તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધોમાં છુપાછુપીનો જોખમી ખેલઃ પ્રદીપે લગ્ન કરતી વખતે તરાનાથી છુપાવ્યું કે તેને કેન્સર છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના એક કિસ્સાથી લેખનો પ્રારંભ કરીએ. એક દેખાવડી, શિક્ષિત, સંસ્કારી અને ડાહી દીકરી માટે છોકરાઓ જોવાનું ચાલતું હતું. મુંબઈથી આવેલું એક માગું લગભગ ફાઇનલ થઈ ગયું. છોકરો અને છોકરીએ એકબીજાને પસંદ કર્યાં પરિવારજનો પણ એકબીજાનાં હળ્યાં-મળ્યાં. વાત હવે આગળ વધારીને સગાઈ સુધી પહોંચવાની હતી.

થોડા દિવસ પછી મુંબઈથી યુવકનો યુવતીના પિતા પર ફોન આવ્યો. તેણે કહ્યું કે મારાં માતા અને પિતા બંનેને કેન્સર ડિટેક્ટ થયું છે. તેથી આ લગ્ન નહીં થઈ શકે. યુવતીના પિતાએ દલીલ કરી કે જો તમે બંને એકબીજાને પસંદ કરો છો તો આગળ વધવામાં અમને કોઈ વાંધો નથી. કદાચ, આ સંબંધ થયા પછી પણ કેન્સર આવ્યું હોત... એવી પણ દલીલ કરાઈ. જો કે, યુવક અને તેનાં માતા-પિતા સંબંધ ના કરવા મક્કમ હતાં. તેમનું માનવું હતું કે, અરમાન ભરેલી કોઈ દીકરી સાથે અંચઈ ના જ કરાય.

આવો બીજો એક કિસ્સો પાલનપુરનો છે. સગાઈનું લગભગ નક્કી હતું અને યુવકના પક્ષે મોટી આર્થિક ખોટ આવી. અચાનક જ આવું થયું હતું. કરોડપતિ પરિવાર રોડપતિ થઈ ગયો હતો. જો કે, બહાર ખાસ ખબર નહોતી પડી. એ લોકો છુપાવીને નક્કી થયેલો સંબંધ બાંધી જ શક્યા હોત. પણ ખાનદાન પરિવારે તરત જ હકીકત છોકરીના પક્ષને જણાવી. છોકરીના પક્ષે તેમનો આભાર માન્યો.

સંબંધો અને પારદર્શકતા. સંબંધો અને ખુલ્લાપણું. સંબંધો અને નિખાલસતા. આ એક રસપ્રદ વિષય છે. એમાંય જ્યારે લગ્ન માટે પાત્રો એકબીજાને પસંદ કરતાં હોય ત્યારે તો ખાસ. આમ તો દુનિયાનો કોઈપણ સંબંધ વિશ્વાસ અને હકીકતના પાયા પર જ ઊભો થતો હોય છે. ખોટી માહિતી આપીને, અસત્ય આચરીને, મહત્ત્વની બાબત છુપાવીને જ્યારે સંબંધ બાંધવામાં આવે છે ત્યારે પાછળથી ઘણા મોટા પ્રશ્નો ઊભા થાય છે.

પ્રદીપ કરીને એક યુવક. સારા ઘરનો. તેમનો મોટો ધંધો. યોગ્ય વયે તેના માટે છોકરીઓ જોવાનું ચાલ્યું. છોકરીઓ જોવાનું ચાલતું હતું ત્યારે જ તેને કેન્સર ડિટેક્ટ થયું. તરાના નામની એક યુવતી સાથે તેની વાત ચાલતી હતી. કેન્સર ડિટેક્ટ થયું એ વાત પ્રદીપના પરિવારજનોએ ખરેખર કહી દેવી જોઈતી હતી. પરંતુ તેમણે આ વાત ન કરી. તેમણે એવો તર્ક વિચાર્યો કે ધારો કે લગ્ન પછી કેન્સર ડિટેક્ટ થયું હોત તો? બીજો તર્ક એવો પણ વિચાર્યો કે હવે તો કેન્સર મટી પણ જાય છે.

સગાઈ અને લગ્ન થઈ ગયાં. લગ્ન પછી પ્રદીપના પરિવારે તરાનાથી કેન્સરની વાત છુપાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે ખબર પડી ગઈ ત્યારે એવો આભાસ ઊભો કરાયો કે લગ્ન પછી પ્રદીપને કેન્સર આવ્યું છે. જો કે, જૂઠ કાયમ છાપરે ચડીને પોકારે જ છે. એક જૂઠને છુપાવવા માટે અનેક જૂઠ આચરવાં પડે છે પણ છેવટે તો હકીકત બહાર આવી જ જતી હોય છે.

અહીં પણ એવું જ થયું. તરાનાને ખબર પડી ગઈ કે લગ્ન અને સગાઈ પહેલાં જ પ્રદીપને કેન્સર ડિટેક્ટ થયું હતું પણ ઈરાદાપૂર્વક એ વાત છુપાવવામાં આવી. તરાના નવા જમાનાની યુવતી હતી. અન્યાય અને છળ-કપટ સહન કરવાનું તેના સ્વભાવમાં નહોતું. તેણે પ્રદીપ સાથે દલીલ કરી કે, જો મને કેન્સર હોત તો તમે મારી સાથે લગ્ન કર્યાં હોત ખરાં? પ્રદીપે ખોટો ખોટો જવાબ આપ્યો કે તું મને એટલી બધી ગમતી હતી કે મેં હા જ પાડી હોત.

તરાનાએ પ્રદીપથી જુદા થવાનો નિર્ણય કર્યો. જો તેણે ધાર્યું હોત તો તે પ્રદીપ અને તેના પરિવારજનો સામે કાર્યવાહી પણ કરી શકી હોત. જો કે, તે ખાનદાન પરિવારની હતી. તેણે એવું કરવાનું ટાળ્યું અને પ્રદીપથી છુટાછેડા લઈ લીધા. એ પછી તો તેણે બીજાં લગ્ન કર્યાં અને ભાવનગરમાં પોતાના પતિ સાથે એ અત્યારે ખૂબ સુખી છે. પ્રદીપની કેન્સરની સારવાર ચાલી રહી છે.

લગ્ન કરવા સમયે ખોટી અને મોટી વાતો કરવાનો ચાલ છે. એ પણ બદલવા જેવો છે. એક જાણીતી રમૂજ છે. દીકરાને જોવા આવવાના હતા તો પિતાએ કહ્યું કે તને જે પૂછે તેનો જવાબ થોડો વધારીને આપજે. કન્યાના પિતાએ પગાર પૂછ્યો. યુવકને પોતાના પિતાએ કહેલી વાત યાદ આવી. તેણે જવાબ આપ્યોઃ આમ તો એક કરોડ રૂપિયા પગાર છે, પણ કપાતાં આઠ હજાર હાથમાં આવે છે.

આવી જ બીજી રમૂજ પણ છે. છોકરો જોવા આવેલાં. છોકરાના મિત્રને જવાબ આપવાનું સોંપાયેલું કારણ કે, છોકરો થોડો રાભો હતો. છોકરાનો મિત્ર હરખ-પદૂડો હતો. એ બધા જવાબો વધારી વધારીને કહેતો હતો. એના મનમાં એવી ભાવના કે ગમે તેમ કરીને મારા મિત્રનું ઠેકાણું પડી જાય. એવામાં છોકરાને ઉધરસ આવી. કન્યાના પિતાએ માત્ર સહજ રીતે, વિવેક ખાતર કહ્યું કે કુમારને ઉધરસ થઈ ગઈ લાગે છે. એવામાં હરખ પદૂડો મિત્ર બોલ્યો કે અરે ઉધરસ તો કાંઈ નથી, અમારા મિત્રને તો જૂનો ટીબી છે. ત્યાં વાત પૂરી થઈ ગઈ.

આ તો મજાકની વાત છે પણ આવું કશું છુપાવવું કે ખોટી રીતે રજૂ કરવું એ જોખમી છે. અમારા એક મિત્રએ સારી છોકરી મળે એ માટે CA જોઈન કર્યું હતું. જેવી ભણેલી-ગણેલી છોકરી મળી કે તરત જ CAનું ભણવાનું પડતું મૂક્યું. આમેય તેનામાં CA કરી શકે તેવી ક્ષમતા હતી પણ નહીં.

અરે, ઘણા યુવકો નપુસંક હોય છે તો તે છુપાવીને લગ્ન કરી નાખે છે. હદ કહેવાયને આ તો...? આવું તો કદી કરાતું હશે? જો કે, લોકો તો કરે જ છે. ઘણા લોકો યુવક કે યુવતીનું શિક્ષણ છુપાવે છે. છોકરી બાર પાસ હોય અને તેને ગ્રેજ્યુએટ બતાવે. છોકરો સ્નાતક ન થયો હોય તોય તેને MA કહે. એવો વિચાર કરે કે કોણ તપાસ કરવાનું છે? તપાસ કરશે ત્યારે જોયું જશે.

આ આખી બાબત જ ખોટી છે. લગ્ન એ એક પવિત્ર બંધન છે. આ સંબંધ પ્રામાણિકતા અને પારદર્શિતાના પાયા પર જ ઊભો થવો જોઈએ.એમાં જેટલી નિખાલસતા હોય એટલું લગ્નજીવન મઘમઘતું થવાની શક્યતાઓ વધારે છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)