મનન કી બાત:શું તમારાં કપડાંનો તમારા મનોવિજ્ઞાન સાથે કોઈ સંબંધ છે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિની ઓળખ તેનાં કપડાંથી ન હોવી જોઈએ. કહેવામાં એવું પણ આવે છે કે કોઈના દેખાવથી અથવા કોઈના હાલવા-ચાલવાના ઢંગથી એ કેવી વ્યક્તિ છે એ આપણે વિચારી ન લેવું જોઈએ. પરંતુ લોકોએ આપણને આવી સલાહ આપવી કેમ પડે? આપણી અંદરનો સામાન્ય સોફ્ટવેર આપણને દેખાવ પરથી જજ કરવાનું શીખવે છે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને પહેલીવાર જોઈએ તો એણે કેવાં અને શું વસ્ત્રો પહેર્યાં છે, એની હાલવા-ચાલવાની રીત કેવી છે, તેની બોલવાની રીત કેવી છે, એ જ બધું તો જોઈએ છીએ. કોઈ વ્યક્તિને પહેલીવાર મળીએ ત્યારે એના જીવનના સંઘર્ષો, એની તકલીફો, એની લાગણીઓ આપણે માપી અથવા જાણી નથી શકતાં. કદાચ સામે ચાલીને કોઈ આવી અને આ બધી વસ્તુ આપણને કહે તો પણ શું આપણે એના ઉપર પહેલી મુલાકાતમાં વિશ્વાસ કરીશું?

આ તો થઈ ગઈ વાત લોકોના વિચારની. હવે વાત કરીએ કે આપણે પોતાના માટે શું મહેસૂસ કરીએ છીએ. શું તમે ક્યારેય એ નોટિસ કર્યું છે કે જ્યારે તમે તમને ગમે એવાં કપડાં પહેર્યાં હોય તો તમારો આત્મવિશ્વાસ જ કંઈક અલગ હોય છે? શું તમને યાદ છે તમારી એ સૌથી મનગમતી સાડી, અથવા સહુથી મનગમતું શર્ટ, કે જે તમે પહેરો ત્યારે તમે પોતાના વિશે ખૂબ સારું મહેસૂસ કરો છો? આ દુનિયામાં એક એવી વ્યક્તિ કે જે પોતાના વિશે સારું મહેસૂસ કરે છે અને પોતાના માટે કોન્ફિડન્ટ છે એના કરતાં વધુ કોઈપણ વસ્તુ આકર્ષક નથી. તમે એવા હજારો લોકો જુઓ કે જે મોદી અથવા ટ્રંપ સાથે મતભેદ અને મનભેદ ધરાવે છે. પરંતુ એના કરતાં ખૂબ વધુ લોકો એનાથી એ મતભેદ હોવા ઉપરાંત ખૂબ આકર્ષિત છે કારણ કે આ બંને વ્યક્તિ પોતાનામાં ખૂબ જ આત્મવિશ્વાસુ છે.

આપણે આપણા શરીર માટે કેવું મહેસૂસ કરીએ છીએ એ આપણા મનોવિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ માટે ખૂબ જ જરૂરી છે. તમે ઘણી બધી જગ્યાએ વાંચ્યું હશે કે માનસિક સ્વાસ્થ્ય માટે કસરત કરવી અને શારીરિક રીતે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. આપણી અંદર રહેલા સોફ્ટવેરમાં એ ખૂબ જ ચોખ્ખું છે કે જો શારીરિક રીતે આપણે સ્વસ્થ અને સારું મહેસૂસ કરીશું તો જ માનસિક રીતે આપણે સ્વસ્થ અને ખુશ રહી શકશું. એક એવી વ્યક્તિ જે પોતાના શારીરિક સ્વાસ્થ્યથી ખુશ અથવા સેહતમંદ નથી, એ જીવતી ચોક્કસ હશે પરંતુ તેના આત્મવિશ્વાસમાં અને એની બોડી લેંગ્વેજમાં એ વસ્તુ ચોક્કસ ઝલકશે.

એક વ્યક્તિ કે જે પોતાના શરીર વિશે અને પોતાના કપડાં વિશે કોન્ફિડન્ટ છે, એ બીજા લોકો જોડે વાત કરવાની શરૂઆત હોંશથી કરશે. એના વાત કરવામાં એ ઉત્સાહ અને ખુશી છલકશે. એના ખભા ખુલ્લા હશે, ચાલવાની શૈલી નિરાળી હશે, ચહેરા ઉપર સ્મિત હશે અને એ તમારી આંખમાં આંખ મિલાવીને વાત કરશો. જ્યારે એક એવી વ્યક્તિ કે જે પોતાના શરીર અને પોતાનાં કપડાં વિશે કોન્ફિડન્ટ નથી, એના ખભા પડેલાં અથવા આગળ નમેલાં હશે કે જેથી કરીને એ પોતાનું વજન ઢાંકી શકે, એ અવારનવાર પોતાનાં કપડાં ઠીક કરવાની કોશિશ કરતી હશે, એની ચાલવાની શૈલી વિચિત્ર હશે, અને એ વારે વારે આંખ ચોરશે.

આપણા માનસિક સ્વાસ્થ્ય વિશે ઘણી બધી એવી વસ્તુઓ છે જે જાણીને તમને એવું લાગશે કે આ તો ખૂબ જ છીછરી-ઉપરછલ્લી વાત છે. પરંતુ આ બધી વસ્તુઓ પાછળનું વિજ્ઞાન એટલું જ ચોક્કસ છે. એક એવું શરીર જે સેહતમંદ નથી, તેમાં ઇન્ટરફેરોન જેવાં અનેક રસાયણ કે જે સામાન્ય રીતે શરીરમાં ઇન્ફેકશન અથવા તાવ હોય ત્યારે વધતા હોય છે એ વધી જાય છે. આ રસાયણને કારણે આપણને માંદગી મહેસૂસ થાય છે. જ્યારે તમે બીમાર હો ત્યારે તમને ખૂબ શારીરિક કસરત કરવાની ઈચ્છા ન થવાનું રસાયણ આ જ છે. આ આપણા શરીરનું એક એવું સોફ્ટવેર છે, કે જ્યારે શરીર બીમાર હોય ત્યારે, એ શારીરિક શક્તિ સાચવી અને જરૂર પૂરતું જ ઉપયોગ કરે. પરંતુ વિચારો કે જો તમે 24 કલાક આ જ અવસ્થા માં રહો, તે પણ વર્ષો અને દાયકાઓ સુધી તો એનાથી આપણા મગજનું રસાયણ અને આપણું મનોવિજ્ઞાન ખૂબ અસ્વસ્થ અને તકલીફવાળું થઈ જાય છે કે જેથી કરીને અંતતઃ આપણો આત્મવિશ્વાસ ખૂબ ઓછો હોય છે.

મન: શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય એક જ સિક્કાના બે પહેલું છે. એક વિના બીજું અને બીજા વિના પહેલું અસ્તિત્વમાં ન હોઈ શકે.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)