તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ પેરેન્ટિંગ:શું તમે તમારા બાળકને મુક્તપણે જીવવા દેવા માગો છો? તો બાળકને જકડીને નહીં પણ મુક્ત રાખો...

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બિનશરતી પ્રેમ અને સ્વીકૃતિ મનુષ્યના સ્વ-મૂલ્યનો પાયો છે પણ ઘણા પુખ્તવયના લોકો શેર કરે છે કે કઈ રીતે બાળક તરીકે તેમણે ઉપેક્ષા, અવગણના, પ્રેશર, નિંદા...અને અબ્યુઝ (શોષિત) થવા જેવી નકારાત્મક ફીલિંગ્સ અનુભવી હતી. બિનશરતી પ્રેમનો સંબંધ મુક્ત કરવા જોડે છે. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે - ઇફ યુ લવ સમથિંગ સેટ ઇટ ફ્રી. ઇફ ઈટ કમ્સ બેક ઈટ ઇઝ યોર્સ; ઇફ ઇટ ડઝ નોટ, ઈટ નેવર વોઝ (એટલે જો તમે કોઈ વસ્તુને પ્રેમ કરતા હો તો તેને મુક્ત કરી દો. જો એ પાછું આવે તો એ તમારું છે અને જો એ પાછું ન આવે તો એ તમારું ક્યારેય હતું જ નહીં). શું આ જ કહેવત એ વ્યક્તિ ઉપર પણ લાગુ પડે છે જેને તમે પ્રેમ કરતા હો છો? શું આપણે ખરેખર એ વ્યક્તિને મુક્ત કરી શકીએ છીએ જેને આપણે પ્રેમ કરતા હોઈએ છીએ? અને જો હા તો 'મુક્ત કરવું' એટલે શું?

બાળકનાં નાનપણથી જ વાલી એની બધી ભૌતિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરે છે. જેના લીધે તે બંને વચ્ચે એક અતૂટ બોન્ડ સર્જાય છે, જે આગળ જઈને વાલી માટે બાળકના ઊંડા અટેચમેન્ટનું સ્વરૂપ લઈ લે છે. પોતાના બાળકની સુરક્ષા અને વેલ-બીઇંગ (સુખાકારી)ને લઈને વાલીની ચિંતા સ્વાભાવિક છે પણ ઘણીવાર આ લાગણી નિયંત્રણનું રૂપ લઇ લે છે અને વાલી બાળકને એનાં સ્વપ્ન પૂરાં કરવા માટે ઘરરૂપી માળો છોડીને બહાર જવાની મંજૂરી નથી આપી શકતાં.

મનુષ્ય-મનુષ્ય વચ્ચે બિનશરતી પ્રેમ થોડો આકરો છે પણ આનાં ઘણાં ઉદાહરણ આપણને પશુ-મનુષ્ય વચ્ચેના સંબંધમાં મળે છે. લંડનમાં વર્ષ 1969માં એકવાર બે ઓસ્ટ્રેલિયન યુવકો - જોન રેન્ડલ અને એન્ટની બોર્ક - હેરોડ્સ દુકાનમાં આંટો મારવા ગયા. ત્યાં તેમને એક સિંહનું બચ્ચું પાંજરામાં જોયું, જે 12 પાઉન્ડમાં વેચાતું હતું. તેનાથી આકર્ષાઇને તેમણે તેને ખરીદી લીધું અને પોતાના લંડનના અપાર્ટમેન્ટમાં તેને ઉચ્છેરવા માંડ્યા. તેમણે તેનું નામ ક્રિસ્ટીયન પાડ્યું અને જોતજોતામાં તે નાનું બચ્ચું એક સ્વસ્થ સિંહ બની ગયું. પછી એક દિવસ તેમણે તેને કેન્યાના જંગલમાં મુક્ત કરી દેવાનું નક્કી કર્યું. આ આખી પ્રક્રિયાનું સંચાલન જોર્જ એડમસન ('બોર્ન ફ્રી' ફિલ્મના લેખક અને રચેતા)ના દેખરેખ હેઠળ કરવામાં આવ્યું. તેમણે જંગલમાં સિંહને મુક્ત કરતાં પહેલાં તેને જંગલમાં રહેવાની ટ્રેનિંગ આપી.

વર્ષ 1971માં બોર્ક અને રેન્ડલ, ક્રિસ્ટીયનને જોવા કેન્યા ગયા. હવે ક્રિસ્ટીયન પાસે પોતાનું સિંહોનું ઝૂંડ તો હતું જ પણ સાથે એક પાર્ટનર અને પોતાનાં નાનાં બચ્ચાં પણ હતાં! થોડી ક્ષણો સુધી તેમની સામે જોયા પછી ક્રિસ્ટીયન તેના જૂના માલિકોને તો ઓળખી જ ગયો પણ સાથે તે દોડીને તેમની પાસે જઈને પોતાના મોટા પંજાઓ તેમના ગળામાં નાખીને તેમને લાડ પણ લડાવવા માંડ્યો! આ ભાવનાત્મક ક્ષણો કેમેરામાં કેપ્ચર થઈ છે અને તમે આ વીડિયો યુટ્યુબ ઉપર પણ જોઈ શકો છો.

જો કે રેન્ડલ અને બોર્ક બંને આ સિંહના બચ્ચાંનાં વાલી જેવાં જ હતાં. તેમણે તેને ઉછેર્યો અને જ્યારે તેમને એવું લાગ્યું કે હવે તે મોટો થઇ ગયો છે ત્યારે તેઓ સમજી ગયા કે હવે તેને મુક્ત કરવાનો સમય આવી ગયો છે. તેઓ તેને પ્રાણીસંગ્રહાલયમાં પણ આપી શકતા હતા જ્યાં વધુ સુરક્ષિત તો હોત જ પણ તેનું પૂરતું ધ્યાન પણ રાખવામાં આવત, પણ એ લોકોએ સિંહને પોતાના પ્રાકૃતિક રહેઠાણમાં છોડવાનું પસંદ કર્યું. એ લોકોએ રિસ્ક (જોખમ) લઈને એને જવા દીધું.

જો કે, પોતાના બાળકને જવા દેવું એ ઘણા વાલીઓ માટે ખૂબ જ આકરું હોય છે. આ પ્રક્રિયાની શરૂઆત નર્સરીથી થાય છે, જ્યારે માતાઓ સ્કૂલના ગેટે પોતાના બાળકને ગળે લગાડીને તેમની ચિંતા પ્રગટ કરે છે. માની આ વ્યગ્રતા બાળકમાં ટ્રાન્સફર થાય છે અને તે ડરીને આખો એ સમયગાળો પૂરો કરે છે! પછી આવે છે સ્કૂલ પૂરી કર્યાં પછી બાળકને મુક્ત કરવાનો તબક્કો... જે ફરી પાછો આકરો છે અને ઘણી માતાઓ તો પોતાના બાળકને તેના મોટા થઇ ગયા પછી અને પરણ્યા પછી પણ પોતાની જોડે ચોંટાડી રાખે છે! એવા પણ વાલીઓ હોય છે જે આખી ઉંમર બાળક ઉપર પોતાનો કાબુ રાખે છે અને તેઓ જ બાળકના જીવનના બધા જરૂરી નિર્ણયો લે છે - પછી ભલે ને તે નિર્ણય તેના કપડાં વિશે હોય કે પછી મિત્રોની પસંદગી વિશે કે પછી આગળ જઈને તેમના પાર્ટનરની પસંદગી વિશે પણ! આ રીતે વાલીઓ પોતાના અધૂરાં સપનાં અને વણઉકેલાયેલી હતાશાઓ પોતાના બાળકો થકી પૂરી કરવાનો સતત પ્રયત્ન કરે છે.

ક્રિસ્ટીયન સિંહની આ ફિલ્મમાં આપણને એક આશ્ચર્ય ભરેલી ક્ષણ જોવા મળે છે જ્યારે સિંહનો પાર્ટનર પણ આવીને રેન્ડલ અને બોર્કને લાડ લડાવે છે. બંને બાજુ એક બિનશરતી પ્રેમ અને સ્વીકૃતિની ભાવના દેખાય છે. હવે એક નજર આપણા સમાજ ઉપર નાખીએ - કેટલાય કુટુંબોએ પોતાના બાળકે પસંદ કરેલા લાઈફ પાર્ટનરને ના અપનાવીને એક આજીવન ટ્રેજેડીની રચના કરી છે. ઘણીવાર એક દીકરીને પોતાના સાસરામાં પારકા હોવાનો અનુભવ થયો છે. ઘણી વખત બાળકોનો ઉછેર કરીને તેમને એવું કહેવામાં આવ્યું છે કે તેમણે તેમના મા-બાપની બધી (વ્યાજબી કે ગેરવ્યાજબી) ઈચ્છાઓનું માન રાખવું જોઈએ કારણ કે, વાલીઓએ તેમના માટે ઘણાં બલિદાન આપ્યાં છે. હું કેટલીય એવી માતાઓને જોઉં છું જેમણે હજી અમ્બિલિકલ કોર્ડ (નાભિનાળ)ને કાપી નથી. આવી માનાં સંતાનો માટે તેમની માનો પ્રેમ એક જાતના નિયંત્રણનું જ સ્વરૂપ છે, જે આગળ જઈને એમને એટલી મજબૂતીથી જકડી રાખે છે કે બાળકને ગૂંગળામણ અનુભવાય છે કારણ કે, નિયંત્રણનું બીજું પગલું દખલગીરી છે. એટલે નવાઈની વાત નથી કે ઘણા યુવા બાળકો પોતાની જડથી અલગ થઈને પણ જીવનને પોતાની શરતો પર જીવવા માગે છે.

પણ આનો અર્થ એ નથી કે તમે બાળકની અવગણના કરો કે પછી એની જોડેના બધા તાર કાપી નાખો. મુક્ત કરવું એટલે પેહલા બાળકને તેના ભવિષ્યના જીવન માટે તૈયાર કરવું - એટલે એને જરૂરી કૌશલ્ય પ્રદાન કરવાં અને પછી થોડાક પાછા હટી જવું. આનો અર્થ એ પણ છે કે હંમેશાં બાળકની જોડે ન રહો પણ ત્યારે તરત હાજર થઇ જાઓ જ્યારે બાળકને તમારી જરૂર હોય. આનો અર્થ છે બાળકને તૈયાર કરવાં. જેથી તેઓ તેમના સ્વપ્નો પૂરાં કરી શકે.

તો આજથી જ નક્કી કરી લો કે હેલિકોપ્ટર પેરેન્ટિંગ કે લોનમોઅર પેરેન્ટિંગ કરતાં તમે હમિંગબર્ડ પેરેન્ટિંગ અપનાવી તમારા બાળકને ઉડવા માટે પાંખ અને વધવા માટે જડ આપશો...
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...