સુખનું સરનામું:શું તમારે સફળતાના આકાશમાં ઊંચે-ઊંચે ઊડવું છે... તો અનુકૂળતા અને સગવડતાની ડાળ છોડો તો જ સફળતા મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક રાજાને વિવિધ પ્રકારનાં પક્ષીઓ પાળવાનો શોખ હતો. એક વખત રાજા કોઇ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાનાં બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખૂબ સુંદર હતાં. રાજાએ આ બંને બાજને તાલીમ આપીને બીજાં બાજ કરતાં જુદા પાડવાનું નક્કી કર્યું. પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ આ વિષયના નિષ્ણાત એવા એક ખાસ માણસની નિમણૂક કરી. બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ નિષ્ણાતે શરૂઆત કરી. દિવસો પસાર થવા લાગ્યા. એક પક્ષી ખૂબ સરસ રીતે આકાશમાં ઊડતું હતુ. ઊડતી વખતે જાતજાતનાં કરતબ પણ કરતું હતું, જ્યારે બીજું બાજ માત્ર ઝાડની ડાળી પર બેસી રહે. તાલીમકાર બિચારો ગમે એટલા પ્રયત્ન કરે પણ ઊડવાનું નામ જ ન લે.

તાલીમ આપનારાએ રાજા પાસે આવીને બધી વાત કરી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇ વ્યક્તિ પક્ષીને ઊડતું કરી દેશે તેને 1000 સોનામહોરનું ઇનામ આપવામાં આવશે. ઇનામની રકમ બહુ મોટી હતી એટલે ઘણા નિષ્ણાતો આવ્યા. જાતજાતની તરકીબો અજમાવી પણ પક્ષી ઊડવાનું નામ જ ન લે. બધાએ કંટાળીને પ્રયાસો છોડી દીધા. એકદિવસ દેખાવમાં સાવ સામાન્ય એવો માણસ રાજાને મળવા આવ્યો. રાજ્યના છેવાડાના નાના એવા ગામડાનો ખેતીકામ કરનારો અભણ ખેડૂત હતો. રાજાને મળીને એણે પક્ષીને ઊડતું કરવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી. રાજાએ કહ્યું, 'ભાઈ, આ વિષયના મોટા-મોટા નિષ્ણાતો પણ આ કામ કરી શક્યા નથી. જ્યાં વિષય નિષ્ણાતો પણ પાછા પડ્યા છે ત્યાં તું આ કામ કરી શકીશ? મને તો લાગે છે કે તું તારો અને મારો બંનેનો સમય બગાડે છે.' ખેડૂતે કહ્યું, 'મહારાજ, મને એક તક તો આપો. હું ભલે ભણવા માટે શાળાએ ન ગયો હોઉં પણ અનુભવોના આધારે હું જીવનમાં ઘણું શીખ્યો છું. હું તમને વચન આપું છું કે જે બીજા નથી કરી શક્યા એ કામ કરીને બતાવીશ.' આત્મવિશ્વાસથી છલોછલ ખેડૂતને જોઇને રાજાને પણ તેને કામ સોંપવાની ઇચ્છા થઇ ગઇ અને રાજાએ ખેડૂતની વાત માન્ય રાખી.

બીજા દિવસથી ઝાડ પર બેસી રહેનારા બાજને ઉડાડવા માટે ખેડૂતે પ્રયાસો શરૂ કરી દીધા. શરૂઆતમાં બે-ત્રણ દિવસો તો ખેડૂત બાજનું નિરીક્ષણ જ કરતો રહ્યો. બાજને ઉડાડે તો ફરી પાછું આવીને ઝાડ પર બેસી જાય. ખેડૂતની તાલીમ જોવા આવનાર બધાને એવું લાગ્યું કે આ ખેડૂત કદાચ કંઇ જ નહીં કરી શકે. પરંતું બધાના આશ્ચર્ય વચ્ચે થોડા દિવસમાં ડાળી પર બેસી રહેલા પક્ષીએ ઊડવાની શરૂઆત કરી દીધી અને થોડા સમયમાં તો એ આકાશમાં ઊંચે-ઊંચે ખૂબ સારી રીતે ઊડવા લાગ્યું. રાજા સહિત બધાને થયું કે આ ખેડૂતે એવું તે શું કર્યું કે માત્ર થોડા દિવસમાં જ પક્ષીએ ઊડવાની શરૂઆત કરી દીધી? જે કામ મોટા-મોટા નિષ્ણાતો ન કરી શક્યા એ કામ એક સામાન્ય ખેડૂતે કઇ રીતે કરી બતાવ્યું? આ રહસ્ય જાણવાની ઇચ્છા રાજાની સાથે સાથે બધા જ દરબારીઓ અને વિદ્વાનોને પણ હતી એટલે રાજાએ ખેડૂતને દરબારમાં બોલાવ્યો.

ખેડુતે પક્ષીને કેવી રીતે ઊડતું કર્યું એ બાબતની સ્પષ્ટતા કરવા રાજાએ આજ્ઞા કરી એટલે ખેડૂતે સ્પષ્ટતા કરતાં કહ્યું, 'મહારાજ, હું કંઇ પક્ષીવિદ્ નથી. મને એ બાબતમાં કંઇ વિશેષ જ્ઞાન પણ નથી. પક્ષીને ઊડતું કરવા માટે મેં સૌપ્રથમ ધ્યાનથી એનું નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમ્યાન મારા ધ્યાનમાં આવી ગયું કે પક્ષીને ઝાડની એક ડાળ સાથે વળગણ થઇ ગયું છે એટલે એ ડાળ છોડીને ક્યાંય જતું નહોતું. જાય તો પણ થોડી જ વારમાં ફરી એ જ ડાળી પર આવીને બેસી જાય. મેં એ ડાળ જ કપાવી નાખી, જે ડાળ પર એ બેસી રહેતું. હવે એની પાસે ઊડવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો એટલે એણે ઊડવાની શરૂઆત કરી દીધી.'

આપણે પણ આપણી અનુકૂળતા અને સગવડતાની ડાળ પકડીને બેસી ગયા છીએ અને એટલે સફળતાના આકાશમાં ઊંચે ઊડી શકતા નથી. એક સફળ વ્યક્તિ બનવા માટેની આપણામાં કોઇ ક્ષમતા નથી એવું સહેજપણ નથી. પરંતુ આપણે આપણી એ ક્ષમતાનો ઉપયોગ જ નથી કરતા કારણ કે, આપણને કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનું પસંદ જ નથી. અનેક એવી પ્રતિભાઓ ખીલતા પહેલાં જ મૂરઝાઈ જાય છે અથવા તો પૂર્ણ રીતે ખીલી શકતી નથી કારણ કે, એને પડકારોનો સામનો કરવાને બદલે શાંતિથી બેસી રહેવું વધુ ગમે છે. મને સરકારી નોકરી મળી એ પહેલા હું ગોંડલમાં ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. મારી પાસે એક વિદ્યાર્થી ભણવા માટે આવતો જે એકાઉન્ટમાં માસ્ટર હતો. બાકીના બીજા વિષયોમાં પણ એ ખૂબ હોંશિયાર હતો. ઘણી વખત તો જે દાખલાઓ હું ન ગણી શકું એ દાખલા એ ગણી બતાવતો. આ છોકરો ભવિષ્યમાં બહુ ઊંચા હોદ્દા પર પહોંચશે અને સફળ વ્યક્તિ તરીકે લોકો એને યાદ કરશે એવું મને લાગતું હતું. એમણે એમ.કોમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બહુ મોટી રકમ આપીને એક સહકારી બેંકમાં પટાવાળાની નોકરી ચાલુ કરી. મને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે આઘાત લાગ્યો. હું એને મળવા માટે ગયો તો મને કહે, ‘સાહેબ જીવનમાં ખોટાં જોખમો શું લેવા? આ શાંતિની નોકરી છે. બીજી કોઇ માથાકૂટ નહીં. ખાઇ-પીને મોજ કરવાની અને હમણાં થોડાં વર્ષમાં ક્લાર્ક થઇ જઇશ.’ મને ખૂબ દુ:ખ થયું કે એક પ્રતિભાવંત વ્યક્તિ માત્ર કમ્ફર્ટ ઝોન ન મૂકી શકવાને કારણે પટાવાળો બની ગયો.

દક્ષિણ ભારતના છેવાડેથી પોતાના પરિવારથી દૂર ગુજરાતમાં આવીને 5,000 રૂપિયામાં પણ નર્સ તરીકે નોકરી કરતી કોઇ છોકરીને જોઇએ ત્યારે એમ થાય કે ગુજરાતની છોકરી આ રીતે બીજા રાજ્યમાં જઇ શકે ખરી? અરે, બીજા રાજ્યની વાત તો એકબાજુ રહી, બીજા જિલ્લામાં જતાં પહેલાં પણ સાત વાર વિચાર કરે. જ્યાં સુધી આપણે આપણી ડાળીને વળગીને પડ્યા રહીશું ત્યાં સુધી આકાશમાં ઊંચે ઊડી શકવાના નથી. એક જ શાળામાં સાથે ભણાવતા બે શિક્ષકમાંથી એક થોડી હિંમત કરીને સુરક્ષિત ક્ષેત્રની બહાર નીકળે અને સરકારી નોકરી છોડીને પોતાની ખાનગી શાળા શરૂ કરે અને બીજા શિક્ષક બસ એમ જ ક્ષમતાઓ હોવા છતાં સરકારી સેવા ચાલુ રાખે એનું પરિણામ એ આવે કે જેણે નોકરી મૂકી દીધી હોય એ 15,000 વિદ્યાર્થીઓને ભણાવતી અને કરોડોનું ટર્નઓવર કરતી શાળાના અબજોપતિ સંચાલક હોય અને બીજા સરકારનું પેન્શન લેતા હોય અને હવે મોંઘવારીનો વધારો કેટલા ટકા મળશે તેની ગણતરી કરતા હોય. મારી આ વાતનો મતલબ એવો બિલકુલ નથી કે બધાએ સરકારી નોકરી મૂકીને ધંધા-વ્યવસાય શરૂ કરી દેવા. (કોઇ કરે પણ નહીં એની સાબિતી ફિક્સ પગારમાં પણ નોકરીમાં ચીપકી રહેલા કર્મચારીઓ છે) પણ જરૂર પડે ત્યારે સુરક્ષાક્ષેત્રની બહાર નીકળવાની તૈયારી રાખવી.

ક્ષમતાઓ તો આપણા બધામાં પણ બાજ પક્ષી જેવી જ છે પણ કોઇ નાના-મોટા સહારે બેઠા છીએ અને એ સહારો છોડવાની તૈયારી નથી એટલે જ ઊડી શકતા નથી. તમે સમાજમાં એવા કેટલાય લોકોને જોયા હશે કે એની સહારારુપી ડાળી કપાવાની સાથે જ સફળતાના આકાશમાં મસ્તીથી ઊડતા હોય છે. મોટાભાગના ઉદ્યોગપતિઓ આનું ઉદાહરણ છે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)