તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ડિબેટ:નીતિન પટેલનાં નિવેદનો સાથે સહમત થઈ શકાય કે નહીં? વાંચો, આજની ડિજિટલ ડિબેટ અને ‘રંગત સંગત’ના અન્ય લેખો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડૉ. હરિ દેસાઈ (HD): નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મૂળે મહેસાણા જિલ્લાના, એટલે અમારા જિલ્લાના લોકોની એક ઘા ને બે કટકાની શૈલીમાં બોલવાની એમની આદત ઘણીવાર રાજકારણમાં મૂંઝવણો સર્જે છે. હજાર વર્ષ પછી પણ ભારત હિંદુ બહુલ પ્રદેશ નહીં રહે તો લોકશાહી ખતરામાં આવશે એવું કહ્યું તથા એવું પણ નિવેદન કર્યું કે પ્રથમ વડાપ્રધાન પંડિત 'નેહરુએ જેટલું નખ્ખોદ વળાય એટલું વાળ્યું.' આવાં નિવેદનો કરીને નીતિનભાઈ વિવાદમાં આવ્યા. વાસ્તવમાં વર્તમાન રાજનેતાઓ તથ્યો અને ગરિમા છોડીને છુટ્ટા મોઢે વાત કરીને ચૂંટણી લાભ માટે જ પ્રયત્ન કરતા હોવાથી સામાન્ય રીતે વિવેકી ગણાતા નીતિનભાઈનાં મુખે આવી વાત બોલાય તથા એ શબ્દોને પાછા વળગી રહે ત્યારે આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.

દિલીપ ગોહિલ (DG): થોડું આશ્ચર્યજનક પણ વધારે સૂચક નિવેદન લાગેલું. આ અનુસંધાને 'હું નીતિનભાઈ સાથે સહમત છું' એવાં સૂત્રો આવ્યાં એટલે પદ્ધતિસરનું લાગ્યું. વિવેકી ગણાતા નીતિનભાઈ આવું બોલે એટલે થોડું આશ્ચર્ય થાય પણ તે સૂચક એ રીતે હતું કે 'હું ગુજરાત (અને ભાજપ)માં મહત્ત્વનો નેતા છું' એવું તેમણે મોકો જોઈને જણાવી દીધું. તક હતી કારણ કે, વિશ્વ હિંદુ પરિષદનો કાર્યક્રમ હતો અને 'મિનિ હિંદુ હૃદય સમ્રાટ' થવાની હોડ કોઈ જતી કરે નહીં. 'વીડિયો ઉતારી લેજો' એવું ખાસ કહેલું અને ધાર્યું નિશાન પાર પડ્યું - રાષ્ટ્રીય કક્ષાએ નીતિનભાઈના નિવેદનની ચર્ચા થઈ. દરેક બાબતમાં નહેરુને જવાબદાર ઠરાવવા એ પણ ભાજપનું ફેવરિટ નેશનલ સ્લોગન છે એટલે નીતિનભાઈએ ઘા ભેગો ઘસરકોય કદાચ કરી લીધો!

HD: નીતિનભાઈ પહેલાં એમના પક્ષના સર્વોચ્ચ નેતા અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ચૂંટણીસભામાં 'હમ પાંચ, હમારે પચ્ચીસ' જેવાં નિવેદન કરીને પોતાની હિંદુવાદી છબી ચમકાવતા રહ્યા છે. વાસ્તવમાં ભારત સરકારના સત્તાવાર આંકડા મુસ્લિમોને ચાર પત્નીઓ અને પચ્ચીસ બાળકો હોવાનું પ્રમાણ આપતા નથી. નીતિનભાઈ મૂળે પરિપક્વ નેતાની છબિ ધરાવતા હોવા છતાં હમણાં એમણે મુસ્લિમોની વસ્તી વધી જાય તો તાલિબાન જેવી અવસ્થા થાય એવો સંકેત આપવાની કોશિશ કરી. વાસ્તવમાં વર્ષ 2011ની છેલ્લી વસ્તી ગણતરી મુજબ, હિંદુઓની જેમ મુસ્લિમોમાં પણ જન્મદર ઘટવા લાગ્યો છે. ભારતમાં મુઘલોનું શાસન હતું અને કટ્ટરવાદી ઔરંગઝેબ હતો ત્યારે પણ મુસ્લિમોની વસ્તી માત્ર 8% થઈ હતી. એના સરસેનાપતિથી લઈને દરબારીઓ સુધીમાં હિંદુઓનું પ્રમાણ શહેનશાહ અકબરના શાસન કરતાં પણ વધુ હતું. આમ છતાં, ચૂંટણી નજીક હોય ત્યારે હિંદુ વોટબેંકને મુસ્લિમ વસ્તી વધી રહ્યાનો આભાસી ડર બતાવીને ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની હિલચાલ કરવામાં આવે છે.
DG: કદાચ આંકડાના આધારે જ નીતિનભાઈના નિવેદન સાથે અસહમત થવું પડે. 1951થી 2011ની વસ્તી ગણતરી દરમિયાન હિંદુઓની સંખ્યા 84.1%થી ઘટીને 78.35% થઈ છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 9.80%થી વધીને 14.2% થઈ છે. વર્ષ 2050 સુધીમાં વસ્તી સ્થિર થશે ત્યાં સુધીમાં શું થશે તેના જુદા જુદા અંદાજ છે. પ્યૂ રિસર્ચ પ્રમાણે હિંદુ 76.7% હશે, જ્યારે મુસ્લિમો વધીને 18.4% હશે. વસ્તી ગણતરી અનુસાર, 2001થી 2011 સુધીમાં હિંદુનો વસ્તી વધારો 1.4% રહ્યો, જ્યારે મુસ્લિમોનો 2.2% હતો. દરેક રીતે મુસ્લિમોની વસ્તી વધતી દેખાય છે પણ હવે 2021ના આંકડા પછી વધારે પાકો અંદાજ આવશે. જાણકારો કહે છે કે, 2.1નો TFR (ટોટલ ફર્ટિલિટિ રેટ) આવી જાય ત્યારે વસ્તી સ્થિર થાય. હિંદુઓની સાથે જ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ રિપ્લેસમેન્ટ રેટ પર આવી ગયા છે. તેથી, ત્યાં વસ્તી સ્થિર થવા લાગી છે, જ્યારે ઉત્તર ભારતમાં થોડી વધી રહી છે પણ એટલી બધી વધી જાય ખરી કે હિંદુઓના હાથમાં શાસન ન રહે? વર્ષ 2050 સુધીમાં બીજા 4%ના વધારા પછીય હિંદુઓની સંખ્યા 76.7% હોવાથી આંકડાકીય રીતે એવો કોઈ ભય રાખવો કેટલો યોગ્ય તે વાચકો જાતે પણ નક્કી કરી શકે છે.

HD: મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન મળ્યું ત્યારે ઉદ્યોગપતિ આર.એમ. બિરલાએ સરદાર પટેલને પૂછ્યું હતું કે હવે તો આપણે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરીએ, ત્યારે સરદારનો ઉત્તર હતો: હિંદુ રાષ્ટ્ર એ ગાંડાઓનો ખ્યાલ છે. આ દેશ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન સહિતના તમામનો છે. ભાગલા માટે માત્ર પંડિત નેહરુને કે મહાત્મા ગાંધીને જવાબદાર લેખાવનારાઓ એ ભૂલી જાય છે કે તેઓ નેહરુ કે ગાંધીને ભાંડે છે ત્યારે સરદાર પટેલને પણ ભાંડી રહ્યા છે. દેશમાં ગૃહયુદ્ધ ખાળવા માટે સૌપ્રથમ ભાગલાનો સ્વીકાર કરવા માટે સરદાર પટેલ તૈયાર થયા હતા અને તેમણે બંધારણ સભામાં પણ આ કહ્યું છે.
DG: એ વાત સાચી, પરંતુ નીતિનભાઈના નિવેદન પછી સહજ રીતે જ વિવાદ જાગ્યો અને તેમના સમર્થનમાં ઝુંબેશ પણ ચલાવવામાં આવી, તેની પાછળની ગણતરીઓ સમજવી જરૂરી છે. આંકડાકીય રીતે વાત સાથે સહમત ન થઈએ. પરંતુ તેમનો કહેવાનો ભાવ એ હતો કે અત્યારે તાલિબાન જે કરી રહ્યા છે એવી માનસિકતા ક્યારેય હિંદુઓની ન હોય. હિંદુઓ મૂળભૂત રીતે સહિષ્ણુ અને 'પંથનિરપેક્ષ' (સેક્યુલર) છે. આ વાત સાથે મોટો વર્ગ સહમત છે અને અન્ય ધર્મોમાં રહેલી કટ્ટરતાની અવગણના થઈ શકે એવી નથી. તાલિબાની તમાશો પણ તેને સ્પષ્ટ કરી રહ્યો છે. અર્થાત્ નીતિનભાઈએ ટાર્ગેટ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને વાત કરી હતી. રાજકીય પ્રકારના મંચ પરથી આવી વાત થાય ત્યારે વિરોધ થવાનો. કયા ધર્મોમાં ઉદારતા, સહિષ્ણુતા અને કયા ધર્મોમાં કટ્ટરતા તેની ચર્ચા માટે જુદો મંચ હોય ત્યારે વાત જુદી રીતે પણ કરવી પડે.

HD: ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સદગત સરસંઘચાલક સુદર્શનજી વર્ષ 2060માં ભારતમાં મુસ્લિમોની સંખ્યા હિંદુઓ કરતાં વધી જશે એવું આભાસી જાહેરમાં રજૂ કરતા રહ્યા હતા. ઉપર તમે આંકડા આપ્યા એ પ્રમાણે 2050માં ભારત દુનિયાનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હશે પણ હિંદુ વસ્તી જ સૌથી વધુ રહેવાની છે. વસ્તી નિષ્ણાતો સ્પષ્ટ કરે છે અને સરકારી આંકડા પણ સ્પષ્ટ કરે છે કે મુસ્લિમો અને હિંદુ બંનેમાં મહિલાઓમાં બાળકોને જન્મ આપવાની સરેરાશ (TRF) ઘટી રહી રહી છે. મહિલાઓ બાળકો પેદા કરવાનાં કારખાનાં નહીં હોવા છતાં યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા: એમાં માનનારા સાંસદો અને હિંદુવાદી ધર્માચાર્યો પણ હિંદુઓને દસ-દસ બાળકો જણવાની સલાહ આપે ત્યારે નવાઈ લાગે છે.
DG: વાતનો મુદ્દો જ આમાં રહેલો છે. વસ્તી ગણતરી, વસ્તી વધારો, વધારાનો દર, વસ્તીમાં વયજૂથ એ બધા અભ્યાસના વિષયો છે અને તેમાં ધર્મો કરતાં જુદી જુદી પરિસ્થિતિ કારણભૂત હોય છે. શિક્ષણ, સમૃદ્ધિ અને આરોગ્ય (સંતતિનિયમન)ની સુવિધાઓ વધે ત્યારે જન્મદર ઘટે છે. કેરળ અને તામિલનાડુમાં જન્મદર સૌથી ઓછો થયો છે, બિહાર, ઝારખંડમાં વધારે છે. સૌથી વધુ વસ્તી ધરાવતું ઉત્તર પ્રદેશ આ બાબતમાં મધ્યમાં છે. એટલે જ વસ્તી વધારાની વાત સાથે વોટબેંકનું રાજકારણ જોડવામાં આવે ત્યારે ટીકા થવાની. વસ્તી નિયંત્રણની જરૂર છે પણ તેને વોટબેંક કે ધર્મ-જ્ઞાતિ સાથે જોડવાના બદલે સમગ્ર રીતે જોવામાં આવે અને યોગ્ય નીતિ કરવામાં આવે તે જરૂરી છે.

HD: દુનિયાના દેશોની વસ્તીનો અભ્યાસ કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે ક્યારેક મુસ્લિમ દેશ કે સલ્તનત રહેલા દેશો કે પ્રદેશો સમયાંતરે ખ્રિસ્તી થયા છે. આપણી સામે સૌથી મોટું ઉદાહરણ તો યુરોપનું છે. 600 વર્ષ સુધી યુરોપ પર રાજ્ય કરનાર ઇસ્લામી શાસન હતું પણ આજે સલ્તનત-એ-ઓસ્માનિયા એટલે કે મુસ્લિમ રાષ્ટ્ર હવે ખ્રિસ્તી ઇટાલી કે રોમ બની ગયું છે. ક્રુઝેડ અને જેહાદનો યુગ ગયો. એટલે ક્રુઝેડ, જેહાદ અને ધર્મયુદ્ધને બદલે સંસ્કારી અને લોકતાંત્રિક શાસનોની કલ્પના કરવી ઘટે. માત્ર હિંદુ બહુમતી હોય તો જ લોકશાહી ટકે એ પાયામાંથી જ ખોટી ધારણા છે. કારણ વિશ્વના ખ્રિસ્તી અને મુસ્લિમ દેશોમાં પણ લોકશાહી છે એટલી સાદી સીધી વાત આપણા રાજનેતાઓ અને ખાસ કરીને શાસકોને સમજાવી જોઈએ.
DG: કદાચ એટલે જ વિવાદ થયો છે કે આ વિષય રાજકારણીઓનો નથી. ખાસ કરીને 'નીતિનભાઈની આ લેન નહીં.' વિભાજનના રાજકારણનો પોર્ટફોલિયો ભાજપમાં અન્યોને અને IT સેલને આપેલો છે. તેથી જ નિતીનભાઈનું નિવેદન (સહમત થઈ કે ના થઈએ) ચર્ચાસ્પદ બન્યું. ગુજરાત ભાજપમાં જૂથબંધી ચાલે છે અને સી.આર.પાટીલે કહ્યું કે ચૂંટણી પહેલાં નેતૃત્ત્વ પરિવર્તન થવાનું નથી. તે પછી નીતિનભાઈ પટેલ જૂથ માટે આગામી ચૂંટણી પછી શું એ સવાલ ઊભો છે. 'મને ખબર નથી' એવા મુખ્યમંત્રીની જગ્યાએ પોતાને 'હિંદુત્વના હિતની ખબર છે' એવા પ્રખર નેતા જેવી છાપ ઊભી કરવાની પણ ગણતરી નીતિનભાઈની હશે. કદાચ એ ગણતરી પારખીને જ, ગણતરીને ઊંધી પાડવા ગુજરાત ભાજપે 'સહમત છું'ની ઝુંબેશ ઉપાડી લીધી છે. હિંદુ હિતના પ્રહરી માત્ર નીતિનભાઈ નહીં, અસલમાં ગુજરાત ભાજપ છે એ પ્રચાર ચાલી રહ્યો છે. વાચકો, તમે સૌ સહમત છો ખરા?
(દિલીપ ગોહિલ અને હરિ દેસાઈ વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષક છે)