પોઝિટિવ પેરેન્ટિંગ:ઇનામ પાછળની દોડ બાળકને ક્યાંક ડિમોટિવેટ ન કરી દે... વધુ રચનાત્મક રહે એ માટે તેમને મનગમતી પ્રવૃત્તિ કરવા દો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાચું કહેજો, શું તમે ક્યારેય તમારા બાળકને એવું કહ્યું છે કે તે જો સારી રીતે બિહેવ કરશે તો તમે એને ચોકલેટ આપશો કે પછી જો તેને સારા માર્ક્સ આવશે તો તમે એને મોંઘો ફોન કે બાઈક અપાવશો? કોઈને કોઈ સમયે મોટાભાગનાં વાલીઓએ બાળકને મોટિવેટ કરવા માટે આ 'ઇનામ' આપવાની સ્ટ્રેટેજી (વ્યૂહરચના) અપનાવી જ હશે પણ આ સ્ટ્રેટેજી લાંબા સમય સુધી નથી ચાલતી.

ચાલો, રાહુલને મળીએ
રાહુલ એક દસ વર્ષનો છોકરો છે. તેણે તેનાં મા-બાપને કહી દીધું કે તે હવે સ્કૂલે નથી જવા માગતો. તેનાં મા-બાપ આ સાંભળીને શૉક થઈ ગયા અને તેઓ રાહુલનું આ વિચિત્ર વર્તન સમજી જ ન શક્યાં. તેમની જોડે ચર્ચા કર્યાં પછી ખબર પડી કે જ્યારે રાહુલ નાનો હતો ત્યારે તેને સ્કૂલે જવું બિલકુલ નહોતું ગમતું. તેને ક્લાસ બોરિંગ લાગતાં પણ તેનાં મા-બાપ તેને ચોકલેટ્સ આપીને સ્કૂલે જવાની લાંચ આપતાં. પછી જ્યારે ચોકલેટથી વાત બનતી બંધ થવા માંડી તો તેઓ એને મોંઘી ગિફ્ટ આપવા માંડ્યા. એની સામે આજીજી કરવા લાગ્યા અને છેવટે તો તેમણે રાહુલને ધમકી પણ આપવાની શરૂ કરી દીધી. આ બધું ચાલ્યું ત્યાં સુધી ચાલ્યું પણ પછી એક સમય એવો આવ્યો કે બાળકે આ બધી સ્ટ્રેટેજીઝ સામે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું અને પરિણામસ્વરૂપે તેણે સ્કૂલે જવાનું છોડી દીધું.

એક્સ્ટ્રિન્સિક (બાહ્ય) મોટિવેશન
જ્યારે વાલી અથવા શિક્ષક બાહ્ય ઇનામ સ્વરૂપે બાળકને ભેટ આપે ત્યારે તેને એક્સ્ટ્રિન્સિક મોટિવેશન કહેવામાં આવે છે. ઘણી વખત વખાણ પણ એક બાહ્ય ઇનામ તરીકે કામ કરે છે. શિક્ષણમાં માર્ક્સ બાહ્ય ઇનામનું કામ કરે છે અને જ્યારે એક વ્યક્તિ કોઈ પ્રવૃત્તિ કરવા માટે ત્યારે જ મોટિવેટ થાય જ્યારે તેને આવા કોઈ ઇનામનો વાયદો કરવામાં આવે તો આપણે એમ કહીએ છીએ કે તે વ્યક્તિને એક્સ્ટ્રિન્સિક મોટિવેશનલ છે. પુખ્ત વયે આપણા વ્યાવસાયિક જીવનમાં પ્રમોશન, મોટો પગાર કે અવોર્ડ પણ મોટિવેશનનું કામ કરે છે પણ તે પાછું બાહ્ય છે. મનુષ્યની મોટાભાગની પ્રવૃત્તિઓ આ એક્સ્ટ્રિન્સિક મોટિવેશન ઉપર આધારિત હોય છે અને આ ઇનામ પાછળની દોડ આપણા જીવનમાં એક મોટો ભાગ ભજવે છે.

ઇન્ટ્રિન્સિક (આંતરિક) મોટિવેશન
મોટિવેશનનો બીજો પ્રકાર છે - ઇન્ટ્રિન્સિક મોટિવેશન. આનો અર્થ એ છે કે વ્યક્તિ કંઈ કરે તો તે ફક્ત એ પ્રવૃત્તિ કરવાથી મળતા નિર્મળ આનંદ અને ખુશી માટે તે કરે છે. અહીં ઇનામ જે છે તે વ્યક્તિની અંદર છે... તે એ સંતોષની ભાવનામાં છે જે ફક્ત તે વસ્તુ કરવામાં તેને મળે છે. દાખલા તરીકે, તમને સંગીત, રસોઈ, ગાર્ડનિંગ અથવા શિક્ષણ આપવામાં બહુ જ મજા આવતી હોય તો આ કેસમાં એ પ્રવૃત્તિ જ તમારા માટે ઇનામ છે. ઇન્ટ્રિન્સિક મોટિવેશન વધુ સસ્ટેનેબલ (લાંબા સમય સુધી ટકેલું) છે... ભલે પછી તે બાળકના કેસમાં હોય કે પુખ્તવયની વ્યક્તિના કેસમાં.

આમાંથી કયું મોટિવેશન વધુ સારું છે?
સંશોધન પ્રમાણે ઇન્ટ્રિન્સિક મોટિવેશન રચનાત્મકતા પ્રમોટ કરે છે અને એક્સ્ટ્રિન્સિક મોટિવેશન રચનાત્મકતા મારી નાખે છે પણ કમનસીબે મોટાભાગના બાળકોનો ઉછેર એક્સ્ટ્રિન્સિક મોટિવેશનના મોડેલ ઉપર કરવામાં આવે છે. જેથી, ઇન્ટ્રિન્સિક મોટિવેશનને તે ભગાડી દે છે. માર્ક્સ છે તે એક્સ્ટ્રિન્સિક મોટિવેશનનો એક સરસ દાખલો છે કારણ કે, આ ક્ષેત્રમાં કરેલાં અઢળક સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે, ઇનામ અને મૂલ્યાંકનની પ્રથા બાળકના પરફોર્મન્સ ઉપર નકારાત્મક અસર છોડે છે. દાખલા તરીકે, એક સ્ટડીમાં જે બાળકોને પેઇન્ટિંગ ગમતું હતું તેમને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા. પહેલા ગ્રુપને કહેવામાં આવ્યું કે તેમને એક પ્રમાણપત્ર કે ઇનામ આપવામાં આવશે અને બીજા ગ્રુપને કંઈ કહેવામાં નહોતું આવ્યું. તેમને ફક્ત પેઇન્ટિંગને એક્સપ્લોર કરવાની તક આપવામાં આવી. સ્ટડી પ્રમાણે, જે બાળકો પ્રમાણપત્ર કે ઇનામ માટે પેઇન્ટ કરતા હતા તેઓ થોડાક સમયમાં જ તે પ્રવૃત્તિમાં રસ ગુમાવી બેઠાં, જ્યારે જે બીજું ગ્રુપ હતું તેમણે અઠવાડિયાં પછી પણ પેઇન્ટિંગમાં પોતાનો રસ કેળવી રાખ્યો. વધુમાં જે ગ્રુપને ઇનામનો વાયદો નહોતો કરવામાં આવ્યો તેના થકી બનાવેલાં પેન્ટિંગની ક્વોલિટી પણ વધુ સારી હતી. આવી અનેક સમાન સ્ટડીઝમાં એ બહાર નીકળ્યું કે, જે બાળકો શીખવાની ધગશથી મોટિવેટ થયેલા હતા તેઓ ખરેખર વધુ સારી રીતે શીખ્યા, ઊંડાણમાં શીખ્યા અને લાંબા સમયગાળા સુધી તેમને પોતાનું શીખેલું યાદ પણ રહ્યું. આનું તારણ એ છે કે ઇન્ટ્રિન્સિક મોટિવેશન ઊંડું લર્નિંગ આપે છે.

ઘણા અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે, બાળકો વધુ રચનાત્મક અને વધુ સારું ત્યારે પર્ફોર્મ કરે છે જ્યારે કોઈપણ બાહ્ય મૂલ્યાંકન કે ઇનામ ન હોય. જેમ-જેમ બાળકો પુખ્તવય તરફ વધે તેમ-તેમ તેઓ ઇનામો માટે કામ કરે છે. જેમ કે, વધુ સારા માર્કસ મેળવવા માટે કે પછી કોઈ હાઈ-રેન્કિંગવાળી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે (ભલે ને પછી તે કોર્સ રસપ્રદ નાહોય તો પણ) કે પછી વધુ પગાર મેળવવા માટે (ભલે ને પછી તે નોકરી બહુ મજા આવે એવી ન હોય તો પણ) વગેરે અને પછી જ્યારે તેઓ મિડ-લાઈફ (જીવનના મધ્યકાળ)માં પહોંચે છે ત્યારે તેમને એક ક્રાઈસિસ જેવો અનુભવ થવા માંડે છે કારણ કે, હવે એમને પોતાના માટે કંઈક વધુ યોગ્ય અને પરિપૂર્ણની જરૂરિયાત ખૂંચે છે.

બાળકમાં ઇન્ટ્રિન્સિક મોટિવેશન કઈ રીતે પ્રમોટ કરવું?
ઇન્ટ્રિન્સિક મોટિવેશન પ્રમોટ કરવાથી વધુ રચનાત્મકતા, ઊંડું લર્નિંગ અને પરિતૃપ્તિ આવશે. અહીં મુદ્દો એ છે કે વાલીઓ કઈ રીતે બાળકમાં ઇન્ટ્રિન્સિક મોટિવેશન પ્રમોટ કરી શકે? તો તેની કેટલીક ટિપ્સ નીચે જણાવવામાં આવી છેઃ

  • બાળકોને કમ્પેર કરવાનું અને તેને ઇનામ માટે કાર્યો કરવાનું કહેવાનું ટાળો.
  • બાળકોને હંમેશાં તે કરવા માટે પ્રોત્સાહન આપો જેમાં તેમને આનંદ મળે.
  • એમને કહો કે તેઓ મનન કરીને કહે કે તેમને કોઈ એક ખાસ પ્રવૃત્તિ કરવામાં કેમ મજા આવે છે, તેમને તે પ્રવૃત્તિ વિશે શું ગમે છે અને તે કરવાથી તેમને કેવો અનુભવ થાય છે.
  • એમને નિર્દેશ આપવા અને નિયંત્રણ કરવા કરતાં તમારા બાળકને સ્વતંત્રતા આપો કે તે નક્કી કરી શકે કે તે શું કરવા માગે છે અને સાથે-સાથે તે કરવા માટેની ગતિ પણ તે જાતે જ નક્કી કરે તેમ કહો. પર્ફોર્મ કરવાનું પ્રેશર તેનાં ઇન્ટ્રિન્સિક મોટિવેશનને મારી નાખશે.
  • તમે બાળક જોડે તે પ્રવૃત્તિઓ વિશે વાત કરો જે કરવામાં તેમને આનંદ મળે છે. યાદ રાખો તમે તમારા બાળકના રોલ મોડલ છો.

એક વાલી તરીકે લીધેલાં તમારાં આ નાનાં નાનાં પગલાં તમારા બાળક માટે ખરું ચાલકબળ સાબિત થશે!
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

નોંધઃ લેખ સાથે મૂકેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે.

અન્ય સમાચારો પણ છે...