તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનન કી બાત:શું તમને જીવનના એક કપરા દિવસના ફ્લેશબેક આવ્યા કરે છે?

21 દિવસ પહેલા
 • કૉપી લિંક

નિકુંજ એક 28 વર્ષનો યુવા માર્કેટિંગ કન્સલ્ટન્ટ છે. એ એક મોટી કોર્પોરેટ ફર્મમાં નોકરી કરતો હતો. એનું રૂટિન રોજ સવારે 5 વાગે કસરતથી ચાલુ થાય. પૌષ્ટિક આહાર લેવો, પોતાનું અને પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, બાળકો સાથે સમય વિતાવવો એ બધું એના માટે ખૂબ મહત્ત્વનું હતું. પોતાના રૂટિન પ્રમાણે એક દિવસ સવારે 8:30 વાગે નિકુંજ પોતાની ઓફિસ જવા નીકળ્યો. મર્સિડીઝ ગાડી લીધી ત્યારથી એણે નક્કી કરેલું કે ગાડી એ પોતે જ ચલાવશે. ઘરથી આશરે 2 કિલોમીટર દૂર સિગ્નલ પીળું હતું એટલે નિકુંજે ગાડીને બ્રેક ન મારી. અચાનક જ ડાબી બાજુથી ખૂબ જ સ્પીડમાં એક મોટરસાઇકલ આવી અને એની ગાડી સાથે અથડાઈ. મોટરસાઇકલ એટલી ફાસ્ટ હતી કે ગાડીના દરવાજાથી અંદર આવી ગઈ. આટલો ખરાબ એક્સીડન્ટ જોઈને ભીડ ભેગી થઈ ગઈ. મોટરસાઇકલ ચાલક સ્પોટ પર જ બેભાન થઇ ગયો. નિકુંજે મોટરસાઇકલ ચાલકને તરત હોસ્પિટલ પહોંચતો કર્યો. પોતાની નાની-મોટી ઈજાની પણ સારવાર કરાવી. મોટરસાઇકલ ચાલકને દાખલ થઈ 10 દિવસ માટે સારવાર કરવી પડી, જેનો બધો ખર્ચ પોતાનો કોઈ વાંક ન હોવા છતાં નિકુંજે ભોગવ્યો.

પણ જ્યારથી આ અકસ્માત થયો ત્યારથી આજે 2 મહિના થયા ત્યાં સુધી નિકુંજ કામ પર નથી ગયો. પોતાના ઘરની બહાર નીકળતા પણ અચકાય છે. રાત્રે ઊંઘવાનો પ્રયાસ કરે તો વારંવાર આ જ અકસ્માતના સપના આવે. જાગતા સમયે પણ વારંવાર આ જ ઘટનાના ફ્લેશબેક આવે. કોઈપણ નાનો અવાજ પણ આવે તો નિકુંજ તરત ચોંકી ઉઠે, ન કોઈપણ વસ્તુ પર ફોકસ કરી શકે. છેલ્લા થોડા સમયથી તો તેને ભૂખ પણ ઓછી લાગવા માંડી છે. આ બધા લક્ષણ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર નામની માનસિક બીમારીના છે. કોઈપણ જીવન હલાવી દેનાર ઘટના જયારે ઘટે છે જેમ કે, મોટો અકસ્માત, સેક્સુયલ અસોલ્ટ, મારપીટ, સૈનિકોની જંગની યાદો વગેરે તો એ થોડા સમય સુધી વ્યાજબીપણે આપણને હલાવી મૂકે છે. પરંતુ જો તેની અસર એક મહિના પછી પણ રહે અને એ પણ પ્રબળ માત્રામાં તો સાઇકોલોજિસ્ટને બતાવી સારવાર કરાવવી ખૂબ જરૂરી બને છે.

તમારા અથવા તમારા નજીકના વ્યક્તિને આ પ્રશ્નો પૂછો:
કોઈપણ રીમાઇન્ડરથી ઘટના વિશેની ભાવનાઓ પછી આવી જાય છે?

 1. ઊંઘવામાં તકલીફ પડે છે?
 2. ઘટનાના જ વિચારોમાં રહો છો ?
 3. ચીડિયાપણું અથવા ગુસ્સો અનુભવો છો ?
 4. ઘટના વિશે વિચારો ટાળવાના સતત પ્રયાસો છતાં અસફળતા મળે છે?
 5. એ ઘટના સાચે ઘટી છે કે નહીં એ હજી પણ માન્યામાં નથી આવતું?
 6. ઘટના સંબંધી ચિત્રો અવારનવાર મગજમાં આવ્યા કરે છે?
 7. ક્યારેક સુન્ન થઇ જવાય છે?
 8. શું તમે વારંવાર એ જ ઘટનામાં જતા રહેતા હો એવો આભાસ થાય છે?

જો તમને અથવા તમારા નજીકના વ્યક્તિને ઉપરના 9માંથી 5 અથવા તેથી વધુ પ્રશ્નોના જવાબ હામાં મળતા હોય તો તમારા નજીકના મનોચિકીત્સકનો સંપર્ક કરી સારવાર લેવી જરૂરી છે.

પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરની સામાન્ય સારવારો:
દવાઓ: પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરની સારવાર કેટલીક ખાસ દવાઓથી થતી હોય છે. સેરોટોનિન અને ડોપામીન નામના રસાયણોની માત્ર મગજમાં ઓછી થવાને કારણે થતી આ બીમારીની સારવારમાં અપાતી દવાઓ આ રસાયણની માત્રા બેલેન્સ કરવાનું કામ કરે છે.
સાઇકોથેરપી: સાઇકોથેરપી અથવા કાઉન્સેલિંગથી PTSDની સારવાર ખૂબ અસરકારક રીતે થતી હોય છે.

આપણા ઘરના સદસ્ય સાથે કોઈપણ આવી ઘટના બની હોય તે તેને એ ભૂલાવવામાં અથવા પચાવવામાં મદદરૂપ થવું એ બહુ જરૂરી છે.

 • એમને જજ ન કરવાં
 • એમને જરૂર પડે ત્યારે શાંતિથી સાંભળવા
 • એમને એમની ભાવનાઓ ખુલ્લા શબ્દોમાં વર્ણવવાની તક આપવી
 • એમને બને એટલી હૂંફ અને પ્રેમ આપવો.

મન : કપરી ઘટનાઓ લગભગ બધાના જીવનમાં ઘટતી હોય છે. એ ઘટનાઓને પચાવવામાં આપણો પરિવાર અને પ્રિયજનો જો આપણો સાથ આપે તો એ પ્રક્રિયા ઘણી સહેલી થઈ જતી હોય છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો