મનન કી બાત:શું ખરાબ સપનાંઓ તમારી ઊંઘ હરામ કરે છે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોનિકાને એક સપનું વર્ષોથી હેરાન કરે છે. મોનિકા 28 વર્ષની મશહૂર રેડિયો જોકી છે. અઠવાડિયાંમાં એકવાર તો આ સપનું એને ચોક્કસ હેરાન કરે. સપનું એવું છે કે એ અને એના પિતા એક પ્લેનમાં જઈ રહ્યા છે અને પ્લેન એ લોકોના ઘરમાં જઈને ક્રેશ થાય છે.

મોનિકાના એના પિતા જોડેના સંબંધ હંમેશાં કપરા રહ્યા છે. પિતા મોટાભાગે કામના નામે ઘરની બહાર રહેતા અને સમય મળે ત્યારે મિત્રો જોડે દારૂ પીવા જતા રહેતા. મોનિકાનો એક એના કરતાં 5 વર્ષ નાનો ભાઈ પણ છે. મોનિકાના ભાઈ અને એના મમ્મી પર હંમેશાં પપ્પાનો ગુસ્સો નીકળતો. દારૂનું સેવન કરીને પપ્પા ઘરે આવે એટલે ક્યાં તો મોનિકાના માતાને અથવા એના ભાઈને બેલ્ટ વડે માર પડે. પરંતુ મોનિકા પપ્પાની લાડકી હતી હંમેશાંથી એટલે મોનિકાને ક્યારેય માર તો દૂર તેને કોઈ વાતે બોલ્યા પણ નથી.

આ પરિસ્થિતિ દિવસે ને દિવસે એટલી બગડતી ગઈ કે એક દિવસ મોનિકાની માતાએ આપઘાત કરી લીધો. મોનિકાનો ભાઈ આજે પરિણીત છે અને એક દીકરાનો બાપ પણ છે. પરંતુ લાખો રૂપિયાના દેવા હેઠળ છે અને દારૂનું ખૂબ ખરાબ વ્યસન પણ છે. એ પણ પોતાના દીકરાને એ જ રીતે મારે છે, જે રીતે એને પોતાને માર પડતો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ મોટાભાગના જે લોકો બાળકો અથવા પત્ની જોડે દુર્વ્યવહાર કરે છે, એ લોકોએ પોતે ખૂબ ખરાબ દુર્વ્યવહાર થતા જોયેલો છે અથવા અનુભવેલો છે. જેમ-જેમ મોનિકા મોટી થતી ગઈ એને આભાસ થતો ગયો કે પપ્પા એના માટે ખૂબ અલગ હતા અને બાકીના પરિવાર માટે ખૂબ અલગ.

મોનિકાના ખરાબ સપનાનું મુખ્ય કારણ આ જ હતું કે એને હવે આભાસ થવા લાગ્યો હતો કે મોનિકા જોડે દુર્વ્યવહાર ન કરીને એના પપ્પા પોતાને એવું મનાવતા હતા કે એ એક સારા માણસ છે. જ્યારે વાસ્તવિકતામાં એ પોતાના ઘર અને પરિવારને વિચારી ન શકાય એવું નુકસાન પહોંચાડતા હતા. મોનિકાને બાળપણથી જ પ્લેનનો ખૂબ ડર લાગતો હતો.

હવે જો મોનિકાનું સપનું પાછું સાંભળીએ તો આભાસ થશે કે એ થોડું પોએટિક જરૂર છે. પરંતુ વાસ્તવિકતાથી દૂર નથી. એટલે કે એના પપ્પા અને એ જોડે એક એવા સફર પર હતા જેના કારણે એમનું ઘર તૂટ્યું.

સિગ્મંડ ફ્રોઈડનું નામ ભાગ્યે જ કોઈએ નહીં સાંભળ્યું હોય. એ વિશ્વવિખ્યાત મનોચિકિત્સક હતા જેમણે કહ્યું હતું કે આપણાં સપનાં આપણા અનકોન્શિયસ માઈન્ડને આપણી જાગૃતતા સાથે જોડતો મુખ્ય હાઇવે છે. સપના આપણાં જીવનના ખૂબ મહત્ત્વનો ભાગ છે અને આપણાં સપનાંઓ વિશે આપણે એક જર્નલ રાખવી જોઈએ. સપનામાં આવતી કેટલીક વસ્તુઓ વિશે એમની સમજણ આ પ્રમાણે હતી.

1. સિમ્બોલાઇઝેશન - આપણાં સપનાંમાં ઘણીવાર આપણે ખૂબ ચોંકાવી દેનાર અથવા ખરાબ દૃશ્યો જોઈએ છે. જેમ કે, આપણાં માતા-પિતા આપણને મારી નાખે અથવા આપણાં જીવનસાથી આપણી જોડે કંઈક બહુ ખરાબ કરે વગેરે. એ સમજવું જરૂરી છે કે એ સપનામાં એક સિમ્બોલ છે કે જેમાં આપણી ચેતના આપણને એવું કહેવા માગે છે કે એ વ્યક્તિએ આપણી સાથે ખરાબ કર્યું છે જેથી આપણને ખૂબ દુઃખ થયું છે.

2. કોન્ડેન્સેશન - ફ્રોઈડ કહે છે કે કેટલાંક સપનાંઓ ભેગા થઈને એક સપનામાં ભેગા આવે. જેમ કે, આપણા શિક્ષક અને આપણાં માતા-પિતા બંને માટે આપણી જે ફરિયાદો હોય એ ભેગી થઈને આપણા સપનામાં એક જ વ્યક્તિ અથવા ઘટના તરીકે વર્ણવવામાં આવશે.

3. ડિફ્યુશન - આપણો એક વિચાર એક જ અથવા ઘણાં બધાં સપનાંઓમાં અલગ અલગ રીતે આવી શકે. જેમ કે, મોનિકાના આ પ્લેનવાળાં સપનાં સિવાય એના બીજા પણ ઘણાં એવાં સપનાંઓ છે જેમાં એ અને એના પપ્પા એક અથવા બીજી રીતે ઘરને હાનિ પહોંચાડે છે.

સપનાંઓ બે પ્રકારના હોઈ શકે:
1. વાસ્તવિકતા બતાવતા: જેમ કે, મને એવું સપનું આવે કે તમે કોઈ જગ્યાએ એકદમ સમય પર પહોંચી ગયા જ્યારે સાચે તમે સમય માટે સમર્પિત વ્યક્તિ છો જ. એટલે એ વાસ્તવિકતા જ થઈ.

2. વાસ્તવિકતાથી દૂર અથવા વિપરીત: જ્યારે તમે જીવનમાં મોટાભાગે મોડા પડતા હો પરંતુ સપનામાં તમને એ આવે કે તમે એકદમ સમય પર પહોંચ્યા. તો તેને વિશ ફુલફિલમેન્ટ
એટલે કે એક અધૂરી ઈચ્છા પૂરી કરતાં સપનાં પણ કહી શકાય.

મન: સપનાની દુનિયાને વર્ણવતું અને કંઇક અલગ વાત કરતું આ શ્રેણીનો આ પહેલો આર્ટિકલ છે. શું આપને આવા આર્ટિકલ અને સાયકોલોજીનાં પુસ્તકોની સમજણ વધુ ગમશે કે પછી આ શ્રેણીમાં ચાલતી માનસિક બીમારી વિશેની જાગૃતતા વિશેની માહિતી?
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)