• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Dancing In The Rain: The Child Will Become Natural By Connecting With The Conscience ... His Voice Will Also Become Stronger In Front Of The Society

પોઝિટિવ પેરેન્ટિંગ:ડાન્સિંગ ઈન ધ રેઇન: બાળક અંતરાત્મા સાથે કનેક્ટ થઇને પ્રકૃતિમય બનશે, સમાજ સામે તેનો અવાજ પણ મજબૂત બનશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકોને વરસાદમાં નાચવું કેમ ગમે છે? કેમ તેમને તીવ્ર ઈચ્છા થાય છે ખુલ્લા આકાશ નીચે રમીને ભીના થવાની? આ સવાલનો જવાબ જાણવા ચાલો રિયાને મળીએ...

અહીં મને મારા એક સ્ટુડન્ટ સાથે બનેલી ઘટના યાદ આવે છે, જે અમારી સ્કૂલમાં ધોરણ 8માં જોડાઈ હતી. આપણે તેનું કાલ્પનિક નામ રિયા રાખીએ. તેની માતાના જણાવ્યા પ્રમાણે, તે ખૂબ જ શરમાળ અને શાંત છોકરી હતી, જે આજની ઉત્સાહી, ચપળ, ચકોર અને આનંદી રિયાથી સાવ વિપરીત છે. મને યાદ છે કે તે ઓગસ્ટનો મહિનો ચાલતો હતો અને બહુ વરસાદ પડી રહ્યો હતો. અચાનક મેં મારી ઓફિસની બારીમાંથી જોયું કે રિયા પોતાનો ક્લાસ છોડીને બહાર ખુલ્લા ચોકમાં વરસાદમાં ડાન્સ કરવા લાગી છે. તે હાથ લાંબા કરીને હાથ અને આકાશ તરફ મોઢું રાખીને હસતાં-હસતાં કૂદકા મારી રહી હતી.

આ દૃશ્ય એટલું સુંદર હતું કે હું મારી જાતને રોકી ના શકી અને મેં તરત જ તેની માતાને ફોન કરીને આ વાત શેર કરી. રિયાની માતા તો શોક થઈ ગઈ. તેમણે પ્રશ્નોનો વરસાદ કરી મૂક્યો, 'તમે આ કઈ રીતે અલાઉ કર્યું? પરવાનગી વગર બાળક ક્લાસ છોડી જ કેવી રીતે શકે? શું તમે આના માટે બાળકને સજા નહીં આપો?' જવાબમાં મેં એમને એટલું જ કહ્યું કે, 'હું ફક્ત આવું અલાઉ કરીશ એટલું જ નહીં, પણ તેને આવું ફરી કરવા માટે પ્રોત્સાહન પણ આપીશ.'

રિયાને વરસાદમાં ડાન્સ કરતી જોઈને શીખવા મળેલી બાબતો
ખરું કહું તો રિયાને બહાર વરસાદમાં જોઈને મારી સૌથી પહેલી પ્રતિક્રિયા તો આશ્ચર્યજનક જ હતી, પણ પછી એના મોંઢા ઉપર નિર્મળ આનંદ જોઈને હું મંત્રમુગ્ધ થઇ ગઈ. એને જોઈને મોં એક સત્ય જાણ્યું. એ ક્ષણે રિયા નહતી નાચી રહી, પણ તેનો અંતરાત્મા કનેક્ટ થઇ રહ્યો હતો કોઈ એવી ઊર્જા સાથે જે ખૂબ જ શુદ્ધ અને આ સંસારથી પરે હતી. આ આખું દૃશ્ય અદભુત હતું. ત્યારથી મેં બાળકોને ક્લાસ દરમિયાન પણ કલાસરૂમમાંથી બહાર વરસાદમાં જઈને ડાન્સ કરવાની મંજૂરી આપવાનું શરૂ કરી દીધું (અલબત્ત, તેમનાં વાલીઓની પરમિશનથી). બાળકો કપડાંની એક એક્સ્ટ્રા જોડી લઈને સ્કૂલે આવે. જેથી, તેઓ વરસાદમાં ભીનાં થઇ ગયાં તો કપડાં બદલી શકે અને સ્કૂલમાં વરસાદ દરમિયાન એવાં દૃશ્યો જોવા મળે જ્યાં નાનાં-નાનાં કે.જી.માં ભણતાં ટાબરિયાંઓ હાઈસ્કૂલમાં ભણતાં બાળકો જોડે ડાન્સ કરી રહ્યાં હોય. મારા મંતવ્ય પ્રમાણે, અનાયાસ આનંદની આ સ્વાભાવિક અભિવ્યક્તિ અને એ ક્ષણોને સેલિબ્રેટ કરવી જ્યારે પ્રકૃતિ આપણા ઉપર પોતાનું અદભુત સૌંદર્ય અને આશીર્વાદ વરસાવી રહી હોય તે એક પ્રગાઢ માનવીય કૃત્ય છે.

રૂપકરૂપે રિયા હજી પણ વરસાદમાં ડાન્સ કરી રહી છે...
રિયાએ તો ફક્ત અંતરાત્માનો થનગનાટ સાંભળ્યો, જે કલાસરૂમમાં બેઠાં-બેઠાં બારીમાંથી વરસાદ જોઈને એને થઇ રહ્યો હતો. પછી તેનાં હૃદયના તે નાના અવાજને સાંભળીને તે ક્લાસરૂમની બહાર દોડીને વરસાદમાં ડાન્સ કરવા આવી ગઈ. વર્ષો પછી સ્કૂલમાં ખૂબ સરસ રીતે પાસ થઈને તેણે પ્રતિષ્ઠિત ફ્રેન્ચ યુનિવર્સિટી ‘સાયન્સિસ પો’નો ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યો, અને તેની વાર્ષિક 12,000 યુરોની સ્કોલરશિપ પણ મેળવી. ‘સાયન્સિસ પો’, પોલિટિકલ સાયન્સની એક શિક્ષણ સંસ્થા છે, જ્યાં ફ્રાન્સના ઘણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ્સ ભણ્યા છે. આ કોર્સને પણ ખૂબ જ ઉચ્ચ રેટિંગ મળ્યું છે. વળી, બહુ ઓછા સ્ટુડન્ટ્સ આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે છે. અહીંની ફેકલ્ટી દુનિયાની ઉચ્ચ કોટિની યુનિવર્સિટીમાંથી આવે છે. અમે તો ખૂબ જ ખુશ હતા કે રિયાની તો લાઈફ બની ગઈ પણ રિયાએ એક ક્ષણમાં જ પોતાની સીટ અને સ્કોલરશિપ બંને છોડી દીધી. કેમ? કારણ કે, તેને ફિલ્મ-મેકિંગમાં રસ હતો. એનિમલ્સ અને ફિલ્મ-મેકિંગના એના પેશનને લીધે તેણે સ્કોલરશિપ જતી કરીને ઇન્ડિયાની જ એક પ્રતિષ્ઠિત ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં ફિલ્મ મેકિંગનો કોર્સ જોઈન કર્યો. ત્યારબાદ તેણે ત્યાંથી ક્યારેય પાછા વળીને જોયું નથી. આજે એ આખા દેશમાં ફરે છે. ક્યારેક દક્ષિણનાં જંગલોમાં સાપને પોતાના કેમેરા થકી નજીકથી શૂટ કરવા માટે કે પછી ક્યારેક પૂર્વનાં ગામડાંઓમાં તે મહિનાઓ સુધી ફક્ત રાઇસ ખાઇને જ જીવન જીવે છે. એના મોઢા ઉપરનો ગ્લો જોઈને હું એ ભારપૂર્વક કહી શકું કે તેણે સાચો નિર્ણય લીધો છે.

ડાન્સિંગ ઇન ધ રેઇનનો ખરો અર્થ શું છે?
આ જીવન નું એક સુંદર રૂપક છે. વરસાદ એ જીવન આપે છે, શુદ્ધ કરે છે, ચક્રીય છે અને એક જાતનું નવીનીકરણ છે. વરસાદમાં ડાન્સ કરવાનો ખરો અર્થ એ છે કે આપણે ઈશ્વરી શક્તિનો આભાર માનીએ છીએ કે તેમણે આપણને મનુષ્ય અવતાર આપી આપણને જીવંત રાખ્યા છે. આ ડાન્સ થકી આપણે આપણી સીમારેખાઓમાંથી બહાર નીકળીને પ્રકૃતિ જોડે એકમય બની જઇએ છીએ.

રિયાના દાખલામાં તેના વાલી અને સ્કૂલના સપોર્ટના લીધે તે વરસાદમાં ડાન્સ કરવાની પોતાની ઈચ્છાને પૂરી કરી શકી, પણ આપણામાંથી કેટલા જણા આવો દાવો કરી શકીએ છીએ? આપણામાંથી ઘણા લોકોના હૃદયમાંથી ધીમો અવાજ આવતો હોય છે. જેનાથી શરીરમાં થઇ રહેલી હલચલથી આપણે કંઈક કરવા માટે બેચેન થઈ જઇએ છીએ, તેમ છતાં આપણે તેની ઉપર કોઈ એક્શન લેવાને બદલે બેસી રહીએ છીએ. તેનું કારણ એ છે કે આપણને તે કરવાની મંજૂરી નથી અથવા આપણામાં તે કરવાની હિંમત નથી. જો ઈશ્વરની ઈચ્છા હશે અને આપણે ઘડપણમાં પગ મૂકીશું તો બારીની બહાર જોતી આપણી આંખમાં આનંદ અને સંતોષ હશે કે આપણે વરસાદમાં નાચ્યા છીએ અથવા તો અતૃપ્ત રહેલી ઈચ્છાઓનો અફસોસ હશે કે જે વસ્તુઓ આપણે કરી શકતા હતા પણ કરી નહીં.

સમાજના કોલાહલમાં જ્યાં ઉશ્કેરાટ ભરેલા અવાજો આપણને શું કરવું અને ન કરવું વગેરેની શીખામણ આપતા હોય છે ત્યારે આપણે જાણતાં-અજાણતાં જ આપણા હૃદયના તે ઝીણા અવાજની ઉપેક્ષા કરીએ છીએ, જે આપણને જીવનપથ પર એક ખાસ પગલું કે વળાંક લેવા માટે વિનંતી કરી રહ્યાં હોય છે.

છેલ્લે એટલું જ કહીશ કે, મહેરબાની કરીને તમારા બાળકના અવાજને સમાજની અપેક્ષાઓ હેઠળ ગૂંગળાવી ન નાખશો... તેમને છૂટથી વરસાદમાં ડાન્સ કરવા દેજો.

(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

નોંધઃ લેખ સાથે મૂકેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે.

અન્ય સમાચારો પણ છે...