• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Don't Just Take Photos videos In Vacation Travel, Create A Travel Diary, Nurture Children's Creativity, The Best Way To Preserve Memories

પોઝિટિવ પેરેન્ટિંગ:વેકેશન ટ્રાવેલમાં માત્ર ફોટા-વીડિયો ન લો, ટ્રાવેલ ડાયરી બનાવો, બાળકોની ક્રિએટિવિટી ખીલવો, મેમરીઝ સાચવવાનો બેસ્ટ રસ્તો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારા એક મિત્ર ફ્રાન્સના સિનેમેટોગ્રાફર છે, જેમને ભારત આવવું ખૂબ જ ગમે છે. તેમને કૂતરાંઓ માટે ખૂબ જ લાગણી છે, એટલે તેમને તે જોઈને નવાઈ લાગી કે આપણા દેશના ઘણા શહેરોમાં ‘કૂતરાથી સાવધાન’નાં સાઈન બોર્ડ (પાટિયાં) લાગેલાં હોય છે. એક ટ્રિપમાં એમણે આવાં સાઇન બોર્ડ ધરાવતાં બધા જ ગેટના ફોટા લેવાનું નક્કી કર્યું. તેમની પાસે એટલા બધા ફોટા થઇ ગયા કે પછી આગળ જઈને તેમને આ ફોટાઓને એક પ્રદર્શન અને પુસ્તકના માધ્યમથી બધા જોડે શૅર કર્યા! આનાથી પ્રેક્ષકને આવા સાઈન બોર્ડ માં વપરાઈ રહેલી કલાગીરી અને ટાઇપોગ્રાફી (મુદ્રણકલા) વિશે એક ખૂબ જ રસપ્રદ પરિપ્રેક્ષ્ય મળ્યો. મારી એક બીજી મિત્ર નિયમિત રીતે પોતાના પ્રવાસને ટ્રાવેલ ડાયરીમાં વ્યવસ્થિત રીતે રેકોર્ડ કરે છે. પછી તે સ્કેચ થકી હોય; કે નિરીક્ષણાત્મક લખાણના માધ્યમથી; કે પછી ડાયરીમાં કાગળ, કપડાં અથવા જુદા મટીરીયલના કટકા ચોંટાડીને. આના લીધે તેની દરેક ટ્રાવેલ ડાયરી યાદોનું એક અદભુત ટ્રેઝર હાઉસ (કોષાગાર) બની ગયું છે. આનાથી જોનારને પણ તે જગ્યાએ પ્રવાસ કરવા માટે પ્રેરણા મળે છે!

ટ્રાવેલ મેમરીઝ
મે મહિનામાં મોટા ભાગનાં કુટુંબો વેકેશન માટે ઊપડી જતાં હોય છે. આ સમય છે મુલાકાત લેવાનો, પછી તે નવી જગ્યા હોય કે જૂના મિત્રો અને કુટુંબીજનો હોય. આ ખુશી અને હાસ્યની સ્પેશિયલ યાદગીરીઓ બનાવવાનો પણ સમય છે. મેમરી એટલે આ બધી વિશેષ ક્ષણોને રેકોર્ડ કરીને રાખવી. આજે સ્માર્ટફોનમાં રહેલા કેમેરાની સગવડને લીધે મોટા ભાગનાં પેરન્ટ્સ અને બાળકો આ ક્ષણોને એક ક્લિક થકી પોતાના ફોનની ગેલેરીમાં રેકોર્ડ કરી લે છે. અને આ ફોન યાદોને રેકોર્ડ કરવાનો સહુથી સહેલો અને કોમન માર્ગ થઇ ગયો છે. પરંતુ આવી ખાસ ક્ષણોને રેકોર્ડ કરવા માટે બીજી ઘણી સર્જનાત્મક રીતો છે, જે શીખવી બાળક માટે આગળ જઈને ખૂબ જ મદદરૂપ થઇ શકે છે. ડોક્યુમેન્ટેશનનું કૌશલ એક જરૂરી શૈક્ષણિક અને લાઈફ સ્કિલ છે. વળી, આ વસ્તુ શીખવા માટે પેરન્ટ્સ બાળકોને નાની વયે પણ પ્રોત્સાહન આપી શકે છે.

ટ્રાવેલ જર્નલ
આ માર્ગ તરફનું પહેલું પગલું છે એક સારી ડાયરી ખરીદી બાળકોને આપવી; જેથી તેઓ તેમાં પોતાની ટ્રાવેલ જર્નલ બનાવી શકે. અહીં નીચે આપેલ બાળકની વય પ્રમાણેની ટિપ્સ તમને આ કામમાં મદદરૂપ થશે -

૩-૬ વર્ષની વયનાં બાળકો માટે
આ વયનાં બાળકો જે પણ આ મુસાફરીમાં જુએ તેઓ તેને દોરી શકે છે; અને નાની યાદગીરીઓ જેમ કે - પાંખ, ટિકિટ, સિક્કા, ફૂલ, પાંદડાં વગેરે ભેગાં કરી તેને આ ડાયરીમાં ચોંટાડી તેના વિશે કંઈક નાનું લખાણ કરી શકે છે. આ કરવાથી બાળકોમાં નિરીક્ષણશક્તિ અને મોટર સ્કિલની સાથે સાથે તેમની ભાષા અને અભિવ્યક્તિની કલાનો પણ વિકાસ થશે.

૭-૧૨ વર્ષની વયનાં બાળકો માટે
આ વયનાં બાળકો પ્રવાસ વિશે ડાયરીમાં એન્ટ્રી લખી શકે છે. તેઓ આ બધી વસ્તુઓ તેમાં નોંધી શકે છે - મુસાફરીની આખી માર્ગ-નિર્દેશિકા; જે જગ્યાઓની મુલાકાત લીધી હોય તેનું ભૌગોલિક લોકેશન; સ્થાનીય જગ્યાઓ (પ્રવાસનાં સ્થળ, ત્યાંનો ખોરાક, ત્યાંનું હવામાન, ત્યાંના લોકોના ખાસ રીતિ-રિવાજો, પોશાકો વગેરે) વિશે તેમની ટિપ્પણીઓ વગેરે. બાળકો પોતાની ટ્રાવેલ ડાયરીમાં વસ્તુઓ કલેક્ટ કરીને તેને ચોંટાડવાનું પણ ચાલુ રાખી શકે છે.

આ એ ઉંમર છે જ્યારે બાળકો ભાષા અને કલાના માધ્યમથી લાગણીઓની અભિવ્યક્તિ કરવાનું શીખે છે. આ એ પડાવ છે જ્યારે મોટા ભાગે બાળકો વૃત્તાંત અને વર્ણન જોડે વધુ ઊંડાણથી સંકળાયેલાં હોય છે. એટલે તેઓ જાતે નક્કી કરીને કોઈ બોટ રાઈડ અથવા ફૂડ એક્સપિરિઅન્સનું વર્ણન કરી શકે છે.

૧3-૧૬ વર્ષની વયનાં બાળકો માટે
કિશોર વયે બાળક વધુ ચિંતનશીલ થાય છે એટલે તેમને પ્રોત્સાહન આપો કે તેઓ પોતાના વિચારો, અવલોકનો અને લાગણીઓને રેકોર્ડ કરે. આ ઉંમરે વિચારવાની ક્રિટિકલ અબિલિટી (નિર્ણાયક ક્ષમતા)ને વધુ સારી રીતે કેળવી શકાય છે. વળી, આ વયે બાળકો વધુ કલ્પનાશીલ અને થિમેટિકલી (વિષયક) રીતે લખી પણ શકે છે. એટલે તેઓ તેમના ટ્રાવેલમાંથી એક ખાસ થીમ શોધી તેની આજુ-બાજુ બધું ડોક્યુમેન્ટ કરી શકે છે. આટલું જ નહીં, તેઓ લખી શકે છે એટલે તેઓ ટ્રાવેલ બ્લોગ કે ફૂડ બ્લોગ બનાવી શકે છે; કે પછી એક ફોટો એસે (ફોટોના માધ્યમથી વાર્તા કહેવી) પણ બનાવી શકે છે.

કલેક્શન (સંગ્રહ)માંથી મળતા પાઠ
મારી બાલ્યાવસ્થામાં સિક્કા, સ્ટેમ્પ અને ફૂલોના સંગ્રહ ખૂબ જ લોકપ્રિય હતા. આમાંથી મેં ઘણા પાઠ લીધા. જેમ કે, કઈ રીતે પોતાના સંગ્રહની કાળજી લેવી; તેને કઈ રીતે સ્ટોર કરવું જેથી કોઈ પણ વસ્તુને નુકસાનના થાય; તેને કલાત્મક રીતે ગોઠવવાનું; અને સહુથી જરૂરી, કઈ રીતે તેનો ગર્વ લેવો. મેં આમાંથી એ પણ શીખ્યું કે સમય કાઢી આ સંગ્રહને જોયા રાખવું; અને વિચારીને નિર્ણય લેવો કે તેને કઈ રીતે ડિસ્પ્લે કરીશ કે મારી ડાયરીમાં તેનું વર્ણન કઈ રીતે કરીશ!

ફોટો અને ક્રિએટીવ (સર્જનાત્મક) આર્ટ વચ્ચેનો તફાવત
આજનાં બાળકો ખૂબ સર્જનાત્મક છે. તેઓ એવા ફોટા પાડે છે જે કોઈ સ્પેશિયલ વસ્તુના કોઈ ખાસ ગુણ ને દર્શાવે છે. ઘણાં બાળકોને ટેક્નોલોજીનો ઉપયોગ કરવો ખૂબ ગમે છે. ફોટો ક્લિક કરીને તેને ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં અને એક જર્નલમાં તે વસ્તુનું ચિત્ર દોરવામાં જે તફાવત છે, તે કલાના ફોર્મ (સ્વરૂપ)માં છે. ફોટા અને ચિત્ર એક ટુ-ડાઈમેન્શનલ અનુભવ બનીને રહી જાય છે; પણ જ્યારે બાળકો ટ્રાવેલ ડાયરીમાં કંઇ ચોંટાડે છે, લખે છે અથવા દોરે છે ત્યારે તે એક કાઇનેસ્થેટિક (ગતિસંવેદનશીલ) અનુભવ બની જાય છે. તે થ્રી-ડાઈમેન્શનલ થઇ જાય છે. ડાયરી ફક્ત સમયની એક ક્ષણ બનીને નથી રહી જતી, એ આપણા જીવનમાંથી ચૂંટાયેલા અનુભવોનો એક ખજાનો બની જાય છે.

તો ચાલો, આ ઉનાળાના બ્રેકમાં આપણે બાળકોને પ્રોત્સાહન આપીએ કે તેઓ પોતાની મુસાફરીની સ્મૃતિઓનો સંગ્રહ ક્રિએટિવ રીતે કરે...!
anjuparenting@gmail.com
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)