તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Dear Selectors, Despite The Historical Performance, You Can Ignore It, But You Can't Break The Love Story With This Jaydev Unadkat's Red Cherry!

સ્ટ્રેટ ડ્રાઇવ:ડિયર સિલેક્ટર્સ, ઐતિહાસિક પ્રદર્શન છતાં તમે તેની અવગણના કરી શકો, પણ આ જયદેવ ઉનડકટની રેડ ચેરી સાથેની લવ સ્ટોરી પર બ્રેક ન મારી શકો!

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

8 માર્ચ 2020. રણજી ટ્રોફી ફાઇનલ પહેલાંનો દિવસ. બંગાળ સામેના મહામુકાબલા પહેલાં પ્રેસ કોન્ફરન્સ(PC)માં આવ્યા સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ, સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને કોચ કરસન ઘાવરી. વારાફરતી બધા પત્રકાર મિત્રોએ પ્રશ્નનો મારો ચાલુ કર્યો. શાંતિથી દરેકના કવેશ્ચન અને અનુભવીઓના જવાબ સાંભળતા મેં પણ પ્રશ્ન પૂછવા હાથ ઊંચો કર્યો. આમ તો આ પ્રશ્ન મારા મનમાં અમદાવાદથી રાજકોટની યાત્રા દરમિયાન ઘણીવાર ઉઠ્યો હતો અને નક્કી જ કરી રાખ્યું હતું કે જેવી PC શરૂ થાય સૌથી પહેલાં પૂછીશ.

પણ પીસીની શરૂઆતથી જ જે રીતે ઉનડકટ પોતે જવાબ આપતી વખતે અથવા બીજાના જવાબ સાંભળતી વખતે પોતાના હાથમાં રહેલા રેડ બોલને જોઈ રહ્યો હતો, એક અલગ જ લવ એન્ગલ મારી નજરે હતો. જાણે આખી સિઝનમાં રેડ ચેરી ઉનડકટ કહે એ પ્રમાણે રિએક્ટ કર્યા બાદ હવે રિટર્નમાં કંઈપણ માગ્યા વગર અપાર પ્રેમ મેળવી રહી હતી. આ ડાબોડી ફાસ્ટ બોલર 10 સેકંડ પણ ચેરી સામે જોયા વગર રહી શકતો નહોતો. ખબર નહીં કદાચ મગજમાં ફાઇનલ માટેની તૈયારીને અંતિમ ઓપ આપી રહ્યો હતો કે પછી કોણ જાણે ફાઇનલ જ રમી રહ્યો હોય. આખરે મેચ મેદાન કરતાં વધુ મગજમાં રમાતી હોય છે અને ઉનડકટ એ ઝોનમાં હતો, જ્યાં એણે શિદ્દતથી કરેલી મહોબ્બત પોતાની ચરમસીમાએ પહોંચી ગઈ હતી.

આખરે મેં મેન-ઇન-ફોર્મને પૂછ્યું, 'કેપ્ટન તમારા માટે શું મહત્ત્વનું છે? અત્યાર સુધી આ સિઝનમાં લીધેલી 65 વિકેટ કે પછી આ ફાઇનલ?' એકપણ સેકંડના પોઝ વગર તરત જવાબ આવ્યો, 'જો અમે ફાઇનલ ન જીતીએ તો આ બધી વિકેટ્સનું મારા માટે કઈ મહત્ત્વ નથી.' 5 મિનિટ પહેલાં પૂજારાના સમાવેશ અંગે તેણે કહેલું કે, 'પૂજારાના આગમન માટે તો હું પોતે ડ્રોપ થઈ જાઉં.' આ કોઈ સક્સેસની પિક પર પહોંચેલો ખેલાડી નહીં, પણ એક સેલ્ફલેસ કેપ્ટન બોલી રહ્યો હતો. અગાઉ મેં જે ઝોનની વાત કરી એમ જ્યારે વિચારો ક્રિસ્ટલ ક્લિયર હોય ત્યારે જ કોઈ મેદાન પર સાવજ માફક દેખાવ કરી શકે છે અને ઉનડકટે ઓન-ધ ફિલ્ડ જ નહીં, ઓફ-ધ ફિલ્ડ પણ પોતાના વિચારો વ્યક્ત કરીને જણાવી દીધું કે તે એક વ્યક્તિ તરીકે ડોન બ્રેડમેન લેવલની મેચ્યોરિટી પર પહોંચી ગયો છે.

76 વર્ષે રણજી ચેમ્પિયન બન્યું હતું સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રની ટીમ 76 વર્ષ પછી રણજી ચેમ્પિયન બની. સૌરાષ્ટ્ર વર્ષ 1936માં નવાનગર તરીકે અને 1943માં વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે રમીને ચેમ્પિયન બન્યું હતું. અગાઉ બંને વખત ફાઇનલમાં બંગાળને જ માત આપી હતી. સૌરાષ્ટ્ર પ્રથમ દાવમાં 425 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં બંગાળ 381 રન જ કરી શક્યું હતું. નિયમ અનુસાર, મેચ ડ્રો થાય તો ફર્સ્ટ ઇનિંગ્સ લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે. સિઝનમાં બોલ સાથે ટીમને મેચ પછી મેચ જિતાડનાર ઉનડકટનો આ જર્નીમાં સિંહફાળો હતો.

હિમાલય કરતાં ઊંચું પર્પલ પેચ
એવું કહેવું કે સૌરાષ્ટ્રના કેપ્ટન માટે આ એક ડ્રિમ સિઝન હતી તો તે ખરેખરમાં તેની નિંદા કરવા જેવી વાત રહેશે. 10 મેચમાં 13.24ની એવરેજથી 67 વિકેટ. સિઝનમાં દર 28 બોલે એક શિકાર. આવું ઉમદા પ્રદર્શન ડાબોડી ફાસ્ટ બોલરે અડધી મેચો સૌરાષ્ટ્રની લો અને સ્લો રમીને કર્યું. રણજીના ઇતિહાસમાં સિંગલ સિઝનમાં ફાસ્ટ બોલર દ્વારા શ્રેષ્ઠ દેખાવ. સપનામાં પણ આવું પોસિબલ છે તેવું વિચારવા 56ની છાતી જોઈએ, હોં ભાઈ!

મુદ્દાની વાત
આ ટૂર્નામેન્ટની ફાઇનલ સમાપ્ત થાય એ પહેલાં જ મહામારીએ એન્ટ્રી કરીને દેશમાં હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું હતું. તમામ પ્રકારની સ્પોર્ટિંગ એક્ટિવિટી બંધ થઈ ગઈ. પછીના વર્ષે ડોમેસ્ટિકમાં માત્ર વ્હાઇટ બોલ ટૂર્નામેન્ટ થઈ હતી. તાજેરતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસમાં યજમાન સામેની 5 ટેસ્ટ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે સ્ક્વોડ જાહેર થઈ અને તેમાં ઉનડકટનું નામ નહોતું. IPLમાં સારા દેખાવના આધારે પ્રસિદ્ધ કૃષ્ણ અને આવેશ ખાનને સ્ટેન્ડબાય તરીકે જગ્યા મળી પણ સૌરાષ્ટ્રને સિંગલ હેન્ડેડલી ટાઇટલ જિતાડનાર બોલરના નામની ચર્ચા પણ નહીં?

ડોમેસ્ટિકમાં પ્રદર્શનનો મતલબ શું?
જ્યારે આવા એક્સ્ટ્રા ઓર્ડિનરી દેખાવને ઇગ્નોર કરવામાં આવે ત્યારે સિલેક્ટર્સ ખાલી એ પર્ટિક્યુલર ખેલાડી જ નહીં પરંતુ લાખો યુવાઓના મનમાં શંકાનાં વાદળો પેદા કરે છે. ડોમેસ્ટિક પ્રદર્શનની નોંધ જ લેવામાં આવતી ન હોય તો પછી દર વર્ષે શું કામ રમાડવામાં આવે છે? ઇંગ્લેન્ડ જેવી બોલર ફ્રેન્ડલી કન્ડિશનમાં ભારતના બેસ્ટ લેફ્ટ આર્મ સિમ બોલરને સ્ક્વોડમાં સ્થાન ન આપવું એ પાપ છે. સિલેક્ટર્સના વ્યક્તિગત રેકોર્ડ પર આંગળી કરીને name them એન્ડ shame them વાળી નથી કરવી, બાકી એવું કરવું સહેજ પણ અઘરું નથી.

ઉનડકટની એકમાત્ર ટેસ્ટ
ઉનડકટનું વર્ષ 2010માં 19 વર્ષની વયે ભારત વતી ટેસ્ટ ડેબ્યૂ થયું હતું. તે મેચ તેના માટે યાદગાર નહોતી રહી. 26 ઓવરમાં વિના વિકેટે 104 રન આપ્યા હતા. પરંતુ સમજી શકાય કે ઈમેચ્યોર યુવાનને તમે પહેલી જ મેચમાં ગ્રેમ સ્મિથ, હાશિમ અમલા, જેક કાલીસ અને એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજ સામે તેમના દેશમાં ચાન્સ આપો અને ઇચ્છો કે એક જ ક્લિકમાં સફળ થાય તો તે વાજબી નથી અને એક ખરાબ આઉટિંગ પછી બીજો ચાન્સ ન આપવો અન્યાય છે.

ટેલન્ટને સ્ટેજ ન મળે
ઉનડકટ અગાઉ પણ ઘણા ખેલાડીઓ રહી ચૂક્યા છે જેમને ડોમેસ્ટિકમાં સતત સારા દેખાવ છતાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરતી તક અથવા તો તક જ નથી મળી. આ લિસ્ટ વિશે વિચારું તો મગજમાં અમોલ મઝુમદારનું નામ સૌથી પહેલાં આવે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 હજારથી વધુ રન છતાં ક્યારેય ભારત વતી રમવાની તક ન મળે, કેટલું ખોટું કહેવાય નહીં?

વેલ, ઉનડકટની વાત કન્ટિન્યૂ કરીએ તો એવું સહેજ પણ નથી કે ઉંમર તેની સાથે નથી. એ અત્યારે 29 વર્ષનો છે અને 28થી 32ની ઉંમર એ ટાઈમ પિરિયડ છે, જ્યારે એક ક્રિકેટર પોતાના પિક પર હોય. હા, ભલે રણજીના ઇતિહાસના શ્રેષ્ઠ સિમ બોલિંગ પ્રદર્શનની અવગણના કરવામાં આવી. હા, ભલે તે હકદાર હોવા છતાં ઇંગ્લેન્ડ પ્રવાસ પરની એ ફ્લાઇટમાં ટીમ ઇન્ડિયા સાથે નહીં હોય. હા, ભલે IPLના દેખાવને લીધે તેના રેડ બોલ પરફોર્મન્સને ભૂલવામાં આવે છે. પણ સૌરાષ્ટ્રનો સાવજ આ બધાથી ઇફેક્ટ થયા વગર ફરી એકવાર રણજીમાં સારું પ્રદર્શન કરીને સિલેક્શન માટેના દરવાજા ખખડાવશે નહીં. પરંતુ તોડી નાખશે. આવો મને વિશ્વાસ છે કારણ કે, મેં તેને જે રીતે બોલને નિહાળતા જોયો છે, એટલે મને ખબર છે, આ એક નેવર એન્ડિંગ લવ સ્ટોરી છે

ડિયર સિલેક્ટર્સ, ઐતિહાસિક પ્રદર્શન છતાં તમે તેની અવગણના કરી શકો પણ આ જયદેવ ઉનડકટની રેડ ચેરી સાથેની લવ સ્ટોરી પર બ્રેક ન મારી શકો! કીપ ગોઇંગ સ્કીપર, વી બિલિવ ઇન યુ.
vayamanan.dipak@dainikbhaskar.com
(લેખક ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે સંકળાયેલા યુવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે)