તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનન કી બાત:શું તમે નાની-નાની વાતમાં ગુસ્સો કરીને રાઉડી બની જાઓ છો?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાહુલ અને પ્રિયાની પ્રેમકથા કોઈ ફિલ્મોના પ્રેમથી ઓછી નહોતી. સ્કૂલમાં સાથે ભણતાં અને ભણતાં ભણતાં સાતમા ધોરણથી પ્રેમ થઈ ગયો. ઘર-પરિવારને લાંબા સમય સુધી આ વિશે ખ્યાલ નહોતો. જ્ઞાતિ અને સોશિયલ સ્ટેટસ અલગ હોવાને કારણે બંને પરિવારો વચ્ચે ખૂબ જ તકલીફો પછી મહાપરાણે લગ્ન થયાં. લગ્નજીવનના પહેલાં બે વર્ષ ખૂબ સારાં અને શાંતિમય રહ્યાં.

એક દિવસ રાહુલ કામથી મોડો આવ્યો અને પ્રિયાએ એને પૂછ્યું કે કેમ મોડું થયું. રાહુલે કહ્યું કે, ઓફિસના મિત્રોએ છેલ્લી મિનિટે નવો ક્લાયન્ટ મળવાની ઉજવણી માટે પાર્ટી પ્લાન કરી. ઉતાવળ-ઉતાવળમાં કહેવાનું રહી ગયું. આ સાંભળી પ્રિયા સખત ગુસ્સે થઇ ગઈ. પોતાનું માથું દીવાલમાં ભટકાડી, કાચનાં વાસણોના ઘા કરી, ગાળો બોલી, ઘણા લોકો ભેગા પણ થઇ ગયા. એ કલાક કદાચ રાહુલ અને પ્રિયા બંનેના જીવનનો સૌથી કપરો કલાક હતો.

પ્રિયા પહેલેથી ખૂબ જ લાગણીશીલ હતી. પરંતુ એ લાગણીને સાચા અને સારા અર્થમાં વ્યક્ત કરવામાં હંમેશાં સક્ષમ નહોતી રહેતી. ક્યારેક-ક્યારેક એકલામાં ગુસ્સામાં બે શબ્દ વધારે જરૂર બોલતી પણ અત્યાર સુધી આ હદે બોલવાનું નહોતું થયું. પ્રિયાની જોડે વધારે વાત કર્યા બાદ જાણવા મળ્યું કે, છેલ્લાં ઘણા સમયથી ઘરની લોન, પરિવાર આગળ વધારવાની દોડ વગેરે કારણોથી રાહુલ કામમાં વધારે કલાક ગાળતો હતો, જેની સીધી અસર તેમના બંનેના સંબંધો પર પડતી હતી. આ વસ્તુ પ્રિયા સમજતી ચોક્કસ હતી. પરંતુ એના વિશે રાહુલ જોડે ખૂલીને વાત કરી શકતી નહોતી. આવા અનેક નાના-નાના બનાવોને લઈને રાહુલ અને પ્રિયા વચ્ચે ખુલીને વાત ન થવાને કારણે તે આ રીતે ગુસ્સા સ્વરૂપે બહાર નીકળ્યું.

મનોચિકિત્સામાં એક રોગ છે ઈન્ટરમિટન્ટ એક્સપ્લોસિવ ડિસઓર્ડર. અવારનવાર ખૂબ જ ગુસ્સો આવી જવો, જે પરિસ્થિતિને અનુલક્ષી નથી પરંતુ ખૂબ જ વધારે માત્રામાં છે. તેનાથી પોતાની જાત પર અને સામેવાળી વ્યક્તિના જીવનમાં કપરી અસર પડે છે. તેથી, આ વર્તનને ધ્યાનમાં રાખીને મનોચિકિત્સકની સલાહ લેવી બહુ જરૂરી થઇ જાય છે.

શું તમને નીચેના પ્રશ્નોમાંથી કોઈ 3 લાગુ પડે છે? તો નજીકના મનોચિકિત્સકની સલાહ લો

  1. શું તમને નાની નાની વાતો પર સામાન્ય પણે સમજી શકાય અથવા સ્વીકારી શકાય એના કરતાં વધારે ગુસ્સો આવે છે?
  2. શું જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમે એ શારીરિક રીતે બતાવો છો? જેમકે વાસણો ફેંકવા અથવા માથાં પછાડવા અથવા કોઈ વ્યક્તિ અથવા પશુ-પક્ષીને હાનિ કરવી?
  3. અત્યંત ગુસ્સો આવતા પહેલાં શું તમને મૂડ સ્વિંગ્સ આવે છે?
  4. શું ગુસ્સા દરમિયાન તમે પોતાની જાત પર કંટ્રોલ ગુમાવી બેસો છો?
  5. શું ગુસ્સો કર્યાના થોડા સમય પછી તમે બહુ ગિલ્ટ અનુભવો છો?

ગુસ્સો હંમેશાં ખોટો હોય એવું તો આપણે ન કહી શકીએ. પરંતુ માપમાં ગુસ્સો કરવો અને પોતાનું સંતુલન ન ગુમાવી બેસવું એ ચોક્કસ આપણા હાથમાં છે. ગુસ્સા વિશે ઊંડાણમાં વિચારીએ તો આપણને ખબર પડશે કે એના મૂળમાં એક દૃઢ વિચાર છે જેમ કે, ‘મને રોટલી ગરમ જ જોઈએ’ અથવા ‘અમુક વસ્તુઓ આમ જ થવી જોઈએ’. જ્યારે પણ એ દૃઢ વિચારથી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય છે તો આપણે ગુસ્સે થઈએ છે. ગુસ્સામાં આપણે આપણું સંતુલન ગુમાવી બેસીએ છીએ અને કંઈક ને કંઈક એવું કરી અથવા બોલી બેસીએ છીએ જે સમેટવું કપરું પડતું હોય છે.

ગુસ્સો કન્ટ્રોલ કરવા માટે આટલું કરો

  • ખૂબ ગુસ્સો આવે ત્યારે 1થી 100 ગણો.
  • એક ડાયરી લઈને બેસો અને ગુસ્સામાં જે પણ વિચારો આવે તે કોઈને કહેવાને બદલે એ ડાયરીમાં લખો. બીજા દિવસે એ ડાયરી ઠંડા મગજે વાંચો અને એ ગુસ્સા વિશે વિચારો.

જે વસ્તુ વિશે ગુસ્સો આવે એ ઘટના વિશે નીચે પ્રમાણે વિગતો ભરવીઃ

ઘટનામને શું ન ગમ્યુંશું થયું હોત તો ગમતએનાથી મારા જીવનમાં લાંબા ગાળે કેટલો ફેર પડે છે?
મારા બોસે મારી જોડે ખરાબ રીતે વાત કરીજે રીતે એમણે મારી જોડે વાત કરી. મારો વાંક મને કહો એમાં મને વાંધો નથી પણ બધાની સામે નહીં અથવા સારા શબ્દોમાં કહો.શાંતિથી એકલામાં મારો વાંક કહ્યો હોત તો ગમતબહુ વધારે નહીં. હું સમજુ છું કે આવા વર્તનના કારણે એમની જ છાપ ખરાબ પડશે અને લોકો લાંબા ગાળે મને સમજશે.

આ રીતે બદલાતી ઘટનાઓ સાથે તમને અણગમતી વાત, તેની સામે તમારી અપેક્ષા તથા લાંબા ગાળે તેનાથી પડતા ફરકની યાદી બનાવતા જશો અને તેનો અભ્યાસ કરશો તો ગુસ્સો પેદા કરનારી ઘટનાઓને કેટલું મહત્ત્વ આપવું તે પણ સમજાતું જશે.

મન: ગુસ્સો એક બે ધારી તલવાર છે. આપણાં જીવનમાં જો આપણે ગુસ્સાને પર્યાપ્ત રીતે અને સાચા અર્થમાં ઉપયોગમાં લઇ શકીએ તો એ જ ગુસ્સો આપણી સફળતાનું કારણ બની શકે છે. બાકી ગુસ્સાને આપણી નિષ્ફળતાનું કારણ બનતા તો આપણે રોજબરોજ જોઈએ જ છીએ.

mananrthakrar@gmail.com

mananrthakrar@gmail.com (લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)