે હવે અમારા જીવનમાં તડકો જ તડકો છે. હવે અમે ક્યારેય છાંયડાનો અનુભવ જ નહીં કરી શકીએ. એવામાં અચાનક પરિસ્થિતિ બદલાય. જીવન આકાશમાં વાદળાં ઘેરાય અને અચાનક જ્યાં ધોમધખતો તડકો હોય ત્યાં શીતળ છાંયો અનુભવાય. જીવનની આ જ ખરી મજા છે. જીવનની આ જ સ્તો અસલ લાક્ષણિકતા છે. ક્ષણે ક્ષણે મિજાજ બદલે તેનું નામ જ જીવન. (લગ્નજીવનમાં આ વાત વધારે સાચી હોય તેવું ઘણાને લાગે છે.)

અમદાવાદનો એક કિસ્સો રસપ્રદ છે.

એક પતિ અને એક પત્ની અગિયાર વર્ષના લગ્નજીવન પછી છૂટાં પડ્યાં. નાના-મોટા ઝઘડા અને સંઘર્ષ તો અગાઉ પણ થયાં હતાં, પરંતુ એક દિવસ સ્થિતિ વિસ્ફોટક બની. પતિ અને પત્ની બંનેએ એકબીજા પર ઘણા આક્ષેપો કર્યા. ગુસ્સામાં પતિથી બોલાઈ ગયું કે તું ચારિત્ર્યહીન છે. આ એક વાક્યએ પત્નીના સ્વમાનને સખત ઈજા પહોંચાડી. એક પણ શબ્દ બોલ્યા વિના પહેરેલાં કપડે પત્નીએ પોતાના પિયરની વાટ પકડી. માત્ર એક વિધાને સ્થિતિને ક્ષણવારમાં પલટી નાખી. થોડી મિનિટો પહેલાં જ્યાં વસંત હતી, ત્યાં પાનખર આવી ગઈ.

એ પછી તો લાંબો વિવાદ થયો. સગાં-વહાલાં વચ્ચે પડ્યાં. બંને છૂટાછેડા લેવા માગતાં હતાં. વચ્ચેનો, વચલો રસ્તો કાઢવાના ઘણા પ્રયાસો થયા. જોકે બંને છૂટાં થવા મક્ક્મ હતાં. એકબીજા માટે બંનેના મનમાં સખત અભાવ હતો. નફરત એટલી ઘોળાઈ હતી કે એકબીજા માટેનો પ્રેમ ક્યાંય દબાઈ ગયો હતો. હવે પરસ્પરનો સહવાસ નહોતો તો એકબીજા માટે કડવાશ હતી. બંને એકબીજાની સામે જોવા તૈયાર નહોતાં ત્યાં સાથે રહેવાનો તો કોઈ સવાલ જ નહોતો. છેવટે મામલો કોર્ટમાં ગયો. કેસ ચાલ્યો. બન્નેના વકીલોએ સાત સાત વર્ષ સામસામી દલીલો કરી.

બાળક માતા પાસે રહેતું હતું. કેસ ખેંચાતો જતો હતો. બંનેને થતું હતું કે હવે છૂટાછેડા મળી જાય તો સારું. જે દિવસે ફાઈનલ જજમેન્ટ આવવાનું હતું એ દિવસે અચાનક એવું થયું કે પતિ અને પત્ની એક રેસ્ટોરાંમાં મળી ગયાં. અગિયાર વર્ષનાં લગ્નજીવન પછી વચ્ચે સાત વર્ષનો અંતરાય આવી ગયો હતો. બંને વચ્ચે, એક જમાનામાં જે પ્રેમ હતો.. એ પ્રેમ પર શું શું વીતી હશે તેની તો કોને ખબર હોય? જો પતિ અને પત્નીનાં હૈયાં નંદવાયાં હતાં તો તેમના બન્ને વચ્ચે જે પ્રેમ હતો તેણે પણ ઘણું સહન કર્યું હતું.

સાત સાત વર્ષથી એકબીજાનાં મન-હૃદયમાં છેક નીચે દબાયેલો પ્રેમ ધીમે ધીમે બહાર આવવાનો પ્રયાસ કરતો હતો. તેને થોડી સફળતા મળી હતી. પતિએ બંને માટે કોફી મંગાવી. પત્નીએ કહ્યું, ‘તમારા માટે તો ચા મંગાવવી હતી ને.. તમે તો ચા પીવો છો...’ પતિ ધીમેથી બોલ્યો, ‘પીતો હતો, હવે નથી પીતો.’ ‘કેમ ચા બંધ કરી?’ પત્નીએ પૂછ્યું. ‘તને કોફી ભાવે છે, એ યાદ કરીને મેં ત્રણ વર્ષથી કોફી પીવાનું શરૂ કર્યું છે.’ પતિએ કહ્યું. ‘બીપી કેમ છે?’ પત્નીએ પૂછ્યું. ‘બીપીને એકલું ના લાગે એટલે ડાયાબિટીસ પણ આવી ગયું છે...’ પતિએ ઉદાસ હાસ્ય સાથે કહ્યું. ‘તમારો સ્વભાવ જ ચિંતાવાળો છે... ચિંતા ઓછી કરતા હો તો...’ પત્નીએ જવાબ આપ્યો. કોફી આવી. બંનેએ કોફી પીધી. પતિએ પત્નીને કહ્યું, ‘તું આમ સાવ ફિક્કી કેમ પડી ગઈ છે?’

પત્ની થોડી વાર કાંઈ ના બોલી. પછી તેણે કહ્યું, ‘જો તમને ડાયાબિટીસ આવે તો અમને કાંઈ ના થાય? અમનેય કાંઈક તો થવું જોઈએ ને? મારા શરીરમાં હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે... જોકે એવું ડોક્ટરો કહે છે હોં... મારા શરીરમાં શું ઘટે છે એની એમને ખબર પડે, પણ જીવનમાં શું ઘટે છે એની તો મને ખબર પડે ને?’

જે પ્રેમ પાતાળે જતો રહ્યો હતો તે પ્રેમ ધીમે ધીમે ઉપર આવી રહ્યો હતો. ‘શું ઘટે છે જીવનમાં?’ પતિએ પૂછ્યું. ‘એ તો જેની ઘટ હોય તેને પોતાને જ ખબર હોય ને?’ પત્નીએ સીધો જવાબ ના આપીને પણ જવાબ આપી દીધો. અને અચાનક બંનેને જાણે કે શું થયું... બન્ને ઊભાં થયાં અને પરસ્પર ભેટીને ખૂબ રડ્યાં. જાણે કે આંસુની નદી આવી. રેસ્ટોરાંમાં બેઠેલાં લોકો, માલિક, વેઈટરો આ અજાયબ દૃશ્ય જોઈ જ રહ્યાં.

બંનેની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી અને એ ધારા સાથે પરસ્પરની કડવાશ, ગમા-અણગમા અને અભાવ બધુ જ વહી રહ્યું હતું. થોડી વારમાં બંને પક્ષના વકીલો આવ્યા. અગાઉ ભજવાઈ ગયેલા દૃશ્યની તેમને સહેજે ખબર નહોતી. બંને પક્ષના વકીલો માટે આજે રાહતનો દિવસ હતો કારણ કે આજે ચુકાદો આવી જવાનો હતો. પતિ દર મહિને મોટી રકમ ભરણપોષણ તરીકે આપવા તૈયાર હતો. તેથી પત્નીના વકીલના ચહેરા પર આનંદ હતો કે પોતાની જીત થવાની છે.

અચાનક પતિ-પત્નીએ બંને વકીલો પાસેથી કેસના કાગળો લીધા અને ફાડી નાખ્યા. વકીલો અને તેમના સહાયકોની આંખો ફાટી રહી... શું બની રહ્યું છે તેની તેમને ખબર જ નહોતી. જોકે પછી ખબર પડી કે બંનેએ પુનઃ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. પતિએ કહ્યું કે, ‘હું તારી માફી માગું છું. મારી ગંભીર ભૂલ થઈ હતી. મારે તારા પર આક્ષેપ કરવાની જરૂર નહોતી.’ પત્નીએ કહ્યું કે, ‘માફી તો મારે માગવાની છે. તમે ગુસ્સામાં બોલી નાખેલા એક શબ્દને પકડીને હું સાત સાત વર્ષ બેસી રહી.’ ત્યાં હાજર રહેલા એક વડીલે કહ્યું કે પ્રેમ ક્યારેક લાંબી કસોટી કરતો હોય છે. જે થયું તે સારું થયું. ભલે સાત વર્ષનાં વહાણાં વાયાં, પરંતુ હવે તમે બંને એકબીજાને વધારે સારી રીતે સમજીને ઉત્તમ અને ગુણવત્તાવાળું જીવન જીવી શકશો.

અમદાવાદનો આ સાચો કિસ્સો છે. અત્યારે બંને પતિ પત્ની ખૂબ જ સુંદર જીવન જીવી રહ્યાં છે. તેમનો પુત્ર હવે મોટો થયો છે અને કેનેડા ભણવા ગયો છે. બધા કિસ્સામાં આવું જ બને એવું જરૂરી નથી.

જતી વેળાનું સ્મિતઃ
જ્યારે પ્રેમ તમને ઈશારો કરે, ત્યારે તેની પાછળ જજો.
જો કે એનાં પડખામાં છુપાઈ રહેલી તલવારના તમને કદાચ ઘાવ લાગે.
પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી, અને પોતા સિવાય બીજા કશામાંથી લેતોયે નથી.
પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી, અને કોઈનો તાબેદાર બનતો નથી.
કારણ પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે.
માત્ર પોતે કૃતાર્થ થવું તે સિવાય પ્રેમને કશી કામના હોતી નથી.
- ખલિલ જિબ્રાન

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)