ડિજિટલ ડિબેટ:'ભવિષ્યમાં કેમિકલ વોરફેરથી સાવધાન રહેવું પડશે...' શું જનરલ બિપિન રાવતનું છેલ્લું નિવેદન જ તેમને મૃત્યુ સુધી ખેંચી ગયું?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત તથા અન્ય સિનિયર લશ્કરી અફસરો હેલિકોપ્ટર અકસ્માતમાં દેશે ગુમાવ્યા તેનો આઘાત દેશભરમાં અનુભવાયો. સેનાની ત્રણેય પાંખના વડા ઉપરાંત સંકલન માટે વધુ એક હોદ્દો ઊભો કરવાનો વિચાર વર્ષોથી થતો હતો અને તે રીતે જનરલ બિપિન રાવતની પસંદગી થઈ હતી. પ્રથમ CDS તરીકે નામ ચર્ચામાં રહ્યું. તે ઉપરાંત જનરલ રાવત તેમનાં નિવેદનોને કારણે પણ મીડિયામાં ચમકતા રહ્યા હતા. ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ સામાન્ય રીતે મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનવાથી દૂર રહે તેવી ઉચ્ચ પ્રણાલી ચાલતી આવી છે. પરંતુ અકસ્માત થયો તેના આગલા દિવસોમાં જ જનરલ બિપિન રાવતે આપેલું એક નિવેદન સૌનું ધ્યાન ખેંચી ગયું. તેમણે કહેલું કે, ‘ભવિષ્યમાં કેમિકલ વોરફેરથી સાવધાન રહેવું પડશે.’

તેમનો કહેવાનો ભાવ એ હતો કે ભવિષ્યમાં જૈવિક શસ્ત્રોનો ઉપયોગ યુદ્ધમાં થઈ શકે છે. આ પ્રકારનાં ખતરનાક શસ્ત્રો માટે દુનિયામાં ઘણા દેશો બદનામ રહ્યા છે, પણ ચીનનું નામ વધારે ચર્ચાસ્પદ રહ્યું છે. આના કારણે તાળો બેસાડવાની કોશિશ થઈ કે જૈવિક યુદ્ધના જોખમનો ઉલ્લેખ અને તરત પછી અકસ્માત... પણ શું આવી શંકાઓ કરવી યોગ્ય છે? કોઈ ભાંગફોડની શક્યતા ખરી કે પછી અકસ્માતની શક્યતા જ વધારે લાગે છે? ‘દિવ્ય ભાસ્કર’ એપના વાચકો માટે મુદ્દાની સ્પષ્ટતા થાય તે પ્રકારની એક ચર્ચા.

કેપ્ટન જયદેવ જોષી (નિવૃત્ત) (JJ): VIP અને VVIPપી મૂવમેન્ટ માટે ચોક્કસ ધોરણો સાથે સમગ્ર કાર્યવાહી થતી હોય છે. તેમાં કયાં હેલિકોપ્ટર, વિમાન કે વાહનો વપરાશે, કોણ તેનું સંચાલન કરશે સહિતની ઝીણામાં ઝીણી વિગતોની કાળજી લેવાય છે. તેની વિગતોમાં ન જઈએ, પણ એટલું કહી શકાય કે એર હેડક્વાર્ટરના કોમ્યુનિકેશન સ્ક્વોડ્રન દ્વારા ઉપયોગમાં લેવાતું Mi-17 V5 આધુનિક હેલિકોપ્ટર ચોક્કસ છે, પણ દુનિયાભરમાં આ હેલિકોપ્ટરનાં અલગ-અલગ ઘણાં વર્ઝનના ઘણા અકસ્માતો થયા છે. વર્ષ 2014માં રક્ષા મંત્રાલયે જૂના Mi-8 હેલિકોપ્ટર્સને રિપ્લેસ કરવા આવાં 6 હેલિકોપ્ટર્સને VVIP હેલિકોપ્ટર તરીકે 'કન્વર્ટ' કરવાના આદેશ કર્યા હતા. VIP ફ્લાઈટના ઉડ્ડયન પહેલાં વિવિધ સ્તરે ચકાસણી પછી જ સિનિયર અને અનુભવી પાઈલટ તેને લઈને ઊડે અને એવું જ આ કિસ્સામાં થયું હતું. કમાન્ડિંગ ઓફિસર કક્ષાના અધિકારી જે મથકે હાજર હોય ત્યાં બીજી કોઈ ચિંતા કરવાની ના હોય. આમ છતાં મશીન આખરે મશીન છે. તે અચાનક નિષ્ફળ જઈ શકે છે અને આ હેલિકોપ્ટરમાં પણ તકનિકી ખરાબી આવી હોય તે સંભાવના પ્રબળ છે.
દિલીપ ગોહિલ (DG): તમારી વાત મુદ્દાસર છે અને આ બે દિવસ દરમિયાન ટીવી પર અન્ય સિનિયર ઓફિસરોને સાંભળ્યા તેમાં પણ આવો જ કંઇક સૂર નીકળે છે. કુન્નુરમાં સાતેક વર્ષ કામ કરી ચૂકેલા એક અધિકારીએ પણ જણાવ્યું કે, આ વિસ્તારમાં હવામાન હંમેશાં ધુમ્મસ ભરેલું હોય છે. અન્ય એક અધિકારીએ પોતે હેલિકેપ્ટર ક્રેશમાંથી કેવી રીતે બચ્યા તેનો પણ ઉલ્લેખ કરેલો. તેમનું પણ કહેવું એ હતું કે એકવાર કોઈ ટેક્નિકલ ખામી ઊભી થાય ત્યારે અનુભવી પાયલટ ભરપુર પ્રયાસો કરતા હોય છે 'પણ હવામાં ઊડતું મશીન આખરે ગુરુત્વાકર્ષણની ઝીંક ઝીલી શકતું નથી. હવામાં રહેનારું જે કંઈ હોય તેણે નીચે આવવું પડે છે.' પરંતુ VIP મૂવમેન્ટ માટે જે હેલિકોપ્ટરને યોગ્ય ગણાયું હોય અને આ હેલિકોપ્ટર વી-5 એટલે કે પાંચમા વર્ઝન જેટલું આધુનિક હતું. એટલે અકસ્માતની શક્યતા સામે સવાલો થઈ રહ્યા છે. બીજું કે નીલગીરી પર્વતમાળાના હવામાનની જાણકારી ન હોય તે માનવાને કારણ નથી. આ હેલિકોપ્ટરમાં પોતાનું વેધર રડાર હોય છે. એટલે છેલ્લી ઘડીની સ્થિતિ કે બદલાતા હવામાનની સ્થિતિને પાયલટ જાણી શકે. એથી જ અકસ્માત સિવાયની બાબતો પણ વિચારવી જોઈએ એમ કેટલાક અધિકારીઓ પણ કહે છે.

JJ: એ વાત સાચી કે નીલગીરી પર્વત શૃંખલા આસપાસ વાતાવરણ મિનિટોમાં પલટો ખાઈ જાય છે. ટેક ઓફ પહેલાંનાં એસેસમેન્ટ 'સેફ' હોવા છતાં ઉડાન ભર્યાની મિનિટોમાં જ પ્રતિકૂળ વાતાવરણ થયું હોય એવું કેટલાક વીડિયો જોઈને લાગે છે. હેલિકોપ્ટરમાં પોતાનું વેધર રડાર હોય (અને આધુનિક હેલિકોપ્ટર, વિમાનોમાં હવે તે હોય જ છે) પણ વેધરમાં અચાનક પલટાની જાણ થવી અને પછી તેનો સામનો કરવો બે બંને બાબત અલગ છે. વેધરને કારણે અથવા અન્યથા ટેક્નિકલ ક્ષતિ ઊભી થાય પછી બચાવના પ્રયાસો અને તેની સફળતા વિવિધ પરિબળો પર આધારિત હોય છે. ખુલ્લા મેદાનમાં, ઘાસીયા મેદાનમાં, ખેતરમાં ક્રેશ લેન્ડિંગ થાય તો બચી પણ શકાય. પરંતુ પહાડીઓમાં, જંગલોમાં નીચે પડ્યા પછીની સ્થિતિ મુશ્કેલ હોય છે. અહીં આગ પણ લાગી હતી અને તેથી સ્થિતિ વિકટ બની હતી.
DG: અનુભવી લશ્કરી ઓફિસરોની વાતને નકારી ન શકાય, પણ સામા પક્ષે કેટલાક નિવૃત્ત અધિકારીઓએ અને લશ્કરી બાબતોના જાણકારોએ પણ કેટલાક સવાલો કર્યા છે. ભાંગફોડની કોઈ શક્યતા ખરી કે કેમ એ મુદ્દાને તપાસમાં સમાવી લેવામાં આવે એવો સૂર પણ નીકળે છે. પ્રચલિત ભાષામાં ‘બ્લેકબૉક્સ’ કહેવામાં આવે છે તે મળ્યું છે. આમાં રહેલા વોઇસ રેકોર્ડર અને ડેટા રેકોર્ડરની તપાસ થશે, અન્ય ચોક્કસ પદ્ધતિએ તપાસ થશે અને સત્તાવાર રીતે નિવેદન આવશે ત્યારે કેટલીક બાબતો સ્પષ્ટ થઈ જશે. પરંતુ ભાંગફોડની શક્યતાના પુરાવા કંઈ મળતા નથી. શંકાઓ હંમેશાં શંકા રહે છે અને દુનિયામાં કેવા-કેવા બનાવો બનેલા તેની ચર્ચાઓ થવાની. અમેરિકા, રશિયા, ઇઝરાયલ અને અન્ય કેટલાક દેશોના જાસૂસી તંત્રોના પરાક્રમોની ગાથાઓ ગવાતી રહી છે. અમેરિકાએ ક્યુબામાં, ઇઝરાયલે પોતાના ખેલાડીઓની હત્યા કરનારા ત્રાસવાદીઓ સામે, રશિયન સત્તાધીશોએ તેના દુશ્મનોને ખાનગી ઓપરેશન્સથી કેવી રીતે માર્યા તેની વાતો થતી રહી છે. જૈવિક શસ્ત્રોનું જોખમ, તેનો ઉલ્લેખ અને ચીન સાથેનું આપણું ઘર્ષણ - કડીઓ ગોઠવાઈ શકે છે. લોજિક જોઈએ - ચીનને મહાસત્તા બનવું છે. તે દુનિયાને મેસેજ આપવા ન માગે કે પોતાનમાં તાકાત છે કે બીજા દેશોની સુરક્ષામાં ગાબડું પાડીને પણ પોતે ઓપરેશન કરી શકે છે? જનરલ રાવત પ્રથમ CDS અને હાઇપ્રોફાઇલ; અગાઉ તેમના હેલિકોપ્ટરને અકસ્માત નડેલો; તેમણે જાહેરમાં કરેલાં નિવેદનો; ભારતીય સેનાના આધુનિકીકરણની દિશામાં તેમની અગત્યની ભૂમિકા - આ બધી પણ કડીઓ છે.

JJ: હું માનું છું કે સર્વગ્રાહી તપાસ થશે. તપાસમાં કોઈ ખામી રહેશે નહીં. એ વાત જુદી છે કે સત્તાવાર વિગતો જાહેર થશે તે મુખ્યત્ત્વે સમગ્ર પ્રોસિજર, પાયલટની ભૂલ કે નહીં, ટેક્નિકલ ખામી કે નહીં, વાતાવરણમાં પલટો વગેરે વિશે હશે. ફ્લાઈટ દરમિયાન વીજળીનો તાર, કોઈ અન્ય કેબલનું નડતર, મોટું પક્ષી અથવા અજાણ્યો ઊડતું પદાર્થ અફળાયો કે કેમ જેવી બાબતોની પણ તપાસ થશે. કેટલાક ઓફિસરોએ કહ્યું પણ છે કે, પાયલટની ગફલતની શક્યતા ઓછી છે કારણ કે, VIP મૂવમેન્ટ વખતે ખૂબ જ અનુભવી કમાન્ડર, પાયલટ, કૉ-પાયલટ હોય છે. પરંતુ તપાસમાં અન્ય પરિબળોની ગેરહાજરી સ્પષ્ટ થાય ત્યારે પાયલટની માનવીય ચૂક વિશે પણ વિચારણા થશે. તે સાવ અજૂગતી બાબત નથી. ખૂબ જ તાલીમબદ્ધ અને હજારો કલાકના ઉડાનના અનુભવ ધરાવનાર પાયલટ પણ ધુમ્મસની સ્થિતિમાં 'વ્હાઇટ-આઉટ' જેવી સ્થિતિમાં દિશાસૂઝ ગુમાવીને ચૂક કરી શકે છે. તપાસ પછી જ કેટલીક બાબતો સ્પષ્ટ થશે.
DG: ટેક્નિકલ ક્ષતિ, માનવીય ચૂક, હવામાન આ વિશે સત્તાવાર વિગતો જાહેર થશે. તે પછી નિષ્ણાતો શું કહે છે તે માટે રાહ જોઈએ. પરંતુ પહેલાં કહેવાતું હતું કે, ફૅક્ટ ઈઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. કલ્પના કરતાં વાસ્તવિકતા વધારે ચોંકાવનારી હોય છે. જાસૂસી ફિલ્મોમાં દિલધડક દૃશ્યો જોવા મળે તેને ઝાંખાં પાડી દે તેવી ઘટનાઓ અદ્દલમાં બનેલી છે. રાજમહેલના કાવાદાવામાં શું-શું નથી થતું? કારણ શું અને ઈરાદો શું - એ અગત્યનું, પણ મહાસત્તાના ખેલ અને દુશ્મન દેશો વચ્ચેના ખેલમાં સુરક્ષામાં ગાબડું પાડવા માટે તક મળે ત્યારે રાહ જોવાતી નથી. CSD તરીકે હાઈપ્રોફાઇલ ટાર્ગેટ ગણી જ શકાય. ત્રાસવાદી જૂથો વગર કારણે અને વગર ઈરાદે પણ વિકૃત વૃતિથી કંઈ પણ કરે; સેનામાં કોઈ માત્ર નાણાં ખાતર પણ ફૂટી જવા તૈયાર હોય તો તેનો હાથ પકડી લે; ઘણીવાર વિદેશી તાકાતો નહીં પણ સ્થાનિક દુશ્મની, પ્રેમપ્રસંગ કે જાસૂસીમાં કોઈ ફાંટો પડે અને...ક્રાઇમ થ્રિલરના લેખકની કલ્પના પણ ટૂંકી પડે...

JJ: હવે કોઈને શંકા કરતા રોકી શકાતા નથી. પરંતુ મારું કહેવું છે કે દિલ્હીનું પાલમ એરપોર્ટ, સુલુર એર બેઝ અને વેલિંગ્ટન. આ બધાં ખૂબ ઊચ્ચ કક્ષાનાં મથકો છે. ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હોય છે. સ્લીપર સેલની શક્યતા પણ નહિવત્ છે, કારણ કે આવાં થાણાંઓમાં પોસ્ટેડ દરેક વ્યક્તિઓની સઘન અને સતત તપાસ અને નિગરાની થતી રહે છે. બહારથી કોઈ ઘૂસી જાય ને તોડફોડ કરે કે અંદરનું કોઈ ફૂટી જાય અને ભાંગફોડ કરે... કલ્પનાને રોકી શકાય નહીં, પણ સમગ્ર રીતે હું વિચારું છું કે એ દિશામાં જવા માટે હજી કોઈ નક્કર કડી આપણને મળી નથી.
(કેપ્ટન જયદેવ જોષી (નિવૃત્ત) સંરક્ષણ બાબતોના જાણકાર છે અને દિલીપ ગોહિલ પત્રકાર અને વિશ્લેષક છે.)