તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Magazine
 • Rangat sangat
 • Constant Anxiety, Experience Of Fear, Panic Attack, Shortness Of Breath ... These Symptoms Of Anxiety Lead To Negative Thinking, Do Yoga And Meditation To Control The Mind

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનન કી બાત:સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ... એન્ઝાયટીનાં આ લક્ષણો નકારાત્મક વિચારસરણીને પ્રેરે છે, મન પર નિયંત્રણ રાખવા યોગ અને મેડિટેશન કરો

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

નીલ એક આંતરરાષ્ટ્રીય બેંકમાં કામ કરતો એક 34 વર્ષીય પ્રતિભાશાળી કર્મચારી છે. પોતાના કામમાં એ હંમેશાં સક્ષમ અને આગળ પડતો રહ્યો છે. એનું કામ જ હવે તેની ઓળખ બની ગઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 4 પ્રમોશન મેળવી એ પોતાની કંપનીના સિનિયર ઓફિસર્સનો ભરોસાપાત્ર કર્મચારી બની ગયો છે. જ્યારે પણ કોઈ પણ નવો પ્રોજેક્ટ અથવા કોઈપણ નવી તક કંપનીના દરવાજે આવે તો એનું દરેક ઝીણવટભર્યું કામ નીલે જ કરવાનું. હમણાં થોડા દિવસથી નીલ થોડો મૂંઝાયેલો મૂંઝાયેલો લાગતો હતો. વિસ્તારમાં વાત કરી તો ખબર પડી કે, નીલ છેલ્લા થોડા સમયથી સતત કામના જ વિચારોમાં રહેતો હતો. જે નવા પ્રોજેક્ટ આવ્યા છે એ બરાબર રીતે સફળતાપૂર્વક કરી શકશે કે કેમ અને પોતાના બોસનો ભરોસો જાળવી શકશે કે કેમ એ વિચારોમાં નીલ કામને માણવાનું ભૂલી ગયો હતો. આ એન્ઝાયટી એને કામ વિશે વિચારતી વખતે જ આવતી એવું એને લાગતું. પરંતુ વિસ્તૃત વિચાર કર્યો તો એણે એ વાત સ્વીકારી કે એ સતત એના મગજના એક ખૂણે ચાલુ જ રહેતી હતી.

શું તમને અથવા તમારા કોઈ પ્રિયજનને એન્ઝાયટીની સમસ્યા છે? નીચેના 7 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના જવાબમાં હા આવે તો નજીકના મનોચિકિત્સકનો સંપર્ક સાધો અને તરત આ સમસ્યાનો ઉકેલ લાવો.

 1. છેલ્લાં બે અઠવાડિયાંમાં તમે કેટલી વાર નર્વસનેસ, બેચેની અથવા ધાર પર હોવાનો અનુભવ કર્યો છે?
 2. છેલ્લાં બે અઠવાડિયાંમાં ચિંતાજનક વિચારને રોકવા અથવા નિયંત્રિત કરવામાં સક્ષમ ન હોવાને કારણે તમે કેટલી વાર પરેશાન રહ્યા છો?
 3. છેલ્લાં બે અઠવાડિયાંમાં તમે કેટલીવાર વિવિધ બાબતો વિશે ખૂબ ચિંતા કરીને ચિંતિત રહ્યા છો?
 4. છેલ્લાં બે અઠવાડિયાંમાં તમે કેટલી વાર રિલેક્સ થવાનો પ્રયત્ન કર્યો હોય પણ થઇ શક્યા નથી?
 5. છેલ્લાં બે અઠવાડિયાંથી શાંત બેસવું મુશ્કેલ હોવાને કારણે તમે કેટલીવાર બેચેની અનુભવી છે?
 6. છેલ્લાં બે અઠવાડિયાંમાં તમે કેટલી વાર સરળતાથી હતાશ અથવા ચીડિયા બનીને કંટાળી ગયા છો?
 7. છેલ્લાં બે અઠવાડિયાંમાં કોઈ ભયાનક ઘટના બનશે એવો ડર અનુભવીને તમે કેટલીવાર હેરાન થયા છો?

એન્ઝાયટી એક એવી ભાવના છે જે આપણે નાના-મોટા પાયે અનુભવતા જ હોઈએ છીએ. એક પ્રખ્યાત કોલ્ડડ્રિંકની જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘ગલા સબકા સુખતા હૈ, ડર સબ કો લગતા હૈ’. પરંતુ જ્યારે એન્ઝાયટીની માત્રા એક હદથી વધી જાય અને તે આપણા કામ અથવા સામાન્ય જીવન પર લાંબા સમય સુધી અસર કરવા માંડે તો તેની સારવાર કરવી જરૂરી થઈ જાય છે.

એન્ઝાયટી સંબંધિત રોગો અલગ અલગ પ્રકારના હોય છે:

 • જનરલ એન્ઝાયટી - એટલે કે કોઈ ચોક્કસ વસ્તુ થવાનો ડર નહીં. પણ સામાન્યપણે સતત ચિંતા મહેસૂસ કરવી. કંઇક ને કંઇક ખરાબ થશે એવી ભાવનાનો અનુભવ કરવો.
 • ફૉબિયા- કોઈ એક ચોક્કસ વસ્તુનો ડર જેમ કે, ઊંચાઈનો ડર અથવા ભીડવાળી જગ્યાનો ડર, ઇન્જેક્શનનો ડર અથવા પશુ-પક્ષીનો ડર.
 • પેનિક ડિસઓર્ડર - જેમાં વ્યક્તિ થોડા થોડા સમયે પેનિક એપિસોડ અનુભવે છે, જેમાં હૃદયના ધબકારા વધવા, શ્વાસમાં તક્લીફ પડવી, છાતીમાં દુખાવો, આંખે અંધારાં આવવાં વગેરે જેવાં અનેક લક્ષણો જોવા મળે છે.

1. તમારી વિચારસરણી પર પ્રશ્ન કરો
નકારાત્મક વિચારો તમારા મગજમાં ભરાઈ શકે છે અને પરિસ્થિતિની તીવ્રતાને વિકૃત કરી શકે છે. એક રસ્તો એ છે કે તમારા ડરને પડકારવો. તમારી જાતને જ પૂછો કે શું આ ડર સાચો છે કે નહીં અને જુઓ કે તમે તેને નિયંત્રિત કરવા શું કરી શકશો?

2. ડીપ બ્રીધિંગની પ્રેક્ટિસ કરો
1થી 100 ગણીને શ્વાસ અંદર લેવાનો પ્રયાસ કરો અને 100થી 1 ગણી શ્વાસ બહાર કાઢવાનો પ્રયાસ કરો. આ પ્રક્રિયા 5 મિનિટ સુધી કરો. ઊંડા શ્વાસ લેવાથી હૃદયના ધબકારા ધીમા પડે છે અને એન્ઝાયટી ઓછી થાય છે. 4-7-8 તકનીક પણ અસ્વસ્થતામાં મદદ કરવા માટે જાણીતી છે.

3. ફરવા જાઓ અથવા 15 મિનિટ યોગ કરો
ઘણીવાર બેચેન વિચારોને રોકવાનો શ્રેષ્ઠ રસ્તો એ પરિસ્થિતિથી દૂર જવું છે. તમારા મનને નહીં, પરંતુ તમારા શરીર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે થોડો સમય યોગ કરવા અથવા વૉક કરવાથી પણ તમારી ચિંતા દૂર કરવામાં મદદ મળી શકે છે. નિયમિત 30 મિનિટ કસરત કરવી એ માત્ર શારીરિક નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્ત્વનું છે.

4. તમારા વિચારો લખો
તમને શું ચિંતિત કરે છે એ લખવું, જયારે આપણે આપણા વિચારોને જર્નલ અથવા ડાયરીના માધ્યમથી લખીએ છીએ તો એ વિચારો આપણે પોતાને કહીએ છીએ. પોતાની જાત સાથે વાત કરીએ છીએ. આ કરવાથી એ વિચારોનો ભય ઓછો થાય છે અને એના પર કાબૂ મેળવવો થોડો સહેલો થઈ જાય છે.

5. નિયમિત મેડિટેશન કરવું
આ સફળતાપૂર્વક કરવું થોડી તપસ્યા માગી લે છે. પરંતુ જો મેડિટેશન નિયમિતપણે કરવામાં આવે તો મેડિટેશન આપણા માનસિક સ્વાસ્થ્યને સારું રાખવામાં ખૂબ મદદ કરી શકે છે.

ખાસ નોંધ લેવી કે આ બધા ઉપાયો સામાન્યપણે થતી એન્ઝાયટી સામે લડવામાં કામ આવે છે, એન્ઝાયટી ડિસઓર્ડર માટે નિષ્ણાત મનોચિકિત્સકની સારવાર એ જ મુખ્ય ઉપાય છે.

મન: એન્ઝાયટી ત્યારે થાય જ્યારે તમને લાગે છે કે તમારે બધી લડાઈઓ એકસાથે લડવી પડશે. શ્વાસ લો. તમે બળવાન છો. તમે સક્ષમ છો. જ્યારે પણ એક પછી એક કાર્ય હાથમાં લેશો તો હંમેશાં સફળ થશો.
mananrthakrar@gmail.com

(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો