• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Complaints Of 'Problem Parents', Not 'Problem Children', Have Increased, Give Children Warmth Instead Of Involving Them In Their Fights.

પોઝિટિવ પેરેન્ટિંગ:'પ્રોબ્લેમ ચિલ્ડ્રન' જેવું કઈ નથી હોતું... અલબત્ત 'પ્રોબ્લેમ પેરેન્ટ્સ' જરૂર હોય છે, બાળકોને તમારા ઝઘડામાં ઇન્વોલ્વ કરવાને બદલે તેમને પ્રેમની હૂંફ આપો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મારા શૈક્ષણિક ક્ષેત્રના અનુભવના આધારે, એક કડવું સત્ય પણ કહીશ કે - 'પ્રોબ્લેમ્ડ ચિલ્ડ્રન' જેવું કંઈ નથી હોતું; અલબત્ત 'પ્રોબ્લેમ્ડ પેરેન્ટ્સ' ચોક્કસ હોય છે! સોરી, જો હું તમને થોડી કઠોર લાગું તો પણ સાચું કહું તો બાળકો જે ભાવનાત્મક પડકારો ફેસ કરે છે તેમાંના મોટાભાગની મુશ્કેલીઓ તેમના આસપાસના વડીલોએ ખાસ કરીને તેમના વાલીઓએ ઊભી કરેલી હોય છે.

ચાલો, મીનાને મળીએ
એક 14 વર્ષની હોંશિયાર છોકરી (આપણે એને મીના નામથી સંબોધીશું) મારી જોડે પોતાના અનુભવો શેર કરી રહી હતી. તેનું માનવું એવું હતું કે તેના પપ્પા તેમના સબંધોમાં ટોક્સિક (ઝેરી) અને અત્યાચારી હતા. જ્યારે મેં એને આ બાબતે ખુલાસો કરવાનું કહ્યું ત્યારે તેણે જે વાર્તા કહી તેનાથી એક ખૂબ જ વિપરિત ચિત્ર ઊભું થયું. તેના મા-બાપનાં પ્રેમ લગ્ન હતાં અને તેઓ બહુ જ નાની વયે પરણી ગયાં હતાં. તેના પિતા એક જૂનવાણી કુટુંબના હતા, જ્યાં એમની માતા એક ડોમિનેટિંગ અને ઝઘડાળુ ભૂમિકા ધરાવતાં હતાં અને તેમની સામે એમના પિતા થોડા ડરપોક અને ગૌણ હતા. મીનાનાં મમ્મી બીજી જ્ઞાતિનાં હતાં. આ કારણોસર તેમની સાસુએ કદી એમને મનથી નહોતાં સ્વીકાર્યાં અને આના લીધે પતિ-પત્નીમાં ઘણું ઘર્ષણ ઊભું થતું. જો કે, હકીકતમાં પતિ પોતાની પત્નીને ટેકો આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા હતા.

બીજી બાજુ, મીનાનાં માતાના કુટુંબમાં તેમના પિતાને દારૂની ટેવ હતી. જેના લીધે તેઓ વધુ પડતા આક્રમક અને ગુસ્સામાં રહેતા અને આવી પરિસ્થિતિમાં મીનાની નાની જ પોતાનાં બાળકોનું સંરક્ષણ કરતી. હોંશિયાર અને પોતાની ઉંમર કરતાં વધારે મેચ્યોર હોવાને લીધે મીનાએ પોતાનાં મા-બાપના સબંધોનું સરસ એનાલિસિસ કરી લીધું. મીનાનું માનવું એવું હતું કે તેની માતા એક પેટર્ન હેઠળ અજાણતાં જ એક ફાધર-ફિગર (પિતાનું પ્રતિબિંબ) શોધી રહી હતી અને એની આ ખોજ એક એવા વ્યક્તિ ઉપર પૂરી થઇ જે તેના પિતાની જેમ જ સ્વભાવની જેમ ગુસ્સાવાળો અને આક્રમક હતો. ખરું કહું તો હું મીનાની આ વિશ્લેષણ ક્ષમતાથી અચંબિત થઇ ગઈ હતી. તેણે કેટલી સરસ રીતે પેઢીઓ વચ્ચે રિપીટ થઇ રહેલી પેટર્ન તારવી લીધી હતી!

જેમ વર્ષો વીતતાં ગયાં તેમ પોતાની વ્યાવસાયિક જવાબદારીઓને લીધે મીનાનાં મા-બાપ દૂર થવા માંડ્યાં અને હવે તેમના માટે જોડે રહેવું ખૂબ જ મુશ્કેલ છે. મેં મીનાને તેનાં પોતાનાં મા-બાપ જોડેના સંબંધ વિશે પૂછયું. એનો જવાબ હતો કે તેના મમ્મી સરસ અને 'કૂલ' છે અને તેના પપ્પા હંમેશાં તેમની જરૂરિયાતો પૂરી કરે છે. હું તેનાં મા-બાપને મળી અને મને તેઓ બંને ખૂબ જ લાગણીશીલ વાલી લાગ્યાં અને તેમને પોતાની દીકરીની ચિંતા પણ હતી. મીનાની તકલીફનું કારણ હતું તેનાં માતા-પિતાના અસ્થિર સંબંધ. આમાં મીનાનો કોઈ વાંક નહોતો. તે ફક્ત આ પતનની સાક્ષી હતી. ખૂબ જ ઇન્ટેલિજન્ટ, મેચ્યોર, લાગણીશીલ અને બીજાની જરૂરિયાતોને સમજનારી મીનાને હવે પેનિક અટેક આવે છે.

બાળકોને તમારા ઝઘડાઓથી દૂર રાખો
અહીં હું જે મુદ્દો કહેવા માગુ છું તે એ છે કે ચોક્કસ કપલ વચ્ચે એવા ઘણા ઇશ્યુઝ હોય છે જેનું નિરાકરણ લાવવું જરૂરી છે પણ અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે વાલીઓએ બાળકોનું સંરક્ષણ કરવું જોઈએ. કેવી રીતે? તેમને પોતાના ઝઘડાઓમાંથી બાકાત રાખીને. ઘણી વખત મોટાભાગના કેસોમાં વાલીઓ એ હદે બાળકને પોતાના વ્યક્તિગત ઝઘડાઓમાં સામેલ કરે છે કે બાળકો ફક્ત આવી દલીલો અને લડાઈના સાક્ષી જ નથી બનતા, પણ તેમને મા-બાપ માંથી એકની સાઈડ લેવા માટે ફોર્સ પણ કરવામાં આવે છે.

ભલે જે પણ વાલી સાચો કે ખોટો હોય પણ બાળકને ક્યારેય પણ પક્ષ લેવાનું આકરું કામ ન આપવું જોઈએ. વાલીઓએ કદી પણ પોતાના અંગત મતભેદના મુદ્દાઓ પોતાના બાળકો જોડે શેર ન કરવા જોઈએ. એ લોકોએ ફક્ત એટલું જ કહેવું જોઈએ કે આ વડીલોના મુદ્દા છે, જે બંને પતિ-પત્ની અંદરોઅંદર સોર્ટ કરી રહ્યા છે. છુટા (હંગામી કે કાયમી ધોરણે) થવાની પરિસ્થિતિમાં પણ બાળકને ખાતરી આપવી જોઈએ કે તેને તેના બંને માતા-પિતાનો પ્રેમ મળતો રહેશે.

બાળક પોતાનાં માતા-પિતા પાસેથી ધ્રુવ તારા જેવી સ્થિરતાની અપેક્ષા રાખે છે. ભલે વાલીઓ પરફેક્ટ ન હોય, કોઈ પણ પરફેક્ટ નથી હોતું પણ બાળકને તે આશ્વાસનની જરૂર હોય છે કે તેને તેના મા-બાપ સરખો પ્રેમ કરે છે. અહીં વાલીઓ માટે ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે તેમણે બાળકની હાજરીમાં એકબીજા માટે આદરથી વાત કરવી જોઈએ. જ્યારે મા-બાપમાંથી એક પોતાના પાર્ટનર વિશે ખરાબ બોલીને બાળકની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરે છે ત્યારે બાળકના કોમળ મનમાં રહેલા તેનાં મા-બાપની છબિ રમખાણ થઇ જાય છે. સામાન્ય રીતે બાળક માતા અને પિતાની ભૂમિકાનું માન રાખીને મોટું થાય છે અને તેમના વિશે જે છબિ તે બનાવે છે તે તેને આજીવન સ્થિરતા આપે છે. આ છબી ખૂબ જ પવિત્ર છે અને કોઈપણ એક પેરેન્ટ જ્યારે આ છબિનો નાશ કરે ત્યારે જાણે એ બાળકનો આખો સંસાર પડી ભાંગે છે અને વળી તેની આડઅસર તે બાળકના આત્મવિશ્વાસ ઉપર પણ પડે છે.

આદર્શ વાલીઓએ શું કરવું જોઈએ?

  • બાળકને હંમેશાં તમારા બેનાં ઘર્ષણો અને ઝઘડાઓથી દૂર અને સંરક્ષિત રાખો.
  • જો અજાણતાંજ બાળક આ ઝઘડાના સાક્ષી બને તો તેને કહો કે તમે બંને મળીને મુદ્દાઓ સોર્ટ કરી રહ્યા છો અને તમે બંને તેને સરખો પ્રેમ કરો છો. ભલેને મા-બાપ કોઈપણ હોય કે ગમે ત્યાં હોય (બાયોલોજિકલ અથવા દત્તક લીધેલ બાળકોના દાખલામાં) તેઓ બંને પોતાનાં બાળકોને ખૂબ પ્રેમ કરે છે.
  • ક્યારેય પણ પોતાના પાર્ટનર વિશે ઘસાતું ના બોલશો. આવું કરવાથી કદાચ તમને તમારા બાળકની ક્ષણિક સહાનુભૂતિ મળી જશે પણ આનાથી તમારા બાળકને જે ટ્રોમા થશે તેના લીધે તે આજીવન તમને માન નહીં આપી શકે.

છેવટે એટલું જ કહીશ કે, ભલે એક કપલ તરીકે તમારા બે વચ્ચે ઘર્ષણ હોય તો પણ મા-બાપ હોવાના લીધે તમારી ફરજ બને છે કે તમે થોડો ટાઈમ એવો કાઢો જ્યારે તમે બંને બાળક માટે એક ફેમિલી યૂનિટ તરીકે ભેગા થાઓ અને જો આ પણ તમારા માટે શક્ય ન હોય તો તમે એટલું તો કરી જ શકો કે, એકબીજા વિશે કંઈ નકારાત્મક ન કહો! અંગ્રેજીની એ કહેવત યાદ છે ને - મમ્સ ધ વર્ડ (મૂંગા રહેવામાં ભલાઈ છે).
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...