ટેક્નોહોલિક:ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટી ક્રાંતિ : ડ્રાઈવિંગ પણ ચાલુ અને ચાર્જિંગ પણ ચાલુ!

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

અહીં વાત થઈ રહી છે ઇલેક્ટ્રિક કારની. અહીં અમેરિકામાં તો ઘણી ઇલેક્ટ્રિક કાર રસ્તા ઉપર દોડતી જોવા મળે છે. પરંતુ વતન વડોદરાને લઇને એક ઉદાહરણથી આજની વાતની શરૂઆત કરીએ. વડોદરા અને અમદાવાદ વચ્ચે પ્રખ્યાત એક્સપ્રેસ-વે બન્યો છે. ભારતમાં ટાટા જેવી કેટલીક કાર બનાવતી કંપનીઓ ઇલેક્ટ્રિક કાર વેચે પણ છે. હવે એક કલ્પના કરો કે, તમે વડોદરાથી તમારી નવી ઇલેક્ટ્રિક કારને ફૂલ ચાર્જ કરીને અમદાવાદ જવા માટે નીકળ્યા. સોએક કિલોમીટર દૂર અમદાવાદ છે. એક્સપ્રેસ-વેની એક લેનમાં એકધારી સો કિલોમીટરની સ્પીડે તમે તમારી ઇલેક્ટ્રિક કાર ચલાવી. તમે અમદવાદ તમારા સંબંધીના ઘરે પહોચ્યાં. થોડીવાર પછી તમારે વડોદરા વળતો પ્રવાસ પણ કરવાનો છે અને સંબંધીના ઘરના પાર્કિંગમાં તમારી ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવાનો ચાર્જિંગ પોઈન્ટ નથી. (અમેરિકામાં તેને ચાર્જિંગ પ્લગ કહે છે.) તો હવે? શું કરીશું? કંઈ જ નહીં કારણ કે, તમારી કાર તો ઓલરેડી ફૂલ ચાર્જ જ છે. વડોદરાથી અમદાવાદ આવ્યા તો પણ બેટરી ઊતરી નથી.

આવું શક્ય બને ખરું? ઉપર લખેલી કલ્પના ટાઢા પહોરનાં ગપ્પાં લાગે છે ને? પણ વીસ-પચ્ચીસ વર્ષ પછી એ કલ્પના વાસ્તવિકતા બનવાની છે. બેટરી પાવર્ડ હોવાને કારણે એક જગ્યાએ ઊભી રાખીને તેને ચાર્જ કરવાની જફા વહેલા મોડી દૂર થઇ જશે. તો તમારી કારની બેટરી ચાર્જ થશે કઈ રીતે? રસ્તા જ આપણી કારને ચાર્જ કરશે. ડ્રાઈવ કરો અને બેટરી ચાર્જ કરો. છે ને કમાલ! અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટી એવું સંશોધન કરવામાં સફળ થઇ છે કે ચાલુ ડ્રાઈવિંગે ઇલેક્ટ્રિક કારની બેટરી ચાર્જ કરી શકાય. એ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે એની વાત કરતા પહેલાં ઇલેક્ટ્રિક કાર વિશે જરા વાત કરી લઈએ.

આપણે આ જ કોલમમાં અગાઉ ટેસ્લા કાર વિશે વાત કરેલી છે. ઇલેક્ટ્રિક કાર અત્યારે સૌથી વધુ અમેરિકામાં છે. ભારતમાં પણ માર્કેટમાં ઇલેક્ટ્રિક કાર આવી છે ખરી પણ બહુ વેચાતી નથી. ઇલેક્ટ્રિક કાર ન વેચાવાનું કારણ તેનો ઊંચો ભાવ અને ચાર્જિંગનો પ્રશ્ન- આ બે મુખ્ય કારણો છે. પણ ભારત સહિત લગભગ બધા દેશો આગામી ત્રણ-ચાર દાયકામાં પેટ્રોલ-ડીઝલ જેવું ફ્યુલ વપરાતા વાહનોથી કાયમી છુટકારો મેળવવા માગે છે. (અમેરિકામાં પેટ્રોલ-ડીઝલને સંયુક્ત રીતે ગેસ કહેવામાં આવે છે.) પેટ્રોલ-ડીઝલ-CNG સતત મોંઘાં થઇ રહ્યાં છે અને તે પ્રદૂષણ પણ ખૂબ ફેલાવે છે. પૃથ્વીના પેટાળમાં એનો જથ્થો પણ ઓછો થઇ ગયો છે. ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક બસ સિવાય આપણી પાસે બીજા વિકલ્પ નથી. સો, ઇલેક્ટ્રિક વ્હીકલ ઈઝ ધ ફ્યુચર.

ઇલેક્ટ્રિક કારની બનાવટ અલગ હોય. તેની બેટરીને બહુ મોંઘાં તત્ત્વોથી બનાવી હોય એટલે એનો ભાવ તો વધુ રહેવાનો. તેની ડિમાન્ડ વધે તો મેન્યુફેક્ચરિંગ મોટા લેવલ પર થાય અને પછી એનો ભાવ પણ ઘટે. તો પણ લોકોને એક સમસ્યા એ જ રહેતી કે પેટ્રોલ પંપ ઉપર તો બે મિનિટની અંદર પેટ્રોલ પૂરાવી દઈએ. જયારે નાની ઇલેક્ટ્રિક કારને ફુલ્લી ચાર્જ થતા પણ ચારથી પાંચ કલાક લાગે. એટલો સમય બેસી રહેવાનું? આજે અમેરિકામાં દર પાંચ ઇલેક્ટ્રિક કારના માલિકોએ એક માલિક પોતાનું ઇલેક્ટ્રિક વ્હીકલ વેચીને પેટ્રોલ-ડીઝલથી ચાલતું વ્હીકલ ખરીદી લે છે. કારણ? ચાર્જિંગ ટાઈમ. અત્યારે અમેરિકામાં એક લાખ પ્લગ આપવામાં આવ્યા છે. બાઈડેન સરકારે આગામી દસ વર્ષમાં પાંચ લાખ ચાર્જિંગ પ્લગ કરી આપવાનું પ્રોમિસ આપ્યું છે. નિષ્ણાતોના મત મુજબ, આ અઘરો વાયદો છે. તો કરવાનું શું?

રસ્તા ઉપર એક સ્પેશિયલ લેન બનાવવાની. એ લેનમાં મોટી ઇલેક્ટ્રિક ચાર્જિંગ પ્લેટ જડેલી હોય. તમારી ઇલેક્ટ્રિક કાર એ ચાર્જિંગ લેન ઉપર ચાલે એટલે વાયરલેસ ચાર્જિંગની ટેકનોલોજી દ્વારા તમારી કારની બેટરી ચાર્જ થતી રહે. એપલ અને સેમસંગે વાયરલેસ ચાર્જિંગની ટેકનોલોજી વાપરીને ફ્લેગશિપ મોડેલ ફોન બજારમાં મૂક્યા છે. એ જ ટેકનોલોજી મોટા સ્કેલ ઉપર હાઈ-વે અને કારમાં વપરાય. કમ્પ્યૂટર એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ- આ બંને ફિલ્ડનું સુગમ મિલન થાય ત્યારે આ શક્ય બને. આવી રીતે ચાર્જ કરી શકે તેવા રોડ બનતા હજુ પાંચ વર્ષ લાગશે. પરંતુ પછી ધીમે-ધીમે ટ્રાફિક સિગ્નલ કે સ્ટોપ સાઈન પાસે પણ એવા રોડ બનાવી શકાય જેથી કારનું ચાર્જિંગ થઇ શકે.

કઈ કાર ઇલેક્ટ્રિક ચાર્જિંગવાળી પેનલવાળી લેનમાં આવી તે એની નંબર પ્લેટ ઉપરથી ખબર પડી જાય. તેણે વાયરલેસ ચાર્જિંગ કેટલા યૂનિટ લીધું એ હિસાબ રાખવો પણ સહેલો છે. તેને જે-તે રોડ ઉપર પોતાની કારની બેટરી જેટલી ચાર્જ કરી એટલું બિલ તેને મોબાઈલમાં પહોંચી જાય. તેને મોબાઈલમાંથી જ ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું. ચાર્જિંગ પ્લગ કે ચાર-પાંચ કલાક રાહ જોવાની કોઈ ઝંઝટ જ નહીં. ટૂંકમાં, હવે ફક્ત મોબાઈલ કે કાર જ નહીં, હાઈ-વેના રસ્તાઓ પણ હાઈ-ટેક બનવાના છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે ક્રાંતિ આવી રહી છે.
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)