સુખનું સરનામું:રોજ-બરોજનું સામાન્ય કાર્ય પણ ભક્તિ બની શકે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક મોટા શહેરમાં એક પ્રતિષ્ઠિત બેંકની એક શાખા કાર્યરત હતી. બેંકના ગ્રાહકો વધુ હોવાથી ગ્રાહકોની સરળતા માટે રોકડની લેવડ-દેવડ માટે એકને બદલે બે કાઉન્ટર રાખવામાં આવ્યાં હતાં. આ બંને કાઉન્ટરમાંથી એક કાઉન્ટર પર ગ્રાહકોની ખૂબ ભીડ રહેતી જ્યારે બીજા કાઉન્ટર પર બહુ ઓછા લોકો જતા. કેટલીકવાર તો એવું પણ બનતું કે બીજું કાઉન્ટર સાવ ખાલી હોય તો પણ ત્યાં જવાના બદલે લોકો પહેલા કાઉન્ટર પર લાઇનમાં ઉભા રહેવાનું પસંદ કરતાં હતાં. મેનેજર દ્વારા આ બાબતની નોંધ લેવામાં આવી અને જે કાઉન્ટર પર જવાનું લોકો ટાળતા એ કાઉન્ટરના કેશિયરને બોલાવીને પૂછપરછ કરી. ગ્રાહકો સાથેના એના વર્તનની પણ તપાસ કરી. કેશિયરનું ગ્રાહકો સાથેનું વર્તન ખરાબ હોય એવું પણ નહોતું. આમ છતા એ કેશિયર જે બારી પર બેસતો હતો તે બારી પર કેશ લેવા માટે બહુ ઓછા લોકો આવતા હતા. મેનેજર પણ મુંઝવણમાં પડ્યા કે કેશિયરનું ગ્રાહકો સાથેનું વર્તન ખરાબ નથી, તો પછી લોકો એ જે કાઉન્ટર પર બેસે છે ત્યાં જવાનું કેમ ટાળે છે? બીજા કાઉન્ટર પર જ કેમ બધા લાઇન લગાવે છે? આખરે આ પ્રશ્નનો ઉત્તર ગ્રાહકો પાસેથી જ મેળવવાનું નક્કી કર્યું.

મેનેજરે આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે ગ્રાહકો સાથે જ ચર્ચા-વિચારણા કરવાનું નક્કી કર્યું. એમણે થોડા ગ્રાહકોને મળવા બોલાવ્યા અને તેઓ રકમ ઉપાડવાની હોય ત્યારે શા માટે ચોક્કસ કેશિયર પાસે જ જાય છે એ બાબતે પૂછપરછ કરી. બધા જ ગ્રાહકોનો એક સમાન જવાબ હતો. ‘અરે સાહેબ, અમે એ કેશિયર પાસેથી રકમ લઇએ છીએ અને પછી એ રકમનો જ્યાં પણ ઉપયોગ થાય છે ત્યાં અમને હંમેશાં સારાં પરિણામો મળે છે. અમે જે કામ માટે રકમ ઉપાડી હોય એ કામમાં અમને સફળતા મળે છે એટલે લાઇનમાં ઊભા રહીને રાહ જોવી પડે તો પણ અમે બધા એ કેશિયર પાસેથી જ રકમ ઉપાડવાનું પસંદ કરીએ છીએ. આવું કેમ થાય છે એની અમને ખબર નથી પણ અમને ખૂબ લાભ થાય છે એ વાત 100% સાચી છે.’

મેનેજર પણ મુંઝાયા. આવુ તે કેવી રીતે બને કે તમે એક કેશિયર પાસેથી પૈસા ઉપાડો તો તમને ફાયદો થાય અને બીજા પાસેથી પૈસા ઉપાડો તો તમને ફાયદો ન થાય. મેનેજરે હવે એ કેશિયરને બોલાવીને પૂછપરછ કરી જેની પાસેથી રકમ ઉપાડવા ગ્રાહકો લાઇન લગાવતા. કેશિયરે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘સાહેબ, હું તો બસ મારી ફરજ બજાવું છું અને કેશિયર તરીકેનું કામ કરું છું, પણ જરા જુદી રીતે કામ કરું છું. રકમ એમની જ છે અને એમને આપવાની છે. રકમ એમના હાથમાં મૂકતી વખતે થોડી સેકન્ડ ભગવાનને પ્રાર્થના કરું છું કે એ જે હેતુ માટે પૈસા લઇ જઇ રહ્યા છે એ હેતુમાં તેઓ સફળ થાય અને આ રકમ એમના પ્રશ્નોના નિવારણમાં ઉપયોગી થાય. આટલી પ્રાર્થના કરવામાં કોઇ સમય બગડતો નથી એ તો રકમ એના હાથમાં મૂકું ત્યારે જ કરી લઉં છું અને મને કોઇ નુકસાન પણ નથી. ઉલટાનું ઓફિસથી ઘરે જાઉં ત્યારે આનંદ થાય છે કે મેં કોઇકના માટે કંઇક કર્યું છે. અને એના કરતાં પણ મહત્ત્વની વાત એ કે હું આવી પ્રાર્થના કરું છું એને કારણે મને કામ કરવામાં કોઇ થાક નથી લાગતો.’

મેનેજરને લાંબી લાઇન લાગવાનું રહસ્ય સમજાઇ ગયું. આપણે ભલે કોઇપણ પ્રકારનું કામ કરતા હોઇએ, કામ કરતી વખતે આ રીત આ અપનાવવા જેવી છે. કામ કરતી વખતે જેમના માટે કામ કરીએ છીએ એમની સફળતા અને સુખાકારી માટે એક નાની પ્રાર્થના કરીએ તો આ માટે આપણે કોઇ ખર્ચ કરવાની જરૂર નથી કે વધુ સમય આપવાની પણ જરૂર નથી. માત્ર કામ કરતાં કરતાં સાથે-સાથે ભગવાનને પ્રાર્થના પણ કરતા રહીએ તો કામની ગુણવત્તા પણ સુધરે અને સામેવાળી વ્યક્તિને આપણી પ્રાર્થનાની ફળશ્રુતિ પણ. બસ, મનમાં કરેલી એક નાની પ્રાર્થના એમને ફાયદો કરે કે કેમ એ પ્રભુ જાણે, પણ આપણને તો અનહદ આનંદ આપશે એ વાતમાં કોઇ શંકા નથી.

ઓફિસમાં કામ કરતી વખતે કેટલીકવાર ખૂબ કંટાળો આવે છે (આમ તો કેટલીકવાર નહીં લગભગ રોજ કંટાળો આવે છે.) ઓફિસ સમય પૂરો કરતાં કરતાં તો દમ નીકળી જાય છે. દિવસ જાણે ખેંચાતો જ જતો હોય એવુ અનુભવાય છે. સતત એક જ વિચાર આવ્યા કરે છે કે આ જોબમાં ખોટો ફસાઇ ગયો કે ખોટી ફસાઇ ગઇ. આના કરતાં જો બીજી જોબ કરી હોત તો વધારે મજા આવત!. હું જ્યારે નાનો હતો અને ખેતરમાં કામ કરવા માટે જતો ત્યારે મારાં મમ્મી ખેતરમાં મજૂરી કામ માટે આવતા મજૂરો માટે એક તળપદી કહેવતનો ઉપયોગ કરતા ‘ઊંચું નાળું નીચું નાળું જેમતેમ કરીને સાંજ પાડું’ મજૂરો જેમતેમ કરીને સાંજ પાડે એમ આપણે પણ જેમતેમ કરીને સાંજ પાડીએ છીએ અને દિવસના અંતે થાકીને ઢગલો થઇ જઇએ છીએ (કેટલીક વખત તો કોઈ કામ કર્યા વગર પણ થાકી જઇએ છીએ). આપણા રોજબરોજના કામથી થાકી જતા આપણે સૌ કોઇ ધાર્મિક કે સામાજિક સંસ્થામાં સ્વયંસેવક તરીકે સેવા આપવા માટે જઇએ ત્યારે ઓફિસ કરતાં બમણું કામ કરવા છતાં કોઇ થાક નથી લાગતો. ઊલટાનું વહેલી સવારથી મોડી રાત સુધી કામ કર્યા પછી પણ ચહેરા પર થાકને બદલે એક અનેરો આનંદ છવાયેલો હોય છે.

ધાર્મિક કે સામાજિક સંસ્થાનાં કામો કરતી વખતે ત્યાં પોતાપણાની ભાવના રહેલી છે. હું જે કંઇ કાર્ય કરું છું એ મારા માટે નહી, ભગવાન માટે કે મારા સમાજ માટે કરું છું એ વિચાર કામ કરવા માટેનું એક નવું બળ આપે છે. ઓફિસમાં જે કામને આપણે વેઠ સમજીને મન વગર કરતા હોઇએ એ જ કામ અહીંયા ભક્તિભાવથી કરીએ છીએ અને એના પરિણામે કામ કરવાનો આનંદ આવે છે. આવો જ આનંદ ઓફિસમાં કામ કરતી વખતે પણ લઇ શકાય તો આપણા કાર્યને સામાન્યકાર્ય સમજવાના બદલે ભગવાનનું કાર્ય સમજતા થઇએ તો! આપણને જે કામ સોંપવામાં આવ્યું હોય એ કામ કોઇ માણસો માટેનું નહીં, પણ મારા ભગવાન માટેનું છે એવી ભાવના સાથે કામ થાય તો મને ક્યારેય કામનો થાક નહી લાગે. હું શાળામાં શિક્ષક તરીકે કામ કરતો હોઉં ત્યારે આ કામ બાળકો માટે નહીં પણ ભગવાન માટે કરું છું અને રોજ મારી સામે ભગવાન બેસીને મારી આ વાતો સાંભળે છે એ ભાવના આવે તો ક્યારેય કામ બોજો ન લાગે. દરેક વ્યક્તિ પોતે જે પ્રકારનું કામ કરે છે એ કામ પોતાના ઇષ્ટદેવ માટે જ કરે છે એ વિચાર સાથે કામ કરે તો એ કામની ગુણવત્તા પણ કેવી ઉત્તમ પ્રકારની હોય! મંદિર કે મસ્જિદમાં જઇને પ્રભુને ચોક્ક્સપણે મળીએ, પણ કામના સ્થળે પણ ભગવાન હોય જ છે ત્યાં પણ મળવાનું રાખીએ. ભગવાનને પણ એ બહુ ગમશે.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)