સુખનું સરનામું:ઓલિમ્પિકના આ સુવર્ણચંદ્રક વિજેતા દોડવીરોને ઓળખો છો?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ગામ હતું. આ ગામમાં આવેલી એક શાળામાં કાતિલ ઠંડીથી બચવા માટે અને શાળાને હુંફાળી રાખવા માટે એક ચુલો રાખવામાં આવેલો હતો. ગ્લેન નામના એક છોકરાને રોજ વહેલા આવીને આ ચુલામાં કોલસા ભરીને પેટાવવાની જવાબદારી સોંપેલી હતી. એક દિવસ ગ્લેન તેના મોટાભાઇ ફ્લોઇડ સાથે ચુલો પેટાવવા માટે વહેલી સવારે શાળાએ આવ્યો. કોઇએ કેરોસીનના કેનની જગ્યાએ ભુલથી ગેસોલીનનું કેન રાખી દીધેલું. જેના કારણે આગ લાગી, જેમાં 13 વર્ષનો ફ્લોઇડ મૃત્યુ પામ્યો અને 8 વર્ષનો ગ્લેન બચી ગયો. ગ્લેનના બંને પગ ગંભીર રીતે દાઝી ગયા હતા. બેભાન અવસ્થામાં ગ્લેનને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. ડોક્ટરોએ નિદાન કરીને કહ્યું કે આ છોકરો હવે એના જીવનમાં ક્યારેય એના પગ પર ઊભો નહી રહી શકે. ગ્લેનનો કમર નીચેનો ભાગ નિર્જીવ થઇ ગયો હતો.

ગ્લેન ડોક્ટરની આ વાત સ્વીકારવા તૈયાર નહોતો. એને ભગવાન પર ખૂબ શ્રદ્ધા હતી. બીજાની મદદ વગર કંઇ જ ન કરી શકતા ગ્લેને એનાં માતા-પિતાને કહ્યું, 'એક દિવસ હું જરૂરથી મારા પગ પર ચાલતો થઇશ, ભગવાન મને એના માટે મદદ કરશે.' ગ્લેનને માતા-પિતાનો સહકાર મળ્યો. એની માતા રોજ એના પગ પર માલિશ કરી આપતી. કલાકો સુધી એ કેટલીક કસરત કરતો રહેતો. કોઇ પરિણામ ન મળવા છતાં પણ નિરાશ થયા વગર એણે પ્રયાસો ચાલુ રાખ્યા. ઘરના ફળિયામાં પગને ઢસડીને, ખેંચીને ચાલવાની શરૂઆત કરી. ધીમે-ધીમે એની હિંમત અને મહેનતને લીધે એ લંગડાતાં લંગડાતાં ચાલતા શીખ્યો. બે વર્ષની સખત મહેનત બાદ એ પોતાના પગ પર ચાલતો થયો. હવે તો એણે દોડવાની પણ શરૂઆત કરી અને દોડ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું ચાલુ કર્યું.

સામાન્ય દોડ સ્પર્ધાઓથી શરૂઆત કરનાર ગ્લેન કનિંગહામે 25 વર્ષની ઉંમરે વર્ષ 1934માં વિશ્વ ઓલિમ્પિકમાં ભાગ લીધો. જે છોકરો એકસમયે એના પગ પર ચાલવા માટે પણ સક્ષમ નહોતો એ છોકરાએ આત્મવિશ્વાસના બળે માત્ર 4 મિનિટ 6 સેકન્ડમાં 1 માઇલ દોડીને વિશ્વવિક્રમ બનાવ્યો. વર્ષ 1936માં એણે પોતાનો જ રેકોર્ડ તોડીને 4 મિનિટ અને 4 સેકંડમાં આ દોડ પૂરી કરીને નવો વિક્રમ સ્થાપ્યો, જે વર્ષ 1954 સુધી અકબંધ રહ્યો.

દૃઢ મનોબળ હોય તો કંઇ જ અશક્ય નથી. પોતાની જાત પરની શ્રદ્ધા અને હકારાત્મક વિચારસરણીથી માણસ જે ધારે તે કરી શકે છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ આ જ વાતને શબ્દદેહ આપીને જણાવે છે ‘અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના’. આપણને જીવનમાં કોઇ નાની એવી મુશ્કેલી આવે તો પણ માથે ઓઢીને રડવા બેસીએ છીએ અને ગ્લેન જેવા લોકો કુદરત સામે બાથ ભીડીને સુવર્ણચંદ્રક લઇ આવે છે. માણસ જો મનથી મજબૂત હોય તો ભાંગેલા-તૂટેલા શરીર પાસેથી પણ એ કલ્પનાતીત કામ લઇ શકે છે. ગ્લેન જેવી જ જીવનકથા વિલ્મા રુડોલ્ફની પણ છે.

અમેરિકામાં રેલવેમાં નોકરી કરતા પિતા અને નોકરાણી તરીકે કામ કરતી માતાને ત્યાં 23-6-1940ના રોજ જન્મેલી વિલ્મા રુડોલ્ફ તેનાં માતા-પિતાનાં 22 સંતાનો પૈકીનું 20મું સંતાન હતી. એનો જન્મ અધૂરા મહિને થયો હતો. તેથી એ ખૂબ નબળી હતી છતાં થોડી સારવારથી એ જીવી ગઇ. 4 વર્ષની ઉંમરે એને ભયંકર ઝેરી તાવ આવ્યો અને સાથે-સાથે પોલિયોના વાઇરસને કારણે એના ડાબા પગે લકવો થઇ ગયો. લકવાગ્રસ્ત ડાબા પગે ધાતુની પ્લેટ લગાવવામાં આવી. પ્લેટને કારણે એને ખાસ ઓર્થોપેડિક શુઝ પહેરવા પડતા ત્યારે એ માંડ-માંડ ચાલી શકતી. વિલ્માની મોટી બહેન બાસ્કેટબોલ પ્લેયર હતી અને વિલ્મા પણ બહેનની જેમ જ બાસ્કેટબોલ રમવા ઇચ્છતી હતી પરંતુ એના માટે એ શક્ય નહોતું. પોતાના સંકલ્પને સાકાર કરવા 9 વર્ષની ઉંમરે એણે ધાતુની બ્રેસ કઢાવી નાખી અને બ્રેસ વગર જ એક સામાન્ય માણસની જેમ ચાલવાનું શરૂ કર્યુ. શરૂઆતમાં એને ખૂબ તકલીફ પડતી. તેને ચાલવા માટે સહારો લેવો પડતો.

12 વર્ષની ઉંમરે તે કોઇપણ જાતના સહારા વગર લંગડાતાં લંગડાતાં ચાલવા લાગી અને સતત પ્રેક્ટિસ કરવાથી એ બાસ્કેટબોલ પણ રમવા લાગી. એ જ્યારે હાઇસ્કૂલમાં હતી ત્યારે બર્ટ હાઇસ્કૂલને એણે બાસ્કેટબોલમાં સ્ટેટ ચેમ્પિયન બનાવેલી. પણ વિલ્માને આટલાથી સંતોષ નહોતો એ તો ઊંચી ઉડાન ભરવા ઇચ્છતી હતી. એણે ઓલિમ્પિકમાં દોડની હરીફાઇમાં ભાગ લેવાનું નક્કી કર્યું. પહેલાં નાની-નાની દોડની સ્પર્ધામાં ભાગ લેવાની શરૂઆત કરી ત્યારે એ હંમેશાં છેલ્લા નંબર પર આવતી. લોકો એને ગાંડી સમજતા, કારણ કે લકવાગ્રસ્ત પગથી ઓલિમ્પિક તો શું, દોડની સામાન્ય સ્પર્ધા પણ ન જીતી શકાય. વિલ્મા કોઇનું સાંભાળ્યા વગર પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાની દિશામાં પ્રયાસો કરતી રહી અને 1960માં રોમમાં રમાયેલી વિશ્વ ઓલિમ્પિકમાં વિલ્મા રૂડોલ્ફે 3 ગોલ્ડમેડલ મેળવીને વિશ્વચેમ્પિયનનો ખિતાબ જીતી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. આજે જગત વિલ્મા રુડોલ્ફને 'The fastest woman in the history' તરીકે નવાજે છે.

જીવનમાં ધ્યેય નક્કી હોય અને એ ધ્યેયને પાર પાડવા માટે પૂર્ણ સમર્પણ સાથેનો પુરુષાર્થ કરવામાં આવે તો ધ્યેય પ્રાપ્ત કરવું અશક્ય નથી. બસ શરત માત્ર એટલી જ છે કે ભગવાન પર અને પોતાની જાત પર પૂર્ણ વિશ્વાસ રાખીને પ્રારંભિક નિષ્ફળતાઓને ગણકાર્યા વગર પ્રયાસો ચાલુ જ રાખવા. સમગ્ર વિશ્વ ‘ટોક્યો ઓલમ્પિક’ માટે થનગની રહ્યું છે અને ગુજરાતની દીકરીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લેવાની છે ત્યારે ગ્લેન અને વિલ્મા જેવા જુદી માટીના ખેલાડીઓની જીવન કહાની આપણને એક નવી ચેતના અને ઊર્જા પૂરી પાડે છે. આપણને માત્ર ખેલાડીઓની સફળતા જ દેખાય છે, હવે સફળતાની સાથે સાથે એ સફળતા મેળવવા માટે એણે કરેલા પુરુષાર્થ અને આપેલા સમર્પણનો પણ વિચાર કરજો.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)