સુખનું સરનામું:મારી ઇચ્છા કરતાં હરિ ઇચ્છા વધુ સારી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક સ્ત્રી પોતાનાં નાનાં બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખૂબ ગમ્યું. વેપારીને તો જાણે કે આખા દિવસનો થાક ઊતરતો હોય એમ લાગતું હતું. વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મગાવી. ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યું, ‘બેટા, તારે જેટલી ચોકલેટ જોઇતી હોય એટલી તારી જાતે લઇ લે.’ છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક દરેક વખતે ના પાડતો રહ્યો.

બાળકની મા દૂર ઊભી ઊભી આ ઘટના જોઈ રહી હતી. બાળકની પાસે જઈને એની માતાએ કહ્યું, ‘બેટા, અંકલ બહુ પ્રેમથી તને ચોકલેટ આપે છે એ લેવામાં વાંધો નહીં.’ બાળકની માતાની વાત સાંભળ્યા બાદ દુકાનદારે બાળકને કહ્યું, ‘બેટા, હવે તો તારાં મમ્મીએ પણ તને છૂટ આપી છે. તારે જેટલી ચોકલેટ જોઇતી હોય એટલી આ બરણીમાંથી લઇ લે.’ છોકરાએ કોઈ જવાબ ન આપ્યો એટલે થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઈ લીધી. વેપારીનો આભાર માનીને કૂદતો કૂદતો પોતાની મા પાસે જતો રહ્યો.

છોકરાની માએ આ જોયું એટલે એને આશ્ચર્ય થયું કે બાળકને એમના હાથે ચોકલેટ લેવાનું કહ્યું તો ના લીધી અને દુકાનદારે સામેથી આપી તો તરત લઇ લીધી. બાળકે આવું કેમ કર્યું એ જાણવા માટે દુકાનેથી પાછા ફરતી વખતે માએ બાળકને પૂછ્યું, ‘બેટા, તને પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા ત્યારે તું ચોકલેટ લેવાની ના પાડતો હતો અને જ્યારે એમણે સામેથી ચોકલેટ આપી તો તે લઇ લીધી. આવું કેમ કર્યું, બેટા?’ છોકરાએ પોતાનો હાથ માને બતાવતાં કહ્યુ, ‘જો મમ્મી મારા હાથ કેટલા નાના છે. મેં મારી જાતે જ બરણીમાં હાથ નાખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત, પણ અંકલના હાથ તો બહુ મોટા હતા. એટલે એમણે મુઠ્ઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઇ ગયો. જો મેં મારી જાતે ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી, પણ અંકલે એમના હાથે આપી તો મને કેટલી બધી વધુ ચોકલેટ મળી.’

આપણા હાથ કરતાં ઉપરવાળાનો હાથ અને હૈયું બંને બહુ મોટાં છે, માટે માગવાને બદલે શું આપવું એ એના પર છોડી દેવું જોઇએ. આપણી જાતે લેવા જઇશું તો નાની મુઠ્ઠી ભરાય એટલું મળશે અને એના પર છોડી દઇશું તો ખોબો ભરાય એટલું મળશે.

કુદરતે આ સૃષ્ટિના સંચાલન માટે એક સોફ્ટવેર તૈયાર કરેલું છે અને એ સોફ્ટવેર અવિરત પણે એમની રીતે કામ કર્યા રાખે છે. આપણી પોતાની પંડિતાઇનું પ્રદર્શન કરવાને બદલે જાતને એમના હવાલે કરી દેવી જોઈએ તો જીવન જીવવાની વધુ મજા આવે. ભગવાન જે કંઇપણ કરતા હોય છે એ સારા માટે જ હોય છે એ સમજ જીવનને વધુ સરળતાથી જીવવામાં સહાયરૂપ થાય છે. જીવનમાં બનતી કોઇપણ ઘટનાઓ પાછળના ગૂઢ રહસ્યને આપણે નથી સમજી શકતા એટલે એ ઘટના બને ત્યારે દુઃખી થઇએ છીએ પણ પાછળથી સમજાય છે કે તે સમયે બનેલી ઘટનાએ ભલે મને દુઃખી કર્યો, પણ એના કારણે જ આજે હું વધુ સારી સ્થિતિમાં છું.

થોડા સમય પહેલાં કાલાવડમાં આયોજીત એક લોકડાયરાના પ્રોગ્રામમાં લગભગ 5 કરોડ જેટલી રકમ ઉડાડવામાં આવી. કેટલાય લોકોએ એની ટીકા પણ કરી. કેટલાકે રૂપિયા ઉડાડનારાને ત્યાં ઇન્કમ ટેક્સવાળાએ દરોડા પાડવા જોઇએ એવી વાતો પણ કરી. જેમણે આ પૈસા ઉડાડ્યા એ લોકોનો ઇતિહાસ તપાસવા જેવો છે. થોડાં વર્ષો પહેલાં એમના જીવનમાં એવા તોફાનો આવ્યાં હતાં કે ગુજરાતમાં રહેવું એમના માટે શક્ય નહોતું. સલામતી માટે અને જીવન નિર્વાહ માટે માદરેવતન છોડીને આફ્રિકામાં કામ કરવા માટે જવું પડ્યું. એમના જીવનમાં આ ઘટના બની ત્યારે એને કેવી તકલીફ પડી હશે? વતન છોડીને પરાયા દેશમાં મજૂરી કરનારને કેવી પીડા થઇ હશે. એ વખતે એને ભગવાનને કદાચ ખૂબ ગાળો પણ આપી હશે કે મારી સાથે તે આવુ કેમ કર્યું? પણ આજે તમે એમને પૂછો તો કહેશે કે જો ભગવાને અમને ગુજરાત છોડવા મજબૂર ન કર્યાં હોત તો આજે અમે જે મેળવી શક્યા છીએ તે ન જ મેળવી શક્યા હોત!

મને મારા જીવનની એ ઘટના બરાબર યાદ છે. ગોલ્ડ મેડલ સાથે બી.કોમ. અને ઉચ્ચ ગુણાંક સાથે એમ.કોમ. કર્યા બાદ ગોંડલની મહિલા કોલેજમાં વ્યાખ્યાતાની ભરતીમાં મેં ઉમેદવારી નોંધાવી હતી. મારે એમ.કોમ. પૂરું થયું અને એ જ વખતે જાહેરાત આવી એટલે ભગવાને મારા પર કૃપા કરી હોય એમ મને લાગતું હતું. મારા માનવા પ્રમાણે મેરિટના સંદર્ભમાં હું લાયક ઉમેદવાર હતો. પરંતુ શું થયું તે પ્રભુ જાણે, મારી કે મારા જેવી જ લાયકાત ધરાવતા મિત્ર પુષ્કરભાઇ રાવલ જેવાની પસંદગી થવાને બદલે કોઈ બીજા જ મિત્રની પસંદગી થઇ બધાને આંચકો લાગ્યો, પણ મને જરા વધુ આંચકો લાગ્યો. મને સતત એવું લાગતું હતું કે મારી પાસે વતનમાં જ વ્યાખ્યાતા બનવાની એક સરસ મજાની તક હતી, પણ એ તક હાથમાંથી ચાલી ગઈ. સાવ મોઢા સુધી આવેલો કોળિયો કોઇએ છીનવી લીધો હોય એવું લાગતું હતું. હું સૂનમૂન બનીને આંટા મારતો. એક મિત્રએ મને એ વખતે કહેલું, ‘એલા, એક નોકરીની તક હાથમાંથી ચાલી ગઈ એમાં આમ ગાંડા જેવો શું થઈ ગયો છે? તારે જે જોઈએ છે એના કરતાં ભગવાને કદાચ તને વધુ આપવું હશે એટલે તને ભગવાને આ નોકરી ન આપી.’ તે સમયે મિત્રની સૂફિયાણી વાતો સાંભળીને તેના પર ખૂબ દાઝ ચડતી હતી, પરંતુ આજે સ્પષ્ટપણે અનુભવાય છે કે ભગવાને મને તે સમયે નોકરી ન આપીને મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો હતો. જો મને એ નોકરી મળી ગઇ હોત તો હું ક્લાસ-1 અધિકારી ન હોત અને આજે આ લેખ પણ ન લખ્યો હોત. મારી જેમ જ આ નોકરી પુષ્કર રાવલને મળી હોત તો એ પણ આજે રાજકોટની એક નામાંકિત શાળાના સંચાલક ન હોત! આ અનુભવ માત્ર મારા એકલાનો નહી મારા જેવા અનેક લોકોનો હશે.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)