સામાન્યપણે આપણે આપણા જીવનને આપણાં સપનાં, આપણી મહત્ત્વાકાંક્ષા અને આપણી તકલીફોથી વિચારતા હોઈએ છીએ. એમાં પણ જ્યારે આપણે ઓફિસ જતા હોઈએ ત્યારે આપણું મોટાભાગનું ધ્યાન આપણા કામમાં જ હોય છે.
એક લોકપ્રિય ખ્યાલ છે કે સોમવાર એ અઠવાડિયાંનો સૌથી ભયંકર દિવસ છે. લોકો તેમના વ્યાવસાયિક જીવન સપ્તાહના અંતની રાહ જોવામાં વિતાવે છે અને જ્યારે તે આખરે આવે ત્યારે તેઓ આગળના અઠવાડિયાંને નફરત કરવામાં વ્યસ્ત થઈ જાય છે. કમનસીબે એવા લોકો મોટી સંખ્યામાં છે જેઓ તેમના કાર્યસ્થળમાં ‘ફસાયેલા છે’ એવો અનુભવ કરે છે અને તેમને તેમની રોજિંદી નોકરીમાં કોઈ આનંદ મળતો નથી.
એક ઓફિસ મેનેજરની જવાબદારી બને છે કે ઓફિસને એક રોમાંચક અને કામ કરવાની મજા આવે એવી જગ્યા બનાવે. પરંતુ એમ કરવામાં મોટાભાગના લોકો નિષ્ફળ જાય છે. તેથી, ઓફિસનો માહોલ બોસના અપાયેલા ઓર્ડર અને એના પાલનમાં બંધાઈ જાય છે. HRની જૂની બર્થડે કેક, એ જ ટાઈ અને એ જ ID કાર્ડ સુધી સીમિત રહી જાય છે અને અંતે દરેકને તેમની નોકરી ખરાબ લાગે છે. મોટાભાગના લોકોના જીવનનું સૌથી ખરાબ સપનું હોય છે 9થી 5ની નોકરી.
‘હ્યુમર.’ ખરેખર એક એવું પુસ્તક છે જે હાસ્યનું મહત્ત્વ રોજબરોજની જિંદગીમાં તો ખરું જ પરંતુ ઓફિસમાં પણ હાસ્ય કેટલું મહત્ત્વનું છે એ શીખવે છે અને શીખવે છે કે કઈ રીતે આપણે આપણી સેન્સ ઓફ હ્યુમર કેળવી શકીએ. કયા પ્રકારનું હ્યુમર તમને શ્રેષ્ઠ લાગે છે તે પસંદ કરીને તમારી આસપાસની વ્યક્તિઓ માટે તમે સૌથી મનોરંજક વ્યક્તિ બનો.
દરેક વ્યક્તિની એક પોતાની સેન્સ ઓફ હ્યુમર હોય છે. કેટલાકને ડાર્ક હ્યુમરનો ઉપયોગ કરવો ગમે છે, કેટલાકને સરસ કટાક્ષ ગમે છે અને કેટલાકને જૂના જમાનાના સારા ટુચકાઓ ગમે છે. વાત એ છે કે આ બધા લોકો રમુજી છે પણ અલગ છે. તમને કઈ ટાઈપનું હ્યુમર નેચરલી ગમે છે એનું વિશ્લેષણ તમે ખુદ કરી શકો છો.
હ્યુમરના ચાર પ્રકાર છે: સ્ટેન્ડ-અપ, મેગ્નેટ, સ્વીટહાર્ટ અને સ્નાઈપર.
આ ઉપરના 4 પ્રકારમાંથી તમે કોઈ એક પ્રકારના હોઈ શકો છો, પરંતુ તમારું હ્યુમર તમારે પરિસ્થિતિ પ્રમાણે કેળવવું પણ જોઈએ.
હ્યુમર એટલું સરળ નથી હોતું. તમે કોઈપણ વસ્તુ પર મજાક કરી, પણ તમે એવી અપેક્ષા ન રાખી શકો કે લોકો હસશે અને તમારી સાથે બોન્ડ બનાવશે. હ્યુમર કેળવવા માટે એક સૌથી સિમ્પલ ટિપ્સ છે અતિશયોક્તિનો ઉપયોગ. જ્યારે તમે કોઈ વાર્તા કહો ત્યારે તેને આગળ વધારવાનો પ્રયાસ કરો અને જ્યારે કોઈને અપેક્ષા ન હોય ત્યારે અતિશયોક્તિનો ઉપયોગ કરીને લોકોને આશ્ચર્યચકિત કરીને હસાવો.
અતિશયોક્તિ ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે તમે તમારી વાર્તા સાંભળતી વ્યક્તિને આશ્ચર્યચકિત કરો અને તમારી વાર્તાને અણધારી રીતે ફેરવો છો. જ્યારે તમે રંગો, સ્થળ વિશેની વિગતો, સુગંધ અથવા અવાજનું વર્ણન કરો છો ત્યારે અતિશયોક્તિનો ઉપયોગ કરી લોકોને હસાવી શકો છો.
બીજું, કોઈપણ વાર્તા કહેતા સમયે એક મેન્ટલ ઇમેજ બનાવવા માટે સમાનતાઓનો ઉપયોગ કરો. તમારી વાર્તામાંથી કંઈક સરળ રીતે સમજી શકાય એવા ઉદાહરણ સાથે સરખાવી વાર્તાને રસપ્રદ બનાવો.
છેલ્લે, ત્રણના નિયમનો ઉપયોગ કરો - બે અપેક્ષિત વસ્તુઓ અને ત્રીજા અણધાર્યા તત્ત્વને ઉમેરી લોકોને આશ્ચર્યચકિત કરી હસાવો. આપણા મગજમાં એક પેટર્ન બનતી હોય, જેમાં A પછી B અને પછી C અપેક્ષિત હોય છે. પરંતુ ભૂલેચૂકે C ની બદલે Eઆવી જાય તો મગજ રોમાંચિત મેહસુસ કરતું હોય છે.
તો આ ટિપ્સનો ઉપયોગ કરી એક રસપ્રદ અને સેન્સ ઓફ હ્યુમરવાળી વ્યક્તિ બનવા તરફ કૂચ કરો.
મન: હાસ્ય ઓફિસને જીવંત બનાવે છે અને જીવંત ઓફિસમાં જ સારું કામ થતું હોય છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.