ડિજિટલ ડિબેટ:બુલડોઝરિયો ઉકેલઃ દબાણ હટી રહ્યું છે કે કાટમાળ વધી રહ્યો છે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં જેસીબી મશીનો બહુ કામ આવ્યાં. તે પછી શિવરાજસિંહ ચૌહાણે મધ્ય પ્રદેશમાં તેનો ઉપયોગ કર્યો અને ગુજરાતમાં પણ ખંભાતમાં જેસીબીને કામે લગાડીને કેટલાંક 'દબાણો' હટાવી દેવાયાં, પણ તેની પાછળ 'વિવાદોનો કાટમાળ' ખડકાઈ ગયો છે. રામનવમી અને હનુમાન જયંતિએ દેશભરમાં તોફાનો થયાં અને દિલ્હીના જહાંગીરપુરીમાં પણ બુલડોઝરિયો ઉકેલ કામે લગાવાયો. ભાજપના દિલ્હી પ્રમુખે આદેશ કર્યો અને મેયરે મશીનો મોકલી આપ્યાં; બીજી બાજુ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે ન્યાયતંત્રે સ્ટે ઓર્ડર આપ્યો. પરંતુ આ આદેશનું પાલન કરવામાં દોઢ કલાક કાઢી નખાયો અને તોડી શકાય તેટલાં વધારે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં. આનાથી શું હાંસલ થયું તેનો જવાબ જાણનારા જાણે છે, પણ વિવાદોનો કાટમાળ ખડકાયો છે તે લાંબા સમય સુધી નડતર તરીકે રહેશે.

નીલેશ રૂપાપરા (NR): દિલ્હી સહિત 6-7 રાજ્યોમાં રામનવમી અને હનુમાન જયંતિ જેવા તહેવારો દરમિયાન મુસ્લિમ મહોલ્લાઓમાંથી પસાર થયેલાં હિંદુઓનાં ધાર્મિક સરઘસો પર પથ્થરબાજી થાય અને હિંસાની ઘટનાઓ બને તો એને લઘુમતીની અસહિષ્ણુતા સિવાય બીજું શું કહેવાય? એક તરફ બહુમતીવાદના આક્ષેપો કરવા અને બીજી તરફ બહુમતીને એના તહેવારો ઉજવતાં રોકવી એનાથી મોટી વક્રતા બીજી કઈ હોય? લઘુમતીનાં કટ્ટર તત્ત્વો પરપેટ્રેટર્સનો અને વિક્ટિમનો એમ ડબલ રોલ કરે છે. આ ડબલ રોલ હવે બધાને દેખાય છે અને સમજાય છે. લેફ્ટ-લિબરલો એમને કવર ફાયર આપે છે. તેમના આ આડકતરા સમર્થનને કારણે એ કટ્ટર તત્ત્વોને જ નહીં, બલ્કે સામાન્ય-સીધાસાદા મુસ્લિમોને પણ લાગે છે કે અમે કંઈ ખોટું કરતા જ નથી. ખોટી તો બહુમતી છે.
દિલીપ ગોહિલ (DG): તહેવારો કે ઉત્સવો દરમિયાન યાત્રાઓ નિયમિત નીકળે જ છે. જહાંગીરપુરીમાં પણ બે યાત્રાઓ નીકળી હતી અને પસાર થઈ ગઈ હતી. ત્રીજી યાત્રા - જે પોલીસના કહેવા પ્રમાણે મંજૂરી વિનાની હતી અને અહેવાલો અનુસાર વિહિપ-બજરંગદળના કાર્યકરોની હતી તે દરમિયાન જ તોફાનો થયાં હતાં. કહેવાનો ભાવ એ છે કે બધે જ યાત્રાઓ નીકળે છે, પણ તોફાનો ક્યાંક જ થાય છે. યાત્રા પર પથ્થરો ફેંકનારા લોકો તોફાનો માટે એટલાં જ નહીં, બલ્કે વધારે જવાબદાર. પોલીસે તોફાની તત્ત્વોને પકડ્યાં પણ છે. પણ સવાલ એ છે કે માત્ર પથ્થરો ફેંકનારા જ જવાબદાર - અન્ય કોઈ જ જવાબદાર નહીં? પોતાના તહેવારો ઉજવતા હિન્દુઓને રોકવાની તાકાત દુનિયામાં કોઈની નથી. તહેવારો ઉજવતા રોકવાની કોશિશ થઈ રહી હોય એવું કહેવું ગળે ઊતરતું નથી. વાત એટલી છે કે મુસ્લિમ મહોલ્લામાંથી કે મસ્જિદ પાસેથી યાત્રા પસાર થાય ત્યારે તોફાનો થાય છે. આવાં તોફાનો બિલકુલ ના થવાં જોઈએ - પરંતુ તોફાનો ના થાય તે માટે શું કરી શકાય? કોની જવાબદારી? દિલ્હીમાં પોલીસ ભાજપ સરકારના નિયંત્રણમાં છે - શા માટે યાત્રા જોખમ વિના પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ના કરી? મંજૂરી વિના યાત્રા નીકળી હોય તો પણ પોલીસની જવાબદારી બને કે તોફાનો ના થવા દે.

NR: વાત અસહિષ્ણુતાની ઊભી જ છે. આ અસહિષ્ણુતાને કોઈ પણ રીતે જસ્ટિફાય કરવાના સેક્યુલરોના પ્રયાસો સેક્યુલરિઝમના મૂળમાં જ ઘા સમાન છે. પોલીસની જવાબદારી કે યાત્રામાં ઉશ્કેરણી માટે સૂત્રોચ્ચાર થયા હતા જેવી વાતો કરીને વાતને પૂરી કરી શકાશે નહીં. આ આખી વાતના મૂળમાં બદલી રહેલી ડેમોગ્રાફી છે. લઘુમતીની સંખ્યા જ્યાં જ્યાં વધે છે ત્યાં ત્યાં એનાં કટ્ટર તત્ત્વોની સંખ્યામાં વધારો થાય છે. એ કટ્ટર તત્ત્વો તારું-મારું સહિયારું ને મારું મારા બાપનું કહેવતને ચરિતાર્થ કરવા મંડી પડે છે. આ સંદર્ભમાં એક આડ વાતઃ આમ આદમી પાર્ટીના નેતાઓએ રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમોને મદદ કરવાનો જે આરોપ ભાજપ પર કર્યો છે એ સૌથી મોટો બકવાસ છે. જે ભાજપ પર સેક્યુલર પક્ષો હિંદુ રાષ્ટ્ર અને બહુમતીવાદનો આક્ષેપ કરતા આવ્યા છે એના પર રોહિંગ્યાના તારણહારનું લેબલ મારવા જેવી બેવકૂફી આમ આદમી પાર્ટી જ કરી શકે.
DG: બદલી રહેલી ડેમોગ્રાફીમાં આંકડાકીય અર્ધસત્ય છે. આઝાદી પછી લઘુમતી વસતિમાં ચારેક ટકાનો વધારો થયો છે અને 2060માં વસતિ સ્થિર થવાની છે ત્યાં સુધીમાં બીજા ચારેક ટકાના વધારા સાથે 18થી 19 ટકા થશે. હિન્દુઓ 80 ટકા જેટલા રહેવાના જ છે. જન્મદરમાં ધર્મ કે જ્ઞાતિ પ્રમાણે નહીં, પણ રાજ્યો પ્રમાણે અને આર્થિક ક્ષમતા અનુસાર ફેર પડે છે. ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણ ભારતમાં વસતિ ઝડપથી સ્થિર થઈ રહી છે અને કોઈ પણ ધર્મ કે વર્ગનું દંપતી સદ્ધર બને ત્યારે સંતાનોની સંખ્યા ઘટે છે. લઘુમતીમાં કટ્ટર તત્ત્વો વધી રહ્યાં છે તેને કાબૂમાં લેવાનું કામ કોનું છે? હજી કેટલાં વર્ષો વધારે સત્તાની માગણી થશે આ કટ્ટર તત્ત્વોને નેસ્તનાબૂદ કરવામાં? કોઈ ટાઇમલાઇન મળશે ખરી? આમ આદમી પાર્ટીએ જે આક્ષેપ કર્યો છે તે રાજકીય રીતનો છે અને ભાજપને ભીંસમાં લેવા માટેનો છે. ભાજપ અન્ય પક્ષો પર બહુમતી વિરોધી હોવાનો આક્ષેપ મૂકે એવો. ભારતમાં કયો રાજકીય પક્ષ હિન્દી વિરોધી હોઇ શકે, છે કોઈની એવી ત્રેવડ? એટલે આવી બેવકૂફી બધા પક્ષો કરતા હોય છે - હકીકતમાં આપણે જેને બેવકૂફી કહીએ છીએ તેની પાછળ રાજકીય પક્ષોની જબરી ચાલાકી હોય છે. ઇરાદાપૂર્વક રાજકીય પક્ષો બેવકૂફી કરતા હોય છે, કે નહીં?

NR: એવી દલીલો થાય છે કે પહેલાં રામભક્તોએ ઉશ્કેરણી કરેલી. અરે, ઉશ્કેરણી થાય તો પોલીસમાં ફરિયાદ કરાય કે પછી આમ પહેલેથી જમા કરેલા પથ્થરોનો વરસાદ કરાય? ઉશ્કેરણીના નામે કાયદો હાથમાં લેવો એ કેટલું ઉચિત? રહી વાત બુલડોઝરની. કાયદાની રીતે આ અનુચિત છે. જોકે લઘુમતીનાં કટ્ટર તત્ત્વો કાયદાને ઘોળીને પી ગયાં છે. સામાન્ય માણસના કેસો અદાલતમાં વીસ-ત્રીસ વરસ ચાલે છે અને આ લોકોના કેસ સીધા સુપ્રીમમાં જાય છે. એમાંય કપિલ સિબ્બલ જેવા મોંઘાદાટ વકીલો એમને મળી જાય છે. એટલે સામાન્ય કાયદાનો એમને ડર રહ્યો નથી. એટલે જ એ લોકો આવાં તોફાનો કરીને પુષ્પા બનીને ઝૂકેગા નહીં સાલા જેવી વાતો કરતાં ફરે છે.
DG: આવી દલીલ હું પણ કરું છું કે ઉશ્કેરણી થાય એટલે ઉશ્કેરાઇ જવું એ કંઈ બચાવ નથી. પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ, આગોતરી જાણ કરવી જોઈએ અને પોતપોતાના વિસ્તારના ધાબાની તપાસ કરાવડાવી લેવી જોઈએ કે કોઈ જગ્યાએ પથ્થરો એકઠા ના થયા હોય. કાયદો હાથમાં લેવાની વાત ઉચિત નથી, પણ કાયદાપાલનની ઉચિત વાત બધાને લાગુ પડે કે નહીં? યાત્રા કાઢનારા કાયદો હાથમાં લેતા નથી, એગ્રી, પણ કાયદાનું પાલન કરવાની જવાબદારી તેમની ખરી કે નહીં? કે પછી હજી કોમન સિવિલ કોડ આવવાનો બાકી છે એટલે જુદા જુદા લોકો માટે જુદી જુદી જવાબદારી? કાયદાને ઘોળીને કોણ કોણ પી ગયા છે તેની એક યાદી તૈયાર કરીએ તો તેમાં કયા કોમના, કયા વર્ગના, કયા પ્રદેશના કેવા કેવા કટ્ટર તત્ત્વો નીકળશે તેનો અંદાજ છે ખરો? કાયદાનો ડર ન હોવો કોને કહેવાય તેની વ્યાખ્યા થાય અને વ્યાખ્યા અનુસાર કોને ડર નથી રહ્યો તેની યાદી તૈયાર થાય તો સાર શું નીકળશે?

NR: હું પણ બધા જ માટે કાયદાપાલનની વાત કરું છે અને કોઈનો બચાવ કરતો નથી. બુલડોઝરની બાબત કાયદાકીય રીતે અનુચિત છે એમ મેં કહ્યું જ છે. આમ છતાં થોડીક અતિશયોક્તિ ભરેલી ઉપમા વાપરીને કહી શકાય કે બુલડોઝરનો ઉપયોગ ન્યુક્લીયર ડેટરન્ટની જેમ થવો જોઈએ. મતલબ, વાયડા શત્રુને કાબૂમાં રાખવા ન્યુક્લીયર વેપન્સ હોવાં જરૂરી છે, પણ વાતવાતમાં એનો ઉપયોગ થાય તો વિનાશ થઈ જાય. એ જ રીતે બુલડોઝરનો દાખલો એકાદ-બે અપવાદરૂપ કેસમાં બેસાડાય જેથી એનો હાઉ ઊભો થાય તો હજીય ઠીક છે, પણ એને કાયમી ઉકેલ બનાવવો ઉચિત નથી.
DG: સરકારી જમીનો પર ગેરકાયદે દબાણ અને નિયમો વિરુદ્ધ બાંધકામ આ બંને સામે બુલડોઝર ચાલતાં હોય, કાયદાકીય પદ્ધતિથી ચાલતા હોય તેની સામે કોઈને વાંધો ના હોય. કાયદાનું પાલન થાય, નિયમો અનુસરવામાં આવે અને કોઈ કાયદો હાથમાં ના લે તે માટે ડેટરન્ટ હોવું જ જોઈએ - એ ડેટરન્ટ એટલે નિષ્પક્ષ પોલીસ તપાસ અને ઉચિત ન્યાયિક પ્રક્રિયા. હકીકતમાં આ તોફાનો દરમિયાન પ્રવક્તાઓ અને વિશ્લેષકોએ જે બેફામ વાણીવિલાસ કર્યો છે તેના કરતાં આમ જનતાએ ટીવી કેમેરા સામે જે વાતો કહી છે તે વધારે ડહાપણભરી લાગી છે. પોતાની દુકાનો તૂટી ગયા છતાં એકથી વધુએ કહ્યું કે ભલે દબાણ હટાવાયું. અમે થોડો સામાન દુકાનની બહાર મૂકતા હોઈએ છીએ એવું કબૂલીને કાર્યવાહીને ખોટી પણ નથી ગણાવી. જો ગયા હો સો હો ગયા લેકિન... એવું કહીને ફરી જિંદગીને થાળે પાડવાની મજબૂરી તેમના શબ્દોમાં હતી. સવાલ એ છે સંજોગો તેમને ક્યારેય થાળે પડવા દેશે ખરા?

(નીલેશ રૂપાપરા અને દિલીપ ગોહિલ બંને પ્રસિદ્ધ પત્રકારો અને પ્રવર્તમાન પ્રવાહોના વિશ્લેષકો છે)

અન્ય સમાચારો પણ છે...