તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ પેરેન્ટિંગ:તમારી અપેક્ષાઓ વિશે જાગૃત રહો... નહીં તો બાળકો પાસે રખાતી અપેક્ષાઓનું પરિણામ નિષ્ફળતામાં મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણી અપેક્ષાઓ કઈ રીતે આપણાં બાળકોનાં પરિણામોને આકાર આપે છે? શું બાળકો ખરા અર્થમાં પોતાના વાલીઓની અપેક્ષાઓ ઉપર ખરા ઊતરે છે? જો અપેક્ષાઓ પરિણામોને આકાર આપે છે તો તેની આપણા સ્વાસ્થ્ય, સબંધો અને જીવન ઉપર શું અસર થાય છે?

શિક્ષણના ક્ષેત્રમાં થયેલા સંશોધન પ્રમાણે, બાળકો અજાણતા પોતાનું વર્તન શિક્ષકોની અપેક્ષાઓના અનુરૂપ બદલે છે. હાર્વર્ડના સાઈકોલોજિસ્ટ રોબર્ટ રોસેંથલે વર્ષ 1970માં એક પ્રયોગ કર્યો હતો, જે 'પિગ્મેલિયન પ્રયોગ' તરીકે આજે ખૂબ પ્રસિદ્ધ થયેલ છે. આ પ્રયોગમાં તેમણે વિદ્યાર્થીઓનું એક જૂથ રેન્ડમલી પસંદ કરીને શિક્ષકોને જાણ કરી કે, આ વિદ્યાર્થીઓ 'ખીલી' રહ્યા છે અને તેમનામાં પર્ફોર્મ કરવાની ખૂબ ક્ષમતા છે. આ બધું આડેધડ થયું હતું અને બાળકોના તે જૂથમાં કદાચ કોઈ ખાસ વિષયમાં સફળતા મેળવવાની ક્ષમતા હોઈ પણ શકતી હતી. પરંતુ શિક્ષકો કે વિદ્યાર્થીઓ બંને તેનાથી અજાણ હતા. આ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરી પણ કંઈ બહુ સારી નહોતી.

શૈક્ષણિક વર્ષ પૂરું થતાં જે બાળકો પાસે શિક્ષકોને સારી કામગીરીની અપેક્ષા હતી તેમના ટેસ્ટના લર્નિંગ આઉટકમમાં નોંધનીય રીતે સુધારો થયો અને તેમણે 15.4 આઈ-ક્યુ પોઇન્ટ એ જૂથથી વધુ મેળવ્યા જે જૂથ પાસેથી આવી કોઈ અપેક્ષા રાખવામાં નહોતી આવી. એટલે જે બાળકો પાસેથી વધુ સારું પર્ફોર્મ કરવાની અપેક્ષા હતી તેમણે તો સારું જ કર્યું. પરંતુ સાથે શિક્ષકોએ પણ આ જૂથના બાળકોને વધુ ખુશ, જિજ્ઞાસુ, સારી રીતે અડજસ્ટ થાય એવા અને ગમે એવા રેટિંગ આપ્યાં. તેમજ, બાળકો પણ શિક્ષકોની અપેક્ષાઓ ઉપર ખરા ઊતર્યા! આ પ્રયોગ ઉંધી વાતને પણ સાબિત કરે છે. એટલે જ્યારે શિક્ષકો કે વાલીઓ બાળક પાસેથી નકારાત્મક અપેક્ષાઓ રાખે છે ત્યારે બાળકો તેના અનુરૂપ પણ ખરા ઊતરે છે. ટૂંકમાં કહીએ તો જ્યારે બાળકને એવું કહેવામાં આવે કે ગણિત અઘરો વિષય છે અથવા તે ગણિતમાં નબળો/નબળી છે તો બાળક તે માની લેશે અને એના અનુરૂપ વર્તન પણ કરશે! કે પછી તમે સતત એવું માન્યા રાખો કે તમારું બાળક અંતર્મુખી છે તો એ પણ એ પ્રમાણે જ વર્તન કરશે.

તો માન્યતા કઈ રીતે બાળકની નિયતિ બદલી શકે છે? આ અનકોન્શિયસ રીતે થશે. તમારી બોડી લેન્ગવેજ, શબ્દો અને તમારા નિર્ણયો (જે તમે તમારી માન્યતાઓ અને કુટુંબના સંદર્ભમાં લીધા હશે) તે તમારા બાળકની નિયતિમાં અદભુત પરિવર્તન લાવશે. આપણે એવી ઘણી વાર્તાઓ સાંભળી છે જેમાં બાળકો મોટા થાય ત્યાં સુધી એવું માનતા હોય છે કે તેઓ કોઈ પ્રવૃત્તિમાં ચોક્કસ નબળા છે, જ્યારે હકીકતમાં તેઓ તેમાં ખૂબ જ ઉત્કૃષ્ટ નીવડે છે! મારી એક મિત્ર સરસ ચિત્રકાર છે અને લિટ્રેચર અને સાઇકોલોજી (સાહિત્ય અને મનોવિજ્ઞાન)ની વિદ્યાર્થી છે. તે હમેશાં એવું માનતી કે તે ગણિતમાં કાચી છે. પછી તે અમેરિકા ગઈ અને ત્યાં તેને ગણિતમાં રસ જાગ્યો અને તે તેમાં ખૂબ આગળ ભણી... આજે તે અમેરિકાની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાં ગણિતની પ્રોફેસર છે!

ખોટી માન્યતાઓ બાળપણના કોઈક ખાસ અનુભવથી આકાર મેળવે છે, જેના લીધે બાળક હિંમત હારીને એ પ્રવૃત્તિ વચ્ચેથી છોડી દે છે. આનું ઊલટું પણ સાચું થાય છે. મજબૂત ટેકો અને અડગ વિશ્વાસ બાળકને વિપરિત પરિસ્થિતિ સામે લડવાની શક્તિ આપે છે. યાદ છે ઍફ્રિકન અમેરિકન રમતવીર વિલ્મા રડોલ્ફ, જે પ્રિમેચ્યોર જન્મ્યાં હતાં. તેમને બહુ બધા રોગોનો સામનો કરવો પડ્યો હતો અને તેમને તેમના ડાબા પગે પોલિયો પણ થઇ ગયો હતો. તેમની મા અને કુટુંબીજનોએ નાની વિલમાંને ત્યાં સુધી મદદ કરી જ્યાં સુધી તે બાર વર્ષની થઇને ઘોડી વગર ચાલતા શીખી. આગળ જઈને તેણે ઘણી બધી રેસમાં ભાગ લીધો અને વર્ષ 1960ની ઓલિમ્પિક રમતોમાં ત્રણ ગોલ્ડ મેડલ પણ જીત્યા!

હવે અહીં એ જાણવું ખૂબ જરૂરી છે કે વાલીઓ ખોટી અપેક્ષાઓ ન ઊભી કરે. ખોટી અપેક્ષાઓનું પરિણામ આવે છે વાલીની પોતાની અપૂર્ણતા અને નિષ્ફળતાની કે પછી સમાજની પરિસ્થિતિનું. બધાનાં બાળકો કરી રહ્યાં છે તો વાલીને ફરજીયાત લાગે છે કે તેનું બાળક આમાં બાકી ન રહી જવું જોઇએ. આનું ઉદાહરણ છે જ્યારે વાલી અથવા કોચ રડતા બાળકને સ્વિમિંગ પૂલમાં નાખીને બાળકને બળજબરીથી તરતાં શીખવાડે છે! મોટાભાગના વાલીઓ ઈચ્છે છે કે તેમનું બાળક તરતાં શીખે... પણ કદાચ બાળક ડરેલું હોય અને તેથી આના માટે માનસિક રીતે તૈયાર ન હોય. એવામાં તેની જોડે બળજબરી કરવી તે એક જાતનો ટ્રોમા ઊભો કરી શકે છે. ચોક્કસ બાળક આ રીતે તરતાં તો શીખશે પણ કયા ભોગે? શું વધુ સારો વિકલ્પ એ નથી કે વાલી રાહ જુએ, બાળકના મનમાંથી ડર બહાર કાઢે જેથી બાળકને તેમનો ટેકો મળે અને તે માનસિક રીતે આ પ્રવૃત્તિ માટે તૈયાર થઇ શકે?

ખોટી અપેક્ષાઓ બાળકના મનમાં ફ્રસ્ટ્રેશન ઊભું કરશે કારણ કે, આ અપેક્ષાઓ તેની પોતાની જરૂરિયાતોમાંથી ઊભી નથી થતી. વાલીઓ અને શિક્ષકોની ભૂમિકા છે માત્ર બાળકના પ્રયત્નોને ટેકો આપવાની. જેથી, તે તેમાં સફળ થઇ શકે. તે જે કરવા માગે છે તેમાં સફળ થઈ શકે.

બાળકોની પણ પોતાની અપેક્ષાઓ હોય છે. ઘણાં બાળકો નાની ઉંમરથી જ કોઈ ટેલેન્ટ ધરાવે છે, જ્યારે ઘણાં બાળકો લાંબા સમય સુધી સંઘર્ષ કરે છે એ જાણવા કે તેઓ પોતાના જીવનમાં શું કરવા માગે છે. નાના અને કિશોર વયનાં બાળકો માટે સામાન્ય છે કે તેઓ એક પ્રવૃત્તિને લઈને ખૂબ જ ઉત્સાહિત થાય, તેને હોંશે-હોંશે શરૂ કરે અને પછી વચ્ચેથી છોડી દે. આમાં કઈ નવું નથી. કદાચ એ પ્રવૃત્તિ કે કોર્સ વિશે એમની અપેક્ષાઓ જુદી હોય, જે હકીકત સાથે તાલમેલ ન ખાતી હોય. આ પ્રવૃત્તિના લીધે તેઓ હતાશ થઇ જાય છે અથવા તેમના કૌશલ્યની સામે તે કાર્ય પડકારજનક હોવાથી પણ તેઓ હતાશ થઇ જાય છે. એટલે વાલી તરીકે બાળકને એ કરવા માટે ફોર્સ કરવું જેના માટે તેઓ તૈયાર નથી અથવા તેઓ તે પ્રવૃત્તિ કરવા જ નથી માગતો/માગતી તે ગેરવ્યાજબી અને નિરર્થક છે.

અપેક્ષાઓ - સકારાત્મક અથવા નકારાત્મક ભવિષ્યવાણી બની જાય છે. આનો અર્થ એ છે કે બાળક એ જ બનશે જે તમે કોન્શિયસ અથવા અનકોન્શિયસ રીતે ઇચ્છતા હશો. એટલે ઘણી બાબતે તમે બાળકના ભવિષ્ય સાથે હસ્તક્ષેપ કરી રહ્યા છો. યાદ કરો ખલીલ જિબ્રાનના તે પ્રસિદ્ધ શબ્દો 'બાળકો તમારા વડે આવે છે, તમારામાંથી નહીં' અને 'તમે તેમના જેવા બનવાનો પ્રયત્ન ચોક્કસથી કરજો, પણ તેમને તમારા જેવા બનાવવાનો પ્રયત્ન ક્યારેય ન કરતા.' તમારા બાળકોને સપોર્ટ કરો જેથી તેઓ તેમના નિયતિના આર્કિટેક્ટ બની શકે.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...