નેટસ્કેપ:દુનિયાની સૌથી આકર્ષક ઓડિયો સોશિયલ સાઇટ Clubhouseના સભ્ય બનો, Scrollstack પર એક ક્લિકથી બ્લોગ બનાવો અને વ્હોટ્સએપ પર શેર કરો!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

Clubhouse: આવાઝ કી દુનિયા કે દોસ્તો
યે ક્લબહાઉસ-ક્લબહાઉસ ક્યા હૈ? દુનિયાની સૌથી મોટી ડેમોક્રેટિક ક્લબમાં તમારું સ્વાગત છે. આજકાલ ચારેકોર એક નવા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ચર્ચા છે. નામ છે ‘ક્લબહાઉસ’. એપલ ios યુઝર્સ માટે તો ક્લબહાઉસ રિલીઝ થયાને ઘણો સમય થયો. પરંતુ એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ક્લબના દરવાજા ગયા અઠવાડિયે જ ખૂલ્યા અને એવી તો ભીડ ઊમટી પડી કે ક્લબ રાતોરાત છલકાઈ ગઈ. અહીં સ્ટેટસ, રંગ, ધર્મ, જાતિ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમે પ્રવેશ મેળવી શકો છો, અને તમારા ‘મન કી બાત’ લિટરલી બોલીને કહી શકો છો.

ચારેકોર જેની ચર્ચા છે એવું આ ક્લબહાઉસ છે શું? ક્લબહાઉસ એક ઓડિયો ચેટરૂમ ધરાવતી સોશિયલ મીડિયા એપ છે, જેમાં લોકો પોતે પોતાનો અલગ અલગ ચોરો રચીને એમાં ચર્ચાઓ કરી શકે. અરે, એવું તો ફેસબુક પર ગ્રૂપ બનાવીને પણ થતું જ હતું ને? હા થતું હતું પણ લેખિત સ્વરૂપે, મૌખિક સ્વરૂપે બોલીને નહીં!

તમે ક્યારેય કોઈ લિટરેચર ફેસ્ટિવલમાં ગયા છો? તો તમને જાણ હશે કે ત્યાં આવા નાના નાના 4-5 મંડપ બાંધ્યા હોય અને ચોરો બનાવ્યો હોય. આ મંચ પર એક વિષય નક્કી કરીને તેના એક્સપર્ટ્સ બોલાવવામાં આવ્યા હોય અને આ બધા એક્સ્પર્ટ્સ જે તે નક્કી કરેલા વિષય અંગે ચર્ચા કરતા હોય છે. મૂળ આવી ચર્ચાઓનો હેતુ જ્ઞાન વધારવાનો, વહેંચવાનો હોય છે. મંથન, ચર્ચા એ પરંપરા ભારતમાં સદીઓથી ચાલી આવે છે. સદીઓ પહેલાં જ્ઞાની-વિદ્વાન ઋષિ મુનિઓ ચર્ચા-વિચારણા કરીને એકબીજા પાસે રહેલું જ્ઞાન વહેંચતા અને આવી ચર્ચાઓમાંથી મળેલું જ્ઞાન પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓ-શ્રોતાઓ ધન્યતા અનુભવતા અથવા તેનું આચરણ કરીને જીવનમાં આગળ વધતા. ક્લબહાઉસની શરૂઆત થવાથી લોકો પોતે જ હવે પોતાનો ચોરો ખોલીને, પોતાના મિત્રોને કે ફોલોઅર્સને એકઠાં કરીને ચર્ચાઓ કરી શકશે. મૂળ તો આપણે શેરી-સોસાયટીમાં ઓટલા પરિષદ થતી હતી એ ધીમે-ધીમે ફેસબુક પર શિફ્ટ થઈ અને હવે લોકોના હાથમાં માઇક આવશે એટલે એ ક્લબહાઉસ પર શિફ્ટ થશે. ક્લબહાઉસ પર આવા જે જે મંચ બંધાય છે એને રૂમ કહેવામાં આવે છે. આ દરેક રૂમમાં ચાહે એટલા લોકો જોડાઈ શકે છે. આવા હજારો રૂમ ક્લબહાઉસ પર છે જેમાં તમે નામ આપો એ દરેક વિષય પર ચર્ચા થતી જોવા મળે છે. ચાહે એ એડવર્ટાઈઝમેન્ટ હોય, બિટકોઈન હોય, માર્કેટિંગ,ફાઇનાન્સ, મેડિટેશન, બુક ક્લબ, સિનેમા ક્લબ કે કોમેડી ક્લબ, વાઇન ક્લબ કે બિયર ક્લબ હોય, આ બધું જ ચાલે છે. સામે છેડે ટ્રુથ એન્ડ ડેર રમતા લોકો પણ છે.

હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની. ચર્ચાઓ તો આખી દુનિયામાં થાય છે, પણ એમાંથી તમે શું પ્રાપ્ત કરો છો એ મહત્ત્વનું છે. દરેક સોશિયલ મીડિયા એપ આવે છે, થોડો સમય ચર્ચા જગાવે છે અને પછી ધીમે-ધીમે તેનું આકર્ષણ ઓછું થતું જાય છે. આવી ઘણી એપ્સ, વેબસાઈટ્સ, પોડકાસ્ટ, યુટ્યુબ વીડિયોઝ પહેલાંથી ઉપલબ્ધ છે જ. આ બધા પર ક્ષણે ક્ષણે જ્ઞાન વર્ષા થતી રહે છે. પરંતુ તમે આમાંથી કેટલું પ્રાપ્ત કરી શકો છો એ મહત્ત્વનું છે. ઘણા સોનાની ખાણ જેવા યુટ્યુબ વીડિયોઝ પર 2-5 હજાર વ્યૂઝ માંડ હોય છે. જ્યારે પ્રોપેગન્ડા ફેલાવતી ચેનલોના વીડિયોઝ પર લાખો વ્યૂઝ હોય છે. હા, દરેક નવી એપની ખાસિયત એ હોય છે કે એ જ્યારે ચર્ચા જગાવે છે ત્યારે કેટલાક નવી ધારાના લોકો એમાં જોડાય છે. આવા જ્ઞાની લોકોના રૂમમાં તમે પ્રવેશ મેળવીને એમની ચર્ચાઓ સાંભળો અને એ જ્ઞાનને જીવનમાં અમલમાં મૂકી શકો તો વેલ એન્ડ ગુડ. બાકી આવી હજારો એપ્સ આવી જાય તો પણ મારા-તમારા જીવનમાં ખાસ લાભ થવાની શક્યતા નથી. આ આપણી નવી પેઢીના આશીર્વાદ ગણો તો આશીર્વાદ અને શ્રાપ ગણો તો શ્રાપ. ચારેકોર કન્ટેન્ટનો રાફડો ફાટયો છે પણ ભગવાને આંખો બે જ આપી છે અને સમય માત્ર 24 કલાક!

ક્લબહાઉસ એ ગ્રૂપ ડિસ્કશન, Ted Talks, Josh Talks, Talks at Googleનું જ મોડિફાય કરેલું વર્ઝન છે
ક્લબહાઉસ એ ગ્રૂપ ડિસ્કશન, Ted Talks, Josh Talks, Talks at Googleનું જ મોડિફાય કરેલું વર્ઝન છે

મુખ્યત્વે ક્લબહાઉસ એ ગ્રૂપ ડિસ્કશન, Ted Talks, Josh Talks, Talks at Google વગેરેનું જ મોડિફાય કરેલું વર્ઝન છે. માત્ર એટલું જ કે આ ચર્ચાઓના સીધા પ્રસારણમાં તમે જોડાઈ શકો. તમે કેવા લોકોને ફોલો કરો છો એના આધારે તમે આ એપનો વધુમાં વધુ લાભ લઈ શકશો. મુખ્યત્વે આ બધા જ સોશિયલ મીડિયા એપ્સનો પૂરેપૂરો ફાયદો તમે ત્યારે જ ઉઠાવી શકો જો તમે તમારા મુખ્ય વર્તુળમાંથી કે Echo Chambersમાંથી બહાર આવી શકો. બાકી જે વ્યક્તિઓ સાથે તમે ઓરકુટ પર જોડાયેલા હતાં તેમની સાથે જ તમે ફેસબુકમાં પણ જોડાઓ અને એ જ લોકો સાથે તમે ટ્વિટર કે ક્લબહાઉસ પર જોડાઓ તો કોઈપણ માધ્યમ હોય, તમારા વિચારોમાં અને જીવનમાં ખાસ પરિવર્તન આવવાનું નથી. મિત્રો સાથે કનેક્ટેડ રહેવા માટે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો એ સમય વર્ષ 2007-2008માં વીતી ગયો. હવે તો તમે વ્હોટ્સએપના માધ્યમથી પણ મિત્રો સાથે જોડાયેલા રહી શકો છો. મારા મતે સોશિયલ મીડિયાની નવી પરિભાષા learning platform તરીકે કરવી જોઈએ. આ દરેક માધ્યમનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને તમે નવા લોકો સાથે જોડાઈ શકો અને કંઈક નવું શીખી શકો તો સમયનો સદુપયોગ કર્યો ગણાશે. પછી એ તમારાં લગ્ન બાદ જવાબદારીઓ ઉપાડતાં ઉપાડતાં ભુલાઈ ગયેલા જૂના શોખ હોય કે જવાબદારીઓથી મુક્ત થયા બાદ ઊગી નીકળેલા નવા શોખ હોય!

ક્લબહાઉસની જાહેરાત થતાંની સાથે જ ટ્વિટરે પોતાનું spaces નામનું ફીચર લોન્ચ કરી દીધું છે. જે ક્લબહાઉસને મજબૂત ટક્કર આપી રહ્યું છે. ભવિષ્યમાં ફેસબુક પણ આવું કોઈ ફીચર લઈને આવે તો નવાઈ નહીં કારણ કે, આવી મજબૂત સોશિયલ મીડિયા એપ્સ પાસે પોતાનો યુઝર બેઝ તો હોય જ છે, એટલે ત્યાં માત્ર engagement વધારવાની જ મથામણ રહે. Spotify અને અન્ય એપ્સ પણ આવી સુવિધા ઉમેરવાની તૈયારી કરી રહ્યા છે. મોટા મોટા દરેક કોર્પોરેશન આ વહેતી ગંગામાં હાથ ધોવા કૂદી પડવાના છે જ એટલે માઈક્રોસોફ્ટ કંઈક લાવે અથવા ગૂગલ પણ યુટ્યુબના માધ્યમથી આવી કોઈ શરૂઆત કરે તો નવાઈ નહીં. ભવિષ્યમાં આ ક્લબહાઉસ પર રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં કોઈ ખેતીવાડી ખાતાનો અધિકારી ખેતીવાડીના નવા સંશોધનો અંગે ચર્ચાનું આયોજન કરે તેમાં પશ્ચિમ બંગાળનો ખેડૂત જોડાય કે પછી શ્રીલંકામાં બેઠેલો કોઈ સંગીતકાર રાવણવીણા અંગેની ચર્ચા છેડે અને ભારત તથા નેપાળમાંથી સંગીત રસિયાઓ જોડાય એ દિવસો બહુ દૂર નથી. અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ અને જ્યાં સુધી પાર્ટી ચાલે છે ત્યાં સુધી મજા માણી લો.

Scrollstack: બ્લોગ બનાવો, પૈસા પણ બનાવો
માત્ર એક ક્લિક વડે તમારો પોતાનો બ્લોગ બનાવો અને વ્હોટ્સએપ પર શેર કરો. મુખ્યત્વે જ્યારે તમે બ્લોગ બનાવો છો ત્યારે તેના માર્કેટિંગ માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી. તમારે પોતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો પ્રચાર કરવો પડે. Blogger અને wordpress જેવા જૂનાં પ્લેટફોર્મ્સ તો છે જ, વચ્ચે tumblr પણ આવ્યું હતું. પરંતુ હવે નવા જમાનામાં જેમ-જેમ કન્ટેન્ટની બોલબાલા વધી રહી છે તેમ-તેમ તેને લોકો સુધી પહોંચાડવા માટેનાં પણ અવનવા માધ્યમો પ્રગટ થઈ રહ્યાં છે. જો તમે લેખન, વીડિયો કે ઓડિયો માટેનો કોઈ બ્લોગ બનાવવા માગતા હો તો Scrollstack એ તમારા માટે એકદમ યોગ્ય માધ્યમ છે. પ્રસિદ્ધ મીડિયા કંપની Scroll દ્વારા જ આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં તમે કોઈપણ ભાષામાં તમારા બ્લોગને રજૂ કરી શકો છો. આ સિવાય વીડિયો કે ઓડિયો બ્લોગ બનાવવાની સુવિધા પણ ખરી. Scrollના જણાવ્યા મુજબ, તેના 11 લાખ જેટલા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચવાનો પણ આ સૌથી સરળ માર્ગ છે.

Scrollstackમાં તમે ટ્વિટરની જેમ અન્ય બ્લોગધારકોને ફોલો કરી શકો છો. દરેક બ્લોગપોસ્ટ માટે તમે સ્વતંત્ર રીતે ફી નક્કી કરી શકો છો. એટલે કે તમારો બ્લોગ ભલે મફત હોય પરંતુ કોઈક પોસ્ટ માટે તમે 10-20 કે 50 રૂપિયા ચાર્જ કરવા માગતા હો તો એ પણ કરી શકો છો અને પોસ્ટને ફ્રી રાખવી હોય તો એ પણ શક્ય છે. રસપ્રદ બાબત એ છે કે આવા માધ્યમો લેખકો તથા સર્જકોને મોટા પ્રકાશકો કે પ્લેટફોર્મ્સની દાદાગીરીથી દૂર રાખીને સ્વતંત્રરૂપે પોતાના વિચારો પ્રગટ કરવામાં મદદરૂપ બને છે. બ્લોગિંગ માટેના અન્ય પ્લેટફોર્મ્સ જેવા કે substack, ghost, revue, blogger વગેરે મુખ્યત્વે ઇ-મેઇલ ડિસ્ટ્રીબ્યુશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. એટલે કે એમાં એવું ધારી લેવામાં આવે છે કે, સર્જક પોતે ઇ-મેઇલના માધ્યમથી પોતાના વાચકો સુધી વાંચનસામગ્રી પહોંચાડશે.

અહીં આખો આર્ટિકલ કે પોસ્ટ વ્હોટ્સએપના માધ્યમથી શેર કરી શકાય છે. એટલે જો તેને ફોરવર્ડ કરો તો તેને વ્હોટ્સએપમાં જ વાંચી શકાય છે
અહીં આખો આર્ટિકલ કે પોસ્ટ વ્હોટ્સએપના માધ્યમથી શેર કરી શકાય છે. એટલે જો તેને ફોરવર્ડ કરો તો તેને વ્હોટ્સએપમાં જ વાંચી શકાય છે

જ્યારે scrollstackને વ્હોટ્સએપ તથા અન્ય મેસેન્જરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આમ, આ કન્ટેન્ટનો પ્રચાર પ્રસાર માત્ર લેખક સુધી મર્યાદિત ન રહેતાં તેને વાચકોની મદદથી પણ વધુ લોકો સુધી અને વધુ ઝડપથી પહોંચાડી શકાય છે કારણ કે, મેસેન્જર્સ કે વ્હોટ્સએપનો ઉપયોગ લોકો વધુ પ્રમાણમાં અને સરળતાથી કરે છે, જેનું ઇ-મેઇલ અકાઉન્ટ ન હોય એવા લોકો પણ વ્હોટ્સએપનો ઉપયોગ તો કરે જ છે. આમ, અહીં સર્જકને મોટું માર્કેટ મળે છે. જ્યારે તમે અન્ય પ્લેટફોર્મ્સ પર બ્લોગ બનાવો છો ત્યારે તેને વ્હોટ્સએપ પર શેર તો કરી જ શકાય છે, પરંતુ તેમાં માત્ર લિંકનો સમાવેશ થાય છે. જ્યારે અહીં Scrollstack પર આખા આર્ટિકલ કે પોસ્ટને વ્હોટ્સએપના માધ્યમથી શેર કરી શકાય છે. જેથી, તેને ફોરવર્ડ કરવામાં આવે ત્યારે તેને વ્હોટ્સએપમાં જ વાંચી શકાય છે. વ્હોટ્સએપ છોડીને અન્ય browserમાં તેને open કરવાની જરૂર રહેતી નથી. આમ, મુખ્ય સર્જક કે લેખક છેક સુધી પોતાના આર્ટિકલ કે પોસ્ટ સાથે જોડાયેલો રહે છે. લોકો પોતાના નામે ચઢાવીને ફેરવી શકતાં નથી, જે પરિણામે નવા વાચકો, ભાવકોને ખેંચી લાવવામાં મદદરૂપ થાય છે અને સર્જકનું ઓડિયન્સ વધે છે. ગુજરાતી ભાષાના સર્જકોએ આ માધ્યમનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ અને ધીમે-ધીમે ઓડિયન્સને paid content તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી મફતમાં, સસ્તામાં કે પ્લેટફોર્મ પૂરું પાડવાના નામે સર્જકોનું જે શોષણ થઈ રહ્યું છે તે બંધ થાય.
tusharacharya2611@gmail.com
(લેખક ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ટરનેટની દુનિયાના બાશિંદા અને યુવા આંત્રપ્રેનર છે)