ડિજિટલ ડિબેટ:કાશી મથુરાનાં મંદિરોનું નિર્માણ વગર વિવાદે ન થઈ શકે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં રામમંદિરના આંદોલન સાથે જ બીજાં બે મંદિરો મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થળ અને કાશીમાં શંકર ભગવાનના ધામ કાશી વિશ્વનાથ મંદિર માટે પણ પ્રયાસો ચાલી રહ્યા હતા. આ ત્રણ માહાત્મ્ય ધરાવતાં મંદિરોને મુક્ત કરાવી નવેસરથી ભવ્ય મંદિરોના નિર્માણનો સંકલ્પ હતો જ. એથી કાશીના મામલે અચાનક કંઈ થયું નથી. ‘અયોધ્યા એક ઝાંકી હૈ, મથુરા-કાશી બાકી હૈ’ એ સૂત્ર ત્યારે પણ બોલાતું હતું. રામમંદિરના નિર્માણનો માર્ગ સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ મોકળો થયો, એ જ રીતે હવે કાશી અને મથુરાનાં મંદિરો માટે અદાલતમાં કાનૂની દાવા ચાલી રહ્યા છે. ફક્ત સમયનો જ સવાલ છે કે ક્યાં સુધીમાં આ બંને જગ્યાએથી પણ ઇસ્લામી માળખાં હટાવી દેવાય. પણ વધારે મહત્ત્વનો સવાલ એ છે કે વિવાદ કરવાના બદલે કાશી અને મથુરામાં મંદિર નિર્માણ માટે સમાધાનના માર્ગ માટે પ્રયાસો કેમ નહીં? આ સમાધાનના માર્ગની વાત મુસ્લિમ પક્ષને પણ લાગુ પડે છે - શા માટે આ બંને તીર્થસ્થાનો પરથી માળખાં હટાવીને મંદિરોના નિર્માણમાં સહયોગ માટે કોઈ વિચારી રહ્યું નથી?

વિક્રમ વકીલ (VV): કાશી નગરી તરીકે જાણીતી વારાસણી પ્રાચીન વારસાનું નગર છે. ‘કોરિડોર’ એવા આધુનિક નામે ત્યાં સંકુલ તૈયાર થયું છે, જેથી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ વધારે સારી રીતે ભગવાન શિવનાં દર્શન કરી શકે. આ કોરિડોર માટે આસપાસની જગ્યા હસ્તગત કરીને મેદાન ચોખ્ખું કરવામાં આવ્યું ત્યારે પાછળ ઊભેલા જ્ઞાનવાપી મસ્જિદના માળખા પર દુનિયાની પણ નજર ગઈ હતી. સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું કે આ તો મંદિરની હોય તેવી જ દીવાલ છે અને ઉપર માળખું ચણી દેવાયું છે. અદાલતના આદેશથી આ સંકુલમાં સર્વે થયો તેની માહિતી પણ હવે દેશ અને દુનિયાએ જોઈ છે કે અનેક દેવી દેવતા અને ધાર્મિક પ્રતીકો અહીં છે. પણ કાશીના લોકો અને જાણનારા તો જાણતા જ હતા કે અનેક મંદિરો તોડીને મસ્જિદો બની છે, તેમાંનું આ પણ એક ધર્મસ્થાન હતું. જૂનાં શહેરોમાં ચારે બાજુ ગીચ મકાનો બન્યાં હોય એટલે દેખાય નહીં તે જુદી વાત છે, પણ નંદી એ તરફ જ મોઢું રાખીને બેઠા હતા જે આજે પણ સૂચક સાબિત થઈ રહ્યું છે. વાત આટલી જ છે અને હવે અહીં ગૌરી પૂજા સહિતની પૂજા માટે મંજૂરી માગવામાં આવી છે.
દિલીપ ગોહિલ (DG): વાત આટલી જ હોત અને આટલી જ રાખવામાં આવી હોત તો વધારે સારું હતું. મંદિરો તોડીને મસ્જિદો ચણી દેવામાં આવી હતી. મંદિરોના ભગ્નાવશેષોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાશી વિશ્વનાથ મંદિર માટે પણ દાયકાઓ નહીં, સદીઓના પ્રયાસોનો ઇતિહાસ છે. રામમંદિર માટે આંદોલન થયું ત્યારે મથુરા અને કાશીનાં મંદિરોને મુક્ત કરાવવાની માગણી પણ હતી જ. સાથે જ 3000 કે 30,000 સુધીનાં મંદિરોનો નાશ કરાયો હતો તેની યાદી પણ ફરતી હતી. ગુજરાતના લોકો આ વાત સૌથી સારી રીતે જાણતા હોય, કેમ કે આઝાદી પછી તરત જ સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. હવે સરદાર પટેલની કુનેહની કલ્પના કરો અને આજના શાસકોના ઈરાદા સાથે તેની સરખામણી કરો. વાતને વધાર્યા વિના જ સરદારે સોમનાથનું નિર્માણ કરાવ્યું. શું આ જ રીતે કાશી અને મથુરાનું નિર્માણ ન થઈ શકે? રામમંદિરના નિર્માણ પછી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે 3000 કે 30,000 મંદિરોની વાત પછીની છે, પણ ત્રણ મુખ્ય મંદિરોનું નિર્માણ અદાલતના માધ્યમથી અથવા સમજૂતિથી થઈ શક્યું હોત કે નહીં?

VV: સમજૂતિ માટે સામા પક્ષની પણ તૈયારી હોવી જોઈએ. આઝાદીનાં આટલા વર્ષો પછી ભાગલાવાદી મનોદશા ધરાવનારા લોકો વાસ્તવિકતા સમજવા તૈયાર થયા નથી. રામમંદિર માટે બહુ લાંબું આંદોલન કરવું પડ્યું હતું. તેના માટેની રાજકીય લડાઈને બાજુમાં રાખો, આ જગ્યા રામજન્મભૂમિની છે અને તેને ખાલી કરાવવી જોઈએ તે માટે અંગ્રેજોના વખતથી લડત ચાલી જ હતી. સમજૂતિની વાત હોય તો મુસ્લિમ અગ્રણીઓએ આગળ આવીને કહેવાની જરૂર હતી કે બાકીનાં બે મંદિરોની જગ્યા અમે ખાલી કરી આપીશું, અયોધ્યામાં મસ્જિદ માટે અલગ જમીન મળી છે તે રીતે સરકાર અલગ જગ્યાએ જમીન આપે. એવું થયું નથી. ઊલટાનું કાશીને બીજી બાબરી બનવા નહીં દઈએ એવી વાતો કરીને ઉશ્કેરણી કરવાની કોશિશ થઈ રહી છે.
DG: સમજૂતિ માટે બંને પક્ષોની તૈયારી જોઈએ તે વાત સાચી, પણ જો ખુલ્લા દિલે વાત થાય તો કદાચ વાત બને. સુબ્રમણિયમ સ્વામી જેવા નેતાઓ સ્પષ્ટ કહે છે કે ત્રણ મોટાં મંદિરોનો જિર્ણોદ્ધાર અમારું લક્ષ્ય છે અને તે પછી બાકીનાં મંદિરો તૂટ્યાં છે જગ્યાનો વિવાદ છોડવાની તૈયારી છે. સ્વામીને અત્યારે સરકાર સાથે સારું બનતું નથી એટલે તેમની વાત પર કેટલા લોકો ભરોસો કરે? સ્વામીની સાથે અન્ય અગત્યના નેતાઓ જો સ્પષ્ટતા કરે તો કદાચ વાત બને. એવું પણ થઈ શકે કે માત્ર ત્રણ જ મંદિરો નહીં, પણ તે સિવાયનાં પણ કેટલાક પ્રાચીન માહાત્મ્ય ધરાવતાં ધાર્મિક સ્થળો માટેની સ્પષ્ટતા થઈ શકે. ગુજરાતમાં પાવાગઢ જેવાં કેટલાક ધાર્મિક સ્થાનો માટે કે કુતુબ મિનારમાં હિન્દુ, બૌદ્ધ, જૈન મંદિરોના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના વિશે પણ સાથોસાથ વાત થઈ શકે છે. પણ એક સ્પષ્ટતા સાથે કે ક્યાં અટકવામાં આવશે. અયોધ્યામાં રામમંદિરના અપવાદને બાદ કરીને બીજાં સ્થળો માટે ઘર્ષણ ન થાય તે માટે જ 1991નો કાયદો નરસિંહ રાવ સરકારે કર્યો હતો.

VV: કાયદા જે રીતે બને તે રીતે રદ પણ થઈ શકે. તે વખતે રામમંદિર માટે આંદોલન ચાલતું હતું, સાથે જ બાકીનાં બે મંદિરો અને બીજાં પણ અગત્યના ધર્મસ્થાનોની મુક્તિ માટેની વાત હતી જ. તો શા માટે માત્ર એક જ અયોધ્યાનો અપવાદ કરીને બાકીના વિવાદને ઉકેલવાને બદલે તેને ઢાંકી દેવાનો પ્રયત્ન થયો? ચંદ્રશેખરની સરકાર બની ત્યારે પણ અયોધ્યાના ઉકેલ માટે ગંભીર પ્રયાસો થયા હતા. હિન્દુ પક્ષની તૈયારી હતી કે કેટલાક મહત્ત્વનાં ધાર્મિક સ્થાનોને સોંપી દેવામાં આવે તો બાકીના માટે શ્રદ્ધાળુઓને સમજાવી શકાશે. ત્યારે પણ રામજન્મભૂમિ સ્થળને સોંપી દેવાની તૈયારી મુસ્લિમ પક્ષની હોય તેવું દેખાયું નહોતું. 1991ના કાયદા અનુસાર 1947માં ધર્મસ્થાનની સ્થિતિ હોય તે યથાવત્ રાખવાની વાત છે, પણ જો ખરેખર સમસ્યાના ઉકેલની જ ગંભીરતા હોય તો તે કાયદો પણ રદ કરીને કાશી અને મથુરા અને કદાચ થોડા અન્ય ધાર્મિક સ્થળોનો ઉકેલ લાવી કાયમી નીવેડો આવી શકે છે. પણ તે માટે સામા પક્ષે જડતા છોડવી પડે.
DG: કાયદો રદ કરી શકાય છે અથવા નવો બનાવી શકાય છે. પણ કાયમી નીવેડા માટેની તૈયારી પણ બંને પક્ષોની હોવી જોઈએ. સમસ્યાને ઊભી રાખો અથવા એક પછી એક સમસ્યાને આગળ કરો જેથી રાજકીય ફાયદો મળતો રહે. એવી દાનત હોય ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. કોણ ખાતરી આપશે કે એક સાથે બેસીને કાશી અને મથુરા અને કદાચ થોડા બીજાં ધાર્મિક સ્થળો વિશે કાયમી નીવેડો લાવી દેવામાં આવે અને તે પછી ધાર્મિક વિભાજનના મુદ્દાને રાજકારણમાં નહીં લાવવામાં આવે? રામમંદિરનો મુદ્દો જગાવીને પૂરતો લાભ ભાજપને મળ્યો છે, તે પછી ભાજપના નેતાઓએ પણ હિન્દુ ધર્મના હાર્દને ધ્યાનમાં રાખીને હવે ધર્મના મુદ્દે રાજકારણ કરવાના બદલે વિકાસ અને સુશાસનના મુદ્દે જ રાજકારણ કરવાની ગંભીરતા દાખવવી જોઈએ.

VV: અયોધ્યા આંદોલનનો ભાજપને ફાયદો થયો છે અને અત્યારે કાશી-મથુરાનો વિવાદ સામો પક્ષ વધારે ચગાવવાની કોશિશ કરશે તો ફાયદો ભાજપને થશે. પણ જવાબદારી સામા પક્ષની અને વિપક્ષની પણ છે - શું એ લોકો વિપરિત રીતે આ વિવાદનો લાભ નથી લઈ રહ્યા? લઘુમતીના તુષ્ટિકરણનું રાજકારણ કરીને અત્યાર સુધી ઘણા રાજકીય પક્ષો સત્તા મેળવતા રહ્યા છે. તાળી એક હાથે ના પડે, વિપક્ષને જો સમજ પડતી હોય તો તેમણે આ મુદ્દામાં દેશના વિશાળ શ્રદ્ધાળુ વર્ગની લાગણીને ધ્યાનમાં રાખીને વલણ લેવું જોઈએ. કોઈ પક્ષના ટેકેદાર ના હોય, પણ ધર્મમાં આસ્થા ધરાવનારા લોકો હોય તેમની લાગણી સમજવાનું કામ વિપક્ષનું નથી?
DG: વિપક્ષ પોતાનું કામ એટલે કે શાસક પક્ષની શાસનની નિષ્ફળતાને પ્રજા સામે સ્પષ્ટ કરે તોય ઘણું. પોતપોતાની વોટબેન્ક માટે બધા નેતાઓ મથવાના છે. ભાજપે પોતાની સોલિડ વોટબેન્ક ઊભી કરી છે અને પોતાના ચુસ્ત ટેકેદાર ના હોય તેમની સામે પણ ધર્મ અને આસ્થાના નામે પ્રચાર કરીને મતો મેળવી શકાય છે તે રાજકારણને ફાઇન ટ્યુન કર્યું છે. સમસ્યા એ નથી કે ભાજપ ધર્મના નામે મતો મેળવે છે - બધા જ રાજકીય પક્ષો ધર્મ, જ્ઞાતિ, વર્ગ, સંપ્રદાય અને વોટબેન્કના આધારે મતો મેળવે છે, પણ તેમાં દેશને અને નાગરિકોને શું મળ્યું તેની પણ ચર્ચા કરવી જોઈએ કે નહીં? કાશી અને મથુરાનો મુદ્દો લાંબો ના ચાલે અને મંદિરો તોડીને ત્યાં ઊભાં થયેલાં માળખાં હટાવીને અયોધ્યાની જેમ મંદિરોનો જિર્ણોદ્ધાર વહેલી તકે થવો જોઈએ. તેના માટે વિવાદ, વિખવાદ અને તડાં પડે એવું શ્રદ્ધાળુઓ પણ નથી ઈચ્છતા. જરૂર પડ્યે 1991નો કાયદો રદ કરી શકાય છે; વિપક્ષને પણ સાથે લઈ શકાય છે; સર્વસંમતિથી નવો કાયદો બને, જૂનાં મંદિરો તૂટ્યાં હતાં તેમાંથી કેટલાનો જિર્ણોદ્ધાર થશે તેની એક મર્યાદા નક્કી કરીને, ભૂતકાળને ભૂલીને આગળ વધવા માટેની સહમતી માટેના પ્રયાસોમાં હું માનું છું. સમજદાર સૌ કોઈ સાથ આપશે. થોડાં તત્ત્વો હંમેશાં આડાં ચાલનારાં રહેવાનાં, પણ સહિયારા પ્રયાસો સમજૂતિથી થાય તો અંગ્રેજીમાં જેને ‘ફ્રીન્જ એલિમેન્ટ્સ’ કહે છે તેની અવગણના કરીને આગળ વધી શકીએ છીએ.
(વિક્રમ વકીલ અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને વિશ્લેષકો છે)