તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમારી અંદર પણ એક વાર્તા પડી છે અને બહાર નીકળવા માટે થનગની રહી છે? શબ્દો, ઘટનાઓ, લાગણીઓ, અનુભૂતિઓ તમારા ટેરવે કૂદાકૂદ કરી રહ્યાં છે? જો બંને સવાલના જવાબ ‘હા’ હોય, તો આ વિભાગ તમારો જ છે. લખો એક વાર્તા અને મોકલી આપો અમને આ ઈ-મેઇલ એડ્રેસ marivarta.divyabhaskar@gmail.com પર. ચૂંટેલી વાર્તાને દિવ્ય ભાસ્કર એપના માધ્યમથી લાખો વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારું.
***
સ્ટિયરિંગ પર હાથના તાલથી સંગત કરતો અયાન પંડિત ધીમેથી સિટી વગાડતો વાસંદાનાં જંગલમાંથી પસાર થતો હતો. જંગલ આમ તો એનું બીજું ઘર હતું. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર, અલગારી અયાન. એના પોની ટેઇલમાં બંધાયેલા ભૂખરા વાળ, ટીશર્ટ-ટ્રેકમાં કસાયેલું ઘઉંવરણું શરીર, ચોરસ હડપચી અને મોં પર રમતી બેફિકરાઈને લીધે એના તરંગી સ્વભાવનું અનુમાન કોઈપણ કરી શકે. એને સતત કોઇક પ્રવૃત્તિ કરવા જોઈતી હતી. બીજું કશું ન કરતો હોય ત્યારે પણ એ પગ કે હાથ હલાવ્યા કરતો. મહિને બે-ત્રણ ખેપ, બાજુનાં શહેરમાં વસતાં - એનાં કુટુંબ પાસે મારી આવતો. બાકી જંગલમાં રખડપટ્ટી જ એની દુનિયા! આજે અયાન ડાકબંગલાથી નીકળ્યો ત્યારે જ વાતાવરણ ગોરંભાયેલું હતું. ઠંડો પવન અને વરસાદી ઝાપટાં વચ્ચે એ બારી ખુલ્લી રાખી જંગલની મદીલી હવાનો કેફ ભરતો હતો. વરસાદના બે-ત્રણ ઝાપટાં અગાઉ પડી ગયાં હોવાથી રસ્તાની બંને બાજુ કુમળું ઘાસ લહેરાતું હતું.
અચાનક ગર્જના સાથે વીજળી પડી અને દૂર સુધીનું આકાશ થરથરી ઊઠ્યું. ભીની સરસરતી હવા થોડીવાર અટકી, ફરી તેજ બનતી જતી હતી. ડાબી બાજુના પહાડો પર કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હતાં. બહાર જંગલી ફૂલોથી મહેકતી હવા હતી, ગાડીની અંદર સિગારેટના ધુમાડાની ગંધ હતી. ઊંડા શ્વાસ લઇ એણે ગાડી તેજ ભગાવી. અચાનક ટૂંકી બ્રેક મારવી પડી. ગંભીર દેખાતી એક સ્ત્રી અને ચંચળ યુવતી ખાલી હાથ લંબાવીને જ નહીં, સાવ રસ્તો આંતરીને ઊભી હતી .
''રોકો રોકો સાઇબ..આ મારી બે'નને કાલે બેંકની એગજામ છે, બીલીમોરાવાળી ટ્રેન વરહાદને લીધે બંધ છે તો એને પોંચાડી દેહો? '' એકી શ્વાસે એ સ્ત્રી બોલતી હતી. જો કે, બંને હાંફતી હતી . ''ક્યાં ઊતરવાનું છે?'' ''મોટા રસ્તે ઉતારી દેજોને સાઇબ, તંયેથી બસ મલહે, તમને અહીં ઘણીવાર ફરતા જોયા છે ને, સાઇબ એટલે'' એની આંખોમાં આજીજી હતી. ''હા હા ચિંતા ન કરો, હાઇવે પર ઉતારી દઈશ.'' અયાને દરવાજો ખોલ્યો. પેલી છોકરી અંદર આવી. એની મોટીબેન ભલામણ કરતી રહી. ગાડીની ઘરઘરાટી કરતી ચાલુ થઇ અને આગળ ચાલી. છોકરી પગ પાસે બેગ સરખું કરવાં નીચી નમી અને અયાને એની તરફ નજર નાખી. તાજા ફણસ જેવી હતી એ છોકરી! ઉપર ઊઠતી વખતે એણે પણ અયાનની તરફ જોયું. એની મોટી-કાળી આંખોમાં પકડમાં ન આવી શકે, છતાં ખેંચી રાખે એવો ભાવ હતો. ચહેરાથી એ ભોળી અને રમતિયાળ દેખાતી હતી. એ ગોરી ન હતી પણ એની ચામડીની સ્નિગ્ધતા જંગલની હવા જેવી જ મૃદુ અને તાજપભરી હતી. ''શું નામ છે તારું? ''પૂર્વા ''એ નામનું પહોળું ઉચ્ચારણ 'પુરવા' એવું કરતી હતી. ''બેંકની પરીક્ષા આપવા જાય છે? ''હા, કાલે છે. પાસ થઇ તો આગળ...'' '' બેંકમાં નોકરી કરવી છે એમ ને! સરસ.'' કહી અયાને સ્મિત કર્યું. એણે ફરી પૂર્વા સામે જોયું .એ શાંત હતી. રસ્તો વૃક્ષોને કોરી સડસડાટ આગળ વધતો હતો. ''તારાં નામનાં અર્થની ખબર છે તને? જ્યાંથી સૃષ્ટિનું ચૈતન્ય પ્રગટે એ પૂર્વ દિશા - પૂર્વા! ''
એ થોડું હસી. એ જોઈ રહ્યો, એની ચામડીની સ્નિગ્ધતા ખીલેલી સવારનાં કુમળાં કિરણ જેવી લાગતી હતી. એણે ઊડતાં વાળ કાનની પાછળ ગોઠવ્યાં, ત્યારે એનાં કાનની કુમળી બૂટ દેખાઈ. અયાનનું હૈયું અંદરથી ઉછળી પડ્યું. એક હાથ; ખુલ્લી બારીનાં કાચ પર ટેકવી, પૂર્વા બારી બહાર જોતી હતી. પવન એનાં વાળને હળવેથી ઉડાડતો હતો. એનો અડધો દેખાતો ચહેરો સૂરજનાં વરસાદીયા માહોલમાં, વૃક્ષોની ઝાળીમાંથી ડોકાતાં કિરણોને લીધે દીપશિખા જેવો ઝલમલ થતો હતો.
આંખો બંધ કરી એણે સરસરતી હવાનો પર્ણમર્મર ઊંડે ઉતાર્યો. એનાં નમણા અણિયાળાં નાકનો વળાંક જોતી અયાનની ઈચ્છાઓ દદડતી, પૂર્વાનાં શરીરના વલયો પર અનાયાસ લસરવા લાગી. પૂર્વાએ આંખ ખોલતાં જ એણે રસ્તા પર નજર ટેકવી અને વાત ચાલુ રાખી. અચાનક પૂર્વા થોડી આતુરતા અને આશ્ચર્યથી અયાનને જોઈ રહી. એ જોઈ અયાનનું હૃદય હાથમાં ન રહ્યું. એની સામે એકીટશે જોતી પૂર્વાને એ થોડીવાર સ્તબ્ધ બની એને જોતો રહ્યો.
પૂર્વાએ એનો નાનો ડબલા જેવો મોબાઈલ કાઢ્યો. અયાન એને અટકાવતાં બોલ્યો: ''અહીં ટાવર નહીં, માત્ર ટહુકાઓ જ પકડાશે.” 'ઈર્શાદ, ઈર્શાદ' થાય એવી વાત પર પણ કોઈ દાદ નહીં! ઉલટાનું એની વાત પર ધ્યાન દેવાને બદલે પૂર્વાના નાનકડાં મોં પર તાણ છવાઈ ગઈ. એકીટશે અયાનને જોતો જોઈ પૂર્વા બેગમાંથી લાંબો સ્કાર્ફ કાઢી એ પોતાની ફરતે વીંટાળવા લાગી.
''ઠંડી લાગે છે?'' કહેતાં આયાને ગ્લાસ બંધ કર્યો, ચાઈલ્ડ લોક પણ દબાવ્યું. એ.સી. ચાલુ કર્યું. પૂર્વાનું મોં ફિક્કું પડી ગયું હતું. બહાર વાદળોને લીધે અંધારું ઘેરાવા લાગ્યું હતું. રસ્તા પર તાકતાં થોડી ઉભડક સીટની આગળ ધસતી હોય એમ બેસીને પૂર્વા પગ સખ્તાઈથી ટેકવી એ ચારેબાજુ નજર ફેરવવા લાગી. અયાનને એનું રુક્ષ વર્તન કઠ્યું. ''શાંતિથી બેસ. કશું નહીં થાય.'' એનું માની છોકરી સીટની પાછળ ધકેલાઈ. ‘છોકરી આજ્ઞાંકિત છે‘ એવું અયાને મનોમન નોંધ્યું. વાછંટ બારીના કાચ પર નાની ટપકીઓ બની ફેલાતી હતી. આયાને ગાડી બાજુ પર લીધી અને ‘'અંદર જ બેસજે, હું પાંચ મિનિટમાં આવું છું.'' કહી એ ઝાડની પાછળ ચાલ્યો, સિગારેટના ધુમાડા સાથે થોડીવાર બહાર રહી એ ગાડીમાં આવ્યો ત્યારે પૂર્વાને બધી દિશામાં મોબાઈલ ખોલી ટાવર પકડવાં મથતી જોઈને એને હસવું આવ્યું.
''કોની સાથે વાત કરવા આટલી બેચેન છે, બોલ?'' જવાબ આપવાને બદલે પૂર્વાએ મોબાઈલને બેગમાં સરકાવ્યો અને બારીની બહાર નજર ફેરવી લીધી. ''નોટ ફેર પૂર્વા! કોણ છે, કહે ને ?'' પૂર્વાનું નાનકડું મોં વિલાઈ રહ્યું હતું. ''કહે, એ તને સ્પર્શે છે ત્યારે કેવું લાગે છે?'' આયાને હવે જાળ લપેટતાં સાવધાની સાથે આગળ વધતો હતો. પૂર્વાની આંખોમાં રોષ હતો અને હોઠ કાંપતા હતા. એને બેગ ખોળામાં રાખી બંને હાથ એના ફરતે વીંટાળી દીધા. ‘‘એય, કહેને, કેમ ચૂપ છે?’’ ગાલ પર ટેરવાનો સ્પર્શ કરી એ નિર્લજ્જતાથી હસ્યો. ‘‘સાઇબ અડતા નહીં...'' એના અવાજમાં ડર સાથેનું કંપન હતું. અત્યારે એ શિકારીની જાળમાં સપડાયેલી નાજુક હરણી લાગતી હતી. એણે ચાલુ ગાડી એ દરવાજો ખોલવાની કોશિષ કરી, પણ હેન્ડલ એનાથી ખૂલતું નહોતું. એ હાથમાં મોબાઈલ લઇ ફટાફટ ફોન લગાવવા મથતી હતી પણ ફોન લાગતો નહોતો.
''દરવાજો લોક છે અને અત્યારે આ રસ્તે વરસાદને લીધે કોઈ છે નહીં. આવ, મારી નજીક આવને. કશું નહીં થાય.'' એને લાગ્યું, પેલી અસાવધ હતી ત્યાં સુધીની રમત વધારે રસપ્રદ હતી. એક તરફ ધમણની જેમ હાંફતા શ્વાસ અને સન્નાટો, ભાગવા માટેનાં તરફડિયાં અને સન્નાટો. ગાડી ચાલુ જ હતી. બહાર પવન વધવાને કારણે, ઝાડની ડાળો એકબીજા સાથે અથડાતી હતી. અંધારું લપક ઝપક થતું, વરસાદને તાણી લાવતું હતું. હાંફતા શ્વાસનો ગરમાવો ગાડીના કાચને ધૂંધળાં બનાવતો હતો. આયાનનાં ટેરવાંમાં કંપન ફૂટતું હતું અને એના જીદ્દી ઝનૂની દેહમાં વીજળી. વરસાદ સાથે હવા તીરની જેમ એકધારી વિંઝાતી હતી. સાથે ઉન્માદમાં આયાનની નસો ફાટફાટ થતી હતી. આ ઘોડાપુરને નાથવાના પ્રયત્નો છોડી એણે ગાડી બાજુ પર ઊભી રાખી..
''સાઇબ મને છોડી દ્યો'' રૂંધાતાં ગળામાંથી અવાજની જગ્યાએ ફુસફુસાહટ જ નીકળતી હતી. શિકારી નજરે એના તરફ જોઈ આયાન ધસવા લાગ્યો. એકાએક આયાનના મોબાઈલમાં રિંગ વાગી. ફોન કાપ્યો. ફરી રિંગ વાગી. એણે ગુસ્સાથી ફોન સ્વિચ ઓફ કરવા હાથ લંબાવ્યો. પણ.. પણ નામ વાંચી એ એક બે ક્ષણ થંભી ગયો. ઊંડો શ્વાસ ભર્યો, થુંક ગળે ઉતાર્યું, ''હા બોલ...''
''શું? ગાડી બગડી અને કોઈ નથી? ઓહહ્ નો, બેના...'' ''લિસન, ડોન્ટ વરી, સેન્ડ મી યોર લોકેશન એન્ડ... એન્ડ...લિસન ડોન્ટ ટેક લિફ્ટ ફ્રોમ એની સ્ટ્રેન્જર, હમ્મ ઇટ્સ રિસ્કી...'' ''બેના, હેવ યુ લિસન ટુ મી ના? આઈ એમ વિથ યુ હા, ડોન્ટ વરી.''
અયાનનાં કપાળે અને ગળે પરસેવો ફુટવા લાગ્યો. એણે બંને હાથ લમણે દબાવ્યા. બંને આંખોને ખેંચી, ઝીણી કરી ફરી મોટી કરી. સાથે બંને હાથની મુઠીઓ વળી અને ખેંચી. ઊંડો શ્વાસ લીધો. એકાએક એણે પૂર્વા સામે જોઈને કહ્યું, તારે રસ્તા પર ઊતરવું છે ને, દસ મિનિટમાં પહોંચી જઈશ. ઓકે, બી રિલેક્સ.'' ગાડી ઘરઘરાટી કરતી ચાલુ થઇ અને ઝડપથી આગળ વધવા લાગી.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com
શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.