મારી વાર્તા:‘ક્યારેય કોઇ પુરુષની સામે પણ ના જોનારી તે આવું કરે? આવી રીતે ભાગી જાય? એ પણ ગામના ઉતાર ગોવિંદ સાથે?’

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આખા ગામમાં હાહાકાર મચી ગયો ... ગોમતી આવું કરે? ગોમતી તો બહુ સીધી યુવતી હતી. ક્યારેય કોઇ પુરુષની સામે પણ ના જોનારી તે આવું કરે? ના.. ના... ગોમતી આવું ના જ કરે...!
જે આ વાત સાંભળે તે જાણે કે સાચી માનવા જ તૈયાર નહોતું. ગોમતી હતી પણ એવી. નમણી-નાજુક અને શરમાળ લજામણી જેવી! તે ઊઠીને આવી રીતે નાસી જાય? અને તે પણ ગામના ઉતાર ગોરધન સાથે? ગોરધન એટલે એક નંબરનો બદમાશ, ગુંડો. કોઇ નાતની છોકરી પણ તેને આપવા તૈયાર નહોતું, તો પછી ગોમતી તો બ્રાહ્મણની દીકરી...! તેણે શું જોઇને આ ગોરધન ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હશે? કોઇ ગુનાહિત કૃત્ય કરવાનું આ ગોરધને બાકી રાખ્યું નહોતું.
ઘરમાં મા પથારીવશ હતી, મરવા પડી હતી એમ કહો તો પણ ચાલે. તેને કેન્સર થયું હતું, બ્લડ કેન્સર. બિચારી દુ:ખી થતી હતી, મોત માગતી હતી. મોત તો ના આવ્યું, પણ મોત જેવા સમાચાર આવ્યા. અડધી રાતે બંને મા-દીકરીને ઊંઘતાં મૂકીને નાની દીકરી ગોમતી ગોરધન સાથે ભાગી ગઇ...! મોટી મીતા તો હજુ કુંવારી હતી અને નાની ગોમતી...?! મીતા તો ઘરનો મોભ હતી, આખા કુટુંબનો આધાર હતી. તે નોકરી કરતી હતી અને તેની જ આવક ઉપર તો ઘર ચાલતું હતું. બાપ હતો નહીં. મા હતી તે પણ મરવાના વાંકે જીવતી હતી. બાકી બે બહેનો જ હતી. માનાં દવા-દારૂનો ખર્ચ પણ મીતા જ કાઢતી હતી. મા તેને પરણી જવા કહેતી હતી, પણ તે માનતી નહોતી. માના મરી ગયા પછી ગોમતીનો આધાર મીતા જ હતી. ગોમતીને પરણાવવાની જવાબદારી મીતાની હતી એટલે મીતા પરણવા માગતી નહોતી.
આ એ જ ગોમતી હતી કે જેણે શાળાની વક્તૃત્વ સ્પર્ધામાં હોંશે હોંશે ભાગ લઇ આખા ઓડિયન્સને ‘લગ્ન – એરેન્જ્ડ મેરેજ’ની તરફેણમાં કરી દીધું હતું અને પ્રેમલગ્નની તરફેણમાં બોલનારનાં છોતરે છોતરાં ઉડાડી દીધાં હતાં..! જે ગોમતી વક્તૃત્વ સ્પર્ધામાં પ્રેમલગ્નની વિરૂદ્ધમાં બોલી હતી, પ્રેમલગ્નનો પ્રચંડ વિરોધ કર્યો હતો તે જ ગોમતી નાસી ગઇ હતી...!
ગોમતીના વ્યક્તિત્વ કરતાં તેનું આ પગલું તદ્દ્ન વિપરીત હતું – એટલે જ બધાંને નવાઇ લાગતી હતી. તેની માને કે મીતાને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ગોમતી આવું પગલું ભરશે. જે ગોમતીએ ક્યારેય કોઇ પારકા પુરુષ સાથે વાત પણ કરી નહોતી એ જ ગોમતી ગામના ઉતાર એવા ગોરધન સાથે નાસી જાય, એ વાત જ કેવી રીતે માની શકાય?
ગામમાં લગ્નપ્રસંગ હોય, કોઇ મેળાવડો હોય, જુવાનિયાં ભેગાં થયાં હોય – યુવકો અને યુવતીઓમાં એકબીજાની ઠઠામશ્કરી ચાલતી હોય તો પણ ગોમતી તે બધાંથી હંમેશાં દૂર જ રહેતી, પણ તે યુવતીઓથી અલિપ્ત રહેતી નહીં. બાકી યુવાનો સામે તો જોતી પણ નહીં, અને કોની માએ સવાશેર સૂંઠ ખાધી હોય કે જે ગોમતીનું નામ લઇ શકે?
જ્ઞાતિના એવા જ એક લગ્ન પ્રસંગે જાનમાં આવેલા યુવાનો પૈકી કોઇક છેલછબીલાએ ગોમતીનો હાથ પકડવાની ગુસ્તાખી કરી હતી તો તેના બદલામાં તેના ડાબા ગાલે ગોમતીના જમણા હાથનો સણસણતો તમાચો પડી ગયો હતો! વાત એટલેથી અટકી નહોતી અને ગોમતીએ કન્યા પધરાવવાનું પણ અટકાવી દીધું હતું જ્યાં સુધી એ યુવાન માફી ના માગે ત્યાં સુધી! છેવટે એ યુવાને બધાંની વચ્ચે ગોમતીની માફી માગી ત્યારે માંડ મામલો થાળે પડ્યો હતો અને લગ્નની વિધિ આગળ ચાલી હતી.
બીજા બધાંની વાત તો છોડો, પણ તે જેની સાથે ભાગી ગઇ એ ગોરધનને પણ તેણે એક દિવસ બજાર વચ્ચે આડે હાથ લીધો હતો! બજાર વચ્ચે તે ગોમતીને જોઇ અશ્લીલ શબ્દો બોલ્યો હતો, પછી તો શું જોઇએ? ગોમતીએ તેના ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો હતો, અને તેના મોઢા ઉપર થૂંકી હતી. એ ગોમતી એ જ ગોરધન સાથે નાસી ગઇ. જે લોકો આ વાત જાણતા હતા તે આ સાંભળી મોંમાં આંગળાં નાખી દેતા હતા. આ કઇ રીતે શક્ય છે?
‘મને ઝેર લાવી આપ બેટા મીતા...’ તેની મા ચીસો પાડતી હતી. તે આપઘાત કરવા માગતી હતી અને મીતાને ઝેર લાવી આપવા કહેતી હતી. વાત તો સાચી જ હતી ને? કેન્સરના કારણે આમેય તે મરવા પડી હતી, તેમાં ગોમતીએ પડ્યા ઉપર પાટું માર્યું.
મીતા હવે એકલી જ પડી જવાની હતી, તેની માને હવે મીતાની જ ચિંતા સતાવતી હતી. અત્યાર સુધી તો એમ હતું કે તે નહીં હોય ત્યારે બંને બહેનો સંપીને રહેશે. તેમાંય તેને મીતા ઉપર વધારે વિશ્વાસ હતો. મીતા વડીલની જેમ વર્તતી હતી અને નાની ગોમતીનું ધ્યાન રાખતી હતી. તેની માને હતું કે જ્યારે તે નહીં હોય ત્યારે મીતા ગોમતીને માની ખોટ પડવા દેશે નહીં, પણ હવે તો ગોમતી જ નથી પછી ચિંતા શાની? તે માથાં કૂટતી હતી, મરવા માગતી હતી અને તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે ભલે મીતા ઝેર ના લાવી આપે તો કાંઇ નહીં, તે પોતાની ત્રણ મહિનાની દવા જે મીતા હમણાં જ લાવી હતી તે એક સામટી ખાઇ જશે, અને દવા પોતાનો રંગ બતાવશે જ ને? તે એકલી પડે તેની રાહ જોતી હતી ત્યાં મીતા બહારથી દોડતી આવી અને એક કવર તેની માને આપતાં બોલી, ‘કોઇક છોકરો આ કાગળ આપી ગયો છે તારા નામનો. કદાચ આપણી ગોમતીનો જ છે...’
‘નામ ના લઇશ એ કાળમુખીનું...’ લગભગ ચીસ જેવા અવાજે તેની મા બોલી અને કાગળ હાથમાં લીધો, ફાડી નાખવાની તૈયારી કરતી હતી તેને અટકાવીને મીતા બોલી, ‘ફાડી નાખવો હોય તો ફાડી નાખજે, પણ પહેલાં વાંચી તો લે...’ તેની માને મીતાની વાત સાચી લાગી. તેણે કાગળ કાઢ્યો અને વાંચવા માંડી. જેમ જેમ વાંચતી ગઇ તેમ તેમ તેની આંખો ભીંજાતી ગઇ. ગોમતી લખતી હતી, ‘મા, તને નવાઇ લાગતી હશે કે મેં આવું કેમ કર્યું, તો પહેલાં જ કહી દઉં કે મને માફ કરી દેજે, પણ આખી સાચી વાત જાણ્યા પછી. મા... દીદીએ ઘર માટે ઘણું બધું કર્યું છે, એક બાપની ફરજ અદા કરી છે, પછી મારી પણ કોઇ ફરજ ખરી કે નહીં તેના તરફ...?! મેં જાણ્યું કે દીદીને બેંકના કેશિયર રામભાઇ સાથે કાંઇક પ્રેમ જેવું છે, રામભાઇ તો તેની સાથે લગ્ન પણ કરવા માગે છે, પણ દીદીના માર્ગમાં હું આડી આવું છું. મને એવું જાણવા મળ્યું કે દીદી મારું લગ્ન કરાવ્યા પછી જ પોતાનાં લગ્ન માટે વિચારવાની છે એટલે જ મેં આ પગલું ભર્યું છે. હવે દીદીએ કોઇની રાહ જોવાની જરૂર નથી. મારું લગ્ન થઇ ગયું છે. તું રામભાઇને બોલાવી દીદીનો હાથ તેના હાથમાં સોંપી દેજે. મારું આટલું કામ તારે મરતા પહેલાં કરવાનું છે. મને આ બધાં કામમાં ગોરધનનો પૂરેપૂરો સાથ મળ્યો હતો એટલે તાત્કાલિક લગ્ન કરવાં હોય તો મને ગોરધન કરતાં વધારે યોગ્ય મુરતિયો ક્યાંથી મળવાનો હતો? આથી જ મેં ગોરધન સાથે લગ્ન કરી લીધાં છે, સોરી મમ્મા...’
‘તું તો મારો હીરો છે...’ કહીને તેની માએ એક નિસાસો નાખ્યો...
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...