ઇટ્સ કોમ્પ્લિકેટેડ:એક આધુનિક યુવતીની મૂંઝવણ: મારે લગ્ન સંસ્થામાં પ્રવેશ કરવો કે નહીં?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં રહેતી કાનન નામની યુવતી ઇ-મેઈલ કરીને પૂછે છે કે મારાં પરિવારજનો મારાં લગ્ન કરવા આતુર છે. મારી વય 24 વર્ષની છે. તેઓ યોગ્ય પાત્ર શોધી રહ્યાં છે, પણ હું લગ્ન કરવાં કે નહીં તેનો નિર્ણય કરી શકતી નથી. શું દરેક વ્યક્તિએ લગ્ન કરવું જ જોઈએ? લગ્ન ના કરીએ તો ના ચાલે? એવું નથી કે હું લગ્નની વિરોધી છું, પણ મને સિંગલ રહેવાનું પણ મન થાય છે. મારી એક મિત્રએ સિંગલ રહેવાનો નિર્ણય કર્યો છે એટલે હું પણ વિચારમાં પડી ગઈ છું.

લગ્ન ના કરીએ તો જીવન ઉત્તમ રીતે ના જીવી શકાય?
આ યુવતીનો જે મનોભાવ છે તેવો જ મનોભાવ આજકાલ અનેક યુવતીઓનો છે. એક જમાનામાં લગ્ન એવાં તો ફરજિયાત હતાં કે છોકરો-છોકરી ઉંમરલાયક થાય કે તરત જ તેનાં લગ્ન કરાવી દેતાં. તેમને પૂછવામાં પણ આવતું નહીં. પોતાનાં સંતાનોના લગ્ન ક્યારે કરાવવાં અને કોની સાથે કરાવવાં તેની સંપૂર્ણ જવાબદારી વડીલોની હતી. યુવક-યુવતીએ તો માત્ર લગ્ન કરી લેવાનાં હોય, એ પણ ફરજિયાત. ચૂં કે ચા કર્યા વિના. વડીલો ચીંધે એમ જ કરવાનો એ જમાનો હતો.

ધીમે-ધીમે જીવનશૈલી બદલાતી ગઈ. લગ્ન કરવાની વય પણ વધતી ગઈ. ક્યારેક બાળલગ્ન થતાં તો હવે પ્રૌઢ કે આધેડ લગ્ન પણ થાય છે. જેમ પહેલાં-બાળ લગ્ન કુરિવાજ હતો તેમ હવે આધેડ લગ્ન જેવો નવો કુરિવાજ અમલમાં આવ્યો છે. પહેલાં પહેલી છોકરી કે છોકરા સાથે વાત થાય ત્યાં લગ્ન થઈ જતાં. હવે તો યુવક-યુવતીઓ લગ્ન માટે પાત્રો જોવાના વિક્રમો કરે છે. હવે યુવક કે યુવતી પોતે જ નક્કી કરે છે કે યુવતી લગ્નસંસ્થાનો તિરસ્કાર કરતી નથી, પણ સાથે-સાથે તેનો સ્વીકાર પણ કરતી નથી.

જેમ કે વ્યક્તિ પોતાના રાષ્ટ્ર માટે કામ કરવા માગતી હોય, રાષ્ટ્રને જીવન સમર્પિત કરી દેવા ઈચ્છતી હોય તેણે લગ્ન ન કરવાં જોઈએ.

કેટલીક વ્યક્તિઓ પોતાના જીવનનો એક ખાસ ઉદ્દેશ નક્કી કરી લેતી હોય છે. જેમ કે ઘણી વ્યક્તિ ગરીબો માટે, વંચિતો માટે જ કામ કરવા ઇચ્છતી હોય છે. સમાજ-સેવાને તેઓ પોતાના જીવનનું મુખ્ય પ્રયોજન બનાવી લે છે. જો આવી વ્યક્તિ લગ્ન ન કરવાનું પસંદ કરે તો તે યોગ્ય નિર્ણય છે.

ઘણી વ્યક્તિ એવી હોય છે જેમને લગ્ન સંસ્થામાં શ્રદ્ધા જ નથી હોતી. તેમને લગ્ન સંસ્થા ગમતી હોતી નથી. તેમનાં મનમાં લગ્ન સંસ્થા માટે અસંતોષ, અશ્રદ્ધા, અભાવ કે અવિશ્વાસની લાગણી હોય છે. આવી વ્યક્તિએ પણ લગ્ન કરવાથી દૂર રહેવું જોઈએ.

કેટલીક વ્યક્તિ લગ્ન કરીને પતિ કે પત્ની તરીકેની જવાબદારી અદા કરી શકે તેટલી જવાબદાર હોતી નથી. જાણીતા હાસ્યકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ પોતાના હાસ્ય કાર્યક્રમોમાં કહે છે તેમ છોકરાના પિતાને છોકરીના પિતાએ પૂછ્યું કે તમારા છોકરામાં કઈ લાયકાત છે? છોકરાના પિતાએ જવાબ આપ્યો કે તે ઉંમરલાયક છે. માત્ર ઉંમરલાયક થઈ જવું એટલે લગ્નલાયક થઈ જવું એ સમીકરણ ખોટું છે. વિશ્વમાં અનેક કજોડાં આવી પરંપરાને કારણે જ થયેલાં જોવા મળે છે. લગ્ન કરવા માટે 21 વર્ષની ઉંમર એ લાયકાત છે, તેવી જ રીતે લગ્નને સમજી-પચાવીને નિભાવી શકે તેવી માનસિકતા હોય તે પણ જરૂરી છે. જો કોઈ યુવક કે યુવતીની માનસિક સ્થિતિ લગ્ન કરવા લાયક ના હોય તો તેમણે લોકોનાં લગ્નોમાં જઈને ચોક્કસ આનંદ અને ઉત્સાહથી લગ્નો માણવાં જોઇએ, પણ પોતે લગ્ન ન કરવાં જોઈએ. સમાજમાં અનેક યુવક-યુવતીઓ એવા જોવા મળે છે જે પોતે છોકરમત ધરાવતાં હોય અને લગ્ન કરીને બેસી ગયાં હોય. અરે, તેઓ પોતે બાળક જેવાં હોય અને તેમનાં ઘરે બાળકો આવી ગયાં હોય. આવી સ્થિતિ સામાજિક વિષમતા ઊભી કરે છે.

ટૂંકમાં એટલું જ કહેવાનું કે તન હા પાડતું હોય પણ મન લગ્નને લાયક ના હોય તો માતા-પિતા ગમે તેટલો આગ્રહ કરે તો પણ છોકરા કે છોકરીએ લગ્ન ન કરીને પોતાની જાતને તથા સમાજને બચાવી લેવો જોઈએ. જે વ્યક્તિ ફિઝિકલી- શરીરથી લગ્ન કરવા માટે યોગ્ય ના હોય તો તેણે લગ્ન ન કરવાં જોઇએ. જેમ કે પુરુષ નપુંસક હોય, અથવા યુવતી માતા બની શકે તેમ ના હોય તો તેમણે લગ્ન સંસ્થાથી સલામત અંતરે રહીને જીવન જીવવું જોઈએ. લગ્નની માત્ર પસંદગી કરતી વખતે અથવા ફાઇનલ કરવાના સમયે યુવક-યુવતીના મેડિકલ ટેસ્ટ કરાવવા જ જોઈએ. ઘણા લોકો હવે કરાવે જ છે. ધીમે-ધીમે આ રિવાજને દૃઢ કરવો જોઈએ.

જે વ્યક્તિ પતિ-પત્ની કે આવનારાં બાળકની જવાબદારીનું વહન કરવા ના માગતાં હોય તેમણે પણ ‘સિંગલ’ રહીને જીવનને માણવું જોઈએ. અનેક લોકો એવા હોય છે જે પતિ કે પત્ની તરીકેની જવાબદારીથી ભાગતા હોય છે. લગ્ન સંસ્થામાં તમે પ્રવેશ કરો એટલે તેમાં જે જે જવાબદારીઓ અદા કરવાની આવે છે તે અદા કરવી જ પડે છે. ફિલ્મોમાં બતાવાય છે તેવું દરેકનું લગ્નજીવન રળિયામણું નથી હોતું. વાસ્તવિકતાની ક્રૂર એરણ પર વારંવાર પતિ-પત્નીએ ઘડાવું અને ટિપાવું પડે છે. લગ્નજીવનમાં સહન કરીને પછી જ વહન કરવું પડે છે. લગ્નજીવન એ જીવનને, જીવનની પ્રત્યેક ક્ષણને બેલેન્સ કરવાનો સતત કરવો પડતો આયાસ છે. જે વ્યક્તિને અસાધ્ય રોગ થઈ ગયો હોય તેણે પણ લગ્ન ના કરવાં જોઈએ. જાણીતા અભિનેતા-ગાયક-દિગ્દર્શક અર્ચન ત્રિવેદીને ત્રણ-ત્રણ કેન્સર થયાં હતાં. જો કે મનની અખૂટ મક્કમતા અને પોઝિટિવિટીથી તેમણે ત્રણે-ત્રણ કેન્સરને હરાવ્યાં અને મટાડ્યાં. ડૉક્ટરો પણ નવાઈ પામ્યા હતા તેમની મનની શક્તિથી. સંવેદનશીલ અર્ચનભાઈએ લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું. જો કે જિગીષા નામની એક યુવતી તેમના ચિક્કાર પ્રેમમાં પડી અને જીદ કરીને લગ્ન કરીને જ રહી. જિગીષાબહેન હાસ્ય લેખિકા અને અભિનેત્રી છે. આજે તો તેમને 18 વર્ષની બુલબુલ નામની દીકરી છે અને તેમનું લગ્નજીવન હર્યુંભર્યું અને લીલુંછમ છે. આ તો એક અપવાદ છે.

બાકી કોઈ એવી બીમારી હોય કે જે મટે તેમ જ ના હોય અથવા તો એ બીમારી લગ્ન પછી તમારા જીવનસાથી પર મોટો ભાર બની શકે તેમ હોય તો પ્લીઝ - લગ્ન સંસ્થામાં એન્ટ્રી ના કરશો.

ઘણી વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના વિચારો-રુચિ-ગમા/અણગમાને સ્વીકારી જ નથી શકતી હોતી. એ ભલાને એમની જિંદગી ભલી. એ લોકોને કોઈની સાથે રહેવું ગમે જ નહીં, લોકો ગમે, પણ માપમાં. કોઈ વ્યક્તિના આદેશને તેઓ માની કે સ્વીકારી જ ના શકે. આવી વ્યક્તિ જો લગ્ન કરે તો તકલીફ પડે. માત્ર તેને જ નહીં, બંનેને અને બંનેના પરિવારને પણ. તેથી આવી વ્યક્તિએ લગ્ન ના કરીને સમાજ ઉપર ઉપકાર કરવો જોઈએ.

કેટલીક વ્યક્તિ સ્વૈરવિહારી હોય છે. તેમને એક કરતાં વધારે વિજાતીય પાત્રો સાથે સંબંધ બાંધવાનું ગમતું હોય છે. આમ તો આવી વ્યક્તિ માટે લગ્ન સંસ્થા મોટું વરદાન સાબિત થઈ શકે. લગ્ન સંસ્થામાં પ્રવેશ કરીને તે વ્યક્તિ પોતાની જાતિય, સેક્સની વૃત્તિને સંયમિત કરી શકે, પણ એવું શક્ય બને તેવું લાગતું ના હોય તો કુંવારી-વાંઢા કે અપરિણિત રહેવામાં જ સાર છે.

એક વાત સમજી લેવા જેવી છે કે લગ્નના લાડવા એવા છે કે જે ખાય તે પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય. એની સાથે સાથે એવી વાત પણ છે કે લગ્નના લાડવા એવા છે કે જે ખાય તે રાજી થાય અને જે ના ખાય તે પણ રાજી થાય. રાજી થવું, રાજી રહેવું એ જ જીવનનું-આત્માનું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ.

દરેક વ્યક્તિએ લગ્ન કરવું અનિવાર્ય છે
લગ્ન કર્યા વિના પણ ઉત્તમ જીવન જીવી જ શકાય, પણ લગ્ન ના કરો પછી સમયાંતરે, શરીર અને મનના જે પ્રશ્નો ઊભા થાય તેના જવાબો શોધતાં પણ આવડવું જોઈએ. ઉત્સાહમાં ને ઉત્સાહમાં તમે લગ્ન ના કરવાનું નક્કી કરો પણ જેમ જેમ તમારી ઉંમર થતી જાય તેમ તેમ જે નવા નવા પ્રશ્નો આવે તેનો ઉકેલ પણ તમારે જ જાતે જ શોધવો પડે. આ દુનિયામાં એકલા રહેવું સૌથી અઘરું છે. માણસ જાત એવી છે કે એકલી રહી શકતી નથી અને સમૂહમાં સખણી રહી શકતી નથી. એ જ રીતે સમૂહથી દૂર, એકલા રહેવું મજાનું છે, આનંદભર્યું છે, સલાહભર્યું છે પણ નિરંતર, અવિરત, આખી જિંદગી તમને ‘એકલતા’ માણતાં અને જીવતાં આવડવી જોઈએ.

જો તમને ‘એકલતા’ ગમતી હોય તો લગ્ન ના કરો તો કોઈ ફરક ના પડે
એ યુવતીને અમે એટલી સલાહ આપી કે તમે સમજી-વિચારીને જાતે જ યોગ્ય નિર્ણય કરો. લગ્ન કદાચ તો જ સુંદર જીવાય અને લગ્ન કરીને જ માતા બનીએ તો જ સ્ત્રીનો જન્મ સાર્થક બને એવું સહેજે માની કે સ્વીકારી લેવાની જરૂર નથી. પરંતુ સાથે સાથે એટલું યાદ રાખજો કે જો લગ્ન સંસ્થામાં પ્રવેશ કરવો હોય કે માતા બનવું હોય તો ‘સમયસર’ કરજો. યોગ્ય સમયે લગ્ન કરવામાં અને યોગ્ય સમયે માતા બનવામાં જ માત્ર તમારું જ નહીં, તમારા જીવનસાથીનું, તમારા સમગ્ર પરિવારનું અને બૃહદ સમાજનું ભલું રહેલું છે.

અમે એ યુવતીને એવી પણ સલાહ આપી કે તમારી મિત્રએ સિંગલ રહેવાનો નિર્ણય કર્યો છે એટલે જો તમે પણ સિંગલ રહેવાનો નિર્ણક કરતાં હો તો ચેતી જજો. જિંદગીમાં કોપી-પેસ્ટ ના કરાય. એમાં તો સ્વતંત્ર ફોલ્ડરો ને પોતાની અસલ ફાઈલો જ કામ આવે.

જેમ લગ્ન કરતાં નવદંપતીને શુભાષિશ અપાય છે તે જ રીતે યોગ્ય રીતે નિર્ણય કરીને લગ્ન ન કરતાં યુવક-યુવતીઓ પણ શુભ આશિષના અધિકારી છે.

જતી વેળાનું સ્મિત: લગ્ન સંસ્થા માત્ર પ્રેમનો પ્રદેશ નથી, એ તો મુત્સદ્દીગીરીનું મેદાન પણ છે.

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...