• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Did You Have A College Friend Hansa Dave ... Has Just Come To My Office Here As A Branch Manager ... Vinod's Heart Skipped A Beat As Soon As He Heard It !!

મારી વાર્તા:‘તારી કોલેજની મિત્ર હતી ને? હંસા દવે... એ અત્યારે અહીંની મારી ઓફિસમાં બ્રાંચ મેનેજર તરીકે આવી છે... સાંભળતા જ વિનોદનું હૃદય એક ધબકારો ચૂકી ગયું!’

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આખરે કંટાળીને વિનોદે છાપું પછાડી ફેંકી દીધું. 'આ શું, દરરોજ એકના એક સમાચાર જાણે જુદા જુદા નામે છપાતા હોય એવું લાગે છે.' શનિવારની સાંજ અને કોઈ પ્લાનિંગ નહીં. શું કરવું એના વિચારો કરતો હતો ત્યાં જ તેનો મોબાઈલ રણક્યો.

'હેલો, બોલ દીપલા, કેમ છે?'

દીપક એનો લંગોટીયો, શાળામાં ભણતા હતા ત્યારનો દોસ્ત હતો. અત્યારે અમદાવાદમાં નોકરી કરતો હતો.

'વિન્યા, સાંભળ, મને પ્રમોશન મળી ગયું છે. બ્રાન્ચ મેનેજર તરીકે ધોળકા જવાનું છે.'

'વાહ, ખૂબ અભિનંદન!'

'એક બીજા સમાચાર છે. તારી કોલેજની મિત્ર હતી ને? શું નામ એનું?'

'હંસા દવે.' વિનોદે આજુબાજુ કોઇ સાંભળતું નથી એ જોઈ લીધું..

'એ અત્યારે અહીંની મારી ઓફિસમાં બ્રાન્ચ મેનેજર તરીકે આવી છે. મને એ જ હોય એવું લાગે છે.' વિનોદનું હૃદય એક ધડકન ચૂકી ગયું.

'યાર દીપલા, ખાત્રી કરવી હતી ને?'

'એને કંઇ આવું પુછાય નહીં. 20 વર્ષ પહેલાં તેં ઓળખાણ કરાવી હતી તો કેવી રીતે કહું? હા, એના ડાબા ગાલે કાળો તલ છે, કપાળમાં ચાંલ્લો નથી, એની જગ્યાએ એક ઘાનું નિશાન છે.'

'તો તો એ જ હોવી જોઈએ. તને ખબર નહીં હોય, પરણ્યાના પાંચમા વર્ષેમાં જ કાર અકસ્માતમાં એણે પતિ ગુમાવ્યો હતો. એ પાછળની સીટ ઉપર હતી એટલે બચી ગયેલી. કદાચ એ વખતનો ઘા હોય. ભલે, પણ એ ક્યાં રહે છે?'

'ખબર નથી પણ કોઈ વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહેવાની છે એવું સાંભળ્યું છે.'

ફોન કટ કર્યો. વિનોદનું મન ચકરાવે ચડ્યું. હંસા તેની જિંદગીનો પહેલો પ્રેમ! અમદાવાદમાં એ ભણતો હતો ત્યારે કોલેજના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં એમણે શાકુંતલ નાટક સાથે ભજવેલું. એ રાજા દિલીપ અને હંસા શકુંતલા બની હતી. બંને જણ દેખાવે સારાં લાગતાં હતાં. દરરોજ રાત્રે મોડે સુધી નાટકની પ્રેક્ટિસ પછી એના ઘર સુધી મૂકવા જવાની એને ટેવ હતી. કહેવાની જરૂર નથી કે તે દરમિયાન તેઓ પ્રેમમાં પડ્યાં હતાં અને પરણવાનાં સપનાં જોવા લાગ્યાં હતાં પણ પરણી શક્યાં નહીં. હંસાના પિતાએ પરનાતમાં પરણાવવાની ના પાડી અને એમ પણ કહ્યું કે જો એમની વિરુદ્ધ પગલું ભરશે તો કાયમ માટે એની સાથે સંબંધ તોડી નાખશે. હંસાએ લાંબો વિચાર કરીને વિનોદને સમજાવ્યો કે આ સંજોગોમાં આપણે ભૂલી જવું જ યોગ્ય છે. બંનેએ સમજીને નિર્ણય લીધો કે મા- બાપ, ભાંડુઓને દુઃખી કરીને, સમાજથી અલગ પડી જઇએ તો પોતે પણ સુખી નહીં થાય. એકબીજાને ભૂલી જઇને ફરીથી ક્યારેય નહીં મળવાનો સંકલ્પ કરી છૂટાં પડ્યાં હતાં.

'ચાલ, જમી લઈએ' તેની પત્નીએ કહ્યું. વિનોદે ખાસ કંઈ સંવાદ વગર લુસલુસ જમી લીધું. વિનોદનું મન ક્યાંય લાગ્યું નહીં. વિચાર્યા કર્યું, શું હંસા ફરીથી પરણી હશે? કેમ વુમન હોસ્ટેલમાં રહે છે? આખરે એને એકવાર મળવાનું નક્કી કરી ઊંઘી ગયો.

એક મહિનો એમ જ વીતી ગયો. હંસાની યાદ એને છોડતી નહોતી. કામમાં પણ મન લાગે નહીં. વર્ષો થયાં એ વાતને. એ પરણ્યો અને બે બાળકોનો બાપ પણ હતો. તેની પત્ની સુધા ગૃહિણી હતી. દુઃખ કે ઉચાટનું કોઇ કારણ નહોતું. અચાનક અમદાવાદ જવાનો મોકો મળી ગયો, ઓફીસના કામે. ખૂશ થઈને ઝૂમી ઊઠ્યો. વિચાર્યું કે દીપક એ જ ઓફિસમાં નોકરી કરતો હતો. એટલે એને મળવાને બહાને જવાય, ત્યાં હંસા હોય તો મળી શકાય. અમદાવાદ પહોંચી બપોરની રીસેસના સમયમાં દીપકની જૂની ઓફિસ પર પહોંચી ગયો. દીપક મળવાનો નહોતો, ખબર હતી છતાં બ્રાન્ચ મેનેજરની કેબિન સામે ઊભો રહી નોકરને પૂછ્યું, 'દીપકભાઈ ક્યાં છે?'

‘કોણ, પટેલ સાહેબ? એમની તો ધોળકા બદલી થઈ છે.' આ સમય દરમિયાન એણે બ્રાન્ચ મેનેજરના નામની તક્તી વાંચી. 'હંસા દવે, બ્રાન્ચ મેનેજર.'

'મેનેજર સાહેબ ક્યારે આવશે?'

'મેડમ બીજી બ્રાન્ચમાં તપાસ માટે ગયાં છે, ક્યારે આવે ક્હેવાય નહીં.' સાંજે કામ પતાવી બહાર નીકળ્યો ત્યારે સાંજના 5 વાગ્યા હતા. આટલે સુધી આવ્યા પછી હંસાને મળ્યા વગર કેમ જવાય? એમ વિચારી નજીકમાં રિક્ષાવાળાને પૂછ્યું,

'આટલામાં ક્યાંય વુમન હોસ્ટેલ છે?'

'હા, આગળ ચાર રસ્તાને નાકે છે. હું ઘણીવાર અહીંથી એક બહેનને ત્યાં મૂકવા જઉ છું.' વિનોદને આથી વધારે માહિતીની જરૂર નહોતી.

'ચાલ, મારે ત્યાં જ જવું છે.' વિનોદ થોડીવારમાં એ વર્કિંગ વુમન હોસ્ટેલ પર પહોંચી ગયો. સરસ ત્રણ માળનું મકાન હતું. ચારેબાજુ લોખંડની જાળી સાથેની રેલિંગ હતી. દરવાજા પાસે ચોકીદાર માટે જગ્યા હતી.

'અહીં તમારું નામ અને ફોન નંબર લખો' ચોકીદારે કહ્યું, વિનોદે તેમ કર્યું.

'સીધા જાઓ, નીચે જે બહેન બેઠા છે એમને કહો, બોલાવી દેશે.' મોટો હોલ હતો. વચ્ચે એક આધેડ ઉંમરના બહેન ટેબલ પાછળની ખુરશીમાં બેઠાં હતાં. ટેબલ ઉપર જાડા ચોપડા, પુસ્તકો અને ફોન હતાં.

'આવો, કોને મળવા આવ્યા છો?'

'હંસાબેન દવેને..'

'તમારું નામ, તમારા શું સગા થાય?' વિનોદે એનું વિઝિટીંગ કાર્ડ આપ્યું.

'અમારા શહેરનાં છે, એક જરૂરી કામ છે.'

એ બહેને ફોન જોડ્યો, નામ સાથે ઓળખ આપી અને કાર્ડ બીજા બહેન સાથે મોકલ્યું.

'સામે કેબિન છે, ત્યાં બેસો.' વિઝિટર્સ કેબિન આખી કાચની હતી. અંદર સામસામે બે સોફા વચ્ચે એક ટિપોઈ પર ફૂલદાની, પાણીનો જગ અને કાચના બે ગ્લાસ મૂકેલા હતા. વિનોદ આરામથી બેઠો, માથા ઉપર હાથ ફેરવી વાળ સરખા કર્યા. રૂમાલ કાઢી ચહેરા ઉપર ઘસ્યો. પંદર મિનિટ થઈ છતાં કોઇ આવ્યું નહીં, ત્યાં જ એક બહેન આવી તેની સામેના સોફામાં બેઠાં પણ એ હંસા નહોતી એ પહેલી નજરમાં જોઈ લીધું. અજાણી સ્ત્રી સામે વધારે ન જોવાય એની કાળજી રાખી આમ તેમ નજર કરતો હતો. એ પણ એની જેમ કોઈને મળવા આવી હશે.

'વિનોદભાઈ તમે જ ને?' એ બહેને પૂછ્યું.

'હા.'

'તમે મને મળવા કાર્ડ મોકલ્યું હતું?'

'તમને નહીં, હંસા દવેને ...'

'હું જ હંસા દવે છું. બોલો શું કામ છે?'

વિનોદ ચમકી ગયો. આ બની શકે નહીં અને હંસા કંઈ આટલી સુંદર નહોતી.

'ત.. તમે હંસા દવે? ના ના. હું જેમને મળવા માગું છું એ તમે નથી.'

'પણ મારું નામ હંસા દવે જ છે.'

'ના હોય, બની જ ના શકે!'

'કેમ ના બને? એક નામની બે વ્યક્તિઓ ના હોય?'

'હોઈ શકે, પણ..'

'પણ ને બણ જવા દો મિસ્ટર વિનોદ. તમારી ભૂલ થાય છે. હું એ હંસા નથી જેને તમે શોધો છો.' સહેજ હસીને તે ઊઠી, જતી રહી. વિનોદ અચંબામાં પડી ગયો. એને સમજાતું નહોતું કે કેમ આવું થયું. માહિતી પ્રમાણે હંસાનું નામ અને હોસ્ટેલમાં રહે છે એ તો સાચું જ હોવું જોઈએ. આખરે એણે દીપકને જ પૂછવાનું યોગ્ય લાગ્યું. તરત દીપકને ફોન લગાડ્યો..

'ઓફિસના કામે હું અમદાવાદ આવ્યો હતો. મને એમ કે હંસા મળશે એટલે હું તારી જૂની ઓફિસમાં ગયો, પણ એ કંઇ ઓફિસના કામે બહાર ગઈ હતી. પછી તે કહેલું કે વુમન હોસ્ટેલમાં રહે છે. શોધીને ત્યાં ગયો તો બબાલ થઇ. મને તો એના નામનું કોઇ બીજું જ ભટકાયું.

'તને ખાત્રી છે એ હંસા નહોતી?'

'હા યાર! જે બહેન મળ્યા એ તો કહે કે સરખા નામનાં બે જણ કેમ ના હોય? એના ગાલ ઉપર તલ પણ નહીં અને કપાળે ઘા પણ નહીં.'

'ચાલ તને ખાત્રી કરવા એક ફોટો વ્હોટ્સએપ પર મોકલું છું. જોઈને કહે એ જ છે કે કોઇ બીજું. મારા વિદાય સમારંભમાં એ આવી હતી. ગ્રુપ ફોટો છે. મરૂન કલરની સાડીમાં બરાબર વચ્ચે છે. ફોન કર પછી.' 'હા...હા...જલ્દી મોકલ.'

થોડીવારમાં ફોટો આવી ગયો. વિનોદે એનલાર્જ કરીને જોયો. ફરી ફરીને જોયો, હંસા જ હતી. આ ઉંમરે પણ એને ઓળખવી અઘરી નહોતી. તો જે હોસ્ટેલમાં મળી એ કોણ? એ સ્ત્રીનું હસવું યાદ આવ્યું અને વિનોદ સમજી ગયો. હંસા વિનોદનું નામ અને ગામ કાર્ડમાં જોઈ ઓળખી ગઈ હશે. પછી વિચારીને મળવાનું યોગ્ય નહીં લાગ્યું હોય. નિર્ણય કરી એણે એની રૂમ પાર્ટનરને એની અવેજીમાં મોકલી હશે. ખૂબ સમજદાર હતી ને એ! વિનોદને ક્યારેય ન મળવાનો સંકલ્પ યાદ આવ્યો.​​​​​​​ ફોનની રિંગ વાગી.

'કેમ વિન્યા ખાત્રી થઈને?'

'ના એ નથી.' વિનોદે ફોન કટ કરી દીધો. હવે દીપકને પણ કંઈ કહેવું નથી.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...