પોઝિટિવ પેરેન્ટિંગ:તમારું બાળક મોબાઇલ-લેપટોપ જેવાં ગેજેટ્સની જિદ્દ કરે છે? ન મળે તો ધાર્યું કરાવવા ધમપછાડા કરે છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાળક કોઈ વસ્તુ નથી...એ તો એક ભાવનાત્મક વ્યક્તિ છે! પેરેન્ટિંગના પાયાનો આધાર એક જ મુદ્દા ઉપર છે કે તમે તમારા બાળકને કેવી રીતે ટ્રીટ કરો છો. એક વ્યક્તિ તરીકે અથવા એક વસ્તુની જેમ? 'વસ્તુ' બનેલું બાળક એ છે જેને વાલીઓ ખૂબ જ કન્ટ્રોલ કરતા હોય છે.

કોણ કોને કન્ટ્રોલ કરે છે?
ચાલો તમારી જોડે એક બે-વર્ષની છોકરીનો દાખલો શેર કરું. એની દિનચર્યા ખૂબ જ ટાઈટ છે અને તે તેનાં મા-બાપે તેને નાનપણથી 'કેળવણી' આપવા માટે બનાવી છે. તે દિવસ દરમિયાન પ્લે સેન્ટર જાય છે, અઠવાડિયાંમાં તેને પિયાનોના અને ડાન્સના પણ ક્લાસ હોય છે અને શનિ-રવિમાં તે સ્વિમિંગ કરવા જાય છે. તે દરેક ક્લાસિસ માટે પરફેક્ટ રીતે તૈયાર રહે છે અને જો એનાં કપડાં થોડા પણ ગંદા થાય તો તેની માતા કકળાટ કરી મૂકે છે! બધું ધ્યાન આ એકની એક છોકરી ઉપર કેન્દ્રિત રહે છે અને જ્યારે મહેમાનો સામે તેને ગાવાનું અને ડાન્સ કરવાનું આમંત્રણ આપવામાં આવે ત્યારે તે ખુશી-ખુશી તેને કરે પણ છે કારણ કે, તેને બધાના ધ્યાનનું કેન્દ્ર બનવું બહુ ગમે છે પણ આ જ છોકરી ઉપર જ્યારે ધ્યાન નથી અપાતું કે પછી તેને તેની મરજીનું કરવા નથી મળતું ત્યારે તે બહુ ગુસ્સે થઇ જાય છે. માતા-પિતા ક્યારેય તેને 'ના' નથી પાડી શકતાં. આના લીધે બે વર્ષની આટલી નાની વયે પણ જો આ છોકરીની ઈચ્છાઓ તરત પૂરી કરવામાં ન આવે તો તે જાણે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને બરાડા પાડી, કજિયો કરી અને ચીસો પાડીને પોતાનું ધાર્યું કરાવે છે. હવે એનાં સ્નેહી મા-બાપ થાકી ગયાં છે પણ છતાંય ઘરમાં એની બધી જીદ પૂરી કર્યા રાખે છે. જ્યારે તેને મહેમાનો સામે શોકેસ કરવામાં આવે ત્યારે જોનારને તે પરફેક્ટ ઢીંગલી જેવી લાગે છે. સત્ય આનાથી એક્દમ વિપરિત છે! બહાર બધાની સામે તેને પરફેક્ટ રીતે તૈયાર કરીને અને જુદા-જુદા કલાસમાં તેને જોડીને એના વાલી એના ઉપર પોતાનો કન્ટ્રોલ જતાવે છે અને ઘરે પહોંચીને આ પરિસ્થિતિ એકદમ વિપરીત થઇ જાય છે. ઘરમાં છોકરી પોતાના થાકી ગયેલાં મા-બાપને કજિયા થકી કન્ટ્રોલ કરે છે.

બાળક માટે વધુ પડતી 'હા' અને વધુ પડતી 'ના' બંને ખરાબ છે
વાલીઓને ઘણી બાબતોમાં પોતાના બાળકને શો-ઓફ કરાવવો ગમે છે પણ તેઓ ભૂલી જાય છે કે બાળક કોઈ વસ્તુ નથી કે જેને ટ્રેન કરવાની જરૂર છે. બાળક તો એક વિચારશીલ અને ભાવનાત્મક વ્યક્તિ છે, જેની સામાજિક અને માનસિક ઓળખનું નિર્માણ તેની આજુબાજુ રહેલી વસ્તુઓ અને બીજા જોડે તેના સબંધો સાથે સંકળાયેલું છે. બધાં નાનાં બાળકો પોતાના પ્રારંભિક વર્ષમાં સ્વ-કેન્દ્રિત અને નાર્સિસ્ટ (પોતાના બાહ્ય દેખાવને લઈને અભિમાની હોવું) હોય છે. વિકેન્દ્રિત થતા શીખવું એ બાળક માટે જરાય સહેલું નથી પણ તે તેના શિક્ષણનો એક જરૂરી ભાગ છે. એક તરફ એ બાળક જેણે ક્યારેય 'ના' નો અર્થ નથી જાણ્યો તે મોટો થઈને જુલ્મી બની જાય છે, તો બીજી બાજુ જે બાળકને તેના વાલીએ કદી 'હા' નથી પાડી તે મોટો થઈને અતડું અને આત્મસન્માનના અછતવાળું થઇ જાય છે. બંને સંજોગોમાં બાળક પોતાનો સાચો સ્વભાવ અને નિર્દોષતા ગુમાવી બેસે છે.

સાધન આપી પાછાં લઇ લેવાં...
પેરન્ટલ કન્ટ્રોલ અને પ્રત્યાઘાતનું એક ઉદાહરણ આપું. એક કિશોરવયના છોકરાને તેના અતિશય આગ્રહ કરવા ઉપર એક લેપટોપ અને મોંઘો સ્માર્ટફોન આપવામાં આવ્યો. આ પામીને છોકરો એક્દમ ખુશ થઇ ગયો, જે જોઈને તેના મા-બાપને પણ સંતોષ મળ્યો, પણ થોડાક સમયમાં જ જોવા મળ્યું કે તેમના દીકરાને ઈન્ટરનેટનું વ્યસન થઇ ગયું હતું અને જેવું મા-બાપને લાગ્યું કે બાળક ઈન્ટરનેટને બિનજરૂરી સમય આપી રહ્યું છે તો ફટ દઈને તેમણે તેનાં બંને સાધન જપ્ત કરી લીધા! આની એ છોકરા ઉપર આડઅસર થઈ અને ગુસ્સામાં આવીને તેને તેનાં મા-બાપ જોડે વાત કરવાની બંધ કરી દીધી! તેથી, તેના વાલી લાચારી અને હતાશા અનુભવવા માંડ્યાં. હકીકતમાં વાલીઓએ શરૂઆતમાં જ પોતાના દીકરાને કહેવાની જરૂર હતી કે તે એક લિસ્ટ બનાવે કે તેને આ સાધનો કેમ જોઈએ છે અને તે એ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવા માગે છે. આટલું જ નહીં, સામે વાલીઓએ પણ બાળકને અગાઉથી આ બંને બાબતે ચેતવણી આપવાની જરૂર હતી કે સાધનોનો 'મિસયુસ' (દુરુપયોગ) એટલે શું? અને આ સાધનોના વધુ પડતા અને ખોટા ઉપયોગથી થતી આડ અસર (જેમ કે, આંખો નબળી પડવી, સર્ફિંગનું વ્યસન, કુટુંબ અને મિત્રોથી છુટાં થઇ જવું વગેરે)ની સામે સાવચેતીના કયાં પગલાં લેવામાં આવશે. ઉતાવળમાં આવીને સાધનો જપ્ત કરવાથી તેમણે ઓચિંતાનો કન્ટ્રોલ દર્શાવ્યો જે તેમના દીકરાને ગેરવ્યાજબી લાગ્યું. આવું કરવાથી વાલીઓએ પોતાના દીકરાને આ સાધનો થકી નવું શીખવાની તકથી પણ વંચિત રાખ્યો. આ દાખલામાં વાલીઓએ પેહલા બાળકને એક સાધન આપી તેને તે સાધન સારી અને વ્યાજબી રીતે શીખવા દેવું જોઈતું હતું અને પછી સીમાઓ બાંધી બીજું સાધન આપવું જોઈતું હતું.

વાલીઓએ શું કરવું જોઈએ?
ખરા અર્થમાં શિક્ષણ એ છે જે સંસારના અવનવા અનુભવો અને વસ્તુઓ અને વ્યક્તિઓ જોડે થતી આપ-લેથી મળે છે. વાલીઓને જરૂર છે પોતાના બાળકમાં આ બાબતને લઈને એક સમજ કેળવવાની અને આ શક્ય થઇ શકે છે નેગોશિએશન (વાટાઘાટો) અને બંને પક્ષોને સ્વીકાર હોય એવી સીમાઓને બાંધીને. ફક્ત લાગણીની મીઠાશ પૂરતી નથી...તેની જોડે મક્કમતાનો કડવો ઘૂંટ પણ અનિવાર્ય છે. સાથે-સાથે બહુ કડકાઈ અને નિયંત્રણશીલ વ્યવહાર પણ ખતરનાક છે કારણ કે, તે કોઈક દિવસ બાળકને વિદ્રોહ કરવા માટે ઉશ્કેરી શકે છે.

વિચારવા જેવા મુદ્દા
ઉપર આપેલાં ઉદાહરણોના આધારે વિચારવા અને અમલમાં મૂકવા માટે થોડાક મુદ્દા નીચે આપવામાં આવ્યા છેઃ

  • સૌપ્રથમ, તમારા બાળકના હિતમાં કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તમારી જાતને પૂછો કે તમે આ નિર્ણય કેમ લઇ રહ્યા છો? ઘણી વખત નિર્ણય બાળકના હિત માટે નહીં પણ વાલીની પોતાની જરૂરિયાતને પોષવા માટે લેવાતા હોય છે; પછી તે પેરન્ટલ ઈગો (અહમ) હોય કે કોઈ ગિલ્ટ (અપરાધ ભાવના) જેનું નિવારણ લાવવું જરૂરી છે. દાખલા તરીકે, બીજાની નજરમાં તમારો ઇગો સંતોષવા માટે કે પછી પોતાને પડેલી અછત બાળકને ના પડવી જોઇએ એ હેતુથી પોતાના બાળકને બધું આપવું... ભલે ને પછી તેને તે જોઈતું હોય કે ન જોઇતું હોય!
  • બીજી વસ્તુ છે નિખાલસ ચર્ચા. જેના થકી બાળકને પોતાની ભાવનાઓ અને રુચિઓ વ્યક્ત કરવા દો. આનાથી જ બાળક એક વધુ સ્વસ્થ 'સ્વ'નું નિર્માણ કરવામાં સક્ષમ થશે.

આદર્શ પેરેન્ટિંગનો સાચો અર્થ છે બાળકને કુટુંબમાં તેની જગ્યા મેળવવામાં મદદ કરવી. જેથી, તે આગળ જઈને સંસારમાં પોતાના હકનું સ્થાન મેળવી શકે.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)