તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ ડિબેટ:ગુજરાતમાં 'આપ' ત્રીજા પરિબળ તરીકે આગળ વધી શકશે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિબેટના નામે ચાલતા ઘોંઘાટ અને હૂંસાતૂંસીથી પર જઈને અઠવાડિયાના સળગતા, ચર્ચાતા અને આપણને સૌને સ્પર્શતા મુદ્દાઓ પર તલસ્પર્શી ડિબેટ રજૂ થશે આ વિભાગમાં. ડિજિટલ પ્લેટફોર્મ પર પહેલી જ વાર પક્ષ અને પ્રતિપક્ષના અભિપ્રાયને મુદ્દાસર ગોઠવીને પત્રકારત્વનાં મંજાયેલાં વ્યક્તિત્વો માંડશે ‘ડિજિટલ ડિબેટ’.

***
જયવંત પંડ્યા (JP) - સુરત મહાપાલિકામાં ‘આપ’ને 27 બેઠકો મળી એની ચારેકોર ચર્ચા છે. કોંગ્રેસના સ્થાને વિપક્ષ તરીકે હવે 'આપ' બેસશે. દિલ્હી બહાર નજર દોડાવી રહેલી આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં ભાવિ આશાસ્પદ છે. એક કારણ એ કે પક્ષ આંદોલનમાંથી જન્મ્યો છે. અરવિંદ કેજરીવાલનું બેકગ્રાઉન્ડ રાજકારણનું નહોતું. તેઓ આવકવેરા અધિકારી હતા, પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં જોડાયા અને રાજકીય પક્ષ બનાવ્યો. પક્ષ યુવાનોથી ભરપૂર છે. કેટલાક તો નોકરી છોડીને આંદોલન કે પક્ષમાં જોડાયા હતા. રિક્ષાચાલકથી માંડીને ડૉક્ટર સુધીના બહોળા વર્ગને આકર્ષવામાં પક્ષ સફળ થયો છે.

દિલીપ ગોહિલ (DG) - સુરતમાં સફળતા નોંધપાત્ર છે એટલે ચર્ચા થવાની. હકીકતમાં વર્ષ 2013-14થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં વૈકલ્પિક પક્ષ તરીકે ચર્ચામાં આવ્યો. છતાં એક દાયકામાં દિલ્હી બહાર પંજાબ સિવાય ખાસ સફળતા મળી નથી. આંદોલનમાંથી આવેલા નેતાઓ ભાગ્યે જ લાંબું ટકે કારણ કે, આંદોલનનો મુદ્દો મર્યાદિત હોય અને સંદર્ભ શમવા લાગે પછી ટકવું મુશ્કેલ બને. અત્યાર સુધી કેજરીવાલ પોતાને રિઇન્વેન્ટ કરતા રહ્યા છે. પરંતુ આંદોલનમાંથી મેઇનસ્ટ્રીમમાં સફળતાના અપવાદ બનવા લાંબી મંઝિલ કાપવી પડે. બીજું, સમયાંતરે પક્ષની ઓળખ અમુક વર્ગ સાથે જોડાઈ જાય છે એવું નહીં થાય?

JP - 2019 પછી કેજરીવાલે રાજનીતિની દિશા બદલી છે. મોદીને ગાળો દેવાથી પ્રજા વિમુખ થશે તે પામી જઈને તેમની ટીકા બંધ કરી સકારાત્મક રાજનીતિ તરફ દેખીતી રીતે વળવા પ્રયાસ કર્યો છે. કલમ 370, રામમંદિર જેવા મુદ્દે સંતુલિત અભિગમ દાખવ્યો છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં હનુમાન ચાલીસા કરી હિન્દુઓને આકર્ષવા પ્રયાસ કર્યો. અલબત્ત, નગર સેવક તાહિર હુસૈન રમખાણોમાં પકડાતાં આપને ધક્કો અવશ્ય લાગ્યો છે.

DG - રાજનીતિને કઈ દિશામાં વાળવામાં આવે છે તે પણ જોનારા જોતા હોય છે. જયશ્રી રામ સામે જય બજરંગબલીનો નારો ઘણાને તકવાદી રાજકારણ પણ લાગી શકે. માત્ર બીજા પક્ષોના પસંદગીના એજન્ડાને અનુમોદન જ આપવાનું હોય તો કેટલી હદે વૈકલ્પિક પક્ષ બને તે જોવાનું રહે. વૈકલ્પિક પક્ષનો અર્થ છે વૈકલ્પિક એજન્ડા પણ નાગરિકોને આપવા. કૃષિ આંદોલનના મુદ્દે વલણ પરથી સવાલ થશે કે શું કોંગ્રેસનો સમાજવાદ પણ સ્વીકારે છે અને મૂડીવાદ નકારે છે? રાજનીતિની અસલી વૈકલ્પિક દિશા દેખાડવી પડશે.

JP - કૃષિ કાયદાઓ પૈકી એક કાયદા મુદ્દે જાહેરનામું બહાર પાડી દઈને તે પછી ખેડૂત આંદોલનને ટેકો આપવો… અરવિંદ કેજરીવાલ અઠંગ રાજકારણીની જેમ યુ ટર્ન લેતા થઈ ગયા છે. ગુજરાતમાં પણ પાટીદારોની શક્તિ ઓળખી લઈ, પાટીદાર અનામત આંદોલનમાં એક ચહેરા તરીકે ઊભરેલા ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા. સુરતમાં કોંગ્રેસથી દુઃખી ‘પાસ’ની ટીમનું સમર્થન ચમત્કારી પરિણામમાં મળ્યું. બળુકા પાટીદારો જે મુદ્દે લડત આપે છે તે મુદ્દે ઝુકતા નથી. 1985માં અનામત આંદોલનમાં પાટીદારો અગ્રેસર હતા. સંઘ પરિવાર અને ભાજપના ઉદય અને સશક્ત થવામાં પાટીદારોની મજબૂત ભૂમિકા રહી. ભલે એ બધા પાટીદારો ન જોડાયા હોય, યુવાન પાટીદારો જોડાયા છે.

DG - એક્ઝેક્ટલી, અઠંગ યુ ટર્ન લેવાની વાત અનેક નેતાઓમાં નાગરિકો જોઈ ચૂક્યા છે. ગુજરાતમાં પણ આંદોલનના પરિબળોનો ફાયદો લેવાની કોશિશ છે. સુરતમાં તેનો ફાયદો મળ્યો. પરંતુ સમગ્ર ગુજરાતમાં, આદિવાસી પટ્ટામાં, સૌરાષ્ટ્ર - કચ્છની ભાતીગળ ભૂમિમાં તથા ઉત્તર - મધ્ય ગુજરાતના સંમિશ્રિત પ્રવાહોમાં તરવા માટે સુરત ઉપરાંતનું મોડલ જોઈશે. સુરતવાસીઓના છેડા ગ્રામીણ વિસ્તારો સુધી થોડા નીકળે છે ત્યાં ફાયદો દેખાશે, પણ બંને પક્ષોના મતદારો માટે વિકલ્પ બનવું પડે.

JP - કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં નિષ્ફળ રહી છે. તેથી, સકારાત્મક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવશે તો 'આપ'નું ભાવિ આશાસ્પદ રહેશે. શહેરી મતદારોને આકર્ષવામાં સફળ થયા પછી ગ્રામીણ મતદારો તરફ નજર દોડાવશે તો ફાવશે કારણ કે, ભાજપ પણ હજુ ગામડાંના મતદારોને આકર્ષવામાં પૂરેપૂરું સફળ નથી. ધીરજ સાથે કઠોર પરિશ્રમ કરશે તો ભાવિ આશાસ્પદ રહેશે.

DG - વિપક્ષની ભૂમિકા માટે ભૂમિ તૈયાર છે તેનો ફાયદો મળે. પરંતુ વિપક્ષનું જ સ્થાન લેવાની ગણતરી કેટલી યોગ્ય? કોંગ્રેસમાં આંતરિક ડખાનો ફાયદો સુરતમાં મળ્યો, પણ ભાજપના આંતરિક અસંતોષનો લાભ બીજા નગરોમાં મળ્યો નથી. અમદાવાદ, રાજકોટમાં ઘણી બેઠકોમાં 'આપ'ને બીજું સ્થાન મળ્યું છે. તેથી, ભવિષ્યની શક્યતાઓ ઊભી થઈ છે પણ તે માટે બિયોન્ડ સુરત મોડલ વિચારવું પડશે. ભાજપ અને કોંગ્રેસના નારાજ ટેકેદારો કરતાં તાજગી સાથેનું રાજકારણ ઇચ્છતા લોકોને આકર્ષવાનો મેસેજ ગુજરાતમાં આપવો પડશે. દિલ્હીમાં આપી શકાયો હતો. પણ માત્ર સુરતમાં સફળતાના કારણે મેસેજ મર્યાદિત ન થઈ જાય તે પક્ષની નેતાગીરીએ વિચારવાનું રહેશે.

JP - ગુજરાતમાં ત્રીજો પક્ષ સફળ નથી થયો કારણ કે, મોટાભાગે બે મુખ્ય પક્ષમાંથી નીકળેલા કોઈ અસંતુષ્ટ નેતાએ બનાવ્યો હતો - જેમ કે, ચીમનભાઈ પટેલે કોંગ્રેસમાંથી નીકળી ‘કિમલોપ’ બનાવ્યો, તે પછી જનતા દળમાં જોડાઈ ગયા. શંકરસિંહ વાઘેલાએ રાજપની, કેશુભાઈ પટેલે જીપીપીની રચના કરેલી. એનસીપી ગુજરાતમાં માત્ર ચૂંટણી સમયે જ નજરે પડે છે. આની સામે ટૂંકા ગાળામાં મહેનત કરીને સુરતમાં 'આપે' કાઠું કાઢ્યું અને કોંગ્રેસનું સ્થાન લીધું. જો તે ભાજપની જેમ લાંબા ગાળાની રાજનીતિ સાથે સંઘર્ષ કરશે તો તે જે-તે દિવસે કોંગ્રેસના સ્થાને બીજા નંબરે આવી જશે.

DG - સાચા અર્થમાં ત્રીજો મોરચો ગુજરાતમાં ખૂલ્યો જ નથી. ગુજરાતનો મિજાજ પારખીને, વ્યવહારુ વિકલ્પ માટે વિશેષ પ્રયાસો કરનારાને સફળતાની તક છે. કેટલાક વિકલ્પોના પ્રયોગો ગુજરાતમાં ખરેખર થયા નથી કારણ કે, બંને મુખ્ય પક્ષોને તેની જરૂર પડી નથી. ગુજરાત રાષ્ટ્રીય કક્ષાનું નેતૃત્વ આપતું રહ્યું છે એટલે પ્રાદેશિકતા પ્રાયોરિટી રહી નથી. ગુજરાતી મિજાજ વૈશ્વિક છે, પણ તે મિજાજને અનુરૂપ પ્રાદેશિક પ્રયોગો પણ થઈ શકે તે દિલ્હીના 'આપ'ના મોવડીઓને ગુજરાતની નેતાગીરી સમજાવી શકશે? જો હા, તો સાચી સફળતા આગળ જતાં મળી શકશે, નહીં તો પછી કોંગ્રેસના સ્થાને માત્ર બીજો નંબર બની રહે એવું પણ બને.
(દિલીપ ગોહિલ અને જયવંત પંડ્યા બંને વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષકો છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો