તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ પેરેન્ટિંગ:ડિજિટલ એજ્યુકેશનથી બાળકો બન્યાં ‘ડિજિટલ ઝોમ્બી', એમનું બાળપણ કઈ રીતે પાછું અપાવશો?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કહે છે, સંતાનની સાથે માતા-પિતાનો પણ જન્મ થાય છે. આ સુખદ અનુભૂતિ પોતાની સાથે રોજેરોજ અવનવા પ્રશ્નો પણ લઇને આવે છે. અત્યારના ડિજિટલ યુગમાં પેરેન્ટિંગની નાજુક સમસ્યાઓના સચોટ ઉકેલ મેળવીશું આ કોલમમાં દર રવિવારે.

***
દરરોજ સવાર લાવે છે રિયાની મા માટે એક સંઘર્ષ...ચાર વર્ષની રિયાને ઉઠાડી, તેને તૈયાર કરી ઘરની બેઠકમાં લાવીને એક નાના અમથા કમ્પ્યૂટર સ્ક્રીન સામે બેસાડવાની - જ્યાં કાળા ડબાઓમાં બહુ બધાં માથાં દેખાય છે અને સાથે આવે છે કડકડાટનો ઘોંઘાટ. રિયાને બહુ જ આકરું લાગે છે આવા એક સેશનમાં બેઠા રહેવું, જેમાં તેનો અડધો સમય તો કંઈ દેખાય કે સંભળાય જ નહીં! રિયાની માને પણ પોતાની ઢીંગલીને આખા સેશન સુધી બેસાડી રાખવી એક સજા જેવું લાગે છે અને બિચારા શિક્ષકની સામે છે સહુથી મોટો પડકાર રિયા અને એના જેવા અસંખ્ય વિદ્યાર્થીઓને મશગુલ રાખવા. રિયાને તો પોતાના રમકડાં જોડે રમવામાં જ વધારે રસ છે...અને જો સ્ક્રીન જ જોવાની હોય તો તેમાં એને આ કાળા ડબ્બાઓ કરતાં કાર્ટૂન ફિલ્મ જોવી વધારે મનોરંજક લાગશે!

ડિજિટલ ડિવાઇડથી બાળકો સામાજિક અને ભાવનાશીલ હૂંફથી વંચિત
મહામારીએ આપણા જીવનને બે ભાગમાં વહેંચી દીધી છે - મહામારી પહેલાં અને મહામારી પછી. આ સમય ખૂબ જ ઉથલપાથલનો છે અને વળી સંસારમાં વ્યાપ્ત અસંખ્ય અસમાનતાઓમાં એક વધુનો ઉમેરો થયો છે - ડિજિટલ ડિવાઇડ. એક તરફ છે ડિજિટલ પહોંચ વગરના લાખો બાળકો જે પાછળ રહી ગયાં છે અને બીજી બાજુ જે બાળકોની ડિજિટલ પહોંચ છે તેમની ફરિયાદ છે કે તેઓ 'ઝોમ્બી' બની ગયા છે કારણ કે, તેઓ દરરોજ ઓનલાઇન ક્લાસમાં બેસે તો છે પણ તેઓ તે સામાજિક અને ભાવનાશીલ હૂંફથી વંચિત છે જે વર્ગમાં મળે છે.

જે બાળકો ક્યારેય સ્કૂલ નથી ગયાં તેમના માટે આટલી કોમળ વયે ઓનલાઇન ક્લાસ વિચિત્ર અને અસામાન્ય છે. જ્યારે મોટી ઉંમરનાં બાળકો થાકી અને કંટાળી ગયાં છે. તેમને જરૂર છે તેમના સહપાઠીઓ જોડે પરસ્પર આપ-લે કરવાની અને કમનસીબે ઓનલાઇન ક્લાસ આ માટે બહુ જ ઓછો અવકાશ આપે છે. ખાસ કરીને જ્યારે તેઓ જાણતા હોય કે તેમનું સતત નિરીક્ષણ થઇ રહ્યું છે અને કદાચ રેકોર્ડિંગ પણ થઇ રહ્યું છે! યાદ કરો, જ્યારે આપણે નાના હતા ત્યારે ક્લાસમાં જ્યારે કંટાળી જતા ત્યારે આપણે ડૂડલ (જેમતેમ દોરવું) કરતા, સાથે બેઠેલા સહપાઠી જોડે ટીક-ટેક-ટો (શૂન-ચોકડી) રમતા અને શિક્ષિકાનું ધ્યાન ન હોય ત્યારે કાગળિયાના દડા બનાવીને એકબીજા ઉપર ફેંકતા! આ બધું વર્ગ શિક્ષણના કંટાળાથી બહાર નીકળવાના પ્રયત્નો હતા. હવે ઓનલાઇન ક્લાસના વિદ્યાર્થીઓના કથન મુજબ, તેઓ ઓનલાઇન રમતો રમે છે, વિચિત્ર અવાજો થકી એવી ગેરસમજ ઊભી કરે છે કે ઈન્ટરનેટ સેવા બરાબર નથી અને જ્યારે બહુ કંટાળી જાય ત્યારે તેઓ ઓફલાઇન જ જતા રહે છે!

સ્કૂલ સાથે જોડાઈ રહેવા માટે મોબાઇલ બન્યો એકમાત્ર સાધન
પણ રાતોરાત મહામારીએ આ બધું બદલી નાખ્યું! જે મોબાઈલ ફોન સ્કૂલમાં વર્જિત હતો તે હવે સ્કૂલ સાથે જોડાયેલા રહેવા માટેનું એક માત્ર સાધન બની ગયું. માતાઓ હવે ઘરશિક્ષક બની ગયા. જે બાળકો માટે ઘર એ આઝાદીનું સ્થળ હતું તેઓ હવે એ જ ઘરમાં પુરાઈને રહી ગયા. જે શિક્ષિકાઓ વર્ગમાં બાળકોનું નિરીક્ષણ કરતાં હતાં. હવે તેઓ પોતે જ વિદ્યાર્થીઓની માતાના નિરીક્ષણની વસ્તુ બની ગયા...કારણ કે, માતાઓ ખાતરી કરી રહી છે શિક્ષક શું અને કેવી રીતે ભણાવી રહ્યા છે! વળી, ઘણી 'હેલિકોપ્ટર માતા’ઓ પોતાના બાળકને સાચા જવાબ આપવા માટે અને બોલવા માટે ઈશારા પણ કરે. અચાનક જ ઘર અને સ્કૂલ, વર્ગખંડ અને બેડરૂમના વચ્ચેની દોરેલી રેખાઓ ઝાંખી પડી ગઈ. રસોડાના અવાજો (કૂકરની સીટી), કુટુંબી સભ્યોના દલીલોનો અવાજ, સતત એકબીજાને મ્યૂટ-અનમ્યૂટ કરવાનું કહેવાનું અને થીજી ગયેલાં મોઢાં સામાન્ય બની ગયાં.

મહામારીના શરૂઆતના દિવસોમાં ઓનલાઇન ક્લાસ એક મોટી રાહત લઇને આવ્યું કારણ કે, તે શિક્ષકો અને સહપાઠીઓ સાથે જોડાયેલા રહેવાનું એક માધ્યમ હતું. પરંતુ સત્ય સ્વીકારવું જરૂરી છે કે ભલે ઓનલાઇન ક્લાસ ઘણી બધી શક્યતાઓના દ્વાર ખોલે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારી પાસે ઉપકરણો અને સારું ઈન્ટરનેટ કનેક્શન હોય પણ બાળકોને તે બીજા જોડાણની ખોટ જણાય છે. હકીકતમાં વિરોધાભાસ એ છે કે અપ્રત્યક્ષ રીતે જોડાયા રહેવા છતાંય બાળકો વિયુક્ત થઇ રહ્યાં છે - પોતાનાથી, પોતાના વાતાવરણથી અને અન્ય લોકોથી.

બાળકો માટે માસ્કમાં ચહેરા અને હાવભાવ ઓળખવા આકરા બન્યા
આ પદ્ધતિમાં એક બીજો ભય છે - બાળકો ભાવનાઓ અને સામાજિક વર્તન વિશે દૃશ્ય સંકેતો થકી શીખવાનું ચૂકી જશે. ઈમોટિકોનના માધ્યમથી વાતચીત કરવાને લીધે મોઢાના હાવભાવના ઝીણા ફેરફાર સમજવાનું તો લગભગ છૂટી જ ગયું છે. હવે બધાના માસ્ક પહેરવાને લીધે બાળકો પાસે કોઈપણ દૃશ્ય સંકેત નથી તે જાણવાનો કે જે વ્યક્તિ જોડે તેઓ વાતચીત કરી રહ્યા છે તે ખુશ છે કે સંતુષ્ટ છે કે દુઃખી છે કે ગુસ્સે છે. હકીકતમાં તો જાણીતાં મોઢાંઓને પણ ઓળખવા આકરા થઇ ગયા છે!

સમય જતા તે ડાઘ દેખાશે જે સામાજિક વાર્તાલાપથી વંચિત આ પેઢીના બાળકોને હશે. નોંધવા જેવી વાત એ છે કે ફક્ત રિયા જેવા નાનાં બાળકો જ નહીં પણ ઘણા મોટાં બાળકોને પણ ઝૂમ અથવા એના જેવા અન્ય માધ્યમ ઉપર એક પછી એક લેક્ચરમાં બેસવું કંટાળાજનક લાગે છે.

બાળકો પાસે છે પુષ્કળ ઊર્જા અને તેમના માટે જરૂરી છે હરતા-ફરતા રહેવું. તેઓ આવી જ રીતે વાતાવરણનો ઝાયકો લે છે અને આ જ રીતે તેઓ શીખે છે. તાજેતરમાં જ થયેલા એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, શીખવાનું, યાદ રાખવાનું અને તેનું પ્રતિઆહવાન ત્યારે જ વધુ અસરકારક હોય છે જ્યારે એક્ટિવિટી હોય અને આખું શરીર શીખવાની પ્રક્રિયામાં સામેલ હોય. ચોક્કસ આ એક્ટિવિટીનો એક હેતુ હોવો પણ તદ્દન જરૂરી છે! જ્યારે બાળકો હરી-ફરી રહ્યા હોય, પ્રશ્નો પૂછી રહ્યા હોય અને અન્વેષણ કરી રહ્યા હોય ત્યારે તેમના વિચારો એક ખાસ હેતુપૂર્ણ ક્રિયા તરફ વળેલા હોય છે. જેનાથી તેમની માનસિક, શારીરિક અને સાઇકિક ઊર્જાનો સદુપયોગ થાય છે.

જ્યારે બાળકને સ્થિર રહેવાની ફરજ પાડીએ - ભલે તે વર્ગખંડમાં હોય કે સ્ક્રીન સામે, તો તે કોઈ સજાથી કમ નથી. જે રીતે સ્ક્રીનમાં ફોટાઓ કેદ છે એ જ રીતે બાળકોને પણ પિન કરી દેવામાં આવ્યા છે! કારણ કે, તેમને બળજબરીથી સ્થિર રહેવું પડે છે. એટલે તેમનું શરીર તંગ થઇ જાય છે, ઊર્જા અટકી જાય છે અને શરીર સતપત કરવા માંડે છે.

ઓનલાઇન શિક્ષણના અનેક ફાયદા પણ ખરા!
કમ્પ્યૂટર કે મોબાઈલ સ્ક્રીન એક માધ્યમ બની ગયું છે બીજા સાથે જોડાયેલા રહેવાનું અથવા મનોરંજનનું. અત્યાર સુધી તે શીખવાનું માધ્યમ નથી બન્યું. જ્યાં સુધી બાળકો પોતે જાતે શીખનાર નહીં બને ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ બહુ કામનું નથી. ઓનલાઇન શિક્ષણનું સૌથી સારું પાસું એ છે કે આમાં શીખનાર પોતે નક્કી કરી શકે છે કે તે શું શીખવા માગે છે, ક્યારે શીખવા માગે છે અને પોતાની શીખવાની ગતિ પણ નક્કી કરી શકે છે. બાળકો કલાકોના કલાકો સ્ક્રીન સામે બેઠા રહી શકે છે જો જે તે જોઈ રહ્યા છે તે તેમના રસનું હોય તો. પણ જો તેમને તેમાં રસ ન પડે તો તેઓ થોડીવારમાં જ તેનાથી કંટાળી જશે. કમનસીબે સંસારભરના અભ્યાસક્રમની સંરચના એવી રીતે કરવામાં આવી છે કે તે બાળકના ત્વરિત જીવન અને સંદર્ભથી વિરક્ત અને વિખૂટું હોય છે.

સ્વાભાવિક પ્રશ્ન છે કે આના માટે શું કરવું જોઈએ? જ્યાં સુધી શાળાઓ પાછી ખૂલે ત્યાં સુધી આપણે સૌથી પહેલાં બાળકો ઉપર 'ભણીને' 'અભ્યાસક્રમ' પૂરો કરવાનું દબાણ છોડી દેવું જોઈએ. તેના બદલે આપણે એવી પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન આપવું જોઈએ જે તેમના માટે સુખાકારી હોય. આપણે તેમના રસને ધ્યાનમાં રાખીને એવી પ્રવૃત્તિઓ પસંદ કરવી જોઈએ જે તેમને આમાંથી બહાર કાઢી શકે, જે બાળકો એકબીજા સાથે ફોન ઉપર રહીને અથવા પોતાના ભાઈ-બેન જોડે રહીને કે બીજા જોડે રહીને કરી શકે. ડાયરી લખવી, મૂડ-બોર્ડ તેમના જીવનના અનુભવને નાની વીડિયો ફિલ્મમાં કેદ કરવું, પોતાના શરીર સાથે જોડાઈને પોતાની ખાણી-પીણી, ટેવો, પસંદ-નાપસંદ... ટૂંકમાં તેમને પોતાને વધુ સારી રીતે ઓળખવામાં જે મદદરૂપ થાય તેની પહેલ કરવી જોઈએ. બાળકોને પોતાને વ્યક્ત કરવા માટેના નવાં માધ્યમો શોધવામાં તેમની મદદ કરવી અને તેમની વ્યગ્રતાથી તેમને મુક્ત કરવાં એ પણ એટલું જ જરૂરી છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સ જેમ કે - રમકડું અથવા બોર્ડ ગેમ ડિઝાઈન કરવી કે પછી તેમના જીવનને સુધારવા માટે કોઈ નિરાકરણ આપવું...આ બધું ફોર્મ્યુલા અને પરિભાષાઓને ગોખવા કરતાં વધુ મદદરૂપ નીવડશે.

છેવટે, જ્યારે સ્કૂલો સાવચેતી અને હકારાત્મકતા સાથે પાછી ખૂલે ત્યારે આશા રાખીએ કે આપણે બાળકોને રમવા દઈશું, ગાવા દઈશું, ચિત્ર બનાવવા દઈશું, દિલ ખોલીને હસવા દઈશું અને એકબીજા સાથે વાર્તાલાપ કરવા દઈશું. જેથી, તેઓ આમાંથી બહાર નીકળી શકે. આ આપણો અભ્યાસક્રમ હોવો જોઈએ. આપણી ફરજ છે કે આપણે આપણાં બાળકોનું ખોવાયેલું બાળપણ તેમને પાછું આપીએ...
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો