માતા-પિતા તરીકે આપણે સહુ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આપણાં બાળકો એડલ્ટ (પુખ્ત) થયા ઉપરાંત પણ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે. પણ અજાણતાં આપણે આપણાં બાળક પર જવાબદારીઓ અને અપેક્ષાઓનો બોજો નાખીને પુખ્તાવસ્થામાં તેની ભાવનાત્મક અને શારીરિક સુખાકારી પર નકારાત્મક અસર છોડીએ છીએ. આ રસપ્રદ વિષય પર વધુ જાણવા માટે આ કૉલમ વાંચો…
***
આજકાલના જમાનામાં આપણા વિચારો આપણાં સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તે વિશે વાત કરવી તે ફેશનેબલ ગણાય છે. મોટાભાગનાં સેલ્ફ-હેલ્પ (સ્વ-સહાય) પુસ્તકો આપણને જણાવે છે કે આપણે હકારાત્મક વિચારો રાખવા જોઈએ. આપણો સ્ટ્રેસ (તણાવ) કેવી રીતે આપણી રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી આપણને બીમારી તરફ દોરી જાય છે. તેમ છતાં, ઘણા ઓછા લોકો બાળપણના ઉછેર, વિચારોની પેટર્ન અને વર્તન વચ્ચેની કડી જોડી શકે છે જે આગળ જઈને પુખ્તવયે રોગમાં પરિવર્તિત થતી હોય છે. ચોક્કસ, અહીં તબીબી સારવાર અને માર્ગદર્શન ખૂબ જ મહત્ત્વનું છે, પણ મારું માનવું એવું છે કે ઘણી બધી બીમારીઓ ભાવનાત્મક કારણની શારીરિક અભિવ્યક્તિ છે. એક રીતે તે રૂપક બની જાય છે.
તમારી સાથે પોતાનો દાખલો શેર કરું...
બેસ્ટ-સેલિંગ બુકના લેખક લુઇસ હાય, તેના પુસ્તક ‘યુ કેન હીલ યોર લાઈફ’ (તમે તમારી જિંદગીને સાજી કરી શકો છો)માં આ અંગે વાત કરે છે. મેં આ પુસ્તકના બોધપાઠને મારામાં અને મારી આસપાસના લોકોમાં નોંધવાનું શરૂ કર્યું છે. મારો પોતાનો દાખલો આપું તો, થોડા મહિનાઓથી હું ફ્રોઝન શોલ્ડરથી પીડાઈ રહી છું. મારા ખભામાં અસહ્ય દુખાવો છે જેના લીધે હું મારો જમણો હાથ ઉપાડી નથી શકતી (નોંધ લેશો જી કે આ મારો જમણો ખભો છે). હું આ પીડાને- વ્યાવસાયિક અને વ્યક્તિગત સ્તરે ઘણી બધી જવાબદારીઓથી ડૂબી જવાની મારી પરિસ્થિતિ સાથે લિંક કરી શકું છું; એક રીતે હું અહીં ‘ભાર ઉપાડી રહી છું’.
મારા સતત અભિભૂત થવાનું કારણ એ છે કે મને ‘ના’ કહેતા નથી આવડતું. જો કોઈ મને કંઈ પણ કામ માટે પૂછે, તો હું ચોક્કસ તે કરવાનો પ્રયાસ કરતી હોઉં છું. પછી ભલેને તે મારા સ્વાસ્થ્ય અને ‘ફેમિલી ટાઈમ’ અને ‘મી ટાઈમ’ ના ભોગે જ કેમ ના હોય! સાચું કહું તો મને ‘ના’ બોલતા ગિલ્ટી (દોષી ભાવના) ફીલ થાય છે; કારણ કે મને લાગે છે કે કોઈને ‘ના’ કહેવું તે એક પ્રકારની નિષ્ઠુરતા દર્શાવે છે. મારું માનવું એવું છે કે તે કામ કરવું તે મારી નૈતિક ફરજ છે અને મારી આસપાસના લોકોને ખુશ કરવાના આ પ્રયાસના કારણે જ મને નાનપણથી સતત માઇગ્રેન થાય છે.
હવે તમે પૂછશો કે આ બધાનું પેરેન્ટિંગ સાથે શું કનેક્શન છે? ખરું કહું તો, આપણી નાની ઉંમરે શીખેલાં વર્તનની પેટર્ન- અને તે જે લાગણી કે ફીલિંગ્સ પેદા કરે છે તે- આ બન્ને આપણાં માનસમાં સમાવિષ્ટ થઈ જાય છે.
ચાલો, રમાને મળીએ
અહીં હું 79 વર્ષીય શ્રીમતી રમા કોહલી (નામ બદલ્યું છે)નો દાખલો આપવા માગું છું. તેઓ ખૂબ જ એક્ટિવ, સામાજિક અને લાગણીશીલ છે. તે હંમેશાં દરેકની સંભાળ રાખે છે અને તેમના નાના ભાઈઓ માટે માતા સમાન છે અને તેમની આર્થિક અને અન્ય જરૂરિયાતોની સતત પૂરતી કર્યા રાખે છે. રમા પોતે ઘૂંટણ અને કમરના દુખાવાથી અતિશય પીડાય છે અને હું તેમની આ પીડા માટે તેમના પર રહેલ ભારે જવાબદારીના બોજને માનું છું. ચર્ચા દરમિયાન મેં જાણ્યું કે રમાની પોતાની માતા હંમેશાં બીમાર રહેતાં હતાં અને તેમના નાના ભાઈઓને જન્મ આપ્યા પછી, તેમણે 10 વર્ષની રમાને છોકરાઓની સંભાળ રાખવાની તાલીમ આપી. તેથી, રમા આખા ઘરની દેખરેખ અને રસોઈ કરતી એટલું જ નહીં, પણ તેના ભાઈઓની જરૂરિયાતોને પૂરી કરવાની જવાબદારી પણ રમાના માથે હતી. એવડી કોમળ વયથી જ જાણે રમા અન્યની જવાબદારી ઉપાડતી સરોગેટ માતા બની ગઈ હતી. એક રીતે, બાળકોમાં સૌથી મોટી હોવાના કારણે અને એક છોકરી હોવાના કારણે તેને ક્યારેય બાળપણને ખરા અર્થમાં એન્જોય નહોતું કર્યું. કારણ કે, આખો સમય તેને અન્યની સંભાળ કઈ રીતે રાખવી તે શીખવામાં અને શીખ્યા પછી સંભાળ રાખવામાં વિતાવી દીધો હતો. રમા શરૂથી એવું માનતી હતી કે આ તેની જવાબદારી છે અને પરિણામે તેના ભાઈઓ પણ પુખ્ત હોવા છતાં તેના પર નિર્ભર રહેવા લાગ્યા. કદાચ ઊંડે-ઊંડે રમાને એક ડર હતો કે જો તે તેમની સંભાળ નહીં રાખે તો તે તેની માતા અને ભાઈ-બહેનોનો પ્રેમ ગુમાવી બેસશે. આના લીધે જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ-તેમ રમાને અતિશય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તે પીઠના સતત દુખાવાથી પણ પીડાતી રહેતી.
રોગ અને લાગણીઓ વચ્ચેની કડી
ડૉ. મોના લિસા શૂલ્ઝ દ્વારા તેમની પુસ્તક- ‘ઓલ ઇઝ વેલ’- માં એવા ઘણા રસપ્રદ કિસ્સાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે રોગ અને લાગણીઓ વચ્ચેની કડી દર્શાવે છે.
જ્યારે આપણે અસ્વસ્થતા અનુભવીએ છીએ, ત્યારે જરૂરી છે કે આપણે એ અસ્વસ્થતાને રૂપક તરીકે જોઈએ. આપણું શરીર આપણને શું કહી રહ્યું છે? આ અસ્વસ્થતાનું કારણ આપણાં વર્તનની દૃષ્ટિ એ શું હોઈ શકે છે? એ સમયે આપણી આંતરિક લાગણી શું છે અને તે ક્યાંથી આવે છે? ગુસ્સો, રોષ અને દબાયેલી લાગણીઓ વ્યક્તિને વિવિધ રોગો તરફ દોરી જાય છે.
અંતમાં...
આ આખા લેખનો હેતુ રોગના શારીરિક કારણને નકારવાનો બિલકુલ નથી. મને ફક્ત એટલું જ લાગે છે કે જો આપણે બાળપણના ઉછેરને લગતી આપણી લાગણીઓથી વાકેફ થઈએ તો યોગ્ય તબીબી સારવારના માધ્યમથી આપણે આપણા માટે વધુ સારા સ્વાસ્થ્યનાં દ્વાર ખોલી શકીએ છીએ.
anjuparenting@gmail.com
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.