નવા વર્ષના શુભારંભ પહેલાં જનતાને પેટ્રોલ અને ડીઝલના ભાવવધારામાં દિવાળીના બોનસ જેવી રાહત મળી ત્યારે સોશિયલ મીડિયાએ તેને એકથી વધુ પરિપ્રેક્ષ્યમાં જોઈ છે. યહ પબ્લિક હૈ, યહ સબ જાનતી હૈ - એ વાત સોશિયલ મીડિયામાં સુપુરે સાબિત થાય છે. પેટાચૂંટણીમાં ભાજપને થોડી હાર મળી એટલે લોકોને મોંઘવારીમાં રાહત મળી તો હવે યુપીમાં ભાજપને હાર મળે ત્યારે મોંઘવારીમાં મોટો ફાયદો થઈ જવાની મજાકો થઈ તેના આદારે આગામી વિક્રમ સંવતના વર્ષના રાજકારણ અને સમાજકારણના કેટલાક મુદ્દા સ્પષ્ટ થઈ ગયા. જો કે, સમય બહુ ઝડપથી બદલાતો હોય છે અને ભાવિના ગર્ભમાં શું રહેલું હોય છે તે આધુનિક યુગમાં પણ જાણી શકાય એવી સોનોગ્રાફી હજી તૈયાર થઈ નથી. એટલે આગામી વર્ષે ચર્ચામાં રહેનારા મુદ્દાઓ વિશે થોડી ચર્ચા, જેમાં સંદર્ભ છે પેટાચૂંટણીનાં પરિણામો અને ભાવઘટાડો...
હેમન્તકુમાર શાહ (HS): હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ તે આશ્ચર્યજનક અને કોંગ્રેસ માટે આનંદદાયક સમાચાર છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે કોંગ્રેસમાં હજુ પણ નેતાગીરી પ્રશ્ને કુંભકર્ણની નિદ્રા પ્રવર્તે છે. મમતા બેનર્જીને બંગાળમાં બધી બેઠકો મળી તે તો ખાસ્સું અપેક્ષિત હતું. આ જીત બધા વિપક્ષો અલગ અલગ લડ્યા છે તેમ છતાં મળી છે તે ખાસ્સું સૂચક છે.
દિલીપ ગોહિલ (DG): પેટાચૂંટણીનાં પરિણામો મોટાભાગે શાસક પક્ષ તરફ જતા હોય છે. તે પ્રમાણે પશ્ચિમ બંગાળ અને બિહારમાં અનુક્રમે ટીએમસી અને જેડીયુને બેઠકો મળી તે બંધબેસતું આવે છે. વિપક્ષો અલગ અલગ લડ્યા, તેમાં જેડીયુ-ભાજપ ગઠબંધનને બિહારમાં ફાયદો થયો છે એવું લાગશે પણ અહીં નોંધ લેવાની વાત એ છે કે, કોંગ્રેસની હાજરી પણ બેમાંથી એકેય પેટાચૂંટણીમાં પુરાઈ નથી. કનૈયાકુમારને લીધા પછી અને હેલિકૉપ્ટર આપીને કેટલાક નેતાઓને પ્રચાર માટે મોકલ્યા એ પછીય કોંગ્રેસને 2-5 ટકા જેટલા જ મતો મળ્યા છે. હિમાચલ અને કર્ણાટક (પણ એક જ બેઠક) રાજ્યોમાં જ શાસક ભાજપને ફટકો પડ્યો છે. આ બંને જગ્યાએ કોંગ્રેસને બેઠકો મળી ગઈ એટલે કંઈ રાજી થવા જેવું નથી. ભાજપના જયરામ ઠાકુરે કબૂલી લીધું તે પ્રમાણે મોંઘવારીના મારથી ત્રસ્ત પ્રજાએ ભાજપને ફટકો માર્યો છે. કોંગ્રેસને રાબેતા મુજબ મહેનત વિના આડકતરો ફાયદો મળ્યો છે એટલું જ સૂચક છે.
HS: ભાજપને મોંઘવારીનો પ્રશ્ન નડ્યો હશે એમ ચોક્કસ માની શકાય. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પડ્યા એ તો થૂંકેલું ચાટ્યું કહેવાય કારણ કે, સરકારે તો એમ જાહેર કરેલું કે એ તો કોંગ્રેસની નીતિને કારણે છે. વળી, જે કંઈ ભાવ ઘટાડો થયો છે તે થોડા દિવસોમાં ધોવાઇ જવાનો છે એ નક્કી છે કારણ કે, વૈશ્વિક બજારમાં તો ક્રૂડ ઓઈલના ભાવ વધી જ રહ્યા છે એટલે દેશની ફોર્મ્યુલા મુજબ ભાવ વધવાના જ છે. લોકો એ બાબતે ભરમ રહે એમ લાગતું નથી.
DG: હા, એવું જ લાગે છે કે મોંઘવારીનો મુદ્દો આ પેટાચૂંટણીઓમાં ચાલ્યો છે. વિપક્ષ મજબૂત થયો છે એવી ચિંતા ભાજપને હજી કરવાની જરૂર લાગતી નથી પણ પ્રજામાં મોંઘવારી મુદ્દે નારાજી કોઈ શાસક પક્ષને પરવડે નહીં. એટલે જ તાત્કાલિક ભાવો ઓછા કરવામાં આવ્યા. માથે પાંચ રાજ્યોની ચૂંટણી છે અને યુપી અને પંજાબ જેવા મોટા રાજ્યો પણ છે. પંજાબની જેમ જ ઉત્તરાખંડમાં કોંગ્રેસની સ્થિતિ સારી થઈ શકે છે કારણ કે, મોંઘવારીનો મુદ્દો ચાલી ગયો તો આ રાજ્યોમાં કોંગ્રેસ ફાવી જાય. એટલે કોંગ્રેસ કરતાંય ભાજપને ચિંતા લોકમિજાજની છે એવું પ્રથમવાર દેખાયું છે. જયરામ ઠાકુર જાહેરમાં બોલવાની હિંમત કરે અને તેમને મોવડીમંડળનો ઠપકો ન મળે એ જ બહુ મોટી વાત છે. બીજું કે હવે પાંચેય રાજ્યોની ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી ભાવવધારો કદાચ અટકાવી દેખાશે. ભૂતકાળમાં જ્યારે પણ રાજ્યોમાં ચૂંટણી હોય ત્યારે અચાનક પેટ્રોલિયમ કંપનીઓ માથે સોડ તાણીને સૂઈ જાય છે અને ભાવો વધારતી નથી. આ વખતે પણ એવું ના થાય તો જ નવાઈ.
HS: પરંતુ મારો કહેવાનો ભાવ પણ એ જ છે કે કોંગ્રેસ સારી સ્થિતિમાં છે એમ માનવું વધારે પડતું છે. પેટા ચૂંટણીએ દેખાડ્યું એમ હજીય ઉત્તર પ્રદેશ અને બિહાર એમ બે મોટાં રાજ્યોમાં તેનો ગજ ઝાઝો વાગતો નથી. આમ છતાં સવાલ એ ઊભો જ રહે છે કે બધા વિરોધ પક્ષો એક થઈને ચૂંટણી લડે છે કે નહીં. આ પરિણામોએ એમ તો દેખાડ્યું જ છે કે વિરોધ પક્ષો એક થાય તો ભાજપને હરાવી શકાય છે. હિમાચલમાં લોકસભાની બેઠકો ત્રણ જ છે એ યાદ રાખવું જોઈએ. કોંગ્રેસ દ્વારા રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં કાઠું કાઢવામાં આવે તો જ તેને માટે સત્તા સુધીનો રસ્તો સાફ થાય તેમ છે.
DG: વિપક્ષની એકતા અગત્યની છે તેની હું પણ ના પાડતો નથી. પરંતુ વિપક્ષની એકતા એક માત્ર મુદ્દો હોતો નથી. એક થયેલા વિપક્ષે પ્રજા માટે જરૂરી મુદ્દાઓને આગળ કરવાના હોય છે. ઘણીવાર વિપક્ષ મુદ્દાઓ લાવી શકે કે નહીં, પ્રજા પોતાની રીતે રસ્તો કાઢી લે છે. અન્ય મુદ્દાઓની સાથે મોંઘવારીનો મુદ્દો ભળે ત્યારે કંટાળેલી પ્રજા પછી તેને બહાનું બનાવે છે અને તે પ્રમાણે શાસક પક્ષને ઝટકો આપે છે. ભૂતકાળમાં આ થયું છે અને શાણા રાજકારણીઓ તે સમજતા હોય છે. તેથી જ સીધો 10-10 રૂપિયાનો ભાવધટાડો કરાયો - લાલો લાભ વિના ના લેટે... ટૂંકમાં આગામી પાંચ રાજ્યોની અને આવતા વર્ષે આવનારી વધારે રાજ્યોની ચૂંટણીમાં પણ વિપક્ષી એકતા કરતાંય વિપક્ષ કેવી રીતે મુદ્દાઓને આગળ કરે છે તે અગત્યનું રહેવાનું છે. મોંઘવારી સાથે ખેડૂતોની નારાજીનો મુદ્દો પણ કેટલીક જગ્યાએ ચાલ્યો છે એમ જાણકારો કહે છે. ખેડૂતોનો મુદ્દા રાજ્યો પ્રમાણે અલગ અલગ છે ત્યારે સંયુક્ત વિપક્ષ તેને કેવી રીતે સંકલિત કરે છે તે પણ નવા સંવત વર્ષના ભાવિ રાજકારણમાં જોવાનું રહે છે.
HS: લાલો લેટી જાય તો પણ લોકો સમજે તેમ છે. આ નેતાઓ શેના હાથ જોડીને નમન કરી રહ્યા છે તે જનતા જાણતી હોય છે. આગામી ચૂંટણીઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાથી ભાજપને ફાયદો થાય એ વાતમાં માલ નથી. આ તો એક છળ છે. ભાજપને ફાયદો તો હિંદુ-મુસલમાન, કાશ્મીર અને પાકિસ્તાન જેવા મુદ્દાથી થયેલો છે અને હજુ પણ થયા કરશે. જેઓ ભ્રમમાં છે તેઓ હજુ પણ એ ભ્રમમાં જ છે.
DG: એ ખરું કારણ કે, આ ભ્રમજાળ જ ચૂંટણીમાં અગત્યની થાય છે. આપણને ગમે કે ના ગમે, મોટાભાગે ચૂંટણીઓ કોઈ એક કે અન્ય ભ્રમજાળમાં ગૂંથવામાં આવે છે. વચ્ચે વચ્ચે કેટલીક ચૂંટણીમાં પ્રજા મિજાજ દેખાડે છે તે લોકતંત્ર હજી તંદુરસ્ત છે તેની ખાતરી આપે છે પણ નેતાઓને, વ્યૂહકારોને કે વિશ્લેષકોને કોઈને આગોતરો ખ્યાલ નથી હોતો કે લોકમિજાજ કેવો છે અને કેટલો બદલાયો છે. આ માટેની રાજકીય પ્રયોગશાળામાં હજી રાઈટ ટેસ્ટ કિટ વિકસિત થઈ નથી. એટલે અનુમાનો પર રાજકારણ ચાલે છે અને આ વખતની પેટાચૂંટણીનાં પરિણામો પછી એ જ રીતે અનુમાનો પર આગામી વર્ષનું રાજકારણ મંડાઈ રહ્યું છે.
HS: એકંદરે જોતાં એમ લાગે છે કે આ પરિણામોથી ભાજપને ચિંતા થઈ છે પણ એની ચિંતા ભ્રમજાળ ફેલાવીને દૂર કરવામાં આવશે અને આ દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે ભાજપ થનગને છે તેથી તેની મતદાનની ટકાવારી ઘટી જાય એમ લાગતું નથી. હિંદુ-મુસ્લિમ વિખવાદનું ઝેર બહુ ઊંડે સુધી વ્યાપેલું છે અને તેનો લાભ ભાજપને મળવાનો જ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 37 ટકા મત મળ્યા હતા. એમ સહેજે લાગતું નથી કે તેના આ મતમાં કોઈ મોટો ફેરફાર થયો હોય. જો ભાજપને 30 ટકા મત પણ મળે તો ભાજપની જ સરકાર બને અને નરેન્દ્ર મોદીની જ સરકાર બને એ લગભગ નક્કી છે.
DG: જો કે, વર્ષ 2024ને હજી ઘણી વાર છે. તે પહેલાં વર્તમાન વર્ષની પાંચ રાજ્યોની ચૂંટણીઓ, જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને પંજાબ મહત્ત્વના થવાના છે. ઉત્તરાખંડ અને ગોવા જેવાં નાનો રાજ્યોનાં પરિણામો પણ કેટલાક ટ્રેન્ડ દેખાડશે - તે ટ્રેન્ડ હશે ત્રીજા વિકલ્પના. પંજાબમાં પણ ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીની શક્યતાઓ જણાઈ રહી છે પણ ગત ચૂંટણીમાં પક્ષને ત્યાં સફળતા મળી હતી. તેથી તે નવું નથી, નવું ઉત્તરાખંડમાં અને ગોવામાં તેને મળનારા મતોની ટકાવારી અને બેઠકોની સંખ્યા ગણાશે. અહીં ગોવા પણ અગત્યનું બન્યું છે કારણ કે, હાલના સમયમાં મમતા દીદીની તૃણમૂલ કોંગ્રેસ ત્યાં સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસને તોડીને ટીએમસી ત્યાં સ્થાન જમાવવા માગે છે. ગોવા પર લાંબા સમયથી આપની નજર છે એટલે ગોવામાં મૂળ કોંગ્રેસને બાદ કરીને ટીએમસીને મુખ્ય પક્ષ ગણવો અને આપ ત્રીજો વિકલ્પ? આ સવાલનો જવાબ મળશે અને તેના આધારે ગુજરાતમાં પણ આગામી વિક્રમ સંવતના રાજકારણમાં અસર પડશે કારણ કે, ત્રીજા વિકલ્પની વાત કરવા માટે નક્કર આંકડાકીય વિગતો ઉપલબ્ધ હશે પણ આંકડા કરતાંય તમે આગળ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે ભ્રમજાળનું મહત્ત્વ તો - નવા વિક્રમ સંવતમાં પણ રહેવાનું જ. અસ્તુ!
(હેમન્તકુમાર શાહ અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.