પોઝિટિવ પેરેન્ટિંગ:નાનપણથી જ બાળકોની લાગણીઓનું માન રાખવું જોઈએ, તેમની વાતને કોઈપણ જજમેન્ટ બાંધ્યા વિના સાંભળવી જોઈએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણીવાર માતા-પિતા તરીકે આપણી વધુ પડતી લાગણી જ આપણને આપણા બાળકની 'હા' અને 'ના'ને સ્વીકારવા માટે સહુથી મોટો અવરોધ બને છે. જો એક પેરન્ટ તરીકે તમે આગ્રહ અને બળજબરીની જેલમાંથી બહાર નીકળશો તો ચોક્કસ તમે તમારા બાળકની સ્વાયત્તતા જાળવી શકશો અને તેને કુટુંબ અને કુળનાં મૂળ સાથે પણ સંકળાયેલાં રાખી શકશો. આ વિશે વધુ જાણવા માટે આ લેખ વાંચો...

હા અને ના વચ્ચેના તફાવતને સમજવો
હું હાલ ફ્રાન્સમાં છું. થોડા સમય પહેલા જ હું એક એશિયન મહિલા (આપણે એનું સંબોધન રિચા તરીકે કરશું)ને મળી જેમનો ઉછેર ભારતમાં થયો છે અને લગ્ન એક ફ્રેન્ચ જોડે થતાં તે હવે ફ્રાન્સમાં સેટલ થઇ ગયાં છે. અમારે બાળકોના ઉછેરને લઈને તેમનાં ઓબ્ઝર્વેશન અને યુરોપમાં કામગીરી કરવાને લઈને તેમના પડકારો આ વિષય પર ખૂબ જ રસપ્રદ ચર્ચા થઈ.

રિચાની દુવિધા
રિચાનું મંતવ્ય હતું, ‘અહીં યુરોપમાં 'ના' નો અર્થ 'ના' અને 'હા' નો અર્થ 'હા' છે; પણ ભારતમાં આનું ઊંધું છે!’ મેં તેમને પોતાની વાતને વિસ્તારપૂર્વક સમજાવવાની વિનંતી કરી.

રિચાએ મને કહ્યું કે પરણ્યા પછી, ભારતની રીતિ પ્રમાણે, જ્યારે તે પોતાના પતિને જમવાનું પીરસતાં ત્યારે પતિના ના કહેવા છતાંય તેઓ આગ્રહ કરીને બીજી ને ત્રીજીવાર તેમની થાળીમાં વાનગીઓ પીરસતા. રિચાએ શેર કર્યું કે, ‘મેં નાનપણથી જોયું છે કે મારાં મ્મમી પણ આગ્રહ કરીને અમારી થાળીમાં વધુ ને વધુ ભોજન પીરસતાં. ભારતમાં તો અતિથિને જો આગ્રહ કરવામાં ન આવે તો તેમને ખોટું લાગી જાય! પણ અહીં આ જ આગ્રહ મારા અને મારા પતિ વચ્ચે ઘર્ષણનું કારણ બન્યું. મને ખ્યાલ જ ના આવ્યો કે હું અજાણતાં જ તેમને બળ-જબરાઈથી ખવડાવતી હતી. અને વળી એમને એવું લાગી રહ્યું હતું કે હું તેમની ઈચ્છઓનું માન રાખતી ન હતી અને ખૂબ જ ઊંડી ચર્ચા પછી હું એમનું મંતવ્ય સમજી શકી. હવે તો એ થાળી પર હાથ રાખીને મક્કમતાથી ‘ના’ પાડે, એટલે હું તેમને પીરસવાનું બંધ કરી દઉં છું!’

રિચાના પતિએ પણ મારી જોડે તેમની કેળવણી અંગે ચર્ચા કરતાં કહ્યું કે બાળક તરીકે જ્યારે જ્યારે તે કોઈ પણ વસ્તુ માટે 'ના' પાડતાં તો તેમના પેરન્ટ્સ 'ઓકે' કહી તેમને એકવાર પૂછી જોતાં કે 'શું તે શ્યોર છે?' અને પછી માતા-પિતા બાળકના 'ના' નું માન રાખતાં.

પેરન્ટિંગ સ્ટાઇલનો ફેર
પછી તો અમે પેરન્ટિંગ સ્ટાઇલ પર ખૂબ ઊંડાણમાં ચર્ચા કરી અને મને ખ્યાલ આવ્યો કે કઈ હદે ભારતનાં પેરન્ટ્સને પોતાના બાળકની 'હા' અને 'ના' ની અવગણના કરવાની ટેવ પડી ગઈ છે. જેની શરૂઆત ભોજનથી થાય છે કેમ કે માતાઓ પોતે વર્ષોથી બાળકોને બળજરીથી ખવડાવવા માટે કંડિશનલ થઇ ગઈ છે. કેમ? કેમ કે તેમનું માનવું એવું છે કે -

  • બાળકને નથી ખબર કે એના માટે શું સારું છે કે તેને શેની જરૂરિયાત છે. મને આ વિશે વધારે ખબર પડે છે.
  • બાળકને સમજ નથી પડતી એટલે મારી જવાબદારી છે કે હું આગ્રહ કરીને તેને ખવડાવું.
  • હું આ બળજબરીથી એટલે કરું છું કેમ કે મને મારા બાળક માટે સાચી લાગણી છે.

પરિણામો
આના લીધે એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યાં બાળકના શરીર પર એક જાતનું નિયંત્રણ કરવામાં આવે છે. હકીકતમાં શરીર તે બાળકની સીમારેખા છે અને આગ્રહ અને બળજબરી કરીને પેરન્ટ્સ (મોટા ભાગે મા કે નાની/દાદી) તે સીમારેખાનું ઉલ્લંઘન કરી બાળક પર એક જોકે પોતાની 'માલિકી'ની સ્થાપના કરે છે. પશ્ચિમમાં બાળકના સ્વાયત્તતાનો આરંભ તેના 'હા' કે 'ના' કહેવાથી થાય છે. સાંસ્કૃતિક શોધો પ્રમાણે એશિયાની સંસ્કૃતિ 'સમુદાય આધારિત' છે. જેનો અર્થ એ છે કે - જ્યાં પશ્ચિમી સભ્યતાનો ધ્યેય બાળકને સ્વાયત્તતા પ્રદાન કરવાનો છે; ત્યાં એશિયન સમુદાયનો હેતુ બાળકને તેમના પારિવારિક અને કુળનાં મૂળ સાથે સાંકળવાનો છે. એટલે જ એશિયાઈ સભ્યતાના બાળક પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે જાત કરતાં પણ કુટુંબ અને કુળની ઈચ્છઓને આગળ રાખે.

બન્નેના ગુણદોષ
બાળકના ઉછેરની આ પદ્ધતિઓનો તફાવત સભ્યતા-આધારિત છે અને બંને સ્ટાઇલના ફાયદા અને નુકસાન છે. બાળકને વધુ પડતી સ્વાયત્તતા આપવાથી તે સ્વાર્થી બની શકે છે; અને જે બાળક હંમેશાં કુટુંબને આગળ રાખે તો તેની પોતાની ઈચ્છાઓ, હુનર અને ઘણીવાર વ્યક્તિત્વ પણ દબાઇ જાય છે. બંને જ પદ્ધતિઓ બરાબર નથી, કેમ કે બેઉંનો અંત દુઃખ છે. તો શું કરવું જોઈએ? સાચું કહું તો આ પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ નથી.

તો સૌથી સારો માર્ગ કયો છે?
મારું માનવું એવું છે કે આવી સ્થિતિમાં બેલન્સ અપ્રોચ એ છે કે - વાલીઓએ નાનપણથી જ બાળકની લાગણીનું માન રાખવું જોઈએ; અને પોતાનું મંતવ્ય રાખવાની સાથે સાથે બાળકના વિચારોને પણ ધ્યાનથી સાંભળવા જોઈએ. દાખલા તરીકે તમે જો બાળકને એવું સમજાવતા હો કે લીલાં શાકભાજી તેના સ્વાસ્થ્ય માટે સારાં છે, અને બાળક તે ખાવા માટે ઘસી ને 'ના' પાડી દે તો તમારે તેની 'ના' પાછળનું કારણ જાણવું જોઈએ. કદાચ બાળકનું પેટ ભરેલું છે એટલે તે 'ના' પાડી રહ્યું છે; કે પછી તેને તે શાકનો સ્વાદ કે રચના ગમતી નથી. તો બીજી વખતે તમે તે શાકમાં જરૂરી ફેરફાર લાવીને તેને તે પીરસી શકો છો. આજ પ્રમાણે જ્યારે તમે એવું ઇચ્છતા હો કે તમારું કિશોર વયનું બાળક એન્જીનીયરિંગ ભણે, પણ તે પોતે મ્યૂઝિક ભણવા માગતો હોય (કે આનું ઊંધું પણ હોઈ શકે!); તો એક વાલી તરીકે તમને એવું લાગશે કે તમને કારકિર્દી વિશે તેના કરતાં વધારે ખબર પડે છે. પણ અહીં તમારું એ સમજવું ખૂબ જ અગત્યનું છે કે કદાચ મ્યૂઝિક તમારા બાળકના જીવનનો માર્ગ ન હોય અને તેની ઈચ્છઓની અવગણના કરીને તમે તેના જીવનના માર્ગના સૌથી મોટા અવરોધ બની રહ્યાં છો!

અંતમાં એટલું જ કહીશ કે ઘણા વાલીઓનું માનવું એવું છે કે તેમનો આગ્રહ ખરેખર તેમની લાગણીને સૂચવે છે. પણ ખરી લાગણી એ છે જ્યારે તમે તમારા બાળકને કોઈ પણ જજમેન્ટ બાંધ્યા વગર સાંભળો. ખરો પ્રેમ પોતાના બાળકની ઈચ્છઓ અને વિચારોનું માન રાખવામાં છે.

anjuparenting@gmail.com
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...