તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનન કી બાત:શું તમે ધોની જેવો કોન્સન્ટ્રેશન પાવર કેળવવા માગો છો?

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

કેવિન MBBSના ચોથા વર્ષનો વિદ્યાર્થી છે. મેડિકલનું ભણવાનું ખૂબ અઘરું અને વધારે હોય છે. અઢળક પુસ્તકોમાંથી અપાર વસ્તુઓ વાંચવી અને એમાંથી બધી વસ્તુઓ યાદ પણ રાખવી એ એક મોટી ચેલેન્જ છે. આપણને સર્વેને ધોનીની વર્લ્ડકપ ફાઇનલમાં મારેલી છેલ્લી સિક્સ અને એની ફાઇનલની ઇનિંગ્સ યાદ છે. આપણે ચોક્કસ એ વિચાર્યું હશે કે આટલા કપરા અને પ્રેશરવાળા સમયમાં ધોની આટલો ફોક્સ્ડ અને સ્થિતપ્રજ્ઞ કઈ રીતે રહી શકે છે! આપણે મોટા-મોટા પ્લેયર્સને પ્રેશરમાં પોતાનું સંતુલન ગુમાવીને ભૂલ કરતા જોયા છે અને આપણે પોતે પણ મહત્ત્વની પરીક્ષા અથવા પ્રેઝન્ટેશન પર નર્વસ થઇ જઈએ છીએ. તો એવી શું પ્રક્રિયા હોય છે અથવા મનોસ્થિતિ હોય છે જે ધોની જેવા મહાન ખેલાડીઓ પાસે હોય છે અને આપણે એ કઈ રીતે કેળવવી?

મિહાય ચિકસેનમિહાય નામના એક પ્રોફેસરે આ વિષય પર ખૂબ રિસર્ચ કર્યું છે અને એમણે એ પુસ્તક લખ્યું છે જેનું નામ છે 'ફ્લો'. આ સિવાય આ વિષય પર સ્ટીવન કોટલરે એક પુસ્તક લખ્યું છે 'રાઇઝ ઓફ સુપરમેન: ડિકોડિંગ ધ સાયન્સ ઓફ સુપરહ્યુમન પર્ફોર્મન્સ'. આ જ વસ્તુ આપણાં શાસ્ત્રોમાં પણ 'સ્થિતપ્રજ્ઞ' અવસ્થા તરીકે લખાયેલી છે ત્યારે ચાઈનીઝ કલ્ચરમાં એને 'વું વી' તરીકે વર્ણવામાં આવ્યું છે, જે વિખ્યાત ફિલોસોફર લાઓ ત્સેએ પોતાના પુસ્તક 'દાઓ ત્સે ચિંગ'માં પહેલીવાર ઉપયોગમાં લીધી હતી.

શું હોય છે ફ્લો સ્ટેટ?

 • એક એવી માનસિક અવસ્થા જેમાં આપણને સમયનું જ્ઞાન નથી રહેતું.
 • જેમાં આપણને આસપાસ ચાલી રહેલી અંધાધુંધીથી કોઈ ફરક નથી પડતો.
 • જેમાં આપણી ધ્યાનશક્તિ એની ચરમસીમા પર હોય છે.
 • જેમાં આપણી માનસિક શક્તિઓનો વધુમાં વધુ ઉપયોગ થઇ શકે છે.
 • જેમાં આપણે એક ખુશીની અવસ્થામાં હોઈએ છે.
 • આપણા જીવનમાં ચાલી રહેલી બીજી કોઈપણ તકલીફો આપણને યાદ નથી આવતી.

તમે જીવનમાં ક્યારેક ને ક્યારેક આ મનોસ્થિતિ અનુભવી જ હશે

 • જ્યારે તમે ડાન્સ અથવા તમારી પસંદગીની ક્રિયા કરી રહ્યા હતા.
 • જ્યારે તમે કામમાં ખૂબ મશગુલ થઇ ગયા હતા અને સમયનું જ્ઞાન નહોતું રહ્યું.
 • જ્યારે તમને તમારા જીવનની કોઈ તકલીફો યાદ નહોતી આવતી અને એક એવી માનસિક અવસ્થામાં હતા જયારે તમે અને તમારા કામ સિવાય કશું મહત્ત્વ નહોતું રાખતું.

આપણે કઈ રીતે ફ્લો સ્ટેટમાં જઈ શકીએ?
ફ્લો સ્ટેટમાં જવાના 4 પગલાં હોય છે.

સંઘર્ષ
પહેલા ચરણમાં પોતાને એક એવા સંઘર્ષથી પડકાર આપવો જે કરવું આપણા માટે સહેજપણ સહેલું નથી. આ પહેલું પગલું છે અને કદાચ સૌથી મહત્ત્વનું પણ. જયારે આપણે પોતાની સામે એક એવો પડકાર મૂકીએ જે ખરેખર ખૂબ મુશ્કેલ છે તો આપણા મગજમાં કોર્ટિસોલ અને એડ્રિનાલિન નામના રસાયણો બને છે, જેનાથી આપણે થોડા ચિંતિત મેહસૂસ કરીએ છીએ.

રિલેક્સ
બીજા ચરણમાં જ્યારે મગજ એકદમ પડકારરૂપ બનીને થાકી ગયું હોય ત્યારે અચાનક એક બ્રેક લઇએ અને મૂકી દઈએ એટલે આપણા મગજમાં ડોપામાઇન અને એન્ડોર્ફિન રસાયણો બને, જેનાથી આપણી ક્રિએટિવ શક્તિઓ કેન્દ્રિત થાય અને એકજુટ થાય.

ફ્લો
આ 2 પગલાંના અંતે આપણે એક ફ્લો સ્ટેટમાં પ્રવેશ કરી લઈએ છીએ, જેમાં ઉપર બતાવેલાં લક્ષણો હોય છે અને આપણી કામ કરવાની ક્ષમતા એની ચરમસીમાએ હોય છે. આપણા મગજના એ કેન્દ્રો જે સમયનું ભાન રાખે છે અને એ કેન્દ્રો જે પોતાની ટીકા કરે છે એ આ સમયે કામ કરતા નથી. જેના કારણે આપણી ક્રિએટિવિટી અને આપણું ફોકસ એની સીમાએ પહોંચી જાય છે.

રિકવરી
ફ્લો સ્ટેટમાં લાંબા સમય રહ્યા પછી એ ખૂબ જરૂરી છે કે ઊંઘ અને આરામથી આપણે પોતાના મગજને સમય આપીએ. ફ્લો સ્ટેટમાં ડોપામાઇન અને સિરોટોનિન નામના રસાયણો વપરાતાં હોય છે. તેની રચના ઊંઘ અને આરામના સમયે થતી હોય છે. એટલે ફ્લો સ્ટેટના અંતે રિકવરી ખૂબ જરૂરી છે.

ફ્લો સ્ટેટમાં પહોંચવાની કેટલીક ટેક્નિક
પૂરતો પડકાર

આ ગ્રાફમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે:

 • જો કુશળતા વધારે હશે અને ચુનૌતી નાની, તો બોરિયત આવશે
 • જો કુશળતા ઓછી અને ચુનૌતી બહુ જ મોટી તો એન્ઝાયટી
 • જો કુશળતા અને ચુનૌતી બંનેનો ઉપયોગ નહીં થાય (જેમ કે, બેસીને ટીવી/ ફેસબુક જોઈ રાખવું) તો ભાવશૂન્યતા
 • જો બધું બરાબર પ્રમાણમાં હશે તો ફ્લો સ્ટેટ

ફોકસ
જ્યારે આપણે કોઈપણ વસ્તુ કરવા બેસીએ તો ફોન, વાતો વગેરે ડિસ્ટ્રેક્શન બંધ જ કરી દેવાં.

ક્રિયા ચાલુ કરતાં પહેલાં એક વોર્મઅપ એ કરવું જેમાં 5 મિનિટ સુધી આપણું ગમતું સંગીત સાંભળવું અથવા ધ્યાન ધરવું અથવા સારા વિચારો કરવા. પોતાને 5 મિનિટનો સમય આપવો. જેથી, બીજી બધી વસ્તુઓ આપણે પડતી મૂકી શકીએ

આઝાદી

 • જ્યારે આપણે કોઈ ક્રિયા કરવા બેસીએ ત્યારે સામાન્યપણે આપણે પોતાની નિંદા કરતા હોઈએ છીએ.
 • એક એવી આદત ચોક્કસ બનાવી જોઈએ કે 1 કલાક જ્યારે આપણે કામ કરીએ ત્યારે પોતાની કોઈ નિંદા ન કરવી.
 • એ પછી પોતાને 10 મિનિટ ફીડબેક માટે આપવી જેમાં આપણે પોતાના કામની ટીકા કરી શકીએ. પરંતુ એ એક કલાક દરમિયાન નહીં.

મન: જે વ્યક્તિએ એકવાર ફ્લો સ્ટેટનો આનંદ મહેસૂસ કરી લીધો હશે એને પછી એનું વ્યસન થઇ જશે અને પરફેક્શનની આદત બની જશે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)