તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • 'Bharatpur National Park', A Bloodbath Of Thousands Of Birds, A Revered Bird Sanctuary And A Unique Site Known As A UNESCO World Heritage Site

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્લોર ઇન્ડિયા:હજારો પક્ષીઓનાં લોહીથી ખરડાયેલું, ફરી ફરીને પક્ષીઓનું માનીતું ઘર અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાણીતું અનુઠું સ્થળ 'ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન'

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રોજિંદી લાઇફના કોલાહલ અને સ્ટ્રેસથી છૂટવું હોય તો પ્રવાસ જેવો રામબાણ ઇલાજ બીજો એકેય નહીં. અને આપણો દેશ તો કેટકેટલાં વૈવિધ્યથી ભરચક છે. ક્યાંક હિમાલયનાં ઉત્તુંગ શિખરો, તો ક્યાંક અફાટ દરિયાકિનારો. ક્યાંક ગાઢ જંગલોમાં સંભળાતી સિંહ-વાઘની ગર્જનાઓ તો ક્યાંક દિવ્યતાનો અનુભવ કરાવતાં યાત્રાધામ... આપણા દેશની અણદીઠેલી ભોમકા પર જઈને આપણે દર રવિવારે કરીશું ‘એક્સપ્લોર ઇન્ડિયા’.

***
શ્રીકૃષ્ણને વાંસળી વગાડતા નથી જોયા મેં કદી, પણ એનું અસ્તિત્વ હશે જ ક્યાંક ને ક્યાંક એવું મેં અનુભવ્યું છે. ક્યારેક બુલબુલના મધુર ગાનમાં, ક્યારેક લીફબર્ડના કલરવમાં, ક્યારેક પીળકના લાંબા ગાનમાં તો ક્યારેક લક્કડખોદના કર્ણપ્રિય કોલમાં. શ્રીરામની સૌમ્યતાને મેં ક્યારેય જોઈ નથી પણ રેશમી રૂની પૂણી જેવા બગલામાં, રોઝી પેલિકનના રંગોમાં, ફ્લેમિંગોની ખુબસુરતીમાં આંખો થાકે નહીં ત્યાં સુધી એમને એકીટશે જોયા છે. હનુમાનજીનો સાક્ષાત્કાર નથી થયો. ક્યારેય પણ અહીં દીઠેલાં રિસસ મકાક અને લંગુરે ક્યારેય એમના અસ્તિત્વ સામે પ્રશ્ન થાય એવો યોગ જ નથી સર્જ્યો. આ બધું જ મને એક સ્થળે મળ્યું. એ છે પૂર્વ રાજસ્થાનમાં આવેલું ઐતિહાસિક સ્થળ ભરતપુર નેશનલ પાર્ક એટલે કે કેઓંલાદેઓ નેશનલ પાર્ક. જેનું નામ કેઓલાંદેવ મહાદેવના મંદિર પરથી પડ્યું છે. આજે એ મંદિર પણ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે નામના ધરાવે છે.

ઇતિહાસના પાને ભરતપુરનું શાસન
એક સમયે અહીં અલગ-અલગ રાજવીઓનું શાસન હતું. ભરતપુરનું નામ રાજા શ્રીરામના ભાઈ ભરતના નામ પરથી પડ્યું હતું, આ નગર એમને ભેટમાં મળ્યું હતું. ઇતિહાસનાં પાનાં ખોલીએ તો ભરતપુર ઉપર અલગ અલગ ઘણા રાજવીઓએ શાસન કર્યું છે અને ઘણા રાજવીઓ દ્વારા આ નગર જીતવામાં આવ્યું છે. અહીં આવેલો મજબૂત લોહગઢનો કિલ્લો વિશ્વભરમાં ખૂબ જ જાણીતો છે. ભરતપુરના રાજકીય ઇતિહાસ કરતા પણ વધારે રસપ્રદ અહીંનો રાષ્ટ્રીય ઉદ્યાન છે.

હન્ટિંગ ફેસ્ટિવલમાં 4,273 પક્ષીઓને ગોળીએ ઠાર મરાયાં હતાં
પ્રકૃતિના રસને ધ્યાનમાં લઈને હું સવાર સવારમાં પાંચ વાગે ફતેહપુર સિક્રી શહેરના દરવાજે જ હાઇવે પર બસમાંથી ઊતર્યો. આછેરા પ્રકાશમાં આછેરી કેસરી ઝાંયવાળી ચૂંદડી આકાશ આ ધરાને ઓઢાડવા મથતું હોય એવો ભાસ થઇ રહ્યો હતો. પક્ષીઓનું ટોળું કોઈ લગ્નપ્રસંગવાળા ઘરની બહાર આવતા મહેમાનોની જેમ પાર્ક તરફ ઉતરાણ કરી રહ્યું હતું જાણે પક્ષીઓનો કોઈ ખૂબ જ મોટો ઉત્સવ હોય. છેક 19મી સદીના અંત સુધી આ જગ્યા રાજા મહારાજાઓના નવાબી શોખ અને પાશવી આનંદ માટેનું શૂટિંગ ગ્રાઉન્ડ હતું. દર વર્ષે અહીં સંવેદનાવિહીન માનવપિશાચો દ્વારા બ્રિટિશ વાઇસરોયને ખુશ કરવા માટે ડક હન્ટિંગ ફેસ્ટિવલ થતો હતો. એ ફેસ્ટિવલના ભાગરૂપે 1938માં અહીંયા ભારત દેશના ગવર્નર જનરલ લોર્ડ લિન્લિથગોએ અધધધ 4,273 જેટલાં પક્ષીઓને એક જ દિવસમાં ગોળીએ ઠાર માર્યાં હતાં. એ પછી છેલ્લું હન્ટિંગ અહીંયા 1960માં ભારતીય આર્મી સ્ટાફના ચીફ જનરલ જે.એન. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. 1981માં ભરતપુર નેશનલ પાર્ક તરીકે ડિક્લેર થયો, 1985માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો અને પક્ષીઓને અહીં રક્ષણ આપવામાં આવ્યું ત્યારથી આજે અહીં હજારોની સંખ્યામાં પક્ષીઓ મહાલતાં જોવા મળે છે.

ભરતપુરમાં કયા-કયા પક્ષીઓ ક્યાં-ક્યાંથી અને ક્યારે આવે છે?

અફઘાનિસ્તાન, રશિયા, સાઇબિરિયા, તુર્કિસ્તાન, ચીન અને મોંગોલિયા જેવા દેશોમાંથી હજારોની સંખ્યામાં 375 વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ અહીં શિયાળો પસાર કરવા માટે દર વર્ષે આવે છે. માનવીની પર્યાવરણમાં દખલ કેટલો મોટો બદલાવ લાવી શકે એનું વરવું ઉદાહરણ સાઈબિરીયન ક્રેન કહી શકાય. સાઈબિરીયન ક્રેનની હકીકત ચોંકાવનારી અને હૃદયદ્રાવક છે. વિશ્વપ્રસિદ્ધ અને નામશેષ થવાના આરે આવી ગયેલા સાઈબિરીયન ક્રેન એક સમયે ભારતભરમાં ખાલી અહીંયા જોવા મળતાં હતાં. આ જગ્યાને પ્રકૃતિએ ખૂલીને રંગો ભર્યાં છે અને પક્ષીઓના વિહાર માટે ખૂબ જ સુંદર પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડ્યું અને વિશ્વભરના પક્ષીઓએ અહીં પોતાનું ઘર શોધી લીધું. માણસોના આવતા પહેલાં વર્ષોથી ભારતમાં આ જગ્યા સાઇબેરીયન ક્રેનનું ઘર ‘હતું’. 17મી સદીના ઐતિહાસિક ચિત્રકાર ઉસ્તાદ મન્સુરે એ વખતે જૂના એક ચિત્રમાં સાઈબિરીયન ક્રેનને અહીં મહાલતા દર્શાવ્યાં હતાં. 1964-65ના વર્ષ દરમિયાન આશરે 200 જેટલા સાઈબિરીયન ક્રેન અહીંયા જોવા મળ્યાં હતાં એવું લોરેન્સ એચ.વોકિંશોએ પોતાની બુક ‘ક્રેન્સ ઓફ ધ વર્લ્ડ-1973’માં નોંધેલું, જે સૌથી મોટી સંખ્યા કહી શકાય. 2000ની સાલમાં એક પણ ક્રેનની હાજરી ન નોંધાઈ. 9 નવેમ્બર 2001ની સવારે 8:30 આસપાસ કેટલાક નેચર ગાઈડને સાઈબિરીયન ક્રેનનો કોલ સંભળાયો. પાર્કમાં સાઇબિરીયન ક્રેનની હાજરી ન હોઈ આશ્ચર્યમાં ગરકાવ સહુ કોઈએ આકાશ તરફ મીટ માંડી અને એક સાઈબિરીયન ક્રેનની જોડી પાર્ક તરફ આવતાં નજરે ચઢી. એ દિવસે સહુ કોઈના મોઢે હર્ષની લાગણી હતી કે ભરતપુરમાં સાઈબિરીયન ક્રેન આવી ગયા પણ આ છેલ્લી સાઈબિરીયન ક્રેનની એક જોડીએ ભારતને હંમેશ માટે અલવિદા કહી દીધું અને તેઓ ભારતમાંથી નામશેષ થઇ ગયા. 2001 પછી આજ સુઘી ભારત દેશે સાઇબિરીયન ક્રેન ક્યારેય જોયાં નથી અને ભવિષ્યમાં ક્યારેય તેઓ ભારત આવશે પણ નહીં.

આજે સમગ્ર વિશ્વમાં વિનાશના આરે આવીને ઊભેલાં સાઈબિરીયન ક્રેન માત્ર બે જ સ્થળે જોવા મળે છે, જેમાં એક પૂર્વીય (સાઇબિરિયાથી ચાઈના) વિસ્તાર અને પશ્ચિમી વિસ્તાર, પૂર્વીય વિસ્તારનાં ક્રેન્સ ઉત્તર-પૂર્વીય સાઇબિરિયામાં બ્રીડિંગ કરે છે અને ચાઈનાની યાન્ગત્ઝે નદીમાં શિયાળો પસાર કરે છે. સાઇબિરિયાના પશ્ચિમી વિસ્તારના જૂજ રહેલાં ક્રેન્સ ઇરાનના કાસ્પિયન સમુદ્રના કિનારા વિસ્તારોમાં શિયાળો વિતાવે છે અને રશિયાની ઓબ નદીના દક્ષિણમાં આવેલ ઉરલ માઉન્ટેન વિસ્તારમાં બ્રીડિંગ કરે છે. સાઈબિરીયન ક્રેન ખૂબ જ ઝડપથી આ દુનિયામાંથી લુપ્ત થવાની કગાર પર આવી પહોંચ્યાં. મધ્ય સાઇબિરિયામાં બ્રીડિંગ કરતી અને ભારતમાં શિયાળો ગાળવા માટે આવતી ક્રેન્સની વસ્તી આજે વિલુપ્ત થઇ ગઈ છે. આ સાઈબિરીયન ક્રેનનો સમૂહ વિલુપ્ત થવાનું કારણ પણ માણસ છે. તેઓનો માઈગ્રેશન રૂટ સાઇબિરિયાથી નીકળીને રશિયા, કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન અને છેલ્લે પાકિસ્તાન થઈને ભારત આવતો હતો. તેઓ અફઘાનિસ્તાનમાં અબી-ઈ-ઇસ્તદા લેક પર થોડા દિવસો માટે આરામ કરવા માટે રોકાતાં હતાં અને દર વર્ષે તેઓ અહીં શિકારનો ભોગ બનતા હતા પરિણામે વર્ષોવર્ષ એમની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો અને આખરે જે સમૂહ આ માર્ગે ભારત આવતો હતો તેઓએ આખો માર્ગ જ બદલી નાખ્યો. તેઓ આ રૂટ પર આવતા કાયમ માટે બંધ થઇ ગયા અથવા તો તેઓનું અસ્તિત્વ જ ન રહ્યું. નજીકના જ ભવિષ્યમાં ગુજરાતની શાન એવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે અને બંગાળ ફ્લોરિકન માટે પણ ભારતમાં નામશેષ શબ્દ લાગી જાય તો નવાઈ નહીં.

શું છે ભરતપુરમાં જે તમને વારંવાર અહીં આવવા માટે મજબુર કરી દેશે?

કેઓંલાદેઓ નેશનલ પાર્ક, ભરતપુરમાં લગભગ મેં મોટાભાગના દેશવિદેશનાં પક્ષીઓના કરતબોને નિહાળ્યા છે અને કલાકો સુધી સાયકલ લઈને પાર્કના ખૂણે ખૂણા ફરી વળ્યો છું. ભાગ્યે જ કોઈ પક્ષીપ્રેમી હશે જે ભરતપુર ન ગયો હોય. આછેરા સૂર્યપ્રકાશમાં સાઇકલના પેડલ મારતાં મારતાં એક ગજ્જબની સ્ફૂર્તિનો સંચાર થતો અનુભવાતો હતો. ક્યાંક ક્યાંક નજર સામેથી જ અચાનક કોઈ રંગબેરંગી પક્ષી એકદમ નજીકથી ઊડીને જાણે હાય હેલો કરીને છટકી જતું હોય એવો અનુભવ થઇ રહ્યો હતો. સાઇકલ આગળ ધપી રહી હતી. જમણી તરફ એક સૂકા ઝાડની ડાળી પર મોજથી આરામ કરતી ચીબરી નજરે ચઢી અને મેં કેમેરા કાઢીને ચિબરીનો ફોટોગ્રાફ લીધો. શરૂઆત જ ગમતા પક્ષીથી થાય એટલે આપણે ખુશખુશાલ. એક હાથે સાઇકલનું હેન્ડલ, કમરમાં કેમેરા, પાછળ કેરિયર પર કેમેરાની બેગ અને નજરો ચોતરફ પક્ષીઓ શોધવા ફરતી રહી. થોડીક વારમાં સૂર્યપ્રકાશ ડાળીઓ અને પાંદડાઓ સાથે ગેલગમ્મત કરીને ધરાને સ્પર્શતો દેખાયો એ સૂર્યપ્રકાશના શેરડામાં નિર્દોષ મસ્તી કરતા રિસસ મેકાક અને માંકડાઓ દેખાયા. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીની પ્રેકટિસ કરવા માટેનો મારો મનગમતો વિષય એટલે આ માંકડાઓ. માંડ બે-ત્રણ દિવસનું માંકડું ગેલ ગમ્મત કરતું-કરતું રસ્તા પર આવી ચઢ્યું. એની મા હંમેશાં એના પાર નજર રાખીને જાણે મને ધમકાવતી હોય એમ સામે જોઈ રહી હતી. છેલ્લે એ બંને સૂકાં વૃક્ષો પર મસ્તી કરવા લાગ્યા અને હું ધીરે ધીરે આગળ વધ્યો. હવે પક્ષીઓના કરતબ, ઠેર ઠેર ટહુકાર અને મનને શાંતિ આપે એવું સંગીત, પ્રકૃતિનો સાહજિક સ્પર્શ આ બધું જ અનુભવવા લાગ્યો. આગળની તરફ વધતાં વેટલેન્ડમાં ભગવી સુરખાબની જોડી પાણીની સપાટી પર આનંદ માણી રહી હતી એ જોઈને અલગ જ ખુશી થઈ. વળી પાછું થોડીક વારમાં જમણી તરફ પેઇન્ટેડ સ્ટોર્ક જુવેનાઇલ બચ્ચાંઓ એકબીજા સાથે મસ્તી કરી રહ્યાં હતાં તો એક તરફ માનસરોવરના રાજહંસોનું ટોળું પાણી પાર ઉતરાણ કરી રહ્યું હતું. માનસરોવરના રાજહંસો છેક હિમાલયાના સૌથી ઊંચાં શિખરો પાર કરીને વિમાન કરતાં પણ ઊંચે ઊડીને અહીં શિયાળો ગાળવા આવે છે. આ સિવાય ગુલાબી પેણ, સફેદ બગલાઓ, ગયણાઓ, લુહાર આ બધા તો ખરા જ.

અહીં ડસ્કી ઇગલ આઉલ જોવો એક લ્હાવો

ભરતપુર નેશનલ પાર્ક ક્યારેય પણ ખાલી હાથે પાછા ન મોકલે. અહીં પ્રકૃતિની છોળો ઊડતી હોય, ધુમ્મસિયા વાતાવરણમાં હરણ રસ્તા વચ્ચે જ આપણી સામે અણિયાળા કાન ઊંચા કરીને નિહાળતું નજરે ચઢી જાય. કેમેરો તાકીએ કે ચપળતાથી દોડીને જંગલમાં ભાગી જાય. અહીં એક ખૂણામાં સૂકાં ઝાડ પર સૂડાઓને જોવાની અલગ મજા પડે. પોતાના આગવા તોફાની મિજાજમાં સૂડાઓ અહીં પ્રેમરત હોય એટલે કેમેરા લઈને પેપેરાઝી બની ગયો. આ લોકોની અંગત પળોને કેમેરામાં કંડારીએ એવો મોકો ભરતપુરમાં સરળતાથી મળે. એકમાંથી નવરા થઈએ કે કોઈ પક્ષીનો નર માદાને રીઝવવા માટે કંઈક ખાવાનું લઈને આપે કે કોઈક નર પાણીમાં નાચીને કર્ટસી ડિસ્પ્લે કરતો દેખાય તો વળી પાછો કોઈ નર પીંછાં ફેલાવીને પોતાનું રૂપ દર્શાવે તો કોયલનો નર ઊંચા સાદે ગાઈને માદાને આકર્ષવા માટે પ્રયત્નો કરે. અહીં પ્રકૃતિના દરેક સભ્યોની પ્રેમ વ્યક્ત કરવાની રીત ખુબ જ સહજ હોય છે. મહોરાં પહેરેલો પ્રેમ નથી હોતો. જંગલ મને એટલે જ ગમે છે કે અહીંયા જે છે તે જ વાસ્તવિક છે અને બધા જ એને કુદરતના નિયમ મુજબ જ સ્વીકારે છે. અહીં દરેક પક્ષી કે પશુ જાણે છે કે તેઓ કોઈને કોઈનો શિકાર તો બનશે જ. અહીં માછલીઓ પણ જાણે છે કે તેઓ કોઈકનો કોળિયો તો બનશે જ અને એ સહજતાથી સ્વીકારે પણ છે. આ લોકો પણ એકબીજા સાથે હરીફાઈમાં ઊતરે છે પણ અહીંની હરીફાઈ જીવન ટકાવી રાખવા માટે હોય છે, નહીં કે બીજાને પછાડીને આગળ વધવા માટે. સહેજ આગળ ધપ્યો કે દૂર એક પથ્થરની ટોચ પર ક્રેસ્ટેડ સર્પન્ટ ઇગલ પોતાના મજબૂત પંજામાં અજગરના બચ્ચાને જોરથી દબાવીને શાંતિથી બેઠો છે. કુદરતના નિયમને સહજતાથી માણ્યો અને કેટલાક ફોટોગ્રાફ લઈને આગળ ઝાડની ડાળી પર હલચલ દેખાઈ કે નજર કરી તો જેને હું ઘણા સમયથી શોધી રહ્યો હતો એવું ડસ્કી ઇગલ આઉલ નજરે ચઢ્યું. જેકપોટ મળ્યો હોય એમ ખુશ થઈને ફોટોગ્રાફ લઈને આગળ વધ્યો. સારસ ક્રેન એકબીજા સાથે મગ્ન હોય એવા દૃશ્યો ભરતપુરમાં ખુબ જ સરસ રીતે માણી શકાય. અહીં સારસને બચ્ચા સાથે મહાલતા જોયા અને લગભગ કલાક સુધી મન ભરીને એમને જોયા કર્યાં. છેલ્લે સૂરજ ક્ષિતિજ પર આવીને પાર્કને સોનેરી ઓપ આપી રહ્યો હતો ત્યારે પરત ફરવાનું નક્કી કરી સાઇકલને પેડલ માર્યાં. રસ્તામાં જે ઝાડ પાર આવતાં જ ચીબરી દેખાઈ હતી હવે ત્યાં એના સાથીદાર પણ હતા. છેલ્લે ભરતપુરના વેટલેન્ડ વિસ્તારમાં સૂર્યાસ્ત જોવાનું નક્કી કર્યું. ડાર્ટર જગ્યા બનવીને સૂકા ઝાડ પાર બેઠું હતું. પક્ષીઓના ટોળા માળા તરફ પરત ફરી રહ્યા હતા. નીલગાય પાણીમાં ચક્કર લગાવી રહી હતી. વાદળાઓ સૂરજને વશમાં કરવાની નાહક કોશિશ કરી રહ્યાં હતાં અને હું પ્રકૃતિના નશામાં ચૂર-ચૂર હતો. ઢળતા સૂરજમાં પ્રકૃતિની આંખ આપણને જોતા જોતા જાણે કશુંક કહી રહી હોય એવો જ કંઈક આભાસ અહીંયા થાય છે.

કઈ રીતે પહોંચશો ભરતપુર?
ભરતપુર રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની બોર્ડર પર આવેલું નગર છે. અહીં પહોંચવા માટે દિલ્હી જતી દરેક ટ્રેન અહીં ઊભી રહે છે. આ સિવાય નજીકમાં જ આગ્રા છે, ફતેહપુર સિક્રી પણ છે. ભરતપુર નેશનલ પાર્કની એન્ટ્રી ટિકીટ ખાલી 50 રૂપિયા જ છે. આ સિવાય ત્યાં સાયકલ નજીવા ભાડેથી મેળવી શકાય છે. હાથ સાઅકલ સાથે ડ્રાઈવર્સ પણ અહીંયા મળી રહે છે. ભરતપુર નેશનલ પાર્કમાં પણ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ છે, જે રાજસ્થાન વન વિભાગની વેબસાઈટ https://sso.rajasthan.gov.in/ પર બુક કરી શકાશે. આ સિવાય, પાર્કની બહાર ઘણા સારા રિસોર્ટ્સ અને હોટેલ્સ પણ ઉપલબ્ધ છે. ભરતપુરમાં ખાવા-પીવા માટે રાજસ્થાનનું બેસ્ટ મેન્યૂ પણ મળી રહે છે. ગુજરાત અને રાજસ્થાન ખાણી-પીણી બાબતે લગભગ એક સરખું જ છે પણ અહીં દાલબાટીનો સ્વાદ અચૂક માણવા જેવો છે, જે હાઇવે પર જ દરેક ઢાબામાં સરળતાથી મળી રહે છે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો