શું તમારા જન્મનો અનુક્રમ તમારા જીવનના આકાર અને તેના ઉપર પ્રભાવ છોડી શકે છે? ચાલો આ આપણે એક લાઈવ કેસ સ્ટડી થકી સમજવાનો પ્રયત્ન કરીએ. મિલી એક 45 વર્ષની સ્ત્રી છે અને તેનાં મા-બાપનાં ત્રણ બાળકોમાં સૌથી મોટી છે. મિલીનું માનવું એવું છે કે પહેલું બાળક હોવાને લીધે તેને નાનપણથી જ જવાબદારી નિભાવવાનું શીખવવામાં આવ્યું હતું. જ્યાં સુધી તેના સિબલિંગ નહોતા જનમ્યા ત્યાં સુધી તે તેના મા-બાપની આંખોનો તારો હતી. ફક્ત એના મા-બાપ જ નહીં પણ એના દાદા-દાદી પણ એને લાડ લડાવતાં...પણ અચાનક આ બધું બદલાઈ ગયું...તેને એક પછી એક નાનાં ભાઈ-બહેન આવતાં ગયાં અને એકાએક જ બધાનું બધું ધ્યાન બીજાં બાળકો ઉપર જતું રહ્યું. જેમ-જેમ મિલી મોટી થતી ગઈ તેમ-તેમ તેને એવો અનુભવ થવા માંડ્યો કે એના મા-બાપ એના કરતાં એના સિબલિંગ્સને વધુ પ્રેમ કરતાં હતાં.
અચાનક જ મિલી 'મોટી બહેન' બની ગઈ અને એના ઉપર પડ્યો ભાર અવનવી અપેક્ષાઓનો! મોટા બાળક તરીકે તેને એક ‘જવાબદારીવાળું વર્તન’ અપનાવવાનું હતું. જ્યારે તે 9 વર્ષની થઇ ત્યારે તેનાં મા-બાપે ત્રણેય બાળકોને તેમનાં દાદા-દાદી જોડે બે-ત્રણ વર્ષ માટે રાખ્યા કારણ કે તેઓ પરદેશ કામની શોધમાં જવા માગતા હતા. તે પહેલાં તેમણે મિલીને કહ્યું, 'તું સૌથી મોટી છે એટલે તારે જ તારાં નાના ભાઈ-બહેનનું ધ્યાન રાખવાનું છે. ડાહી દીકરી બનીને સરસ રીતે તેમને સાચવજે... અમને આ વિશે કોઈપણ ફરિયાદ આવવી ના જોઈએ.' મિલીનું કહેવું એવું છે કે એ ક્ષણ જાણે એની મેમરીમાં છપાઈ ગઈ છે. ઓચિંતા જ એને જાણે સરોગેટ પેરેન્ટના રોલમાં મૂકી દેવામાં આવી હતી! હજી તો એ પોતે જ બાળક હતી પણ છતાંય તેની પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે તેના બીજા સિબલિંગની પેરેન્ટ બને. તેને જુદી-જુદી ફીલિંગ્સની અનુભૂતિ થઇ - સૌથી પહેલાં તેને એવું લાગ્યું જાણે એને ત્યજી દેવામાં આવી હતી; પછી તેને આ ભારે જવાબદારીના લીધે બીક પણ લાગી અને સમય પસાર થતાં તેનામાં જન્મ્યો રોષ. આની સાઈકોલોજિકલ અસર એ થઇ કે આગળ જઈને તે ખૂબ જ સિરિયસ (ગંભીર) થઇ ગઈ અને તેને તે બધી પ્રવૃત્તિઓ છોડી દીધી જેમાં સામાન્ય રીતે બાળકો ભાગ લેતાં. બીજા કિશોર વયનાં બાળકોની જેમ તે એવી કોઈ પણ ફન પ્રવૃત્તિમાં ભાગ નહોતી લઇ શકતી જે તેની ઉંમરનાં અન્ય બાળકો લેતાં જેમ કે, ફિલ્મ જોવી, આઈસ્ક્રીમ ખાવો, મૉલમાં મિત્રો જોડે ફરવા જવું વગેરે. કેમ? કારણ કે, છેવટે તો તે ‘મોટી બહેન’ હતી ને, ભાઈ!
આ હતો મિલીનો અનુભવ... હવે જો તમે સૌથી નાના બાળકને પૂછશો તો તે પણ રોષથી ભરેલો હશે! કેમ? કારણ કે, નાનપણથી જ તેને પોતાની મોટી બહેનના ઊતરેલાં કપડાં અને વસ્તુઓ મળી હશે. રમકડાં, ચોપડીઓ, કપડાં...લગભગ બધું જ એની મોટી બહેનનું હશે. 'મને તો ભાગ્યે જ નવાં રમકડાં મળ્યાં છે! કપડાંમાં પણ મને ક્યારેય કોઈ ચોઈસ નથી મળી કારણ કે, મારે હંમેશાં મારી બહેનની પસંદગીનાં ઊતરેલાં કપડાં પહેરવા પડ્યાં છે.’
સૌથી ખરાબ વસ્તુ એ હતી કે બધા એની બહેન જોડે એની સરખામણી કરતા. સ્કૂલમાં તેના ટીચર ઘણી વખત કહેતા 'તું દરેક વસ્તુને હળવાશ થી લે છે; તારી બહેન મિલી તો પોતાના ભણતરને લઈને કેટલી સિરિયસ અને ફોકસ્ડ હતી અને તે ગણિતમાં હંમેશાં સૌથી વધારે નંબર લાવતી!' ફક્ત આટલું જ નહીં, ઘરે પણ એના દાદા-દાદી અને મહેમાનો કહેતા કે, 'જો તારી બહેન મિલી કેટલી ડાહી છે. તારે પણ મોટા થઈને એના જેવું બનવું જોઈએ.' પરિણામે મિલીની બેન વિદ્રોહી થઇ ગઈ અને પોતાની એક અલગ આઇડેન્ટિટી બનાવવાની હોડમાં તેને એક સાવ જુદો જ જીવનપથ પસંદ કર્યો! તે મોટરસાઇકલ ચલાવતા શીખી, તે સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટ્સના મેદાનમાં ઊતરી, તે ટોમબોય જેવા કપડાં પહેરવા માંડી અને આ રીતે એણે પોતાની આખી પર્સનાલિટી જ ચેન્જ કરી નાખી. હવે કોઈપણ એની સરખામણી એની બહેન જોડે નહીં કરી શકે!
આ બંને બહેનોની વચ્ચેનો સિબલિંગ હતો એક ભાઈ. જેણે નિખાલસતાથી શેર કર્યું કે છોકરો હોવાના લીધે તેના ઘણા લાડ લડાવવામાં આવતા, પણ છતાંય તેને બે છોકરીઓની વચ્ચે સેન્ડવિચ થવાની પણ અનુભૂતિ થતી. તેને મોટા અને નાના થવાના બંને એક્સપિરીયન્સ થતાં પણ સાથે-સાથે તેના ઉપર તેના જેન્ડર (લિંગ)ને લઈને ઘણું પ્રેશર રહેતું અને એને હંમેશાં ચેતવણી આપવામાં આવતી કે, ભાઈ હોવાને લીધે તેની ફરજ છે કે તે પોતાની બહેનોનું રક્ષણ કરે. આના લીધે તેના ઉપર પણ અસ્પષ્ટ અપેક્ષાઓનો ભાર રહેતો! તે બંને બહેનો વચ્ચે શાંતિ બનાવી રાખતો પણ જ્યારે તેઓ બધા ઘરની બહાર ફરવા કે કામથી જોડે જતા ત્યારે તે તેમના 'રક્ષક' હોવાના ભાર હેઠળ વધુ પડતો વ્યગ્ર રહેતો. આગળ જઈને તેને અસ્થમા થઇ ગયો, જેના લીધે તે વધુ-ને-વધુ સમય ઘરમાં રહેવા માંડ્યો અને પોતાનો સમય સંગીત સાંભળવામાં અને વગાડવામાં વીતાવવા માંડ્યો.
જ્યારે મા-બાપને ખબર પડી કે તેમના બાળકો કેવું અનુભવતા હતા તો તેઓ ખરેખર હેરાન થઇ ગયા કારણ કે, તેમનું માનવું એવું હતું કે તેમણે પોતાના બધા બાળકોને સરખો પ્રેમ આપ્યો હતો. આવું દરેક વાલીનું માનવું છે પણ બાળકનો અનુભવ હંમેશાં આનાથી તદ્દન જુદો રહેશે કારણ કે, તે એક વ્યક્તિલક્ષી અનુભવ છે. બધા સિબલિંગ્સ એકમેકને પ્રેમ કરતા હતા પણ તેમના વ્યક્તિગત અનુભવોના તફાવતોએ તેમના જીવનની ચોઈસિસને આકાર આપ્યો હતો.
આ થઇ વાત એવાં કુટુંબોની જેમાં એકથી વધારે બાળક છે પણ સિંગલ બાળકોનું શું? સિંગલ બાળકોના પ્રમાણે તેઓ પણ સખત પ્રેશર હેઠળ જીવી રહ્યા છે! વાલીઓની બધી અપેક્ષાઓ આ એક બાળક સાથે સંકળાયેલી હોય છે અને આટલા બધા અટેન્શનના લીધે ઘણી વખત બાળક ગૂંગળામણ અનુભવે છે!
અંતમાં હું ચોખવટ કરવા માગીશ કે આ ઉદાહરણ ફક્ત આપણને મનન કરવા માટે છે અને આપણે આને સર્વવ્યાપી સત્ય તરીકે લેવાની કોઈ જરૂર નથી. જન્મનો અનુક્રમ આપણી પર્સનાલિટી ઉપર ચોક્કસ એક ઊંડી અસર છોડે છે પણ આ એક મૂલ્યવાન ભેટ છે અને બાળક અને તેના વાલીઓ માટે એક લર્નિંગ એક્સપિરીયન્સ પણ છે.
તો ચાલો, આજે ફ્રેન્ડશિપ ડેના અવસરે આપણે આપણા બાળકના પેરેન્ટ હોવાની સાથોસાથ તેમના ફ્રેન્ડ બનવાનો પણ પ્રયત્ન કરીએ... હેપી ફ્રેન્ડશિપ ડે!
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.