મનન કી બાત:શું તમે તમારી આવક વધારવા માગો છો?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જય 28 વર્ષનો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો એક યુવાન છે. જય મનોચિકિત્સક પાસે આવીને કહે છે કે 'સર, મારી લાઇફમાં એક જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. હું કામ ખૂબ જ દિલથી કરું છું, આખી ઓફિસમાં સૌથી વધારે સેલ્સ પણ મારા જ છે, સર પણ મારાથી સૌથી વધુ ખુશ છે અને મારી સામે આજ સુધી એક પણ ફરિયાદ નોંધાયેલી નથી. પરંતુ જ્યારે પણ મારે મારા બોસ જોડે પગાર વધારો કરવાની વાત આવે ત્યારે મારા હાથ-પગ ઠંડા પડી જાય છે અને હું એમને મનાવી નથી શકતો કે હું તમારી કંપની માટે કેટલો મહત્ત્વપૂર્ણ કર્મચારી છું.' આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો એવું થયું જ હશે કે આ મીઠા બોલા લોકો પોતાનું કામ હંમેશાં કઢાવી લે છે. પરંતુ આપણે લોકો જે બહુ સારું કામ કરીએ છીએ પણ આપણી કદર આપણી કામની જગ્યાએ કરાવી શકતા નથી. તેની સીધી અસર આપણી આવક અને આપણા પ્રમોશન સુધી પહોંચે છે. તો એવી વાતો કરતા કેવી રીતે શીખવું જે આપણને આપણાં સપનાં પૂરાં કરવામાં મદદ કરી શકે?

કલાવવું એટલે કે સામેવાળાને આપણે કરાવવું હોય એ કેવી રીતે કરવું પર બહુ બધાં પુસ્તકો લખાયેલાં છે. ‘નેવર સ્પ્લિટ ધ ડિફરન્સ અને પર્સ્યુએશન’ સૌથી લોકપ્રિય પુસ્તક છે. તો મનોચિકિત્સા અને આવાં અનેક પુસ્તકોનો નિચોડ આ પ્રમાણે છેઃ

1. હંમેશાં અરીસો બનો

 • લોકોને ક્યારેય સામેવાળાને સાંભળવામાં ખૂબ રસ હોતો નથી. આ વાક્ય આપણે જેટલું વહેલું સ્વીકારી શકીએ એટલું સારું છે.
 • હંમેશાં સામેવાળાની આપણા પાસેથી શું અપેક્ષા છે એ સાંભળવા માટે આતુર રહેવું.
 • સાચા અર્થમાં આપણે સામેવાળાને સાંભળીએ કે ન સાંભળીએ એને એવો અહેસાસ થાય કે આપણને એના શબ્દોની અને એનાં વાક્યોની ખૂબ કદર છે તો પણ આપણે અડધો જંગ જીતી જઈએ છીએ.
 • એક અરીસા માફક સામેવાળો જે પણ બોલે એ સાંભળી અને એનું પ્રતિબિંબ અલગ શબ્દોમાં તેને થોડા-થોડા સમયે આપતા રહીએ તો એને એ વસ્તુનો ચોક્કસ અહેસાસ થાય છે કે આ વ્યક્તિ મને સાંભળે છે અને હું એના માટે મહત્ત્વનો છું.

2. તમે શું કહો છો એ મહત્ત્વનું નથી. તમે કઈ રીતે કહો છો એ મહત્ત્વનું છે

 • આપણો ટોન ખૂબ મહત્ત્વનો છે.
 • કંઈ પણ બોલતી વખતે જો આપણા અવાજમાં તણાવ કે ડરનો સહેજપણ ભાસ થશે તો સામેવાળી વ્યક્તિ આપણને સાંભળવા માટે આતુર નહીં હોય.
 • કોઇપણ મહત્ત્વની મીટિંગ કરતાં પહેલાં અરીસા સામે ઊભા રહો અને એ વિચારો કે હું કેવી રીતે વાત કરીશ તો સામેવાળી વ્યક્તિને એવું લાગશે કે હું એક આત્મવિશ્વાસી, શાંત અને સ્થિતપ્રજ્ઞ માણસ છું.
 • જેટલો આપણા અવાજમાં ઠહેરાવ આત્મવિશ્વાસ અને અનુભવ દેખાશે એટલી જ આપણી વાત વધુ ને વધુ માન્ય લાગશે.

3. કોઈપણ વાત દરમિયાન સામેવાળાની લાગણીઓ પર સતત ધ્યાન આપવું

 • ઘણા લોકો પોતાની વાત કરતી વખતે ક્યાં તો આંખ બંધ કરી દેતા હોય છે ક્યાં તો સામેવાળી વ્યક્તિ શું બોલે છે એ જ સાંભળતા હોય છે, એ લોકો સામેવાળાની કહેવાની શૈલી અથવા બોડી લેંગ્વેજ પર સહેજ પણ ફોકસ નથી કરતા.
 • આપણી વાતની સામેવાળી વ્યક્તિ ઉપર શું અસર થાય છે એ જાણવાનું સૌથી સારું માધ્યમ છે એના ચહેરા અને બોડી લેંગ્વેજ પરથી મળતો ફીડબેક.
 • જ્યારે પણ આપણે કોઇપણ વાત કરીએ તો સતત એક નિન્જા માફક શાર્પ નજરે આપણે સામેવાળી વ્યક્તિના ચહેરા પરની નવી અને એની બોડી લેંગ્વેજને ખૂબ નજીકથી નિહાળવી જોઈએ અને આપણી વાત કહેવાની શૈલી એ પ્રમાણે બદલતી રહેવી જોઈએ.

4. સંવેદનશીલતા

 • કોઈપણ માસ્ટર કમ્યુનિકેટરને તમે પૂછશો તો તે એમ જ કહેશે કે કોમ્યુનિકેશન સ્કીલના મધ્યમાં રહે છે સંવેદનશીલતા
 • કોઈપણ વાત દરમિયાન 'તમારી આ વાત ચોક્કસ સાચી છે'.. ' હું સમજી શકું છું કે તમે આવું કેમ માનો છો' 'તમારી પરિસ્થિતિ હું ચોક્કસ સમજી શકું છું' 'હું તમારી જગ્યાએ હોત તો કદાચ હું પણ આ જ વિચારતો હોત.'
 • આ બધા ઉપરનાં વાક્યો કોઈપણ કોમ્યુનિકેશન દરમિયાન ગેમ ચેન્જર છે.
 • આ વાક્યોમાંથી કોઈપણ વાક્યનો ઉપયોગ કર્યા પછી જો તમે તમારું મંતવ્ય કહેશો તો સામેવાળી વ્યક્તિને એવું લાગશે કે તમે એની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરી અને એના પછી તમે કંઈક નવી વાત કરી રહ્યા છો.

5. સામેવાળાને એવો અહેસાસ અપાવો કે એ નિયંત્રણમાં છે

 • કોઈપણ વ્યક્તિએ હંમેશાં પોતે જ કોઈપણ વાતમાં નિયંત્રણમાં રહેવું ગમતું હોય છે
 • પરંતુ વાસ્તવિક રીતે નિયંત્રણ કોના હાથમાં હોય છે એ જ વ્યક્તિને ખબર હોય છે જે સાંભળતું હોય છે.
 • 'તો હવે આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ?' 'હું સમજી શકું છું કે અત્યારે કંપનીની પરિસ્થિતિ એવી છે કે એ પગાર વધારો કરી ન શકે પરંતુ તમે જ મને કહો કે આ મોંઘવારીમાં પાંચ લોકોનું ઘર મારે કઈ રીતે ચલાવવું?'
 • જો સામેવાળાને એવો અહેસાસ થશે કે આખી વાત દરમિયાન નિયંત્રણ એની પાસે હતું તો અંતે એ જવાબ માટે પણ જવાબદેહી બનશે.

મન: બધી ટેક્નિક ઉપરાંત એક મુખ્ય ટેક્નિક છે બ્લેક સ્વાન. કોઈપણ વાતમાં ટ્રમ્પ કાર્ડ હોય અથવા એક એવું પાસું હોય છે જેને હુકમનો એક્કો કહી શકાય. એ હંમેશાં આપણી પાસે રાખવો. એનો સદુપયોગ અને દુરુપયોગ કરતા પણ જો આપણને આવડશે તો આપણે સામેવાળી વ્યક્તિ પાસે ચોક્કસ પોતાનું કામ કઢાવી શકીશું.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)