મનન કી બાત:શું તમારી વાણી તમારી સફળતાની વચ્ચે આવે છે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મેન્દ્ર એક 32 વર્ષીય ફાર્માસિસ્ટ છે. કોલેજમાં હંમેશાં એ પ્રથમ આવતો. ફાર્મસી એને ખૂબ ગમે પણ ખરો એટલે એના રસનો વિષય પણ ખરો. આ બધું હોવા છતાં બાળપણથી જ ધર્મેન્દ્રના પરિવારમાં અને ધર્મેન્દ્રને પોતાને પણ મીઠું બોલતા ન આવડે. એટલે કેટલી પણ મહેનત કરે અંતે કડવું બોલીને બધા પર પાણી ફરી જાય. એ મનોચિકિત્સક પાસે ડિપ્રેશન કે એન્ઝાયટી લઈને નહીં પરંતુ એક એવી દવા, ઔષધિ કે તરકીબ માગવા આવ્યો કે જેથી એની આ તકલીફનું નિવારણ નીકળે અને એ પોતાના ટેલેન્ટનો સાચો ઉપયોગ કરી સફળતા મેળવી શકે.

વિશ્વની સૌથી વધુ વંચાયેલ, વહેંચાયેલ અને વધુમાં વધુ ભાષામાં અનુવાદ થયેલ પુસ્તકોમાંનું એક છે ડેલ કાર્નેગીનું ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લ્યુઅન્સ પીપલ’. એ પુસ્તક અને મનોચિકિત્સાના અમુક સોનેરી નિયમો ભેગા કરીને આટલી વસ્તુઓ ધ્યાનમાં ચોક્કસ રાખવી. જો આપણે આ નિયમો સમજીને અમલમાં મૂકી શકીશું તો આપણી વાણી આપણી દુશમન નહીં પરંતુ સફળતાની મોટી ચાવી બનશે.

1. લોકોને હંમેશાં એમનો સારો ભાગ બતાવો
જ્યારે કોઈપણ વ્યક્તિ જોડે તમે વાત કરો ત્યારે એની અંદર રહેલી કોઈને કોઈ ખૂબી તો હશે જ જેને તમે આવકારી શકો. આ ખૂબી આવકારો અને એ વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે એવી વાત ચોક્કસ કરો. આ ખાલી કહેવા ખાતર કરીશું તો મસકો મારીએ છીએ એવા લાગીશું. એટલે કોઈ પણ વ્યક્તિને સાચા અર્થમાં નિહાળો અને એની કોઈ ને કોઈ એવી ખૂબી તો તમને ચોક્કસ દેખાશે જેને તમે આવકારી અને એના વિશે સારું કહી શકો.

2. લોકોને પોતાના વિશે વાત કરવા પ્રેરિત કરો
યાદ રાખો, લોકોને હંમેશાં પોતાના વિશે વાત કરવી હોય છે, સામેવાળી વ્યક્તિ વિશે જાણવા કરતા એમને પોતાની વાત કહેવી હંમેશાં વધુ ગમવાની. જો તમે કોઈને પોતાના વિશે તમારા જોડે વાત કરવા પ્રેરિત કરશો તો તમે એને ગમવા પણ માંડશો. એ તમારા પર ભરોસો પણ કરતા થઇ જશે

3. સાચા અર્થમાં લોકોમાં રુચિ દાખવો
ખાલી કહેવા ખાતર પ્રશ્નો પૂછવા અથવા રુચિ બતાવીશું તો પકડાઈ પણ જઇશું અને પોતાને પણ મજા નહીં આવે. સાચા અર્થમાં લોકોમાં રુચિ લઇશું તો કંઈક ને કંઈક નવું પણ શીખીશું અને એના તરફની વાત સમજીને એનું સાચા અર્થમાં નિરાકરણ કાઢી શકીશું.

4. તમે કઈ વસ્તુમાં એમનાથી તફાવત રાખો છો એ પછી કહો, પહેલાં એ કહો કે તમે કેમ સંમત છો
મોટાભાગના લોકો પોતાની અસંમતિ પહેલાં ગણાવે. એક એવા વ્યક્તિ બનો જે પહેલાં સંમતિ ગણાવે અને પછી પ્રેમ અને શાંતિથી તફાવતો સમજાવી અને પચાવી શકે.

5. કોઈ પણ વ્યક્તિની અંદરના સારા માણસને અપીલ કરો
દરેક વ્યક્તિની અંદર એક સારો માણસ હોય છે. તમારી વ્યક્તિ પાસેની અપેક્ષા એ રીતે મૂકો કે એની અંદરના સારા માણસને એ કરવું ગમે. જેમ કે, 'આ તારું કામ છે એટલે તારે આ કરવું જ પડશે' એના કરતાં 'તારી કામ માટેની લગન એટલી સારી છે કે તું આ કામ ચોક્કસ કરી શકીશ એ મને વિશ્વાસ છે' એવું કહેવું સારું રહેશે.

6. વાત કરતી વખતે સામેવાળી વ્યક્તિની રુચિ હંમેશાં ધ્યાનમાં રાખવી
મારું કામ કઢાવવા સામેવાળી વ્યક્તિને શું ગમે છે અથવા એની મારી પાસે શું અપેક્ષા છે અને હું એમાંથી કેટલી પૂરી કરવામાં એની મદદ કરી શકું છું?' એ પ્રશ્ન ચોક્કસ પોતાને પૂછવો અને વસ્તુઓ વ્યક્તિની રુચિ પ્રમાણે કહેવી અને કરવી.

7. સામેવાળી વ્યક્તિને તેની મહત્ત્વતા મેહસૂસ કરાવો
દુનિયાના દરેક માણસને પોતાનું મહત્ત્વ અનુભવવું હોય છે. તમે જ્યારે કોઈપણ જોડે વાત કરો તો એક વિવેક અને સન્માનથી વાત કરશો તો સામેવાળી વ્યક્તિને હંમેશાં તમારી જોડે વાત કરવામાં આનંદ આવશે.

8. ઓર્ડર આપવા કરતાં લોકોને પ્રશ્નો પૂછો
તમે કોઈના સુપિરિયર હો તો એમને ઓર્ડર આપવા કરતાં જો એમને કોઈ પ્રોબ્લેમ વિશે પ્રશ્નો પૂછીશું અને જવાબ એમને શોધવા દઈશું તો એમની કેળવણી પણ થશે અને આપણને પણ બે નવા વિચાર શીખવા અને જાણવા મળશે.

9. પ્રોત્સાહન આપી સામેવાળી વ્યક્તિનો વાંક નાનો ગણાવો
જ્યારે તમારી સામેવાળી વ્યક્તિ કોઈ વાંકમાં હોય ત્યારે મોટાભાગના લોકો 'માથે ચડીને નાચતા' હોય છે કે 'માંડ હાથમાં આવ્યો છે...આજે તો બતાવી દઉં' પરંતુ એ સમયે વ્યક્તિ પોતાના વિશે ખૂબ કપરું અનુભવતો હોય છે. આવા સમયે જો તમે એને પ્રોત્સાહન આપો અને એની ભૂલ સુધારવી સહેલી છે એવો એહસાસ અપાવશો તો એ હંમેશાં તમને યાદ રાખશે.

મન: જો તમારે એ જોઈતું હોય કે લોકો તમને ચાહે તો તમારે સાચા અર્થમાં એમને ચાહવું પડશે. જો આપણને લોકો ગમશે અને લોકો જોડે વાતો કરવી સાચા અર્થમાં ગમશે (કહેવા ખાતર અથવા કામ કરવા ખાતર નહીં) તો લોકોને પણ આપણે સાચા અર્થમાં ચોક્કસ ગમીશું.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)