તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:પરિવારને સાચવીને નોકરી કર્યા વિના પણ સ્ત્રી પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરીને જાતને ન્યાય આપી શકે?

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેહુલભાઈ ગાંધીનગરમાં રહે છે. IT એન્જિનિયર થયા છે. ઈન્ફોસિટીમાં જ એક કંપનીમાં તેમને સારી નોકરી મળી ગઈ. અહીંયા જ તેમને મધુ નામની યુવતી પણ મળી ગઈ. મધુએ પણ ITમાં ગ્રેજ્યુએશન કરેલું. તેઓ અમદાવાદથી નોકરી કરવા માટે આવતાં. સતત સાથે રહેવાથી મૈત્રી થતી હોય છે. એ મૈત્રી આગળ જતાં પ્રેમમાં અને પછી સંબંધમાં પણ પરિવર્તિત થતી હોય છે. મેહુલ અને મધુ સાથે કામ કરતાં. ઉત્તમ સહકર્મીઓ હતાં. એકબીજાને સહયોગ કરતાં. તેમનું કામ પણ એવું હતું કે તેમને એકબીજા સાથે સતત સંપર્કમાં આવવાનું થતું.

બે-ત્રણ વર્ષ સુધી તો બધું એકદમ સહજ રીતે અને નોર્મલ ચાલ્યું. એ પછી અચાનક બંનેને ખબર પડી કે, તેઓ એકબીજાને ચાહવા લાગ્યાં છે. અજીબ વાત હતી. તેઓ એકબીજાના પ્રેમમાં અકસ્માતે નહોતાં પડ્યાં. તેમને કદાચ એવું લાગતું પણ નહોતું કે તેઓ પ્રેમમાં પડ્યાં છે. બસ, સાથે કામ કરતાં હતાં અને અચાનક તેમને થયું કે, આપણે સાથે રહેવા માટે વિચારવું જોઈએ. કર્મસાથીઓને થયું કે જીવનસાથી પણ બનવું જોઈએ.

પ્રેમ અને સંબંધની દુનિયા ન સમજી શકાય એવી હોય છે. સ્ત્રી અને પુરુષ ક્યારેય અને કઈ રીતે એકબીજાની નજીક આવશે તે કહી શકાતું નથી અને કલ્પી પણ શકાતું નથી. ભગવાને આ બે એવાં પાત્રો ઘડ્યાં છે કે, એકબીજા સાથે ચોક્કસ આકર્ષાય છે. પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણબળ છે તેમ સ્ત્રી અને પુરુષમાં એકબીજાને ખેંચવાનું જબરજસ્ત આકર્ષણબળ છે.

મેહુલ અને મધુએ લગ્ન કરવાનું નક્કી કર્યું. મધુના મોટાભાઈનાં લગ્ન બાકી હતાં. મધુની ઈચ્છા એવી હતી કે, પોતાના મોટાભાઈનાં લગ્ન થાય પછી પોતે લગ્ન કરે. અલબત્ત, તેમને કોઈ સારી છોકરી મળતી નહોતી. મધુના મોટાભાઈ આર્થિક રીતે યોગ્ય રીતે સ્થાયી થઈ શક્યા નહોતા તે પણ એક કારણ હતું. જો એની રાહ જોવામાં આવે તો ઘણું મોડું થઈ જાય એમ હતું. મેહુલનાં માતા-પિતા ઈચ્છતાં હતાં કે, સમયસર લગ્ન થાય તો સારું. એકાદ વર્ષ રાહ જોયા પછી છેવટે મધુએ લગ્નની હા પાડી જ દીધી.

ધામધૂમ અને ઉત્સાહથી લગ્ન થયાં. મેહુલ તેનાં માતા-પિતાનો એકનો એક દીકરો હતો. તેમના પિતા ગાંધીનગર સચિવાલયમાં ક્લાસ વન ઓફિસર હતા. માતા પણ સચિવાલયમાં ફરજ બજાવતાં હતાં. ઘરમાં સારી આવક હતી. આર્થિક રીતે કોઈ ચિંતા નહોતી.

લગ્ન પછી મધુએ નોકરી ચાલુ રાખવી કે નહીં તેની ઘણી ચર્ચા થઈ. મધુની ઈચ્છા હતી કે તે નોકરી ચાલુ રાખે. મેહુલને પણ તેની સામે વાંધો નહોતો. જો કે, મેહુલનાં માતા-પિતાનો આગ્રહ હતો કે આપણે ઘરમાં પૈસાની જરૂર નથી તેથી મધુ નોકરી ન કરે તો સારું. મધુ આ વાત સ્વીકારવા તૈયાર નહોતી. જો મેહુલ નોકરી કરી શકે તો પોતે પણ નોકરી કરી શકે એવું તે માનતી હતી. તેમાં કંઈ ખોટું પણ નહોતું. અલબત્ત, તેનાં સાસુ-સસરા દલીલ કરતાં હતાં કે પૈસાની જરુર ના હોય તો આપણે શા માટે દોડાદોડ કરીને નોકરી કરવી જોઈએ? તેમની એવી પણ દલીલ હતી કે મધુએ સમયસર માતા બની જવું જોઈએ.

લગ્નને હજી છ મહિના પણ નહોતા થયા અને એક મોટો સંઘર્ષ સામે આવી ગયો. મેહુલ અને મધુ વચ્ચે મતભેદ થયો. મેહુલ કહેતો હતો કે, મને એવું લાગે છે કે મારાં માતા-પિતાની વાતમાં વજુદ છે. તારે નોકરી કરવી અનિવાર્ય નથી. હું એકલો નોકરી કરીને ઘર ચલાવી શકું એમ છું. તું ઘરે રહે અને તારી મનગમતી પ્રવૃત્તિ કર. મધુ કહેતી કે, મારી નોકરી જ એ જ મારી મનપસંદ પ્રવૃત્તિ છે. હું માત્ર પૈસા કમાવા માટે નોકરી નથી કરતી. હું જે ભણી છું, શીખી છું, મને જે આવડે છે તેનો મારા સમાજને લાભ મળે તે માટે હું નોકરી કરવા માગું છું. તે દલીલ કરતી કે નોકરી ચાલુ રાખવાથી મને સારું લાગે છે. જો હું નોકરી છોડી દઈશ તો હું કપાઈ જઈશ. તો હું કટાઈ પણ જઈશ. મારે કપાવું પણ નથી અને કટાવું પણ નથી. મારે તો સતત ધબકતા રહેવું છે.

મેહુલે માતા-પિતાને સમજાવ્યાં. માતા-પિતા સમજી ગયાં. તેઓ જડ નહોતાં. તેઓ રૂઢિવાદી નહોતાં. તેઓ પોતાની વાતને પકડીને બેસી રહેનાર નહોતાં. મેહુલનાં માતાએ પણ લાંબો સમય નોકરી કરી જ હતી. જો કે, મધુ એક તબક્કે થાકી જવા લાગી. તેને લાગ્યું કે જો અનિવાર્ય ન હોય તો મારે નોકરી ન કરવી જોઈએ. હું ઘર સંભાળું એ પણ એક મોટું કામ છે. બાળકને જન્મ આપીને તેનો યોગ્ય રીતે ઉછેર કરું તે પણ શ્રેષ્ઠ વાત છે. બીજીબાજુ, તે પોતાની પ્રવૃત્તિને બંધ કરવા ઈચ્છતી નહોતી. તેને ઘર પણ ગમતું હતું, પરિવારજનો પણ ગમતાં હતાં, તેને માતા પણ બનવું હતું, બાળ ઉછેર પણ કરવો હતો અને પોતાની નોકરી પણ કરવી હતી.

એક ખીલેલી સાંજે, પોતાના ઘરની અગાશી પર, ઝૂલા પર ઝૂલતાં ઝૂલતાં મધુએ પોતાના મનની વાત મેહુલને કરી. મેહુલ પરિપક્વ યુવક હતો. તેણે કહ્યું કે, એવો એક રસ્તો છે કે તને નોકરીનો સંતોષ પણ મળે અને તું નિરાંતે ઘર પણ સંભાળી શકે. તેણે કહ્યું કે, આપણા સેક્ટરની આગળ એક નવું કોમ્પલેક્સ થયું છે ત્યાં આપણે એક ઓફિસ ખરીદી લઈએ. તું એક સોફ્ટવેર કંપની શરૂ કર. ઘરની ખૂબ જ નજીક છે. તું જ્યારે ઈચ્છીશ ત્યારે જઈ શકીશ. થોડો સ્ટાફ રાખી દઈશું. તું કામ કરજે. તને કામનો સંતોષ થશે અને તું માતા પણ બની શકીશ.

જો કે, જ્યારે મધુએ રાજીનામું આપ્યું ત્યારે તેના મનમાં અજંપો તો હતો જ, તેને થતું હતું કે હું રાજીનામું ન આપું તો સારું. એ જ્યારે રાજીનામા પર સહી કરીને બહાર આવી ત્યારે મેહુલે તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. દબાવ્યો. એ સ્પર્શમાં એટલી બધી ઊર્જા હતી, એટલો બધો પ્રેમ હતો, એટલી બધી હૂંફ હતી કે મધુની બધી જ ચિંતા ઊડી ગઈ. થોડા દિવસમાં જ તેમણે ઓફિસ લીધી. 1200 ચોરસ ફૂટના વિસ્તારમાં સુંદર ઓફિસ કરી. એક સરસ સોફ્ટવેર કંપનીનો પ્રારંભ કર્યો. તેની જવાબદારી મધુએ સંભાળી. મેહુલ પણ તેમાં પ્રસંગોપાત મદદ કરતો હતો.

વાચક મિત્રો, જીવનમાં અનેક વખત તરત જ ઉકેલી ન શકાય તેવી ગૂંચવણો આવતી હોય છે. મધુને નોકરી કરવી હતી એ વાત મહત્ત્વની છે. મધુ નોકરી કરવાના બહાને તરોતાજા રહેવા માગતી હતી. મેહુલે સરસ રસ્તો શોધી આપ્યો. એક વસ્તુ કાયમ યાદ રાખવા જેવી છે કે દુનિયાની કોઈ પણ સમસ્યા ઉકેલ વગરની હોતી નથી. સમસ્યા અને ઉકેલ એ એક જ સિક્કાની બે બાજુઓ છે. જો સમસ્યા છે તો તેનો ઉકેલ પણ છે જ. જ્યાં સમસ્યા છે, ઉકેલ ત્યાં જ છે. સમસ્યા જેની છે, ઉકેલ તેની પાસે જ છે.

સંબંધોની સમસ્યાઓ જુદા પ્રકારની હોય છે કારણ કે, તેમાં પ્રેમ અને લાગણી ભળેલાં હોય છે. સ્ત્રી-પુરુષોના સંબંધમાં, પતિ અને પત્નીના સંબંધમાં કારકિર્દી એક મહત્ત્વનું પરિબળ હોય છે. દરેક સ્ત્રીને એવું હોય છે કે પોતે કંઇક કમાય. આ કમાણી તેને આત્મવિશ્વાસ આપતી હોય છે. આ કમાણી તેને જીવનનો અર્થ આપતી હોય છે. સમજદાર પતિએ પત્નીની ભાવનાને સમજવી જોઈએ. સ્ત્રી કે પુરુષની કારકિર્દીને કારણે જો તેમના પરસ્પરના સંબંધો સતત અજંપામાં રહેતા હોય, પરિવારને ભોગ આપવો પડતો હોય અને ખાસ તો બાળકોને જો સહન કરવું પડતું હોય તો પતિ-પત્નીએ સામસામે બેસીને, આંખોમાં આંખો નાખીને, તમામ પ્રકારના પૂર્વગ્રહો બાજુ પર મૂકીને, પોતાના ગમા-અણગમાને છોડીને અને આજના સમયકાળને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરવો જોઈએ. જીવન માટે કારકિર્દી મહત્ત્વની છે. પરંતુ જો કારકિર્દી સંબંધોના વિશ્વને ડહોળી નાખે તે યોગ્ય નથી.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...