• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Can A Father Be A Friend To His Children? Does The Mother in law Want To Be A Mother? Can A Daughter in law Take The Place Of A Daughter? The Ever changing Relationship And The Talk Of The Times

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:પિતા સંતાનના મિત્ર બની શકે? સાસુએ માતા બનવાનું હોય છે? પુત્રવધૂ દીકરીનું સ્થાન લઈ શકે? અદલાતા-બદલાતા સંબંધો અને સમયની વાત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસુના હૃદયમાં પુત્રવધૂ માટે પૂરતો પ્રેમ, સંવેદના અને લાગણી હોવાં જ જોઈએ
  • ટેક્નોલોજીએ સમાજ પર મોટું આક્રમણ કર્યું છે અને તેનો ભોગ બાળકો તથા સંતાનો બની રહ્યાં છે

વહેતો સમય સંબંધો ઉપર પણ મોટી અસર કરતો હોય છે. સમય અદલાય-બદલાય તેની અસર સંબંધોનાં વલણ અને ચલણ પર પડતી જ હોય છે. સમયની સાથે જીવનશૈલી બદલાતી હોય છે. સમયના પાલવમાં વિચારશૈલીના જુદા જુદા રંગ છુપાયેલા હોય છે. સમયના વર્તનની મોટામાં મોટી ખાસિયત એ છે કે તે સતત પરિવર્તનશીલ હોય છે. જે આજે છે તે આવતીકાલે નથી હોતું. આવતીકાલે જે પ્રગટ થવાનું છે તે પણ બદલાઈ જવાનું છે. વહેતી નદી ક્યારેય એક હોતી નથી. એક સ્થળે તમે જે નદીને જોઈ હોય છે તે નદી એ સ્થળ પૂરતી એક જેવી હોય છે, પરંતુ આગળ જતાં તે બદલાઈ જાય છે. વહેણ હોય છે, પરંતુ પાણી બદલાય છે. ડિટ્ટો એવી રીતે સંબંધો રહે છે પણ તેની અભિવ્યક્તિ અને સંવેદના બદલાય છે. દરેક સંબંધની ભૂમિકા સમયકાળના જુદા જુદા પટ્ટે જુદી જુદી રીતે અંકિત થયેલી જોવા મળે છે.

એક સમય એવો હતો કે, સાસુ જબરી જ હોય. સાસુ માત્ર વહુને ત્રાસ આપવાને પાત્ર. જૂની હિન્દી ફિલ્મોમાં પણ આ વાત આપણને વારંવાર જોવા મળે. અમેરિકાના ન્યૂ યોર્કમાં રહેતા સામાજિક અગ્રણી આર.પી. પટેલે ગુજરાતના અનુભવો આધારિત પુસ્તક લખ્યું છે. એમાં નોંધ્યું છે કે, સાસરે જઈને સાસુને કઈ રીતે છેતરી શકાય તેની દીકરીઓને લગ્ન પહેલાં પિયરમાં તાલીમ અપાતી હતી. સાસુને ખબર ન પડે એમ કઈ રીતે ખાઈ લેવું, કઈ રીતે વસ્તુ સંતાડવી, કઈ રીતે સાસુને છેતરવી આ બધા ટ્યુશન ક્લાસીસ ઘરે ઘરે ચાલતા. આજના સમયકાળમાં આપણને આ વાત નવી અને જુદી લાગે, પરંતુ દરેક સમયનો પોતાનો એક સંબંધ-મિજાજ હોય છે. હવે તો સાસુઓ ખાસ્સી બદલાઈ ગઈ છે. વહુઓ પણ બદલાઈ ગઈ છે. સાસુ-વહુઓમાં આવેલું આ પરિવર્તન સમયને આભારી છે.

કોઈ પણ સંબંધમાં યથાયોગ્ય પરિવર્તનો અનિવાર્ય છે. અલબત્ત, તેમાં જો માપ ન રહે તો નુકસાન થવાની શક્યતા પણ છે. પરિવર્તનનો પવન જરૂરી છે, પરંતુ એ પવન જો આંધી બનીને આવે તો ઈષ્ટ અને જરૂરી પરંપરાઓને પણ ઉડાડી દે. નષ્ટ કરે. આપણા ઘરમાં બારી અને બારણાં બંને હોય છે. બહારના, નવા, તાજા પવન માટે બારી રાખવામાં આવે છે. જો તમે તમામ બારીઓ અને બારણાંઓ ખુલ્લાં રાખો તો નુકસાન થાય. સંબંધોને પણ આ બાબત લાગુ પડે છે. બહારના પવનોને આપણે આપણા ઘરમાં, આપણા વેશ અને પરિવેશમાં, આપણા સંબંધોના વિશ્વમાં એટલા બધા આવવા દઈએ છીએ કે, સંબંધોની મૂળ ભાવનાને નુકસાન થઈ રહ્યું છે.

જેમ કે, સાસુ એટલે સાસુ. સાસુમાં જે આક્રમકતા, અહંકાર, બિનજરૂરી ઠસ્સો અને વહુઓને હેરાન કરવાની ભાવના હતી તે દૂર થવી જોઈએ. આપણે જો એવી અપેક્ષા રાખીશું કે દરેક સાસુ માતા બને તો એ અપેક્ષા વધારે પડતી હશે. માતાએ દીકરીનું જે ઘડતર કર્યું હોય છે તે ઘડતર દીકરીના સ્તરે થયું હોય છે. દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે તે પુત્રવધૂ બને છે. પુત્રવધૂ તરીકે તેની ભૂમિકા સાવ જુદી છે. દીકરીનું અલ્લડપણું હવે પુત્રવધૂની જવાબદારીમાં પરિવર્તિત થાય છે. જો સાસુ તેને વહુને બદલે દીકરી તરીકે જ ટ્રીટ કરશે તો નુકસાન થઈ શકશે. થાય પણ છે. જેમ દીકરીનું દીકરી તરીકે ઘડતર થવું જોઈએ એ જ રીતે પુત્રવધૂનું પુત્રવધૂ તરીકે પણ ઘડતર થવું જોઈએ. બંને રોલ જુદા જુદા છે. બંને ભૂમિકાઓ ભિન્ન છે. જ્યારે પુત્રવધૂને તમે દીકરી તરીકે જ ટ્રીટ કરો છો ત્યારે જાણ્યે-અજાણ્યે પુત્રવધૂનો જન્મ થતો નથી. આ સૂક્ષ્મ અને નાજુક વાત છે. દરેક સાસુએ યોગ્ય સાસુ પણ બનવું જોઈએ. તમે સાસુની ભૂમિકા ઉપર જો મોટી ચોકડી મારી દેશો તો યોગ્ય અને આદર્શ પુત્રવધૂઓ ક્યાંથી લાવશો?

એટલું ચોક્કસ કે, વહુને પૂરતો પ્રેમ આપવાનો છે. દીકરી જેટલો જ પ્રેમ. દીકરીને અપાતો હતો તેવો જ પ્રેમ. તેનો વિરોધ ન હોય. તેનો તો સ્વીકાર જ હોય. અલબત્ત, પુત્રવધૂ તરીકેની વિવિધ પ્રકારની જવાબદારીઓનું પરિવારમાં વાતાવરણ રચાય એ કામ સાસુએ કરવાનું હોય છે. સાસુના હૃદયમાં પુત્રવધૂ માટે પૂરતો પ્રેમ, સંવેદના અને લાગણી હોવાં જ જોઈએ. તેની સાથે સાથે પુત્રવધૂ યોગ્ય રીતે સમગ્ર પરિવારનું સંવહન કરે એવું વાતાવરણ રચી આપવાની જવાબદારી પણ સાસુની હોય છે.

હવે વાત કરીએ પિતા અને પુત્રના સંબંધની. પુત્ર 18 વર્ષનો થાય એટલે તેને પુત્ર નહીં, પરંતુ મિત્ર માનવો જોઈએ તેવું કહેવાય છે. કદાચ, કોઈ શાસ્ત્રમાં પણ આ વાત કહેવાઈ છે. આ વાતને પણ સમજવા જેવી છે. જાણીતાં સાહિત્યકાર ધીરૂબહેન પટેલ તો એમ કહે છે કે, આ વાત યોગ્ય નથી. પુત્રને કોઈ પણ ઉંમરે પુત્ર તરીકે જ ટ્રીટ કરવો જોઈએ. આ વાત સંવેદનશીલ અને સૂક્ષ્મ છે. સમાજમાં તમે જુઓ, સંતાનો, ખાસ કરીને કિશોર અને યુવાન સંતાનો માતા-પિતાની કોઈ વાત માનતાં નથી. (થોડાક અપવાદો હશે, બાકી સર્વ સામાન્ય આવી જ સ્થિતિ છે) એવા સંજોગોમાં માતા-પિતાએ વધારે જવાબદાર બનીને પોતાનાં સંતાનોનું હિત સાચવી લેવું જોઈએ.

આજકાલ સમાજમાં યુવાનો માનસિક રીતે ખૂબ ત્રસ્ત બની રહ્યા છે. આધુનિક ઉપકરણોને કારણે સોશિયલ મીડિયાનો યુવાનો મોટાપાયે, રાત-દિવસ ઉપયોગ કરી રહ્યા છે. તેની તેમના તન-મન-ધન પર મોટી અસર પડી રહી છે. પરિપક્વતાથી દૂર રહેલાં આપણાં સંતાનોનું મન ખૂબ ડહોળાઈ ગયું છે. છોકરીઓ ભાગી રહી છે, તેમને ભગાડવામાં આવી રહી છે, છોકરીઓ છેતરાઈ રહી છે. પ્રેમમાં એકબીજા માટે મરવાનો રિવાજ હવે 180 અંશના ખૂણે બદલાઈને મારવાની પરંપરા બની ગયો છે, વ્યસનો ખૂબ વધી ગયાં છે. આ તમામ સ્થિતિનું કારણ એ છે કે, વાલીએ પોતાનું વાલીપણું ગુમાવી દીધું છે. સંતાનો પરથી માતા-પિતાની પકડ એકદમ છૂટી ગઈ છે. ટેકનોલોજીએ માતા-પિતાને કહી દીધું છે કે, તમારાં બાળકો હવે મારા કબજામાં છે. હું તેમને મોટાં કરીશ. હું તેમને ઉછેરીશ. હવે તમારી કોઈ જરૂર નથી. ટેક્નોલોજીએ માતા-પિતાને જાણે કે નવરાં કરી દીધાં છે. ટેકનોલોજીએ આજનાં વાલીઓને તેમનાં સંતાનોથી વિમુખ કરી દીધાં છે. આવી સ્થિતિમાં કિશોરાવસ્થા કે પછી યુવાવસ્થામાંથી પસાર થતા સંતાનને મિત્રને બદલે સંતાન ગણીને જ ટ્રીટ કરવામાં શાણપણ છે.

આદર્શ પરિસ્થિતિ તો એ છે કે, સંતાન, સંતાન પણ રહે અને મિત્ર પણ બને. આવું બેલેન્સ ઊભું કરવું જોઈએ. એ અઘરું નથી. સંતાનને જે સ્વતંત્રતા આપવાની હોય તે આપવી જ જોઈએ. જો એ સ્વતંત્રતા આપવામાં નહીં આવે તો મોટું નુકસાન થશે. બહારનો અંકુશ કાયમ ઝેરી નીવડતો હોય છે, અંદરનો અંકુશ જ સાચો અંકુશ હોય છે. સંતાન પોતે જવાબદારી સાથેની સ્વતંત્રતા ભોગવી શકે તેવું વાતાવરણ સર્જવાની જવાબદારી કોઈ સરકાર કે સમાજની નથી હોતી, માતા-પિતાની જ હોય છે. માતા-પિતા અસહાય થઈ જાય, નિરાશ થઈ જાય, લાચાર અને બિચારાં થઈ જાય એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં.

સ્વસ્થ સમાજમાં દરેક કે પોતાના ભાગે આવેલી ભૂમિકા યોગ્ય રીતે ભજવવી જ જોઈએ. જો આમ કરવામાં ચૂક થાય તો સમાજમાં દૂષણો પેદા થાય. સમાજની સ્વસ્થતા જોખમાય. જે આજે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ટેક્નોલોજીએ સમાજ પર મોટું આક્રમણ કર્યું છે અને તેનો ભોગ બાળકો તથા સંતાનો બની રહ્યાં છે. માતા-પિતાએ આવા સંજોગોમાં ઢાલ બનીને પોતાનાં સંતાનોનું રક્ષણ કરવું જોઈએ. જોખમી અસરોથી પોતાના સંતાનોને બચાવી લેવાં જોઈએ. એને બદલે એવું જોવા મળી રહ્યું છે કે, માતા-પિતાએ પોતાના બંને હાથ ઊંચા કરી દીધાં છે. શરણાગતિ સ્વીકારી દીધી છે. જાણે કે, પોતે લાચાર અને અસહાય છે તેવી માનસિકતાને દૃઢ કરી દીધી છે. આ સ્થિતિ જોખમી છે. આ સ્થિતિ ચિંતાજનક છે.

અને તેથી આપણે કહીએ કે અત્યારે તો માત્ર 18 વર્ષ પછી નહીં, કોઈ પણ ઉંમરે સંતાનોને મિત્ર તરીકે નહીં, પરંતુ સંતાન કે પુત્ર-પુત્રી તરીકે જ ટ્રીટ કરવાની જરૂર છે. એટલું ચોક્કસ સ્વીકારીએ કે, જૂના જમાનામાં વડીલો દ્વારા જે રીતે સંતાનો પર અત્યંત દબાણ રાખવામાં આવતું હતું, તેમની બિનજરૂરી ધાક હતી, તેમને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નહોતી... એ સ્થિતિ ન હોવી જોઈએ. યોગ્ય સ્વતંત્રતા અને મોકળાશ હોવી જ જોઈએ. (જો એ ના આપવામાં આવે તો ડિજિટલ પેઢીનાં સંતાનો એ છીનવી લે તેમ છે) પરંતુ સાથે સાથે બાળક જવાબદાર રહે અને એવા પ્રદેશમાં ન જતું રહે જ્યાં તેને તકલીફ પડે.

સમયની સાથે સંબંધોનો વેશ-પરિવેશ બદલાય, તેની ભૂમિકાઓમાં પરિવર્તન આવે, તેના બોલ-રોલ પણ ભલે આજના સમયને અનુરૂપ પરિધાન ધારણ કરે, પરંતુ દરેક સંબંધમાં જે જવાબદારી હોય છે, નિષ્ઠા અને મૂલ્યો હોય છે, વિવેક અને વિનય હોય છે, પ્રેમ અને સંવેદના હોય છે તે ચોક્કસ સચવાવાં જોઈએ.

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)