પોઝિટિવ પેરેન્ટિંગ:વિકલાંગતાના વિવિધ પ્રકારઃ કોઈ બાળક મંદબુદ્ધિ નથી હોતું, માનસિક રીતે બહુ શાર્પ હોવાની સાથે બુદ્ધિશાળી કામગીરી પણ કરે છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

બધાં બાળકો અનોખી રીતે સ્પેશિયલ હોય છે. ચાલો મળીએ અદ્વિતીય એલેનાને…એલેના નિકોલસ એક ત્રીસ-વર્ષીય ફ્રેન્ચ સ્ત્રી છે, જેને ગંભીર સ્તરે ઓટિઝમની બીમારી છે. તે બોલી નથી શકતી. તેને પોતાની મૂવમેન્ટ ઉપર જરા પણ કન્ટ્રોલ નથી. તે તેના અંગુઠાનો ઉપયોગ નથી કરી શકતી. જેના લીધે તેને વસ્તુઓ પકડવામાં ખૂબ જ તકલીફ થાય છે. તેના મોઢામાંથી લાળ ટપક્યા રાખે છે અને તે મૂંગા માણસની જેમ બેસી જ રહે છે. તો ક્યારેક અચાનક જ હસવા માંડે છે. વીસ વર્ષ સુધી તેની માતા વેરોનિક સતત પ્રયત્ન કરતી રહી પોતાની દીકરીની આ ચુપ્પીની દીવાલ તોડવાની પણ તે માનવા જ તૈયાર નહોતી કે તેની દીકરી 'રિટાર્ડેડ' (મંદબુદ્ધિ) હતી.

વેરોનિકે એક પ્લાસ્ટિકના અક્ષરોની સાદી ગેમ બનાવી. જેથી, તે એલેનાને વાંચતાં શીખવાડી શકે. પછી અચાનક જ એક દિવસે એલેના જાણે અલૌકિક રીતે શબ્દો ભેગા કરીને કમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કરવા માંડી પણ અહીં નોંધપાત્ર વસ્તુ એ હતી કે આ કોઈ સાધારણ શબ્દો નહોતા. એલેનાએ કાવ્યાત્મક શબ્દો લખ્યા અને ફિઝિક્સ, મેટાફિઝિક્સ, જીવન, કોસ્મોસ વિશે શબ્દો લખ્યા. તેનો જે કોન્સેપ્ટ હતો તે મંદબુદ્ધિ નહીં પણ ખૂબ જ ઉત્કૃષ્ટ સ્તરની બુદ્ધિશાળી કામગીરી દર્શાવી રહ્યા હતા. એક એવી બુદ્ધિમત્તા જે આપણા જેવા સાધારણ માણસોના સમજ બહારની વસ્તુ હતી. એલેનાની કવિતાઓ છાપવામાં આવી છે. એના ઉપર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવામાં આવી છે અને ફ્રાન્સના પ્રતિષ્ઠિત 'ફેસ્ટિવલ ધ એવન્યૂ'માં એક નાટકમાં પણ તે આવી છે અને એલેના એક સેલિબ્રિટી બની ગઈ. અહીં એના લખાણનો એક ભાગ આપેલો છે, જેનો ગુજરાતી અનુવાદ પણ એની કાવ્યાત્મક સર્જનાત્મકતા અને બુદ્ધિનું પ્રમાણ આપવા માટે પર્યાપ્ત છે.

'હું આ બોલિંગ ગેમમાં એક તોપના ગોળાની જેમ આવી. માથું પહેલાં, શરીર ઉપર કોઈ કાબુ નહીં, વધુ પડતા શક્તિશાળી ન્યુરોન્સ (ચેતાકોષો) અને અસીમ સેન્સરી ઉલ્લાસ. મારા કાન માનવોની બકબક સાંભળી ઊભા થઇ જાય છે, મારા હાથ-પગ ઊંધા-ચત્તા છે અને મારી આંખો ફક્ત મને જ જોઈ શકે છે. એક વિખેરાયેલું મોડેલ, જે સાંસ્કૃતિક પદ્ધતિને તોડવાની જરૂરિયાત સમજીને સંસારમાં ફ્રીમાં મોકલવામાં આવ્યું છે. માથું એક બોલ્ટ વગરના સ્પ્રિંગ જેવું છે, જે ચારેય મુખ્ય કેન્દ્રો તરફ ડોલ્યા રાખે છે...'

એલેનાની વાર્તા દર્શાવે છે કે, કેટલાંક બાળકો ભલે પોતાના શરીરની મર્યાદાઓના લીધે બંધાયેલા હોય પણ તેમના મન તો સ્વતંત્ર અને અસીમ જ હોય છે!

એક બીજો પ્રેરણાદાયી અનુભવ…
હાલમાં હું એક દિવ્યાંગ બાળકના પિતાના સંપર્કમાં આવી. તેમણે મારી જોડે તેમના બાળકને ઉછેરવામાં જે પીડા થઈ એ શેર કરી. તેમના માટે સૌથી મોટો પડકાર છે દીકરાની શારીરિક જરૂરિયાતોનું ધ્યાન રાખવું. અહીં દુઃખની વાત આવા દિવ્યાંગ બાળકોને લઈને આપણા સમાજનો સંકુચિત દૃષ્ટિકોણ છે. લોકો આવા બાળકોને રિટાર્ડેડ ગણીને ક્યાં તો એમની અવગણના કરે છે કે પછી તેમનો તિરસ્કાર કરે છે. આ વાલીએ શેર કર્યું કે વિકલાંગતાની જુદી-જુદી ડિગ્રી હોય છે. તેમનો દીકરો માનસિક રીતે અલર્ટ છે પણ અન્ય શારીરિક તકલીફોની સાથે તેને 90 ટકા દૃષ્ટિની ક્ષતિ પણ છે. શરૂઆતમાં તો એના માટે સ્કૂલમાં એડમિશન મળવું પણ ખૂબ આકરું હતું. પછી છેવટે એડમિશન મળ્યું ત્યારે થોડાક દિવસમાં જ તેમનો દીકરો ડિપ્રેશનમાં જતો રહ્યો, કારણ કે શિક્ષકે તેની વારંવાર બાથરૂમ જવાની જરૂરિયાતને સમજ્યા વગર તેનું બધાની વચ્ચે અપમાન કરી નાખ્યું હતું, પણ આ સમય દરમિયાન વાલી પોતાના દીકરાને સપોર્ટ કરતા રહ્યા અને છેવટે તેમને એવી સ્કૂલ મળી ગઈ, જ્યાંના પ્રિન્સિપાલને આવા દિવ્યાંગ બાળકોની સંભાળ વિશે થોડું જ્ઞાન હતું. ભલે તે સ્કૂલના શિક્ષકો આ સ્તરના પડકારને હેન્ડલ કરવા માટે ટ્રેઇન્ડ નહોતા. 'મારો દીકરો રિટાર્ડેડ નથી. તે માનસિક રીતે ઘણો જ શાર્પ છે, પણ તેની શારીરિક સીમાઓના લીધે તેને એક રિટાર્ડેડ વ્યક્તિની જેમ ટ્રીટ કરવામાં આવે છે અને પરિણામરૂપે તેને કોઈપણ તક અથવા સપોર્ટ નથી મળતો, પણ તે પણ સમાજમાં પોતાનો ફાળો આપવા માટે સક્ષમ છે.' આ વાલીઓએ પોતાનું આખું જીવન આ 'સ્પેશિયલ' દીકરાને સમર્પિત કરી દીધું છે. જેને પોતાનું ભણતર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગમાંથી પૂરું કર્યું અને આજે આ વાલી પોતાના જેવા અન્ય વાલીઓ અને બાળકોને મદદ કરવા માગે છે. તેમને જીવનમાં મળેલા પડકારોથી બીજાની મદદ કરવા માટે તેમના હૃદયનાં દ્વાર ખૂલી ગયાં છે.

આ બંને અનુભવોમાંથી આપણને શું શીખ મળે છે?
આ બંને કેસ આ વાતનો દાખલો આપે છે કે, વાલી જો પોતાના બાળકને 'નોર્મલ' જીવન આપવાનું નક્કી કરે તો તે કોઈપણ પડકારનો સામનો કરી શકે છે. તેઓ પોતાના બાળકને સતત પ્રેમ અને પોષણ આપી અવનવી રીતે તેમને ભણાવવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. જો બાળકનું પોષણ સારી રીતે થાય તો સ્પેશિયલ જરૂરિયાતવાળાં બાળકો તેમની અનોખી રીતે વિચારવાની કલાને લીધે સમાજમાં અમૂલ્યવાન ફાળો આપી શકે છે. તમને ખ્યાલ હોય તો ગૂગલ ઓટિસ્ટિક વ્યક્તિઓની ભરતી પોતાના ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રોગ્રામ માટે કરી રહ્યું છે. એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે, યુકેના ઘણા કરોડપતિ ડિસ્લેક્સિક છે અને નવાઈની વાત તો એ છે કે, તેમની સફળતાનો ફાળો તેમના ડિસ્લેક્સિયાને જાય છે કારણ કે, તેઓ 'આઉટ ઓફ ધ બોક્સ' વિચારીને પોતાની આ ખામીની ભરપાઈ કરે છે.

બાળકનો ઉછેર કરતી વખતે વાલી અવનવા પડકારોનો સામનો કરે છે. સાચું કહું તો બાળકો ઘણી રીતે પોતાનાં મા-બાપનો જ ઉછેર કરી રહ્યા હોય છે, કારણ કે તેઓ મા-બાપને તેમના વિશે કેટલું બધું નવું શીખવાડે છે અને તેમને જુદી-જુદી રીતે આકાર પણ આપે છે. બાળકો મા-બાપને શીખવાડે છે સહનશીલતા, બિનશરતી પ્રેમ, સ્વીકારવાની શક્તિ, ભોગ આપવો વગેરે. બાળકોને વિવિધ લેબલ આપવામાં આવે છે જેમ કે, આળસુ, વિદ્રોહી, ઓવરએક્ટિવ, એકાગ્રતા વગરનું, અંતર્મુખી, શાંત વગેરે. હું એવા ઘણા વાલીઓને મળી છું જેઓ પોતાના બાળકે પોતાના મનથી કરેલી આમાંથી કોઈપણ વસ્તુને સ્વીકારી નથી શક્યા. મિત્રો અને પાર્ટનરને લઈને એની પસંદ હોય કે પછી તેમનાં બાળકનું જૂદું સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન અને બાળકની આ જુદી પસંદ તેના અને વાલી વચ્ચે એક દીવાલ ઊભી કરે છે, જેના લીધે બંને પક્ષે ખૂબ તકલીફ થાય છે પણ સારી વાત એ છે કે, આમાંથી ઘણા કેસોમાં વાલીઓ પોતાનું મંતવ્ય અને બાળક પાસેથી તેમની અપેક્ષાઓને બદલવાનું શીખે છે અને બંને વાલી અને બાળક સાથે આગળ વધે છે.

અંતે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે, હકીકતમાં બધા વાલીઓ પાસે 'સ્પેશિયલ' જરૂરિયાતવાળા બાળકો છે કારણ કે, દરેક બાળક અનોખી રીતે સ્પેશિયલ હોય છે.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

નોંધઃ લેખ સાથે મૂકેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે.

અન્ય સમાચારો પણ છે...