ઇટ્સ કોમ્પ્લિકેટેડ:પૈસા અને ભેટ-સોગાદથી નહીં પણ પ્રેમ અને સંવેદનાથી સંબંધ બાંધો, ક્વોલિટી ટાઇમ આપશો તો પ્રેમ હેમખેમ રહેશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદની ખ્યાતિ પોતાના બોયફ્રેન્ડ મલય સાથે પરણી. તેમની 6 વર્ષની મૈત્રી અને ત્રણ વર્ષના ગહન અને નિકટના સાંનિધ્ય પછી ખ્યાતિ અને મલય પરણ્યાં હતાં. બંને ખૂબ ખુશ હતાં. જો કે, તેમની ખુશી માત્ર ત્રણ વર્ષના લગ્નજીવન પછી ઝાંખી પડી ગઈ. ખુશીને એવું લાગવા માંડ્યું કે મલય બદલાઈ ગયો છે. તે હવે મને પ્રેમ કરતો નથી. પહેલાં તો તેને મારા વગર એક પણ મિનિટ ચાલતું નહોતું. હવે તે સતત મારાથી ભાગે છે. મલયની પણ આવી જ ફરિયાદ હતી. તે એવું કહેતો હતો કે લગ્ન પહેલાંની ખ્યાતિ અને લગ્ન પછીની ખ્યાતિમાં જમીન-આસમાનનો ફરક છે. પહેલાં એ પ્રેમિકા હતી. હવે એ પત્ની બની છે. હવે તેને માત્ર ઘરમાં રસ છે, ઘરના કામકાજમાં જ રસ છે. મારામાં રસ રહ્યો જ નથી.

એ બંને મને મળવા આવ્યાં ત્યારે એકબીજા માટેની ઢગલો ફરિયાદો લઈને આવ્યાં હતાં. નોંધપાત્ર બાબત એ હતી કે બંને પોતપોતાની રીતે સાવ સાચાં હતાં. લગ્નજીવનનાં માત્ર 3 વર્ષ પછી તેમના દામ્પત્યમાંથી સુગંધ ઊડી ગઈ હતી. એકબીજાની આંખોમાં જે ચમક હતી તે ઘટી ગઈ હતી. એકબીજા માટેની જે સંવેદના હતી તે ઓછી થઈ ગઈ હતી. બંનેને એકબીજાનો સાથ ગમતો હતો, એકબીજાને પ્રેમ કરતાં હતાં, એકબીજાની સાથે રહેવા માગતાં હતાં. જો કે, બંનેને એવી પ્રતીતિ થતી હતી કે આ પ્રેમ કેમ ઘટી ગયો? એકબીજા માટે જે પ્રેમ હતો તે કોણ ચોરી ગયું? ક્યાં ગઈ એકબીજા માટેની ચાહત? જો તેમણે બંનેએ કડક અને તટસ્થ રીતે આત્મમંથન કર્યું હોત તો ચોક્કસ ખોવાયેલો પ્રેમ, ગુમ થયેલી સંવેદના તેમને મળી ગઈ હોત.

ખરેખર શું થયું હતું?
લગ્ન પછી બંનેએ એકબીજાને સમય આપવાનું ઓછું કરી દીધું હતું. સમય આપવો અને ક્વોલિટી એટલે કે ગુણવત્તાવાળો સમય આપવો એ બંનેમાં ફરક હોય છે. ભારતીય અવકાશ વિજ્ઞાનના ભિષ્મપિતામહ વિક્રમ સારાભાઈ અનેક મોરચે ખૂબ સરસ કામ કરતા. એટલું બધું કામ રહેતું કે તેઓ પરિવારને સમય નહોતા આપી શકતા. તેમણે એક રસ્તો શોધ્યો હતો. તેઓ જ્યારે પોતાના પરિવારને સમય આપતા ત્યારે પૂરતો અને ગુણવત્તાવાળો સમય આપતા. જ્યારે તેઓ પરિવાર સાથે હોય ત્યારે માત્ર પરિવાર સાથે જ હોય. એ વખતે એકપણ સંસ્થાનું કોઈ કામ તેઓ કરતા નહીં. આ તેમનો અતૂટ નિયમ હતો. આને કહેવાય ગુણવત્તાવાળો સમય. તમે પાંચ કલાકનો સમય પ્રિયજનને આપો પણ એમાં તમારી એકાગ્રતા, સંવાદિતા અને તાદાત્મ્ય ન હોય તો તેનો કોઈ અર્થ નથી. એને બદલે તમે માત્ર ત્રીસ મિનિટનો સમય આપો. પરંતુ એ સમય જો ક્વોલિટી ટાઈમ હોય તો સામેવાળી વ્યક્તિને પૂરતો સંતોષ થાય.

મલય ખ્યાતિને સમય નહોતો આપતો. તેને કારણે ખ્યાતિના મનમાં સતત એવી ભાવના ઊભી થઈ હતી કે હવે મલય મને ચાહતો નથી. જેમ મોબાઈલ ફોનમાં બેટરી ચાર્જ કરવી પડે છે, જેમ ફોનમાં રિચાર્જ કરાવવું પડે છે તેમ પ્રેમ પણ સતત રિચાર્જ કરતા રહેવું પડે છે. એકવાર પ્રેમ કરી લીધો એટલે વાત પૂરી એવું સંબંધોમાં ચાલતું નથી. પ્રત્યેક સંબંધને જીવંત, લીલોછમ અને ધબકતો રાખવા માટે પ્રેમનું ચાર્જિંગ સતત કરતા જ રહેવું પડે. દુનિયાના દરેક સંબંધ માટે આ વાત એકદમ સાચી છે.

ખ્યાતિનું કહેવું હતું કે, મલયને હવે મારામાં રસ નથી. મને તો એવી શંકા છે કે તેને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે. જ્યારે પ્રેમનો અભાવ ઊભો થાય ત્યારે શંકારાણી તરત જ હાજર થઈ જાય છે. મલયે દૃઢતાપૂર્વક સમ ખાઈને કહ્યું કે એવી કોઈ વાત જ નથી. હું દૂર દૂર સુધી એવો વિચાર પણ કરી ન શકું. હું તને પહેલાં ચાહતો હતો એટલું જ આજે પણ ચાહું છું.

ચાહતને, લાગણીને, પ્રેમને જતાવવો પડે છે. બતાવવો પડે છે. વ્યક્ત કરવો પડે છે. સતત વ્યક્ત કરવો પડે છે. પ્રેમ કાયમ જોઈએ છે. સનાતન ધર્મ હોઈ શકે, સનાતન પ્રેમ ના હોઈ શકે. હા, પ્રેમ અખિલાઈમાં અસ્તિત્વ ધરાવે છે એ વાત સાચી. પરંતુ પ્રેમને તો સતત વ્યક્ત કરવો પડે છે. જેમ જીવન જીવવા માટે સતત શ્વાસ લેવા પડે છે તેમ સંબંધોને સાચવી રાખવા માટે, ટકાવી રાખવા માટે અને તેનો અનુભવ કરવા માટે પ્રેમરૂપી શ્વાસ સતત લેવા જ પડે છે. સંબંધોનો શ્વાસ પ્રેમ છે, સંવેદના છે, કરુણા છે.

નવી પેઢી એવું માને છે કે પ્રિયજનને ભેટ આપી દીધી એટલે વાત પૂરી. એને કોઈ મોંઘી રેસ્ટોરાંમાં જમવા લઈ ગયા એટલે સંતોષ. એને ક્યાંક ફરવા લઈ ગયા એટલે પ્રેમ વ્યક્ત થઈ ગયો. એને મનગમતો મોબાઈલ ફોન કે સુંદર ડ્રેસ અપાવી દીધો એટલે હવે સંબંધમાં કોઈ એરર નહીં આવે. આવી માન્યતાઓ સાવ સપાટી પરની માન્યતાઓ છે. ખરેખર એવું નથી હોતું. સંબંધો ભેટ-સોગાદના પાયા પર કદાચ બાંધી શકાય. પરંતુ ધબકતા ન કરી શકાય. એના માટે તો એકબીજા સાથેનો ગહન પ્રેમ, જબરદસ્ત બોન્ડિંગ જ કામ આવે. દરેક યુવક અને યુવતીએ એ બોન્ડિંગ ઉપર જ વધારે ફોકસ કરવું જોઈએ. નવી પેઢીમાં સંબંધોમાં વારંવાર એરર આવે છે. તેનું કારણ એ છે કે તેઓ સંબંધના પ્રદેશને યોગ્ય રીતે સમજતા જ નથી. એ લોકો એવું માને છે કે થોડી ચીજવસ્તુઓ, થોડી ભેટ-સોગાદો, થોડું હરવું-ફરવું, થોડું ખાવું અને જોવું આમાં જ પ્રેમની અભિવ્યક્તિ આવી જાય છે અને સંબંધ તેના ટેકે આગળ વધશે. એવું બનતું નથી.

નવી પેઢીએ સંબંધને લીલોછમ રાખવા નીચેની બાબતો સતત ધ્યાનમાં રાખવા જેવી છે.

  • તમારા મનગમતા પાત્રને સતત સમય આપો. બની શકે તો ગુણવત્તાવાળો સમય આપો.
  • પ્રેમની અભિવ્યક્તિ સતત કરો. વિવિધ રીતે કરો. સર્જનાત્મક રીતે કરો. એમાં કંઈ કાયમ સરપ્રાઈઝ આપવાની કોઈ જરૂર નથી. હવે તો સરપ્રાઈઝ એટલી બધી આપવામાં આવે છે કે સરપ્રાઈઝ ન આપે તો લોકોને સરપ્રાઈઝ જેવું લાગે છે. તેનો અતિરેક થયો છે. સરપ્રાઈઝનું મહત્ત્વ નથી, અભિવ્યક્તિનું મહત્ત્વ છે.
  • છાની છપની પાર્ટી આપો. પરંતુ સંબંધોમાં કંઈ છાનુંછપનું ન રાખો. છાનું રે છપનું કંઈ થાય નહીં થાય નહીં, ઝમકે નહીં ઝાંઝર તો તે ઝાંઝર કહેવાય નહીં. તમે જે-જે બાબતને છાની રાખશો તે બાબત બહાર આવશે જ અને સંબંધોમાં વાઈરસ ઘૂસી જશે. કોરોનાની વેક્સિન હોય છે. પરંતુ સંબંધોના તમામ વાઈરસોની વેક્સિન હોતી નથી.
  • સતત કાળજી રાખો. કેર કરો. શેર પણ કરો અને કેર પણ કરો. પ્રેમ અને કાળજી એક સિક્કાની બે બાજુઓ છે. સાચા પ્રેમનો માપદંડ એ છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેની તમે કેટલી કાળજી લો છો. તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેના માટે કેટલું સમર્પણ કરો છો.
  • ધીમે-ધીમે ચીજવસ્તુઓ અને ભેટસોગાદમાંથી બહાર આવી જાઓ. એ ભૌતિકતાવાદ છે. સંબંધમાં મૂડીવાદ કે ભૌતિકવાદને બદલે સંવાદનું જ સૌથી વધારે મહત્ત્વ હોય છે. ચીજવસ્તુઓ અપેક્ષાઓ ઊભી કરે છે. ચીજવસ્તુઓને કારણે પ્રેમને એવું લાગે છે કે મારી ઊપેક્ષા થઈ રહી છે. એટલે ભેટ-સોગાદો માપમાં રાખો. એનો અતિરેક ન થવા દો.
  • એકબીજાને નિયત સમય આપો જ. એવો સમય આપો કે જે તમારા બે વ્યક્તિનો જ સમય હોય. હા, પ્રકૃતિની સાથે ચોક્કસ હળો-મળો. શહેરના બંધિયાર એરકન્ડિશન રેસ્ટોરાંમાં તમે પ્રેમને પૂરી અને સાચી રીતે વ્યક્ત નહીં કરી શકો. ખુલ્લાં આકાશ નીચે જાઓ. પક્ષીઓનો કલરવ સાંભળો. વૃક્ષોના સાંનિધ્યમાં એકબીજાની લાગણી વ્યક્ત કરો.
  • બહુ બોલશો નહીં. મૌનને પણ બોલવા દો. દરેક સાચા સંબંધની પરાકાષ્ઠા ભાષાની ગેરહાજરી અને મૌનની હાજરીમાં હોય છે એ વાત ક્યારેય ભૂલશો નહીં.
  • અને છેલ્લો મુદ્દો. જેને પ્રેમ કરો છો તેને દિલ ફાડીને પ્રેમ કરો. માપી-માપીને પ્રેમ ન કરશો. ડરતાં-ડરતાં પ્રેમ ન કરશો. પ્રેમને પૂર્ણપણે વહેવા દો.

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...