તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનન કી બાત:શું તમને સતત એવું લાગ્યા કરે છે કે તમને કોવિડ છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકિત એક 42 વર્ષીય કોર્પોરેટ કંપનીમાં કામ કરતો કર્મચારી છે. આજથી 5 મહિના પહેલા અંકિતની પત્નીનું કોવિડના કારણે દુઃખદ અવસાન થયું હતું. દેખીતી રીતે અંકિત એક ખૂબ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. આ આઘાતમાંથી તો તે બહાર નીકળ્યો નહોતો કે ત્યાં એક વિચાર એને સતત પરેશાન કરવા લાગ્યો. અંકિતને ખૂબ સમય ચાલ્યા પછી શ્વાસ ચડી જાય અથવા થોડી સામાન્ય ઉધરસ પણ આવી જાય અથવા થોડી શરદી જેવું લાગે તો સતત એવું જ લાગ્યા કરે છે કે એને કોવિડ થઇ ગયો છે. અવારનવાર એ પોતાનો ટેસ્ટ કરાવે અને ટેસ્ટ નેગેટિવ આવે તો થોડો સમય શાંતિ મેહસૂસ કરે. વળી પાછું થોડા પણ લક્ષણો દેખાય કે પાછો ટેસ્ટ કરાવી દે.

આ બીમારીને માનસિક આરોગ્યમાં હાઈપોકોન્ડ્રિયાસિસ અથવા ઈલનેસ એન્ઝાયટી ડિસઓર્ડર કહેવાય છે. આજના કોવિડ મહામારીના સમયમાં હાઈપોકોન્ડ્રિયાસિસના કેસો વધતા જોવા મળે છે. માત્ર કોવિડને અનુલક્ષીને નહીં પરંતુ બીજી બીમારીઓ માટે પણ આવા લક્ષણો જોવા મળી શકે. એક ખૂબ સામાન્ય રીતે જોવા મળતું લક્ષણ એ છે કે દર્દીને એવું થાય કે એને બ્રેન ટ્યુમર છે. જયારે જયારે માથું દુખે તો એ કોઈ ને કોઈ સ્કેન જેમ કે, સિટી સ્કેન, MRI અથવા અન્ય સ્કેન કરાવે અને રિપોર્ટ નેગેટિવ આવે તો થોડો સમય શાંતિ મહેસૂસ કરે પરંતુ વળી પછી એ જ સાયકલ રિપીટ થાય.

બાણપણમાં જો માતાએ બાળકને થોડું વધારે પડતું પંપાળ્યું હોય હોય તો પણ હાઈપોકોન્ડ્રિયાસિસ ડિસઓર્ડર જોવા મળતો હોય છે. હાઈપોકોન્ડ્રિયાસિસનું કોઈ ચોક્કસ કારણ નથી હોતું. પરંતુ મગજના કેટલાક મહત્ત્વના જ્ઞાનતંતુઓમાં થતો ફેરફાર એના માટે જવાબદાર હોય છે.

શું નીચેના પ્રશ્નોમાંથી કોઈ 4નો જવાબ હા આવે છે? તો નજીકના મનોચિકિત્સકને બતાવો

  1. મને સતત એવું લાગે છે કે મને એક ગંભીર બીમારી છે.
  2. મને અવારનવાર કોઈ ટેસ્ટ કરાવીને મારી જાતને એ હાશકારો અપાવવો પડે છે કે મને આવી કોઈ બીમારી નથી.
  3. હું નવરો પડું ત્યારે સતત ગૂગલ અથવા કોઈ પુસ્તકોમાં એ બીમારી વિશે વાંચતો રહું છું.
  4. આ બીમારીના કારણે મારા દિવસના કેટલાક કલાકો આની પાછળ જ પસાર થાય છે.
  5. મારું કામ, સામાજિક જીવન અથવા પારિવારિક જીવન આ વસ્તુના કારણે ડગમગી ગયું છે.
  6. મને બીજી કોઈ વસ્તુમાં આનંદ મળતો બંધ થઇ ગયો છે.
  7. આ વિચારોના કારણે મને રાત્રે ઊંઘ નથી આવતી.

હાઈપોકોન્ડ્રિયાસિસની સારવાર આ રીતે થાય છે
દવાઓ - તેની દવાઓ લેવાથી મગજમાં થતા જ્ઞાનતંતુઓના ફેરફારનું બેલેન્સ કરી શકાય છે.
કાઉન્સેલિંગ - આમાં પોતાના સ્ટ્રેસને એક સારી રીતે ચેનલાઇઝ કરતા અને નાની મોટી શારીરિક તકલીફોને જરૂર કરતાં વધારે મહત્ત્વ કઈ રીતે ન આપવું એ શીખવવામાં આવે છે.
સોશિયલ સપોર્ટ - જેમાં સામાજિક રીતે આપણી આસપાસના લોકોને આપણી મનોસ્થિતિ સમજાય એ રીતે એમની સાથે વાત કરવામાં આવે છે.

મન: હાઈપોકોન્ડ્રિયાસિસ એક સામાન્ય બીમારી નથી. પરંતુ એનાથી પીડિત લોકો જ સમજી શકે છે કે તે કેટલી ગંભીર અને પીડાદાયક કેદ છે. એની સારવાર અને એના વિશે જાગૃતતા રાખવી એ દરેકનું કર્તવ્ય છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)