મનન કી બાત:શું તમે લોકો સાથે વાત કરતી સમયે નર્વસ થઈ જાઓ છો? સમજી લો, નર્વસનેસને ચેનલાઈઝ કરવાની 2 રીત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણાં બધાંમાં કોઈક ને કોઈક અલગ ટેલેન્ટ હોય છે. અમુક લોકો બીજા કરતાં ખૂબ સારું કામ કરી શકે છે, તો અમુક લોકો બીજા કરતાં ઘણું સારું વિચારી શકે છે અને નવા આઈડિયા આપી શકે છે. ત્યારે જ અમુક લોકોનું સૌથી મોટું ટેલેન્ટ એમની વાણી એટલે કે એમની બોલી હોય છે. આમ તો ગુજરાતીમાં કહેવત છે કે ‘બોલે એના બોર વેચાય’, અને આપણે જોઈએ પણ છે કે કોઈ વ્યક્તિ પોતાના કામમાં કેટલું પણ સારું કેમ ન હોય જ્યાં સુધી એની વાણી અને એની બોલવાની શૈલી પ્રભાવશાળી નહીં હોય, ત્યાં સુધી એનું કરેલું કામ એને પોતાને કેટલો ફાયદો નહીં પહોંચાડે જેટલો ફાયદો એની જ ટીમના એક એવા સદસ્યને મળશે જે બોલે ખૂબ સારો છે. કોઈપણ સારું કામ કરવાની સાથે એ પણ એટલું જ જરૂરી છે એ એક કામની ક્રેડિટ તમને મળે. આજના જમાનામાં જો આપણે એવું કહીએ કે હું મારી રીતે કામ કરી રાખીશ, તો તમારી આજુબાજુના લોકોને એ દેખાશે ચોક્કસ કે તમે કામ કરો છો, પરંતુ એ કામની કિંમત તમે જાતે નહીં વસૂલો બીજું કોઈ વસૂલી જશે.

મનોચિકિત્સક તરીકે આવતા કેસમાંથી ઘણા બધા કેસ ખાસ કરીને કોર્પોરેટ જગતના સોશિયલ એન્ઝાયટીના હોય છે. કામ કરવાનો સમય આવે ત્યારે ઓવરટાઈમ કરીને પણ વ્યક્તિ કામ કરી લેતી હોય છે, પરંતુ જ્યારે પ્રેઝન્ટેશન આપવાનું આવે અથવા જોબ ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂ આપવાનું આવે ત્યારે તે ખૂબ જ નર્વસ થઇ જતાં હોય છે અને પોતાના પોટેન્શિયલ સુધી પહોંચી શકતાં નથી.

આપણે બધા એવા ઘણાં બધા વક્તાઓને જાણીએ છીએ કે જે જરા પણ નર્વસ દેખાતા નથી અને ખૂબ આત્મવિશ્વાસથી પ્રશ્નોનો જવાબ આપે છે, વાર્તાલાપ કરે છે અને હસી મજાક પણ કરી શકે છે. શું તમને લાગે છે કે આવા મોટા મોટા સુરમાઓ કોઈપણ ઇન્ટરવ્યૂ પહેલાં અથવા કોઈપણ વક્તવ્ય પહેલાં નર્વસ નહીં થતા હોય? તો સૌથી પહેલી વાત કે દરેક વ્યક્તિ કોઈપણ મોટા ઇન્ટરવ્યૂ પહેલાં અથવા કોઈપણ મોટા વક્તવ્ય પહેલાં ખૂબ જ નર્વસ હોય જ છે અને એ જાણવું ખૂબ જ જરૂરી છે કે એ નર્વસ હોય એટલે જ સારું કરી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ વ્યક્તિ નર્વસ હોય તો સારું કઈ રીતે કરી શકે?

તમે કોઈ ઈન્ટરવ્યૂ અથવા વક્તવ્ય પહેલાં નર્વસ છો કે નહીં એ એટલું મહત્ત્વનું નથી જેટલું મહત્ત્વનું છે કે એ ચિંતાને તમે કઈ રીતે ચેનલાઈઝ કરો છો. એક મોટા ઇન્ટરવ્યૂ અથવા વક્તવ્ય પહેલાં નર્વસ હોવું એ ખૂબ જ નોર્મલ અને નેચરલ છે. એમાં શરમાવા અથવા સંકોચ કરવાની જરૂર નથી. તમે એમને એમ ભાગો, એના કરતાં જ્યારે તમારી પાછળ કૂતરું દોડતું હશે ત્યારે વધુ સ્ફૂર્તિથી અને વધુ ઝડપથી ભાગી શકશો. આ જ ફિલોસોફીનો ઉપયોગ આપણે નર્વસ થવામાં કરવાનો છે. કારણ કે તમે નર્વસ છો કે તમે શું બોલશો, એટલે તમે ધ્યાન રાખશો કે તમે કશું આડુંઅવળું નહીં બોલો. કોઈપણ વાર્તાલાપ કરતી સમયે અમુક વસ્તુઓનું ખૂબ ધ્યાન રાખવું.

આપનો વાત કરવાનો ટોન
લોકો જ્યારે નર્વસ હોય ત્યારે, ઘણાં લોકો ખૂબ જ તીવ્ર ટોનમાં અને ખૂબ જ ઊંચા અવાજે વાત કરતા હોય છે. કોઈપણ વાક્ય જ્યારે તીવ્ર ટોનમાં બોલવામાં આવે ત્યારે એ વાક્યનો ટોન વધુ મહત્ત્વ ધારણ કરી લે છે, અને ન કે વાક્યનો મૂળ અર્થ. એક સાચી અને સારી એક્સર્સાઇઝ, કોઈપણ વાક્ય જેમ કે ‘મારું નામ મનન છે’ પહેલાં તમારા સાદા અવાજમાં બોલવાની કોશિશ કરો, અને પછી નાક બંધ કરીને બોલવાની કોશિશ કરો. જો તમને આ બંનેમાં ખૂબ વધારે ફરક દેખાતો હોય તો એનો મતલબ કે તમે ઊંચા ટોનમાં વાત કરો છો. જેટલું છાતીના ઊંડાણમાંથી અવાજ નીકળશે એટલો તમારો ટોન પ્રભાવશાળી અને શાંત દેખાશે.

વાત કરવાની સ્પીડ
ઘણા લોકો જ્યારે નર્વસ હોય ત્યારે ખૂબ જ ઝડપથી બોલવા માંડે છે. જ્યારે આપણે ખૂબ ઝડપથી બોલીએ, ત્યારે આપણને પોતાને વિચારવાનો સમય નથી આપતાં હોતા. કારણ કે આપણે વિચાર્યા વિના ઘણું બોલીએ છીએ, પરંતુ ઘણું ઓછું કહેતા હોઈએ છીએ. આના કારણે બે તકલીફો પડે છે. એક કે આપણી ઝડપથી બોલવાની શૈલી જોઈ અને સાંભળી, સામેવાળાને અહેસાસ થઈ જતો હોય છે કે આપણે ખૂબ નર્વસ છીએ. સાથે-સાથે આપણે જે કહેવા માગીએ છીએ કે શબ્દોની કિંમત ઓછી થઈ જાય છે. યાદ રાખજો કે જો તમે તમારા શબ્દોની કિંમત નહીં કરો, તો બીજું કોઈપણ નહીં કરે. એક પ્રભાવશાળી વ્યક્તિ એ નથી હોતો કે જે વધારે બોલે છે, પરંતુ એ હોય છે કે જે સારું અને સાચું બોલે છે અને જેના શબ્દોનું વજન પડે છે.

મન: બોલતાં પહેલાં અને બોલતી સમયે પોતાને ખૂબ જ વિચારવાનો સમય આપો. વિચારીને ધીમેથી બોલાયેલા શબ્દો, રાડો પાડીને બોલાયેલા શબ્દો કરતાં ખૂબ વધારે મહત્ત્વના હોય છે.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)