એક્સપ્લોર ઇન્ડિયા:ગુજરાતના વેરાન છતાં સમૃદ્ધ કચ્છના છેવાડે ભવ્ય ભૂતકાળ સંગોપીને બેઠેલું સુસંસ્કૃત અને સભ્ય નગર - યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ 'ધોળાવીરા'

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાન રણવિસ્તારમાં જયાં ચારેકોર રેતીવાળા ધૂળિયા ગરમ પવનોનો અવિરત પ્રવાહ પસાર થતો રહે છે એવા કચ્છના વેરાન વગડામાં હજારો વર્ષો પૂર્વે કોઈ સમૃદ્ધ માનવ સંસ્કૃતિ પાંગરી હશે તે આપણા માટે એક સમયે કલ્પનાથી પરે હતું. ખારાપાટના આ રણની રેતી નીચે સૌથી પ્રાચીન અને સમૃદ્ધ નગર ક્યાંક દટાયેલું હતું અથવા તો આ નગર પોતાના સર્જકોની હયાતી આપવા માટે જાણે પોતે જ જમીન નીચે લપાઈ ગયું હોય એવું લાગે. એક સમયે સિંધુ, સરસ્વતી અને રાવી નદીના કિનારે ઉદભવેલી અને વિકસિત થયેલી સિંધુ ખીણની સંસ્કૃતિના સમકાલીન તેના જ એકભાગ રૂપે વસેલું આ નગર ભૂતકાળમાં એના વાસ્તવિક રૂપમાં કેવું સમૃદ્ધ હશે એવા સવાલો અહીંના હાલના ભગ્નવેશ એવા અવશેષો જોઈને મનમાં ચોક્કસપણે થાય. અહીંના ખંડેરો એટલા ભવ્ય અને સુવ્યવસ્થિત છે તો તે સમયે નગરનું જીવન, ત્યાંના લોકોની રહેણીકરણી, તેમના જીવનનાં પાસાંઓ વિશે વધુ માહિતી મેળવવા કુતૂહલવશ થઈ જવાય એમાં કોઈ શંકાને સ્થાન નથી.

મનહર અને મનસર જેવી નાની નદીઓના પ્રવાહ વચ્ચે આવેલું ધોળાવીરા
મનહર અને મનસર જેવી નાની નદીઓના પ્રવાહ વચ્ચે આવેલું ધોળાવીરા

અન્ય હડપ્પીય સંસ્કૃતિનાં સ્થળો મોટી નદીના પટ પર મળી આવ્યાં છે, જ્યારે ધોળાવીરા એ ખદીર બેટના દ્વીપ પર મળી આવ્યું છે. ધોળાવીરાની નગર એ મનહર અને મનસર જેવી નાની નદીઓના પ્રવાહ વચ્ચે સ્થિત છે. આ નગરનું આયોજન તે સમયની ઈજનેરીવિદ્યા અને તે લોકોના ખગોળવિદ્યાનું પ્રમાણ આપે છે. કચ્છને વિશ્વના પુરાતત્ત્વ નક્શામાં સ્થાન અપાવનાર ધોળાવીરા અનન્ય છે. દેશની 40મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખ ઊભી કરનાર ધોળાવીરાએ દેશનાં નક્શાને વૈશ્વિક ફલક પર એક આગવી ઓળખ સાથે આગળી હરોળમાં સ્થાન અપાવ્યું છે. કચ્છનું નાનું અને મોટું બંને રણ એની અલગ ભૌગોલિક રચના માટે ખૂબ જ સુંદર તો દેખાય જ છે પણ એક સમયે અહીં પાંગરેલી સભ્ય સંસ્કૃતિ એ સમગ્ર માનવ ઇતિહાસનો અજોડ વારસો છે. અહીંના અવશેષોને જોતા જ આપણે જાતે જ ટાઇમમશીનની માફક ભૂતકાળમાં સરી પડીએ અને સભ્ય સંસ્કૃતિના સભ્ય માનવને જઈને મળીએ. કચ્છના છેક છેવાડે આવેલ ખડીર પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન સામખિયાળી છે. ત્યાંથી ખડિર વાહન મારફતે જઈ શકાય છે.

સિંધુ સભ્યતાના પાંચ સૌથી સુવ્યવસ્થિત નગરમાં ધોળાવીરાનો સમાવેશ કરાયો છે
સિંધુ સભ્યતાના પાંચ સૌથી સુવ્યવસ્થિત નગરમાં ધોળાવીરાનો સમાવેશ કરાયો છે

ધોળાવીરાની એ વિશેષતા છે કે અહીંના નગરને મુખ્ય ત્રણ ભાગમાં તમે જોઈ શકો. પહેલો મુખ્ય મહેલ કે જેને સિટાડેલ કહેવામાં આવે છે. તેને ઊંચાઈ પર મજબૂત કિલ્લા પર સુરક્ષિત કરવામાં આવ્યું છે. બીજો ભાગ એટલે મધ્ય નગર અને ત્રીજો ભાગ એટલે નીચલું નગર. આ દરેક બાંધકામ વિશેષ અનુપાતમાં બાંધવામાં આવ્યા છે. ધોળાવીરા નગરનો ઢાળ ઉત્તરથી દક્ષિણ દિશા તરફનો છે. સિંધુ સભ્યતાના પાંચ સૌથી સુવ્યવસ્થિત નગરમાં ધોળાવીરાનો સમાવેશ કરાયો છે. અહીંના વિશાળ જળાશયો, પાણીની ટાંકીઓ, મહેલ, કૂવા, કુંડો, રસ્તાઓ, શેરીઓ ખૂબ જ આયોજનબદ્ધ રીતે બાંધવામાં આવ્યા છે એવું ચોક્કસપણે કહી શકાય અને આજની સ્થિતિને જોતા આ નગર કાળની હજારો થપાટો ઝીલ્યા પછી પણ મજબૂત રીતે ઊભું રહી શક્યું છે.

ધોળાવીરાની વિશેષતા અહીં મળી આવેલાં ભવ્ય જળાશયો છે, જેમાં સમગ્ર વર્ષ માટે પાણીનો સંગ્રહ કરવામાં આવતો
ધોળાવીરાની વિશેષતા અહીં મળી આવેલાં ભવ્ય જળાશયો છે, જેમાં સમગ્ર વર્ષ માટે પાણીનો સંગ્રહ કરવામાં આવતો

ધોળાવીરા નગરની બંને બાજુ વરસાદી નદીઓ મનહર અને મનસરના પ્રવાહ આવેલા છે. જેના પાણીનો ઉપયોગ જળપ્રબંધન માટે કરવામાં આવતો. ધોળાવીરાની વિશેષતા અહીં મળી આવેલાં ભવ્ય જળાશયો છે, જેમાં સમગ્ર વર્ષ માટે પાણીનો સંગ્રહ કરવામાં આવતો. નગર ઉતર દિશા તરફથી દક્ષિણ દિશામાં ઢાળ ધરાવતું જેથી ચોમાસામાં મનહર નદીમાંથી ઉત્તર તરફથી પાણી આવતું, જે મુખ્ય જળાશય ભરાયા બાદ નહેર મારફતે અન્ય જળાશયમાં જતું હતું અને આ વિશાળ જળાશયોમાં ઊતરવા માટે પગથિયાં પણ બાંધવામાં આવેલાં. આ આયોજન પરથી કહી શકાય કે ધોળાવીરાના લોકો વોટર હાર્વેસ્ટિંગમાં ખૂબ જ સારી તકનિકોથી વાકેફ હતા. હાલના સમયમાં પણ આવું વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો પાણીની ઘણી સમસ્યાઓનું સમાધાન લાવી શકાય. ધોળાવીરામાં પુષ્કળ પ્રમાણમાં મણકાઓ મળી આવ્યા છે અને રસપ્રદ વાત એ છે કે તેને સમકાલીન મેસોપોટેમિયાની સંસ્કૃતિમાંથી અહીંના મણકાઓ મળી આવ્યા છે. જે અહીંના લોકોનો મેસોપોટેમિયાની સંસ્કૃતિ સાથેનું જોડાણ સૂચવે છે. ધોળાવીરાની એક અન્ય ખાસિયત એ છે કે અહીં સુશોભિત સ્તંભો મળી આવ્યા છે. પુરાત્વવિદો એવું જણાવે છે કે સિંધુ સંસ્કૃતિના અન્ય નગરોમાં આવું સુશોભન જોવા મળતું નથી જે ધોળાવીરાને બીજા બધા નગરોથી અનન્ય બનાવે છે.

હજારો વર્ષો પૂર્વે અહીં એક ખૂબ જ આધુનિક સભ્યતા વસવાટ કરતી હતી એની આગવી વાર્તાઓ હશે જે હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી
હજારો વર્ષો પૂર્વે અહીં એક ખૂબ જ આધુનિક સભ્યતા વસવાટ કરતી હતી એની આગવી વાર્તાઓ હશે જે હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી

સમયનું ચક્ર અવિરતપણે ચાલ્યા જ કરે છે. હજારો વર્ષો પૂર્વે અહીં એક ખૂબ જ આધુનિક સભ્યતા વસવાટ કરતી હતી એની આગવી વાર્તાઓ હશે જે હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. અહીંના નગરનાં દ્વાર પર મુકાયેલી તખ્તી પર લખાયેલા દસ અક્ષરની લિપિને આજ સુધી આપણે ઉકેલી શક્યા નથી તો ધરતી બહાર કોઈ જીવનાં અસ્તિત્વ સુધી પહોંચવું એ કલ્પના જેવું જ કહી શકાય. આ નગરની ગલીઓમાં એક આંટો મારી જુઓ તો સમજાય કે આ નગર હજુ પણ ધબકતું નગર છે. ઊંડી સમજથી રચાયેલું આ નગર આજના આર્કિટેક્ટની સૂઝબૂઝ કરતાં તો ક્યાંય આગળ પડતું છે. અહીંની દીવાલ પર બે ઘડી બેસીને એક સભ્ય અને સંસ્કૃત નગરમાં કોઈ સંસ્કૃત વ્યક્તિના ઘરે બેસીને આવ્યા એવું અનુભવાશે. ઉમદા સંસ્કૃતિ એક સંસ્કૃત સમાજથી બને છે અને સંસ્કૃત સમાજ એવા લોકોથી બને છે, જે દરેક જીવમાત્ર માટે સંવેદના ધરાવતા હોય બાકી આજનાં સમાજથી ફરી કોઈ સંસ્કૃતિ બનશે એવું હું નથી માનતો.

ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ થયું એનું ગૌરવ તો જ સાર્થક થશે. જો આ ધબકતા નગરની મુલાકાત લઈને આપણા પૂર્વજોની, આપણા સમાજની અને આપણી સંસ્કૃતિની ઓળખ નાનાં બાળકોને પણ આપો. અહી નજીકમાં જ ફોસિલ પાર્ક પણ છે જ્યાંથી માનવ સંસ્કૃતિથી પણ જૂના ડાયનોસોરના એવા અવશેષો મળ્યા છે જે આ વિસ્તારની સમૃદ્ધ જૈવિક સૃષ્ટિની ઝાંખી આપે છે. અહીં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓને ઊડતાં જોઈ શકાય છે, જે આખા આકાશને ગુલાબી રંગમાં રંગી નાખે છે. આ સિવાય, અહીં પુષ્કળ માત્રામાં યાયાવર પક્ષીઓનું આગમન શિયાળા દરમિયાન થાય છે. ટૂંકમાં ગુજરાતમાં જ આટલું સુંદર સ્થળ છે અને આપણે એની મુલાકાત ન લઈએ એવું કેવી રીતે બની શકે?
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)