તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Be The 'Einstein' Of Knowledge From Around The World, Not The 'Gajini' Of Passwords, Have The Perfect Password And Read Editorials From Publications Around The World.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેટસ્કેપ:પાસવર્ડના ‘ગજિની’ નહીં, વિશ્વભરનાં નોલેજનાં ‘આઇન્સ્ટાઇન’ બનો, પર્ફેક્ટ પાસવર્ડ રાખો અને વિશ્વભરનાં પ્રકાશનોના તંત્રીલેખો વાંચો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશ દુનિયાના પ્રતિષ્ઠિત અંગ્રેજી પ્રકાશનોના તંત્રી લેખો વાંચવા માટેનું ઉત્તમ સ્થાન એટલે opeddiction

અત્યારે કોલેજો શરૂ થવાની સિઝન છે. યુવાનીનો નવો ફાલ ઊતરી રહ્યો છે. કોરોનાના કારણે રંગમાં ભંગ પડ્યો છે, પણ ઓનલાઈન ક્લાસ તો ચાલુ થઈ જ ગયા છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય એટલે દરેક કોલેજની યુવાનીનો સમંદર હિલોળા લેતો દેખાય, જુવાનિયાઓ અનેક અરમાનો લઈને કોલેજમાં આવ્યા હોય, ભૂક્કા કાઢી નાંખીશું, પાર્ટીઓ કરીશું, આ મેળવી લેવું છે, તે મેળવી લેવું છે, દુનિયાને દેખાડી દેવું છે વગેરે વગેરે. આ જ સમયે એક માઈગ્રેશન પણ શરૂ થાય છે. ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી મીડિયમમાં ટ્રાન્સફર લેતાં હોય છે. અત્યાર સુધી તો લેતાં આવ્યા છે. કારણકે અગાઉ નાનાં શહેરો અને ગામડાંઓમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો ન હતી એટલે મોટાભાગના બાળકો માતૃભાષામાં જ ભણ્યા હોય પણ જો અભ્યાસનું માધ્યમ બદલ્યું હોય તો એક પડકાર કોલેજમાં તમારી રાહ જોઈને ઊભો હોય. એ છે અંગ્રેજી ભાષાનો. અને કોલેજ પૂર્ણ થયા પછી પણ એ વેતાળની જેમ સતત તમારી પીઠ પાછળ જ ચોંટેલો જ રહેવાનો છે એટલે એની સાથે મિત્રતા કેળવવામાં જ શાણપણ છે.

અંગ્રેજી માધ્યમની કોલેજોમાં આવતાંની સાથે જ ઘણા વિદ્યાર્થીઓ હેબતાઈ જાય છે. અમુકને એમ થાય કે આ કેમ કરીને પાર પડશે? ઘણા અધવચ્ચે ભણવાનું છોડીને પાછા ગુજરાતી માધ્યમની કોલેજોમાં એડમિશન લઈ લે. પરંતુ નાનપણથી અંગ્રેજી મીડિયમમાં ભણેલા છોકરાં ક્યાં જાય? બાય ધ વે આમાં કોઈ અપવાદ નથી. તમે એમ માનતા હો કે એમને તો અંગ્રેજી આવડે તો તમે ખાંડ ખાઓ છો. આપણે ત્યાં અને ખાસ કરીને ગુજરાતમાં તો અંગ્રેજી મીડિયમમાં ભણેલા છોકરાંઓને પણ ઇન્ટરમીડિયટથી એડ્વાન્સ લેવલના અંગ્રેજીના ફાંફા જ હોય છે. અને એમ રણ છોડીને તો થોડું ભાગી જવાય, યાર? લડવાનું હોય. પણ આ લડવાની મઝા ત્યારે આવે જ્યારે કોઈ સાચો સેનાપતિ સાથે હોય. ક્યારેક કોલેજમાં કોઈ પ્રોફેસર કે સિનિયર એ સેનાપતિ બને. એ તમને એમ કહે કે ભાઈ અંગ્રેજી છાપાં વાંચો, અંગ્રેજી ન્યૂઝ ચેનલો જુઓ અને જેવું આવડે એવું, મિત્રો - પરિવારજનોની સાથે ખોટું તો ખોટું, પણ અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરો. કારણકે બોલ્યા વગર અંગ્રેજી આવડવાનું નથી એ હકીકત છે. ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસમાં પણ એ જ અંતે તો તમને એ જ કરાવવાના છે. અને સાચું કહું તો મેં તો કોઈને પણ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ કરીને શશી થરૂરની જેમ ફાંકડું અંગ્રેજી બોલતાં જોયા નથી. અમુક પ્રોફેસર્સ એનાથી એક ડગલું આગળ વધીને તમને એમ કહેશે કે ન્યૂઝપેપરમાં જે એડિટોરિયલ આવે છે એ વાંચો. હા, દરેક છાપામાં એક એડિટોરિયલ આવે છે અને ‘ઓપિનિયન’ નામનું એક પેજ આવે છે. આ બંને પાનાં મોટાભાગે દરેક ન્યૂઝપેપરમાં હોય જ છે. જે દરેક ન્યૂઝપેપરનું હાર્દ હોય છે. મંથન થાય એટલે એમાંથી અમૃત નીકળે. આ મનોમંથન મોટાભાગે છાપાંઓમાં ઓપિનિયન પેજ પર થતું હોય છે. એટલે તમે આ ઓપિનિયન પેજ વાંચો તો એમાંથી તમને ભાષા સાથેનો પરિચય થાય અને શબ્દભંડોળ એટલે કે vocabularyમાં સુધારો થાય.

કોઈપણ ભાષાને સારી રીતે બોલવા માટે તમારું શબ્દભંડોળ સમૃદ્ધ હોય તે ખૂબ જરૂરી છે. અહીંયા તમે કહેશો કે અમે કેવી રીતે નક્કી કરીએ કે શું વાંચવું? વેલ, ભારતના અને દુનિયાભરના પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર્સ કે મેગેઝિન્સ વાંચો. આપણે અંગ્રેજી ન્યૂઝ પેપર કે મેગેઝિન વાંચવાનાં છે એટલે દુનિયાભરમાંથી ઘણા વિકલ્પો મળી રહે છે. લેકિન કિન્તુ પરંતુ આ પૈકીનાં ઘણા બધા પબ્લિકેશન્સ હવે pay-wallની પાછળ છુપાઈ ગયા છે. એટલે કે પ્રતિષ્ઠિત પ્રકાશકોએ પોતાના છાપાં કે મેગેઝિનનું મોટાભાગનું કન્ટેન્ટ paid કરી નાખ્યું છે. મીઠાઈવાળાની જેમ ક્યારેક તમને સેમ્પલ ચખાડે પણ બધું જ મફતમાં ન આપે. વળી આ પૈકીનું ઘણું બધું કન્ટેન્ટ મોંઘું પણ હોય છે. એટલે સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓને પોસાય એ તો શક્ય નથી. તો શું કરવું? વેલ આનો એક રસ્તો છે. Opeddiction નામની એપ્લિકેશન. આ એપ્લિકેશનની મદદથી તમે દુનિયાભરના પ્રતિષ્ઠિત પબ્લિકેશન્સની સ્ટોરીઝ અને એડિટોરિયલ્સ વાંચી શકો છો. જેમાંના મોટાભાગનાં મફત છે. App કોણે વિકસાવી છે એ વિષે ખાસ વિગતો ઉપલબ્ધ નથી પરંતુ IIT ખડગપુરનું પ્રમોશનલ કન્ટેન્ટ પણ છે એટલે તેના વિદ્યાર્થીઓએ જ વિકસાવી હશે એવું માની શકાય અથવા IIT ખડગપુર દ્વારા પ્રમોટેડ હશે. આમાં ભારતનાં 16 પ્રકાશનો જેવાં કે ધ હિન્દુ, DNA, The Economic & Political Weekly, Huffington Post ઉપરાંત ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુકેના The Guardian, The New York Times, The Wall Street Journal, The Economist વગેરે ઉપરાંત Project Syndicate જેવાં લબ્ધ પ્રતિષ્ઠિત પ્રકાશનનો પણ સમાવેશ થાય છે. માત્ર એડિટોરિયલ્સ કે ઓપિનિયન જ નહીં પરંતુ ઉત્તમ લેખોની શ્રેણીમાં રાખી શકાય એવા આર્ટિકલ્સનો પણ અહીં સમાવેશ થાય છે. આ એપ હાલ તો માત્ર android માટે જ ઉપલબ્ધ છે. તો રાહ કોની જુઓ છો? ચાલો જલ્દી ડાઉનલોડ કરો, પછી કોલેજના પોડિયમમાં શશી થરૂરની જેમ sesquipedalian અને rodomontade જેવા શબ્દો વાપરીને ડિબેટ જીતીને આવો ત્યારે મને mail કરીને જણાવજો!

તમારા અલગ અલગ પાસવર્ડ્સને સુરક્ષિત રાખવા માટેની ડિજિટલ ડાયરી એટલે Zoho Vault

Zoho. આ કંપની વિષે આપણે આગળ ઘણું બધું વિગતવાર લખવાનું છે. દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડતી ઝોહો અને એના સ્થાપક શ્રીધર વેમ્બુ એ કોઈપણ સ્ટાર્ટઅપ આંત્રપ્રેનર માટે દીવાદાંડી સમાન છે. દુનિયાની મોટી મોટી ઇન્ટરનેટ કંપનીઓને હંફાવતું ઝોહો કોર્પોરેશનને ગૌરવપૂર્વક રિલાયન્સ, ટાટા ગ્રૂપ કે એચડીએફસી ગ્રૂપની હરોળમાં મૂકી શકાય. આ જ ઝોહો કોર્પોરેશન દ્વારા પોતાના શસ્ત્રાગારમાં એક હથિયારનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનું નામ છે Zoho Vault. વેલ, પહેલાં જ્યારે મોબાઈલ ફોન નહોતા આવ્યા ત્યારે લોકો પાસે લેન્ડલાઇન નંબર હતા. ઘણા લોકોને આ લેન્ડલાઇન નંબર મોઢે યાદ રહેતા. ઘણા એનો ઉપયોગ અન્ય લોકોને ઇમ્પ્રેસ કરવા માટે કરતાં હતાં.

પછી લેન્ડલાઇનની સંખ્યા વધતાં લોકોએ ડાયરી રાખવાની શરૂઆત કરી, જેમાં નંબર લખી રાખતાં. ધીરે ધીરે મોબાઈલ આવ્યા ને આપણે ડિજિટલ યુગમાં પ્રયાણ કર્યું. ત્યારે મોબાઈલ નંબર યાદ રાખવાની જફામાંથી તો મુક્તિ મળી કારણકે ફોનમાં જ નંબરો સેવ થતાં હતા. પરંતુ સ્માર્ટ ફોન આવ્યા અને એપ્સનો રાફડો ફાટયો પછી તો યાદશક્તિએ પણ હથિયાર હેઠાં મૂકી દીધાં કે ભાઈ હવે હાંઉ કરો..'ઇ આપણી લેન નહીં'. તમે લગભગ 4-5 વીડિયો સ્ટ્રીમિંગ એપ્સ, વર્ક ઈમેલ, પર્સનલ ઈમેલ, જાતભાતના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ, જો ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરતાં હો તો 2-3 બેન્ક ખાતાં, શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં હો તો એના એપ્સ, અને બીજા ઘણા બધા એપ્સનો ઉપયોગ કરતાં હશો. આ બધામાં યુઝરનેમ અને પાસવર્ડ યાદ રાખવાના હોય. આ બધા તો યાદ રહે નહીં એટલે તમે એને ક્યાંક લખીને રાખ્યા હોય અને દરેકે દરેક પાસવર્ડને તમે અલગ અલગ રાખો તોપણ એ ભૂલી જવાની શક્યતા ઘણી વધારે હોય છે. વળી, ભલે અલગ અલગ પાસવર્ડ રાખ્યા હોય પરંતુ મહદઅંશે તો એ એકબીજા સાથે મળતાં જ આવતાં હોય છે. એટલે હું પોતે જ દર અઠવાડિયે લગભગ 2-4 વખત અલગ અલગ એપમાં forgot password ના ઓપ્શન પર ક્લિક કરું છું, કારણકે ગમ્મે તેટલું યાદ રાખો, ભૂલી જ જવાય છે. તો આનો વિકલ્પ શું? ઓનલાઈન તો ક્યાંય લખીને રાખી શકાય નહીં કારણકે એ ‘hack’ થઈ જાય તો તમે ક્યાં ક્યાં, શું શું બ્લોક અને રિકવર કરવા જાઓ? ઓફલાઇન ડાયરીમાં લખીને રાખો તો એ ડાયરી તમે બધી જગ્યાએ સાથે લઈને ફરવાના નથી. તો પછી?

તો પછી તમને બતાવું છું એક ડિજિટલ લૉકર, એક ડાયરી, એક વૉલ્ટ જે તમારા બધાં પાસવર્ડને સાચવશે અને જો તમે મંજૂરી આપશો તો તમારા વતી દરેક વેબસાઇટમાં login કરતી વખતે એ યુઝરનેમ, પાસવર્ડ ભરી પણ આપશે. આ app નું નામ છે Zoho Vault. જો તમે અંગત ઉપયોગ માટે વાપરવાના હો તો આ app બિલકુલ મફત છે. આ appમાં તમને બધી જ વેબસાઇટ માટેના પાસવર્ડ અને યુઝરનેમ add કરવાની સુવિધા આપવામાં આવે છે અને આ બધા જ ડેટા પર લાગેલું હોય છે એક ખંભાતી તાળું એટલે કે master password. તમારે માત્ર આ એક master password જ યાદ રાખવાનો છે અને એ કોઈપણ સંજોગોમાં યાદ રાખવો જ પડે એમ છે. જો તમે master password ભૂલી ગયા તો કાયમ માટે તમારો ખજાનો ભૂલી જવાની ગણતરી સાથે જ આ app નો ઉપયોગ કરજો. કારણકે કંપનીના દાવા પ્રમાણે તે કોઈપણ પ્રકારનો ડેટા સ્ટોર કરતી નથી એટલે એને રિકવર કરવાની કોઈ શક્યતા નથી. Zoho Vault માત્ર પાસવર્ડ્સનો સંગ્રહ જ કરે છે એવું નથી, પાસવર્ડનો સંગ્રહ કરવા સિવાય એ તમને જોઈએ તેવા કસ્ટમાઇઝ્ડ અને અઘરા પાસવર્ડ બનાવવામાં પણ મદદ કરે છે. તમે ABCD1234@ કે પછી ex-girlfriend/boyfriendનાં નામ ધરાવતાં પાસવર્ડ રાખીને કંટાળ્યા હો તો તમને Elon Muskના છોકરાના નામ જેવા અઘરા પાસવર્ડ રાખવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. વળી ગુજરાતી રેસિપી શોમાં જેમ એન્કરો ‘મિક્સ કરો’, ‘ક્રશ કરો’ ને ‘ગાર્નિશ કરો’ બોલે છે એમ પાસવર્ડ બનાવવામાં કેટલા અક્ષરો કે આલ્ફાબેટ લેવા, કેટલા ‘સ્પેશિયલ કેરેક્ટર્સ’ લેવા અને કેટલા નંબર લેવા એવી પસંદગી કરવાની પણ આ એપ છૂટ આપે છે. આમ આ સર્વે ‘આલ્ફાન્યુમેરિક કેરેક્ટર્સ’નું મિશ્રણ કરીને એક ઘટ્ટ, મજબૂત પાસવર્ડ તૈયાર થાય છે જેને ક્રેક કરવો લગભગ અશક્ય હોય છે. આનો તમે અલગ અલગ વેબસાઇટ પર ઉપયોગ કરી શકો છો. પણ હા, આ પાસવર્ડને crack કરવો જેટલો અઘરો હોય છે તેટલો જ એને યાદ રાખવો પણ અઘરો હોય છે. એટલે એને vaultમાં સેવ કરવામાં જ ડહાપણ રહેલું છે. ભલે તમે પનામા પેપર્સ જેવી મોટી મોટી ડીલ ના કરતાં હો પણ તમારા નાનકડા બેન્ક અકાઉન્ટને સુરક્ષિત રાખવું હોય તો તમે zoho vaultનો ઉપયોગ કરી શકો છો. Zoho Corporationની app છે એટલે એની સુરક્ષા તેમજ વિશ્વસનીયતા પર મને કોઈ જ શંકા નથી. પરંતુ ઉપયોગ કરતાં પહેલાં જે ભયસ્થાનો બતાવ્યાં છે એના પર ધ્યાન આપવાનું ભૂલશો નહીં.

tusharacharya2611@gmail.com

(લેખક ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ટરનેટની દુનિયાના બાશિંદા અને યુવા આંત્રપ્રેનર છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો