ઇટ્સ કોમ્પ્લિકેટેડ:કેર સારી બાબત છે, પણ વધુ પડતી કેર કાળો કેર બની જાય છે... પોતાની જાત સાથે જીવવાની તક દરેકને મળવી જોઇએ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક પત્નીને તેના પતિ એટલો બધો પ્રેમ કરે કે પ્રેમથી ઊબાઈ ગયેલી પત્નીએ કોર્ટમાં કેસ કરીને છૂટાછેડાની માગણી કરી. પતિને તો સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે પ્રેમનો અતિરેક છૂટાછેડા સુધી લઈ જશે. કેટલાક (જ) પતિઓ આવા હોય છે, જે પોતાની (જ) પત્નીને બેહદ પ્રેમ કરે. ‘આઈ લવ યુ, આઈ લવ યુ’ બોલ્યા કરે તથા આખો દિવસ જુદી જુદી રીતે પ્રેમની અભિવ્યક્તિ કર્યા જ કરે. પ્રશંસા કરે, ઓવર કેર કરે. તરસ ન લાગી હોય તોય પાણી આપે, પાણી માગે ત્યાં પેપ્સી આપે, પ્રેમના મેસેજ ફોરવર્ડ કરે, વિવિધ મુદ્રામાં પત્નીના ફોટા પાડે, બહાર જમવા લઈ જાય. વારંવાર ફિલ્મ જોવા જાય, હરવા-ફરવા જાય, ખરીદી કરાવે... એટલે કે, સરવાળે પત્નીને ખૂબ જ સાચવે.

કોઈપણ વ્યક્તિને તેને કોઈ ખૂબ પ્રેમ કરે કે કાળજી લે એ માપમાં હોય ત્યાં સુધી જ ગમે. સ્ત્રીઓને વિશેષ ગમે. અલબત્ત, પ્રેમ માપ બહાર જતો રહે ત્યારે અકળામણ થાય. એ અકળામણ ક્યારે અથડામણમાં ફેરવાઈ જાય તેની ખબર ન પડે. એ વખતે કહેવું પડે કે, હવે પ્રેમ કરવાનું બંધ કરો. દરેક વ્યક્તિને જીવવા માટે પોતીકી મોકળાશ, એક સ્પેસ જોઈતી હોય છે. એક એવો પરીઘ, એક એવું વર્તુળ જ્યાં એ વ્યક્તિ પોતે, પોતાની રીતે અને પોતાની જાત સાથે જીવવા માગતી હોય છે. આ એક એવો પ્રદેશ હોય છે જ્યાં એ મુક્ત મને શ્વાસ લેવા માગતી હોય છે. આ એવી જગ્યા હોય છે જ્યાં એ પોતાની જાતને મળી શકતી હોય છે. જાત સાથે પ્રેમ કે સંવાદ કરવાનો એ અંગત કોર્નર હોય છે. જો તમે પ્રેમનો ઢગલો કરીને તેના આ અંગત કોર્નરને નષ્ટ કરી દેશો તો એ વ્યક્તિ ગૂંગળામણ જ અનુભવશે. અતિ પ્રેમ હૃદયના ધબકારા ઘટાડે અને શ્વાસની ગતિને પણ વધારે.

એક સાચો કિસ્સો કહું. એક ભાઈને તેમનાં પોતાનાં પત્ની ખૂબ ગમે. લગ્નજીવનને એક દાયકો થયો તો પણ આ પ્રેમને સહેજે કાટ ન લાગ્યો. એ પતિ માટે પત્ની એટલે વિશ્વ. પત્નીમાં બધું આવી ગયું. એ ભાઈનાં સંતાનો સ્થાયી થયાં. આર્થિક આયોજન એવું કર્યું કે દર મહિને કંઈ ન કરે તો પણ એક-બે લાખ રૂપિયા મળવા લાગ્યા. ભાઈએ તો ધંધો બંધ કર્યો. તેઓ ઘરે જ રહેવા લાગ્યા. પત્નીને પ્રેમ તો કરતા જ હતા અને એમાં તો હવે પૂર્ણ સમય મળ્યો. એક-બે વર્ષ બરાબર ચાલ્યું પછી બંનેને માનસિક સમસ્યા થઈ. છેવટે મનોચિકિત્સકનું માર્ગદર્શન લેવાયું. ઉકેલમાં જણાવાયું કે એકબીજાને સ્પેસ આપો. આટલાં બધાં ભેગાં ન રહેશો.

થોડાંક છેટાં રહેવાથી વધુ ભેગું રહેવાતું હોય છે. એકબીજાને પોતપોતાની રીતે જીવવાની છૂટ આપવાથી જીવનને સહિયારી પ્રીતે વધુ સારી રીતે જીવી શકાતું હોય છે. પ્રેમ માણસને મુક્તિ આપે પણ વધુ પડતો પ્રેમ માણસને ગૂંગળાવી નાખે. કેર સારી બાબત છે, પણ વધારે પડતી કેર કાળો કેર બની જાય. હૃદયક્ષેપ જ્યારે હસ્તક્ષેપ બની જાય ત્યારે સંબંધ પ્રેમપણું ગુમાવી દેતો હોય છે. જેને તમે સાચો પ્રેમ કરતા હો, પછી તે જીવનસાથી હોય, માતા હોય, પિતા હોય, મિત્ર હોય, સંતાન હોય, સગાં હોય તેણે પોતાના હૃદયમાં પોતાની જાત માટે જે અલાયદી સ્પેસ રાખી હોય છે ત્યાં કદી પ્રવેશ ન કરશો. જો બને તો ડોકિયું પણ ન કરતા. દરેક વ્યક્તિ માટે એ સ્પેસ અનિવાર્ય હોય છે. ત્યાંથી જ જીવનરસ માટે જરૂરી પ્રેમ, લાગણી, મમતા, વાત્સલ્યના તરંગો આવતા હોય છે.

પતિ-પત્ની એવાં પાત્રો છે કે પ્રેમ અહીં બરાબરનો ખીલે છે. અહીં પ્રેમ અને સેક્સ બંનેની હાજરી હોય છે. બીજા સંબંધોમાં માત્ર પ્રેમ હોય છે. અહીં પ્રેમથી એક ડગલું આગળ જાતીયતાનું શમન પણ થતું હોય છે. પ્રેમ એટલે જાણે કે સ્ત્રી અને પુરુષનો જ પ્રેમ એવું એક સમીકરણ પણ છે. એવી એક છાપ પણ છે. સ્ત્રી અને પુરુષમાં એકબીજા માટે અદમ્ય આકર્ષણ હોય છે. તેઓ જ્યારે પતિ-પત્ની બને છે ત્યારે પ્રેમ કરવાનો પરવાનો મળી જાય છે. સ્ત્રી અને પુરુષના સાચુકલા અને ટોચના પ્રેમનાં અનેક ઉદાહરણો તમને જોવા મળશે. પતિ અને પત્નીનો સહવાસ, પરસ્પરનો પ્રેમભાવ એટલો બધો સરસ રીતે પાકી ગયો હોય કે ભાષા શૂન્ય થઈ જાય. જ્યારે બોલ્યા વગર સંવાદ થાય ત્યારે કળાયેલો કે પાકેલો પ્રેમ જોવા મળે છે. આવું જૂજ કિસ્સાઓમાં થતું હોય છે. પતિ અને પત્નીને કંઈ કહેવું હોય તો શબ્દોની જરૂર જ ન પડે. માત્ર આંખો વાત કરે એવું પણ બને. એ સૂક્ષ્મ બાબત છે. સ્થૂળ બાબત એ છે કે પતિ-પત્ની એકબીજાને અભિવ્યક્તિ સાથે પ્રેમ કરે.

પ્રેમ ત્રણ પ્રકારનો હોય છે. એક એવો કે તે ઓછો વ્યક્ત થયેલો પ્રેમ હોય. કેટલીક જ્ઞાતિના પુરુષો પ્રેમ વ્યક્ત કરવામાં માને જ નહીં. પ્રેમ કર્યો એટલે કર્યો. આખો દિવસ તેને વ્યક્ત ન કરવાનો હોય. તને પ્રેમ કરું છું...તને પ્રેમ કરું છું...એ તો 'લપડાવેડા' કહેવાય. સાચો પ્રેમ હોય પણ વ્યક્ત ન થતો હોય એવા કિસ્સા અનેક હોય છે. કેટલાક પુરુષોનો સ્વભાવ એવો હોય કે તેઓ પોતાની પત્નીને પ્રેમ કરતા હોય પણ વ્યક્ત ન કરતા હોય. તેની સામે કેટલાક વળી વ્યક્ત કરવામાં કંઈ જ બાકી જ ન રાખે.

અમદાવાદમાં એક તબીબ દંપતી છે. હવે તો જૈફ થઈ ગયું છે. બે દીકરાઓ અમેરિકામાં સ્થાયી થયા છે. આ દંપતી તાજુ પરણેલું હોય એ રીતે કાયમ જાહેરમાં એકબીજા માટેનો પ્રેમ પ્રદર્શિત કરતું જ રહે છે. ફરવા જાય તો હનીમૂન કરવા ગયાં હોય એ રીતે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કરે છે. તો આ બીજી રીત છે પ્રેમને વ્યક્ત કરવાની. એક રીત છે, માપમાં પ્રેમ કરવો અને માપમાં પ્રદર્શિત કરવો. કોઈ નદી ધીર ગંભીર રીતે વહેતી હોય તે રીતે પ્રેમ કરાતો હોય છે. કોઈ આવેગ નહીં, કોઈ ઉછાળો નહીં, કોઈ ભરતી નહીં.

અમદાવાદનું જ અન્ય એક યુગલ એક જ કંપનીમાં નોકરીએ લાગેલું. વિશ્વમાં પહેલી વખત કોઈ સ્ત્રી-પુરુષે લગ્ન કર્યાં હોય એવું એ બંનેને લાગતું એટલે કામ કરતાં કરતાં પણ બંને જણ (બને ત્યાં સુધી) સાથે ને સાથે રહે. એકબીજાની ખૂબ કાળજી પણ કરે. પ્રેમ એટલે પ્રેમ. ક્યારેક પ્રેમમાં સ્થળ અને કાળ ભૂલાઈ જતાં હોય છે. એ દંપતી ભૂલી જતું કે આ ઘર નથી પણ ઓફિસ છે. એ બહેનને વળી એવી ટેવ કે આખો દિવસ બીજા પાસે પોતાના પતિનાં સતત વખાણ કરે. આવું ખૂબ ચાલ્યું. ઓફિસના બોસ મજાકિયા સ્વભાવના હતા. એક દિવસ તેમણે એ બહેનને પોતાની ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું, ‘બહેન, તેં તારો પતિ વેચવા કાઢ્યો છે?’ પેલાં બહેન તો હબક ખાઈ ગયાં, ‘ના સાહેબ, ના. હું શું કામ વેચવા કાઢું?’ ‘તો પછી કેમ આખો દિવસ વખાણ કરો છો? કોઈકને ગમી જશે તો વેચાતો લઈ લેશે...’ એ બહેન સમજી ગયાં અને સુધરી પણ ગયાં.

અભિવ્યક્તિ વગરનો પ્રેમ અધૂરો પ્રેમ છે એ વાત સાવ સાચી. એમાંય સ્ત્રીઓને અભિવ્યક્તિ સાથેનો પ્રેમ સતત જોઈતો હોય છે. આ પણ વાસ્તવિકતા છે. એનો અર્થ એ નહીં કે તેમાં અતિરેક થાય. કોઈપણ બાબતનો અતિરેક નકામો. એ પ્રશ્નો જ ઊભા કરે. પ્રેમની અભિવ્યક્તિમાં જ્યારે અતિરેક આવી જાય છે ત્યારે પ્રેમ, પ્રેમ મટીને 'લાગણીવેડા' બની જતો હોય છે ત્યારે પ્રેમની સુગંધ ઓછી થઈ જતી હોય છે.

જતી વેળાનું સ્મિતઃ
હેડકી આવે ત્યારે એવું કહેવાય છે કે, કોઈ તમને સાચા દિલથી યાદ કરતું હશે. આ ભાવના અને વિભાવના કેટલી અદભુત છે! સાચા પ્રેમમાં ખરેખર જબરજસ્ત તાકાત હોય છે. એ વ્યક્તિના મન અને તન બંને પર ધારી અને અણધારી અસર કરી શકતો હોય છે. હેડકી આવવાને કોઈની યાદગીરી સાથે સાંકળવાની વાત માત્ર યથાકથિત હોઈ શકે નહીં. તેની પાછળ ચોક્કસ કોઈ મોટી ભૂમિકા હોવી જોઈએ.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...